કન્યાદાન

“કેમ દીકરી આજે તારા પિતાજી તારી સાથે નથી આવ્યા?” જ્યુશ બનાવનાર ઘરડાકાકાએ અનિતાને પૂછ્યું. પહેલાતો વાત સાંભળતા અનિતાને આશ્ચર્ય થયું, પણ આનંદ પણ થયો કે રોજ જ્યુશ બનાવી આપનાર કાકા બાપ-દીકરીને ઓળખી ગયા હતા.

“હા કાકા। પપ્પાને થોડી શરદી-ઉધરસ જેવું હતું એટલે એકલી જ ચાલવા આવી ગઈ.” અનિતાએ જણાવ્યું.
ત્યાર બાદ અનિતાએ ઘર તરફ પ્રયાણ કર્યો. ઘર દરવાજો ખખડાવતા, જયારે રાજે ઘરનો દરવાજો ખોલ્યો, ત્યારે તે બોલી, “અરે! પપ્પા। તમે ઉઠી ગયા.”

“હા, દીકરી! આજે મને મૂકીને એકલા-એકલા ચાલી આવી?” રાજે પૂછ્યું.
“અરે હા, તમારી તબિયત સારી નતી એટલે મેં તમને ના ઉઠાડ્યા. ચાલો તમને સૂપ બનાવી દઉં.” અનિતાએ જણાવ્યું.

તેટલી વારમા મીરા પણ હોલમા આવી ગઈ. રાજે તેની પત્ની મીરા તરફ અનિતાથી છુપાઈને ઈશારો કર્યો અને પછી કહ્યું, “એ બધું રહેવા દે દીકરી, અહીં બેસ મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે.”

ત્યાર બાદ રાજ, મીરા અને અનિતા સોફા પર બેઠા અને રાજે તેનું દિલ ખોલીને વાત કરવાની શરૂવાત કરી, “દીકરી, વાત એમ છે કે તારી માટે એક નવું માંગુ આવ્યું છે અને છોકરો ખુબ જ…”

ત્યારે જ અનિતાએ રાજને અટકાવતા કહ્યું, “બસ પપ્પા। મારે નથી જાણવું. મેં તમને બંનેને કેટલી વાર કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા. આ ઘડપણમાં તમને બંનેને એકલા મૂકીને હું ક્યાંય નથી જવાની.”

આ સાંભળતાજ રાજે થોડા ઊંચા અવાજે કહ્યું, “દીકરી, કંઈ પણ ગાંડાવેડા ના કાઢ. આજે આ રોજના પ્રકરણનો અંત લાવી દઈએ,” આટલું કહીને તે મીરા સામે વળ્યો અને કહ્યું, “તું જ સમજાવ હવે અનિતાને, આખરે આ તેના ભવિષ્યનો પ્રશ્ન છે.”

મીરાએ પ્રેમપૂર્વક અનિતા સામે જોયું અને ધીરા અવાજે કહ્યું, “બેટા, હમે તારી ઝીંદગી સારી રહે તેના માટે જ વિચારીયે છીએ. શું તું તારા મમ્મી-પપ્પાનું કહેવાનું નહીં માને? હમારા પર વિશ્વાષ રાખ.”

ત્યાંજ અનિતા ઢીલી પડી ચુકી હતી અને કંઈક કહેવા જઈ રહી હતી પરંતુ રાજે તેને અટલાવતાં બસ આટલુંજ કહ્યું, “સાંભળ્યું છે કે કન્યાદાન દુનિયાનું સૌથી મોટામાં મોટું દાન હોય છે. શું મુજ અભાગને તું આ પુણ્ય કરાવી નસીબદાર નહીં બનાવે, દીકરી?”

આટલું સાંભળતા જ મીરા ભાંગી પડી. તેની આંખોમાં ભાવનાઓ થી ભર્યું પાણી આવી ગયું અને ભીના અવાજે તેને કહ્યું, “આપ લોકોના પડછાયામાં મેં ક્યારેય મારી જાતને વિધવા નથી સમજી. ઠીક છે, હું લગ્ન માટે તૈયાર છું પણ વાયદો કરો કે આવતા જન્મમાં સાસું-સસરા નહીં પણ મારા મમ્મી-પપ્પા બનીને આવશો.”

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી