કાંદા – કેરીનું કચુંબર – ગરમીના દિવસોમાં લૂ સામે રક્ષણ આપતી આ કચૂંબર રોજ જમતી વખતી ખાઈ શકો છો …..

કાંદા – કેરીનું કચુંબર

ગરમીના દિવસોમાં લૂ લાગવાના બનાવો વધારે બનતા હોય છે. ખાસ કરીને ઓફિસ જતાં લોકો અને સ્કૂલ જતાં બાળકોને આ તડકાની અસર થવાની શક્યતા વધારે રહે છે. આ તડકામાં પાણી પીવું જેટલું જ આવશ્યક છે તેટલો જ આવશ્યક ખોરાક છે. આ ગરમીમાં શરીરને રક્ષણ આપવા માટે આપણે કાંદા – કેરીનું કચુંબર જો રોજ જમવામાં લઈએ તો લૂ લાગશે નહીં અને તબિયત સ્વસ્થ રહેશે.

તો આવો આજે આપણે આ કચુંબર બનાવવાની રીત જાણી લઈએ.

સામગ્રી :

  • ચાર કાચી લીલી કેરી,
  • ચાર કાંદા (ડુંગળી),
  • દોઢ વાટકી ગોળ,
  • લાલ મરચું (જેટલા પ્રમાણમાં તીખાશ જોઇએ તે મુજબ),
  • બે ટેબલસ્પૂન ધાણાજિરું,
  • મીઠું (સ્વાદ પ્રમાણે).

કચુંબર બનાવવાની રીત :

સૌ પ્રથમ કાચી કેરીની છાલ ઉતારી લેવી અને તેના મોટા કટકા કાપીને ચર્નરમાં નાખવા. ચર્નર ન હોય તો હાથથી પણ નાના નાના કટકા કરી શકાય. પણ એમાં વધારે વાર લાગે છે એટલે ચર્નરનો ઉપયોગ કરવામાં આવે તો કામ જલ્દી પતે છે.ત્યારબાદ ચાર કાંદાને પણ એ જ રીતે મોટા કટકા કરીને ચર્નરમાં કેરી સાથે એડ કરી દેવાં. 

તેને આ પ્રમાણે ક્રશ કર્યાં પછી હવે તેને એક વાટકામાં કે તપેલીમાં કાઢી લેવું.તપેલીમાં કાઢ્યા બાદ તેમાં બે ટેબલસ્પૂન ધાણાજિરું, લાલ મરચું, મીઠું તથા સરખા પ્રમાણમાં ગોળ ઉમેરવા. આ પ્રમાણે બધી જ સામગ્રી ઉમેર્યા પછી ગોળનું પ્રમાણ ખાસ ચેક કરવું. ગળપણનું પ્રમાણ વધારે હોય તો જરા પણ વાંધો નથી કારણ કે ગોળ એ ગરમી સામે રક્ષણ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. (ગોળનું પાણી કરીને પણ જો દિવસ દરમિયાન નાના બાળકોથી લઈને આપણે મોટા પણ પીએ, તો શરીરમાં ઠંડક રહે છે અને માંદગી આવતી નથી.)બસ, કાંદા – કેરીનું કચુંબર તૈયાર. આ કચુંબરને રોજ ખાવું. ખાસ કરીને સવારના જમવામાં આ કાંદા – કેરીનું કચુંબર ખાવામાં આવે તો તે વધારે ફાયદાકારક છે. ક્યારેક જો શાક ન બનાવવું હોય તો પણ આ કચુંબરને આપણે રોટલી કે પરાઠા સાથે એકલું ખાઈ શકીએ છીએ. ટીફીનમાં પણ તમે તેને આપી શકો છો. ગોળનો બહુ રસો થયો હોય તો રસને કાઢીને માત્ર કચુંબર આપવું.

જેઓ કાંદા નથી ખાતા, તેઓ માત્ર કેરીનું કચુંબર આ જ પ્રમાણે બનાવી આરોગી શકે છે. બાકી બધી સામગ્રી સરખી જ રહેશે. નિરોગી શરીર લાંબા આયુષ્યની નિશાની છે. માટે સ્વસ્થ ખાઓ, સ્વસ્થ રહો અને આ રેસિપિ જરૂરથી શેર કરો.

રસોઈની રાણી : પ્રાપ્તિ બુચ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી