કનુ કાતર – નાળીયેરવાલા – Heart Touching Story by મુકેશ સોજીત્રા

ચારેય બાજુ મન અને આંખોને ટાઢકથી ઢાંકી દે એવી નાનકડી ડુંગરની હારમાળા!! વચ્ચે નાનકડી ખીણ અને એમાં વહે ખળ ખળ કરતી નદી અને નદીની આરપાર એક બેઠો પુલ. પુલ ને વટાવો એટલે એક ગોળાકાર ચડાણ વાળો રસ્તો આવે. બેય બાજુ દુકાનો અને રસ્તો પૂરો થાય એટલે આવે એક મોટો ગેટ અને ત્યાં એક શિવાલય!! પ્રાચીન શિવ મંદિર એટલે મહાત્મ્ય વધુ એમાં શ્રાવણ માસમાં તો ખુબજ ભીડ રહે!! પગ મુકવાની જગા પણ ના મળે અને આમેય આડા દિવસે પણ શ્રદ્ધાળુ તો આવતાં જ રહે. આમ તો ડુંગરાળ વિસ્તાર પણ લીલોતરી બારેમાસ રહે અને વરસાદ પણ સારો એવો પડે એટલે ડુંગરા આખું વરસ રીઝ્યા કરે અને ધરતીની તૃષા પૂરી કર્યા કરે!!

નદીની કાંઠેથી ઉપર જતાં રસ્તામાં બેય બાજુ દુકાનો!! એમાં સોડા વાળા, ભજીયાવાળા રમકડા વાળા, કટલેરી વાળા અને ડુંગરની વનસ્પતિમાંથી આયુર્વેદ દવાવાળાઓ નો તો જાણે રાફડો ફાટ્યો હોય એમ લાગે. ખખડી ગયેલાં,દમ અને ઉધરસ વાળા આ દવા વેચવા વાળા લોકોના શરીરને હૃષ્ટ પૃષ્ટ બનાવી દે તેવી દવાઓ વેચતા હોય છે!! શિવાલયના ગેટની બરાબર સામે એક વિશાળ તંબુમાં એક લોંઠકો માણસ હાથમાં નાળીયેર કાપવાનું મોટું દાતરડું લઈને ઉભો હોય!! બાજુમાં એક આઠેક વરસનો છોકરો અને દસેક વરસની છોકરી ઉભી હોય!! તંબુની અંદર નાળિયેરનો ઢગલો પડ્યો હોય. વકલ વકલનાં અને નાના મોટા નાળીયેર અલગ અલગ ઢગલા જોવા મળે!! એક બાજુ અમેરિકન મકાઈ બફાતી હોય અને પડખે જ સગડીમાં દેશી મકાઈના ડોડા શેકાતા હોય!! આ લોંઠકાં અને બાવડે ગોટલા ચડી ગયેલાં માણસનું નામ હતું કનું કાતર!! કનુ કાતર નામ એટલા માટે જ પડી ગયેલું કે એની આંખો એકદમ ધારદાર હતી એટલે એ સામું જોવે ત્યારે એ કાતર મારતો હોય એમ જ લાગે!!એટલે જ એના તંબુ ની આગળ બે ખપાટિયા પર એક મોટું બેનર જોવા મળે અને એમાં લખ્યું હોય!! ”કનુ કાતર – નાળીયેર વાલા” સવાર થાય અને જેવા શ્રદ્ધાળુ શિવાલયના ગેટ પાસે આવવાના શરુ થાય એટલે કનું કાતરનો પહાડી અવાજ ગુંજી ઉઠે!!!

“એઈને નાળીયેર વાલા!!! નાળીયેર વાલા!!! મલાઈ વાલા!! પાણી વાલા!!!!! ટોપરાવાલા એય મોટાભાઈ!! નાળીયેર પી લો!!! મોજ સે જીલો!!! ચાલો વિસ વાલા!! ત્રીસ વાલા!! ચાલીસ વાલા!!!
એય મારી બહેન!!! નાળીયેર પી લો!!! મકાઈ ખાલો એકદમ સાકરના ગાંગડા જેવી ઓરીજનલ અમેરિકન મકાઈ!!! આપણે ત્યાં જ ઓરીજનલ માલ!! ઓરીજનલ માલ!!! બાફેલા ડોડા!!! દેશી ડોડા!! શેકેલ ડોડા!! અહી એક જ અસલી ડોડા બાકી બધે મોળા ભોડા!!! હાલો હાલો!!! ઝાપટો ડોડા!! દસ વાલા ડોડા!! વિસ વાલા ડોડા!! નો ખાય ઈ મોટા કોડા!!! મોટા કોડા!! એઈ હાલો નાળીયેર વાલા!!! નાળીયેર વાલા!!! નાળીયેર વાલા!!”

એની આ વાણી સાંભળવા લોકો થંભી જાતું. અને નાળીયેર પાણી પીવે કોઈ વળી મકાઈના ડોડા ખાઈ લે પણ કોઈ ભાગ્યેજ એવું હશે કે એને ત્યાંથી ખાધા પીધા વગરનું જતું હશે. વળી આ કનું કાતર હતો સ્ટાઈલીશ!! જીન્સનું પેન્ટ હોય ગળે પીળું ભપકાદાર ટી શર્ટ અને ગળામાં એક પાતળો ચેન!! ગોલ્ડ કલરનો બગસરાનો!! માથા પર ચશ્માં ચડાવ્યાં હોય!! લાંબા લાંબા વાળ અને વચ્ચે સીટીઓ પણ વગાડતો જાય. કયારેક ત્રણ નાના નાળીયેર લે અને વારફરતી ત્રણેય નાળીયેર હવામાં ઉડાડતો જાય અને લોકોને આકર્ષતો જાય!! તેની સાથેનો છોકરો અને છોકરી બધાને માંગે એ ડોડા આપતાં જાય!! કનું કાતર નાળીયેર છોલતો જાય, અને પહાડી અવાજમાં બોલતો જાય, પૈસા લેતો જાય, અને ગ્રાહકોને લલચાવતો જાય!! એના આ તંબુ આગળ ભીડ જ હોય!! થાકવાનું નામ નહિ!! આખો દિવસ કશું એક શેકેલ ડોડો ખાઈ લે અને ત્રણેક વખત નાળીયેરનું પાણી પી લે!!! બસ બીજું કશું ખાવાનું નહિ!! આખો દિવસ પોતાના તંબુમાં ખડે પગે બસ શ્રદ્ધાળુઓ તરફ જ ધ્યાન અને એનો અવાજ સતત શરુ!!!

આજુબાજુ બીજા ઘણાં ખરા નાળીયેર વાળા હતાં, ડોડા વાળા હતાં પણ કનુ કાતર જેટલો વકરો બીજાને ના થતો. પણ તોય કોઈને કનુ કાતરની અદેખાઈ ક્યારેય ના આવતી!! આમ તો મંદિરની બરાબર સામે કોઈ પણ જાતની દુકાન કરવાની મનાઈ હતી. પણ કનુ કાતરે આજ થી ચાર વરસ પહેલાં જયારે પહેલા વેલા અહી તંબુ તાણ્યા અને નાળીયેર વેચવાનું શરુ કર્યું ત્યારે એને કોઈએ ના ન પાડી. પછી તો એ મંદિર કરતાં આ નાળીયેર વાળો કનુ કાતર વધારે સુવિખ્યાત થઇ ગયેલો.લોકો દર્શન કરતાં પહેલા કનુ કાતરની પહાડી અને બળકટ બોલીનો આસ્વાદ માણતા અને નાળીયેર પાણી પીતાં. બપોરે બે વાગે એટલે કનું કાતર સાતેય કામ પડતા મુકીને છોકરા ને અને છોકરીને જમાડી દે!! જમવામાં તો શાક રોટલી અને અથાણું હોય પણ કનું કાતર એને બીજી દુકાનમાંથી એક છાશની અને દુધની કોથળી લાવી દે ક્યારેક લચ્છી લાવી દે!! છોકરાને ખવરાવી પીવરાવી અને પાછો એ શરુ થઇ જાય!!

“નાળીયેર વાલા !!! નાળીયેર વાલા !!! મલાઈ વાલા !! મલાઈ વાલા!!! નાળીયેર વાલા!!!

રાતના આઠ વાગે તો લગભગ એક નાનકડો ખટારો ભરાય એટલાં નાળીયેર વેચી નાંખ્યા હોય અને અડધું ટ્રેકટર થાય એટલા મકાઈ ડોડા વેચી નાખ્યા હોય!! પેલો છોકરો અને છોકરી પણ થાકીને ટે થઇ ગયાં હોય!! કનું એને પાનો ચડાવે અને એક એક આઈસક્રીમનો કોન ખવડાવે અને રાજી કરે!! પછી એ આખા દિવસમાં આવેલ વકારનો હિસાબ કરે!! એમાંથી અડધાં પૈસા એ અલગ કાઢે મકાઈ ડોડા અને નાળીયેર લાવવાના ખર્ચ પેટે અને બાકીની રકમ એક નાનકડાં પર્સમાં નાંખે અને પછી તંબુમાં ઢાંકો ઢૂંબો કરે અને તંબુની પાસે કાઢે એક કાળા રંગનું મોટર સાયકલ!! મોટર સાયકલની પાછળ છોકરા અને છોકરીને બેસારીને મોટર સાયકલ આવે નદી ના સામે કાંઠે ત્યાંથી એક ડુંગરની કેડીએ મોટર સાયકલ આવે અને ત્યાંથી તળેટીમાં એક ગામ દેખાય અને ત્યાં એક દુકાને થી ઘઉં ચોખા તેલ ખાંડ દૂધ એવી જીવન જરૂરિયાતની વસ્તુ લઇ લે અને પાછું મોટર સાયકલ ચાલે!! નાનકડાં ડુંગરની ટેકરીમાં મોટર સાયકલ ચાલે અને પછી એક ટેકરીની તળેટીમાં મોટર સાયકલ ઉભી રહે!! ડુંગરની ટોચ પર એક સ્ત્રીનો ઓળો દેખાય છે!! છોકરો અને છોકરી મોટર સાયકલમાંથી ઉતરે છે!! કનુ કાતર એને દુકાનેથી લીધેલ વસ્તુઓની થેલી આપે છે અને આજના વકરાના પૈસા આપે છે. બને બાળકો ધીમે ધીમે ડુંગર ચડી રહ્યા છે. પેલી સ્ત્રી ટેકરીની ટોચે ઉભેલી છે!! આકાશમાં તારલિયા ચમકી રહ્યા છે. બાળકો ઝડપથી એ સ્ત્રી પાસે પહોંચી જાય છે.અને ત્યાં આવેલ એક નાનકડાં મકાનમાં ત્રણેય અંધારામાં ઓજલ થઇ જાય છે. કનું કાતરનું મોટર સાઈકલ વિરુદ્ધ દીશામાં આવેલ એક ટેકરી પરના સાંકડા રસ્તા પર ચાલે છે અને થોડીવારમાં જ એ ટેકરી પાસેનાં એક નાનકડાં કાચા મકાને પહોંચી જાય છે.મોટર સાયકલ ઉભું રહે છે.કનું કાતર ચાવી થી તાળું ખોલે છે.અને એક કાથીનો ખાટલો બહાર કાઢીને ઢાળે છે!!ઘરમાં એક માટલામાંથી પાણી કાઢીને એક કળશ્યો પાણી પી ને સામી ટેકરીએ આવેલ નાનકડાં મકાનની સામું જુએ છે.મકાનમાં ફાનસ સળગતું હોય છે!! કનું કાતર પણ એક ફાનસ સળગાવીને બહાર ટીંગાડે છે!! અને ખાટલામાં લંબાવે છે!! આકાશની સામે એકીટશે જોઈ રહે છે!!!

સામેની ટેકરી પર જે સ્ત્રી હતી એ રૂપલી હતી. એનો ઘરવાળો હમીર ચાર વરસ પહેલા જ ગુજરી ગયો છે!! હમીર કનું અને રૂપલી બાળપણથી લંગોટિયા ભાઈ બંધ હતાં!! રૂપલી પણ ખુબ જ રૂપાળી એય ને ગોળ મટોળ ચહેરો,અણીદાર નાક શરીર પણ ઘાટીલું પણ એવું
ઘાટીલું કે સુંદરતાની ગાંસડી જ જોઈ લ્યો. ત્રણેય નાનપણથી જ આ ડુંગરમાં બકરાં ચરાવતાં એમના માતા પિતા શિવાલય પાસે સીજન પ્રમાણે રમકડાં ,ડોડા ,તરબૂચ અને શેરડીનો રસ વહેંચતા!! રુપલીને કનું અને હમીર પ્રત્યે સરખી મમતા હતી.ત્રણેય બાળપણના ગોઠિયા યુવાનીમાં પગ માંડી ચુક્યા હતાં.એક દિવસ નદીમાં નહાતા નહાતા હમીર બોલ્યો.રૂપલી નદીના કાંઠે દૂર દૂર બકરાં ચરાવતી હતી.

“કનુ એક કામ છે. તું કરીશ બોલ્ય?? તારા વગર એ કામ પતે એમ નથી. બોલ્ય આપ વચન કામ કરીશ??

“તું તારે કામ બોલ્યને એમાં વચનની શી જરૂર છે.તારા માટે તો આ કનુ કાતર જીવ પણ આપી દે તું કામ તો બોલ્ય મારા દોસ્તાર” કનુએ પાણીમાં તરતા તરતા કહ્યું.

“આ રૂપલી હારે મારું મન મળી ગયું છે.. પરણવું તો આને જ બાકી બધી મારી મા અને બહેન સમાન!! આ એક જ મારા હૈયામાં વસેલી છે બસ તું એને વાત કરી જો એ હા પાડે તો જ બાકી કોઈ બળજબરી નથી કરવી. તારું વેણ રૂપલી ક્યારેય નહિ ટાળે. તું મારા નામનો દાણો દબાવી જોને, બસ આ તારો ભાઈ બંધ તારી પાસે આટલું માંગે છે, આટલું કામ કરી દે તો તું મારો ભગવાન બોલ્ય કરીશ મારું કામ?? હમીરે કહ્યું અને કનુ અંદરથી હચમચી ગયો. એણે તરત પાણીની અંદર એક ડૂબકી લગાવી અને બહાર આવીને ખડખડાટ હસ્યો અને બોલ્યો.

“તારું કામ થઇ જાશે જા, આ કનુ કાતર તને વચન આપે છે કે આજથી રૂપલી મારી ભાભી અને તારી પરણેતર બનશે” કનુ આટલું જ બોલ્યો ત્યાં હમીર એને ભેટી પડ્યો. બેય ભાઈબંધ નદીની વચો વચ્ચ ભેટી પડ્યા. બેયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતાં.એકની આંખમાં હરખના આંસુ હતાં અને બીજાની આંખમાં દુઃખના!! નદીનું પાણી ખળ ખળ વહી રહ્યું હતું અને દૂર ઉભેલી રૂપલી બેયની મિત્રતા જોઈ ને મનોમન પોરસાઈ રહી હતી અને બકરાને ચારી રહી હતી.

ત્રણ દિવસ પછી કનુએ રૂપલી પાસે પોતાના ભાઈ બંધનું માંગુ નાંખ્યું. રુપલીએ તરત જ રોકડું પરખાવ્યું.

“તે હમીરાને શું પેટમાં દુખતું હતું કે વચ્ચે તને નાંખ્યો?? એને શરમ આવતી હતી સાવ ફોસીને બાયલો બીકણ છે તારો ભાઈ બંધ, મેં એને આવો તો નોતો ધાર્યો.

“એમાં એવું નથી,એ પણ ભડ વીર છે ભડવીર!!પણ આ પ્રેમનો મામલો છે ને આમાં તો ભલભલા જાત્રીબંધની પણ બોલતી બંધ થઇ જાય!! બાકી હું ગેરંટી લઉં કે હમીર તને જીવનમાં કોઈ દિવસ દુખી નહિ કરે બોલ તો આ સંબંધ કબૂલ તો છેને” કનુ કાતર પોતાની રીતે આગળ વધતો હતો.

“મારે મન તો તમે બેય સરખા છો, પણ તારો શું વિચાર છે એ કહે??તારા મનમાં કોઈ બીજી તો નથી ને!! પેલી સામેની ધાર વાળી સોનકીની આંખો ઉલાળા મારે છે તને જોઇને!! મને તું સાચું સાચું કહી દે!! તારો શું વિચાર છે બોલ ? રૂપલી ગંભીર થઈને બોલી.

“મેં તો મહુવા બાજુ નક્કી કરી જ લીધી છે!! એની સાથે વચને બંધાયો છું!!એયને એકદમ ચાકા જેવી ગોતી છે ચાકા જેવી એની આગળ સોનકી અને તારું રૂપ તો પાણી ભરે પાણી!! પણ લગ્નને ત્રણ વરસ લાગી જશે!! મારા મોટા ભાઈ મહુવા છેને નાળીયેરના બગીચામાં એ તો તને ખબર જ છેને તે ગયે મહીને મહુવા ભવાની માં ના દર્શને ગયો હતો ત્યાં જ મેં એને જોઇને એણે મને જોઈ લીધો. પછી તો અમે બેય એકબીજાને જોયા કરીએ મારા ભાભી અમને બેયને જોયા કરે ને ત્રણ દિવસમાં તો મારા ભાભીએ પાકું પણ કરી નાંખ્યું. બોલ્ય નામ છે એનું ઉષલી!!એય ને સાગના સોટા જેવી નાનકડી નાળીયેરી જ જોઈ લ્યોને અને એના મોઢાની તો શું વાત કરું!! એવું મીઠું મીઠું બોલે કે જાણે મધપૂડો જ જોઈ લ્યો” રુપલીએ વચ્ચેથી અટકાવીને એક ધબ્બો માર્યો કનું કાતરને અને રીસમાં બોલી.

“મને કહેતોય નથી અને નક્કી કરી નાંખ્યું ખરો છો તું હો!! બાકી ભારે કરગઠીયો નીકળ્યો તું હો. ચાલ ત્યારે તારા ફોસી ભાઈ બંધને કહી દેજે કે મારી સાથે રૂબરૂ વાત કરી લે આવતાં સોમવારે મને શિવાલયે મળે!! મારેય પણ જોવું છે કે આખા વગડામાં ડાલામથ્થાની જેમ ભાટકતો હમીરો મારી આગળ બકરીની બે જેવો થઇ જાય છે કે નહિ” આટલું બોલીને રૂપલી બેય ચોટલાને હલાવતી હાલતી થઇ. આ બાજુ કનું કાતર પણ હાલતો થયો.રસ્તામાં જ હમીર વાટ જોઇને ઉભો હતો. ફરીથી બેય ભાઈ બંધ ભેટી પડ્યા. વગડાનાં પક્ષીઓ આનંદથી કીકીયારીઓ કરી રહ્યા હતાં!!

અને પછી શિયાળામાં હમીર અને રૂપલી પરણી ગયાં!! ભાઇબંધના લગનમાં કનુ કાતર મન મુકીને નાચ્યો!! ખુબ જ નાચ્યો!! રૂપલી પણ સોળે શણગાર સજીને હમીર સાથે ફેરા ફરી!! કનુ કાતર બેય ઉપર ગુલાબની પાંખડી નાંખીને હરખાતો હતો. અઠવાડિયા પછી સોનકીએ કનુ કાતરને પૂછ્યું.

“એલા બધાય પરણે છે, તે તને કાઈ નથી થાતું ?? કે પછી સાધુ થઇ ને ગરનારની ગુફામાં જાવાનો વિચાર છે!!”

“સાધુ થાય મારી બલા રાત મેં તો ગોતી લીધી છે એયને મહુવામાં!! બે વરસ માં પરણીને અહી લાવવાનો છું. તને અને રુપલીને ફાંકો છે ને કે અમારા જેવું કોઈ રૂપાળું નથી આટલા મલકમાં પણ તમે બેય જોશો ને તો મોમાં આંગળા નાંખી જશો મોમાં!! એવો રૂપનો કટકો અને જોબનનો જટકો લાવવાનો છે આ પંથકમાં બોલ્ય” અને કનુ કાતર સોનકી સામે કાતર મારીને ચાલતો થયો. ભલે એ વટથી બોલ્યો.પણ એ પોતાના જ આત્માને છેતરી રહ્યો હતો. છ માસ પછી સોનકી પણ પરણી ગઈને આ બાજુ હમીર અને રૂપલીનો ઘર સંસાર પણ સુખથી ચાલવા લાગ્યો!! હમીરના બા બાપુજી અને બે જણા પોતે એયને સુખેથી સંસાર ચાલવા લાગ્યો. કનુ કાતર હવે મહુવા જતો રહ્યો.જતાં પહેલા એ હમીરને મળ્યો એજ નદી અને એજ વોંકળૂ!!

‘અલ્યા તું હવે ઝડપથી મહુવા થી પરણી ને લાવ્ય તારી ઉષલી ને કાલ સવારે મારે ત્યાં છોકરાં થાશે તો એને કાકી તો જોશેને” હમીર એને ભેટીને બોલ્યો.

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

“ચોક્કસ આ વખતે આવું એટલે ઈ મારી ભેગી જ હશે જોઈ લે જે તું” કનુ કાતર મહુવા ભેગો થઇ ગયો.એના ભાઈ ભેગો એક નાળીયેરીના બગીચામાં કામ કરવા લાગ્યો. ભાભીને બધી વાત કરી દીધેલી કે આપણો આ અવતાર તો આમને આમ જશે!! મારે હવે પરણવું જ નથી. કનુના બા બાપુજી પણ મહુવા આવી ગયાં!! શિવાલયની આજુબાજુ આવેલી ડુંગરની ટેકરીઓ માં હમીર અને રૂપલી એકલા થઇ ગયા.સમય વીતતો ચાલ્યો. પણ કનું કાતર ના આવ્યો. રુપલીને પેલા ખોળાની દીકરી થઇ અને બીજા ખોળાનો દીકરો થયો પણ કનુ કાતરના કોઈ જ સમાચાર નહિ. બેય છોકરાને લઈને ધણી ધનિયાણી મહુવા ગયાં. કનુ એને દુરથી જોઈ ગયેલો તે વાડીમાં કાંઇક સંતાઈ ગયો એના ભાઈ અને ભાભીને સમજાવી દીધેલાં કે કાઈ મારું પૂછે તો કેજો કે બહારગામ ગયો છે. પણ બીજી કોઈ વાત ના કરતાં પણ તોય જ્યારે સાંજે રૂપલીથી પુછાઈ જ ગયું ને ત્યારે એના ભાભી એટલું જ બોલ્યાં.

“મારો દેર સાવ ખોટો છે, અહી કોઈ ઉષલી નથી હા એને એક રૂપલી સાથે મેળ હતો પણ ભાઈબંધીને ખાતર એ રુપલીને સોંપી દીધી છે, બાકી એ હવે પરણવાનો નથી. મેં ઘણું સમજાવ્યો પણ માન્યો જ નહીં.અને હવે તમેય એને ભૂલી જાવ!!સહુ સહુની દુનિયા છે મળે એટલું લણી ખાવ આ મનખા દેહ જ એવો છે કે બહુ ભાગ્યશાળીને જ ધાર્યું મળે બાકી અહી સહુને અણધાર્યું જ મળે છે,આ વાત તું હમીરને ના કરતી નહીતર એય કોચવાશે!! માંડ માંડ તમારું ગાડું ગબડે છે એમાં હાથે કરીને વિઘન ના ઉભા કરતાં” રૂપલી તો સાંભળીને જ સડક થઇ ગઈ.પ્રેમ પર ભાઈબંધી આટલી હાવી થઇ ગઈ એ તો એને ખ્યાલ જ નહોતો. એક રાત રોકાઈને હમીર અને રૂપલી બેય નાના છોકરાં સાથે પાછા વતનમાં આવી ગયા. સમય વીતતો ચાલ્યો. કનું અને હમીર છુટા પડ્યા એને આઠ વરસના વાણા વાઈ ગયાં!! નદીના ઘણાં પાણી વહી ગયાં અને અચાનક એક દિવસ સમાચાર આવે છે કે.

