કનૈયાની રાખડી – દરેક ભાઈ બહેન એ વાંચવા જેવું !

રંગબેરંગી બંગડીઓ પહેરવાનો અનુજ્ઞાને અનહદ શોખ.

“અનિરુદ્ધ, આજે તમે મારા માટે કઈ બંગડી લાવ્યા છો? અને મેં પેલી કાચ વાળી કહી હતી મે એ લાવ્યા કે નહિ?”

સવાર સવારમાં અનુજ્ઞા તેના પતિ અનિરુદ્ધને પૂછી રહી હતી. અનિરુદ્ધ તેના માતા પિતા અને અનુજ્ઞા. ચારેય સુખરામપુર નામના નાનકડા ગામમાં રહે. અનિરુદ્ધની સાડીઓની દુકાન. બજારમાં રોજબરોજ નવી નવી ફેશન આવે તેથી અનિરુદ્ધને વારંવાર સુરત અને અમદાવાદ ખરીદી માટે જવું પડે. જયારે જયારે અનિરુદ્ધ બહારગામ જાય ત્યારે ત્યારે અનુજ્ઞા તેને ખાસ પોતાના માટે બંગડી લાવવાનું કહે.

અનિરુદ્ધને યાદ હોય તો પણ દર વખતે આવીને નાટક કરે કે પોતે ભૂલી ગયો છે. એટલે અનુજ્ઞા રિસાઈને ઓરડામાં જતી રહે. પછી જયારે અનુજ્ઞા તેના ડ્રેસીંગ ટેબલ પાસે જઈને તૈયાર થતી હોય ત્યારે અનિરુદ્ધ તેની પાસે જાય, પ્રેમથી તેનો નાજુક હાથ પોતાના હાથમાં લે અને પોતાના હાથે અનુજ્ઞાને બંગડી પહેરાવે. આ જાણે તેમનો નિત્યક્રમ. માતા પિતાનું હૈયું પણ આ જોઈને ઠરતું કે દીકરો વહુ હંમેશા ખુશ રહે છે. તેમના આ સુખી સંસારમાં બસ હવે ખોળા ખૂંદનારની ખોટ હતી.

આજે સવારે જ હજુ અનિરુદ્ધ સુરતથી આવ્યો હતો, દર વખતની જેમ આ વખતે પણ તેણે કહ્યું કે પોતે બંગડી ભૂલી ગયો છે. બહાના પણ દર વખતે અનિરુદ્ધ એટલા સચોટ આપતો કે અનુજ્ઞાને માનવું જ પડતું. અત્યારે અનુજ્ઞાએ તેને બંગડી વિશે પૂછ્યું ત્યારે તે બોલ્યો,

“અનુ, હું બંગડી તો લાવ્યો જ હતો પણ શું કરું ટ્રૈનમાં એક સુંદર નાની દીકરી મળી ગઈ. બધા પાસે જઈ જઈ તે ભીખ માંગતી હતી એટલે મેં તેને આ બંગડીઓ આપી દીધી. તે બહુ જ ખુશ થઇ ગઈ. હવે આવતી વખતે ચોક્કસ લઇ આવીશ.”

અનુજ્ઞા તેની આદત મુજબ રિસાઈને અંદર જતી રહી. થોડી વાર પછી અનિરુદ્ધ તેની પાસે ગયો અને તેનો હાથ પકડીને બંગડી પહેરાવી.

અનુજ્ઞાએ કહ્યું,

“ખરા છો હો તમે તો! દર વખતે સારા સારા બહાના શોધી લાવો છો. હું જાણતી હોય તો પણ તમારી વાત પર વિશ્વાસ કર્યા વગર નથી રહી શકતી. પણ, એક વાત કહું અનિ? મને તમે બહુ ગમો છો હો. અને હા એય, આ બીજી નાની નાની બંગડીઓ કોના માટે લાવ્યા છો એ તો કહો.”

“મારી નાની અનુ માટે છે એ તો.” અનિરુદ્ધ બોલ્યો ને અનુજ્ઞા શરમાઈને બોલી, “ના હો, મારે તો પહેલા નાનો અનિરુદ્ધ જ જોઈએ.”

“હાહાહાહા….અરે બસ એ તો ભગવાનની ઈચ્છા. મારે તો બન્ને એકસરખા. દીકરો હોય કે દીકરી.”

અનુજ્ઞા અને અનિરુદ્ધ ખુશખુશાલ હતા કારણકે અનુજ્ઞા માઁ બનવાની હતી. અનિરુદ્ધનાં માતા પિતાને તે ખુશખબર આપી બંને તે દિવસે સાંજે બહાર ગયા. અનિરુદ્ધ બંગડી બજારમાં લઇ ગયો તેને અને અઢળક બંગડીઓ ખરીદી.

દિવસો વીતતા ચાલ્યા. ચાર મહિના થઇ ચુક્યા હતા. એક દિવસ સવારે અનુજ્ઞા તેની બાલ્કનીમાં બેસીને પુસ્તક વાંચી રહી હતી ત્યારે તેણે બહાર રોડ પરથી અવાજ સાંભળ્યો.

“એ લીલી-પીળી, લાલ ને ગુલાબી,
આવી ગઈ ભાતભાતની બંગડી,
આવીને તું લઇ લે મારી બહેની…”

બંગડીઓ માટેની ઘેલછાને અનુસરીને અનુજ્ઞા બહાર લારી વાળા પાસે ગઈ.

“અરે વાહ, તમારી પાસે તો સુંદર સુંદર બંગડીઓ છે, આ કાચની છે ને લાલ એ તો આપી જ દો ચાર ડઝન, અને મને બીજી બધી અલગ અલગ પણ બતાવોને.”

“હા બેન ચોક્કસ, જોવો જોવો… ઘણી બધી બંગડીઓ છે મારી કને. તમતમારે તમને ગમતી શોધી લો. મુ તમને સાઈઠ વાળી પચાસમાં આલીસ હો ને.”

“અરે વાહ, તમે તો બહુ સારા હો. તમારું નામ શું છે?”

“મારું નામ કનૈયો.”

“ઠીક સરસ સરસ ચલો તો મને આ બધી મેં પસંદ કરી એ બંગડીઓ આપી દ્યો ને આવતા રહેજો. મને બંગડીઓ બહુ ગમે છે.”

“હા હા બેન. આવીશને.” કહીને કનૈયો ચાલ્યો ગયો.

પછી તો દર અઠવાડિયે કનૈયો બે વાર આવતો. ગુરુવાર ને શનિવાર. અનુજ્ઞા અચૂક તેની પાસેથી બંગડીઓ ખરીદતી.

થોડા દિવસો વીત્યા બાદ એક વખત સવારે અનુજ્ઞા તેના ઘર પાસે આવેલા મંદિરે જતી હતી. અનિરુદ્ધ બહારગામ ગયો હતો અને તેના સાસુ સસરા સંબંધીને ત્યાં ગયા હતા તેથી તે રિક્ષામાં બેસીને જઈ રહી હતી. મંદિર પાસે પહોંચતા જ તે રિક્ષામાંથી ઉતરીને અંદર જતી હતી ત્યાં જ તેનો પગ લપસ્યો અને પડતા સાથે જ તેના મોઢામાંથી રાડ નીકળી ગઈ અને પેટ પર હાથ મુકાઈ ગયો. આજુ બાજુથી લોકો ત્યાં આવ્યા. અનુજ્ઞાની હાલત અત્યંત બગડી રહી હતી. તે કણસી રહી હતી. અચાનક જ “કનૈયો” ત્યાં આવ્યો અને બોલ્યો,

“અરે રે શું થઇ ગયું તમને અનુજ્ઞાબહેન. હંધાય આઘા જાવ. ઇમને ઇસ્પિતાલ લઇ જવા પડહે. મુ ઓળખું સુ ઇમને. હાલો હાલો આઘા ખસો.”