“હમીર મરણ પથારીએ છે અને કનુ કાતર !!! કનુ કાતર એમ બોલે છે. રાજકોટની સીવીલમાં દાખલ કરેલ છે. બે મહિના પહેલા ઉનાળામાં શેરડીના ચિચોડામાં બેય હાથ આવી ગયા હતાં તે કપાવવા પડ્યા પણ કંઇક ખામી રહી ગઈ અને હાથે પરુ થઇ ગયું અને આખા શરીરે ધનુર ઉપડ્યુ છે અને રુપલીએ કહેવરાવ્યું છે કે એક વાર એનાં ભાઈ બંધને મળી જાય એનું નામ જપ્યા કરે છે” સંદેશો આપનાર ચાલી ગયો અને તરત જ કનુ કાતર એના મોટાભાઈ પાસેથી પૈસા લઈને રાજકોટ પહોંચે છે એક રૂમમાં એ હમીર ને મળે છે રુપલીને જુએ છે. રુપલીએ એક ત્રણ ચાર વરસનો છોકરો તેડેલો હોય છે.એક છ વરસની નાની છોકરી એની બાજુમાં ઉભી હોય છે!! કનું કાતર હમીરનો હાથ હાથમાં લઈને એને સાંત્વના આપે છે.

“મારા ભાઈ કનુ તું આવી ગયો આ મારા ફૂલ જેવા છોકરાને તું સાચવજે સાચ્વીશને તું!!!!….”

અને હમીર દેહ છોડી છે!! રૂપલી છાતીફાટ રુદન કરે ને બસ ત્યારથી કનું કાતર અહી પાછો આવી ગયો છે. હમીરના અંતિમ સંસ્કાર કરીને તે અહી રોકાઈ ગયો છે.મહુવા ટપાલ લખી દીધી કે હું અહી રોકાઈશ મારો ભાઈબંધ બને બાળકોની જવાબદારી મને સોંપતો ગયો છે.!!!!

ખાટલામાં પડેલ કનું કાતરે સામે ડુંગરની ટેકરી તરફ જોયું. બતીનો એક શેરડો થયો.અને કનું એ પણ બતી કરી અને હાથમાં લઈને એ ઢાળ ઉતરવા લાગ્યો. સામેની ટેકરીએથી પણ છોકરો ઉતરતો હતો. કનુ કાતર અને એ બને નીચે ભેગા થઇ ગયાં. છોકરાએ ટીફીન આપ્યું અને બોલ્યો.

“મારી મમ્મીએ આ દાદાની દવા લઇ આવવાનું કીધું છે કાલે” કનુ એ ચિઠ્ઠી અને દવાની ખાલી શીશી લીધી.છોકરા માથે હાથ ફેરવ્યો. અને પાછો પોતાને રસ્તે એ ઉપર આવી ગયો. ખાટલાની નીચે ફાનસ મુકીને રુપલીએ બનાવેલી રસોઈ ખાધી!! આ એનો નિત્ય ક્રમ હતો. હમીરના અવસાન પછી એની મા આઘાતમાં અને આઘાતમાં અવસાન પામી હતી અને હવે તો હમીરનો બાપ પણ ખાટલા વશ હતો.!! બસ કનુ કાતરનું એક જ ધ્યેય હતું. જેમ બને એમ વધુ પૈસા ભેગા કરીને આ છોકરા અને છોકરીને સુખી કરવા!!

હમીરના અવસાન પછી ઘણાં નાતીલા એ કીધું કે રુપલીને સ્વીકારી લે આમેય તું એના માટે જ કામ કરશો ને એ બિચારી સુખી થશે પણ કનુ કાતરનો એક જ જવાબ

“ભાઈબંધને આપેલી ભેટ પાછી ના લેવાની હોયને રુપલીને પરણવું હોય બીજે તો ભલે પરણી જાય આ બેય છોકરાને હું સાચવીશ!! યાદ છે હમીરના છેલ્લા શબ્દો શું હતાં!!?? કનુ આ મારા છોકરાને સાચવજે!!! બસ હું એ જ કરી રહ્યો છું”

“પણ આ વગડો!! બાઈ માણસ એકલાં કેમ રેશે!!?? બેય છોકરા નાના અને હમીરનો બાપ પણ પથારી વશ છે એટલે કહીએ છીએ પણ તને એમાં વાંધો શું છે??? નાતીલા સમજાવે.

“એ નહિ બને!! એ નદીના પાણી હવે વહી ગયાં!! અને હું એટલે જ આ ટેકરીએ રહું છું!! કોની દેન છે કે કનુ કાતર હોય ત્યાં સુધી રૂપલી કે એના બાળકોની સામું પણ કોઈ જોઈ શકે?!!” કનુની આ દલીલનો કોઈ પાસે જવાબ નહોતો!!

કનુ જમી લે છે અને સામેની ટેકરીએ ફાનસ ઓલવાઈ જાય છે!! કનુ પણ ફાનસ ઓલવી નાંખે છે અને સુવે છે!!!

“સવાર પડે એટલે મોટર સાઈકલ નીકળે!! નીચે ખીણમાં બેય બાળકો પોતાનું ભાતું લઈને તૈયાર હોય!! એક કીટલીમાં ચા હોય કનુ ચા પીવે અને ઉપર ઉભેલી રૂપલી તરફ જુએ!! બાળકોને બેસાડીને મોટર સાયકલ ચાલે!! બસ કોઈએ એને ક્યારેય રુપલીની ટેકરી પર આવેલા મકાને જતાં જોયો નથી. બસ આ ખીણ થી એનો રસ્તો ફંટાઈ જાય છે!! બાળકો સાથે એ શિવાલયના દરવાજા પાસે આવે અને શ્રદ્ધાળુ આવતાં જાય એમ કનુ નો પહાડી અવાજ ગુંજી ઉઠે છે!!

“એઈને નાળીયેર વાલા!!! નાળીયેર વાલા!!! મલાઈ વાલા!! પાણી વાલા!!!!! ટોપરાવાલા એય મોટાભાઈ!! નાળીયેર પી લો!!! મોજ સે જીલો!!! ચાલો વિસ વાલા!! ત્રીસ વાલા!! ચાલીસ વાલા!!!
એય મારી બહેન!!! નાળીયેર પી લો!!! મકાઈ ખાલો એકદમ સાકરના ગાંગડા જેવી ઓરીજનલ અમેરિકન મકાઈ!!! આપણે ત્યાં જ ઓરીજનલ માલ!! ઓરીજનલ માલ!!! બાફેલા ડોડા!!! દેશી ડોડા!! શેકેલ ડોડા!! અહી એક જ અસલી ડોડા બાકી બધે મોળા ભોડા!!! હાલો હાલો!!! ઝાપટો ડોડા!! દસ વાલા ડોડા!! વિસ વાલા ડોડા!! નો ખાય ઈ મોટા કોડા!!! મોટા કોડા!! એઈ હાલો નાળીયેર વાલા!!! નાળીયેર વાલા!!! નાળીયેર વાલા!!”

અમુક માણસો જન્મે ત્યારથી જ બીજાની સેવા કરવાનું લખાવીને આવેલા હોય છે અને એની પણ એક મોજ હોય છે અને આવી મોજ એને દરરોજ હોય છે!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ મુ.પો ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦

ટીપ્પણી