કનૈયાએ ત્યાં આવતી એક રીક્ષા રોકી અને તાબડતોબ અનુજ્ઞાને ઊંચકીને તેમાં નાખીને હોસ્પિટલ લઇ ગયો.

ત્યાં જઈને તેને ફોર્મ ભરીને દાખલ કરાવી. પૈસાની જરૂર હતી તેથી દોડતો અનુજ્ઞાના ઘરે ગયો પણ તાળું જોઈને મુંજાઈ ગયો. પછી સીધો પોતાના ઘરે ભાગ્યો, ઘરમાંથી માંડ પાંચસો રૂપિયા થયા એટલે વળી બેંકમાં દોડ્યો. પોતાની “એફડી” હતી તે તોડાવીને પૈસા ઉપાડ્યા અને ફરી હોસ્પિટલ તરફ ભાગ્યો. પૈસા જમા કરાવીને હોસ્પિટલમાં બેઠો રહ્યો.

બપોર થઇ ચુકી હતી તેથી કનૈયાને થયું ફરી એક વખત તે અનુજ્ઞાના ઘરે જાય. ડોક્ટર્સને કહીને તે જયારે અનુજ્ઞાના ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો તેના સાસું સસરા પરેશાન હતા. કનૈયાએ તેમને બધી વાત કરી. સાંભળીને તેઓ રડવા લાગ્યા. તેમને આશ્વાસન આપતા કનૈયાએ કહ્યું,

“ઇમને હવે હારું છે. બાળક પણ સુરક્ષિત છે. હવે તમે ઝટ ત્યાં હાલો એટલે ઈને શાંતિ થાય.”

“હા હાલો હાલો.” કહેતા અનુજ્ઞાના સાસુ સસરા હોસ્પિટલ જવા નીકળ્યા.

જયારે અનુજ્ઞાને હસતી જોઈ ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો. પછી તો અનિરુદ્ધને પણ ફોન કરીને બોલાવ્યો ને બધી વાત કરી. બે દિવસ પછી અનુજ્ઞાને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે ઘરે પહોંચીને અનુજ્ઞાએ અનિરુદ્ધ અને તેના સાસુ સસરાને બધી વાત કહી. કનૈયાએ કેવી રીતે તેને સંભાળી તે બધું કહ્યું ત્યારે સૌ ખુશ થઇ ગયા.

બીજા દિવસે ગુરુવાર હતો અને રક્ષાબંધન પણ. તહેવારનો માહોલ સમગ્ર ગામમાં છવાયેલો હતો. દરેક ઘરમાંથી હાસ્યની છોળો ઊડતી હતી ને સૌ ખુશ હતા. અનુજ્ઞાએ પણ આ વખતે આરતીની થાળી સજાવી હતી.

અનિરુદ્ધને નવાઈ લાગી અને તેણે અનુજ્ઞાને પૂછ્યું,

“કેમ ભાઈ? કોઈ નવા સાળાસાહેબ શોધ્યા છે કે શું? તારે તો કોઈ ભાઈ નથી ને!!”

“ભાઈ છે જ અને હમણાં આવશે જોજોને તમે.”

ત્યાં નીચેથી એ જ પરિચિત અવાજ આવ્યો,

“એ લીલી-પીળી, લાલ ને ગુલાબી,
આવી ગઈ ભાતભાતની બંગડી,
આવીને તું લઇ લે મારી બહેની.”

અનુજ્ઞાએ અનિરુદ્ધને કહ્યું,

“લો આવી ગયો મારો ભાઈ. આ કનૈયો.”

અનિરુદ્ધ ખુશ થઇ ગયો આ સાંભળીને અને તેને અનુજ્ઞા મારે માન પણ થયું.

અનુજ્ઞા નીચે ઉત્તરી આરતીની થાળી લઈને કનૈયાની લારી પાસે જઈને ઉભી. કનૈયો તો અનુજ્ઞાને આટલી સુંદર રીતે તૈયાર થયેલી જોઈને આભો રહી ગયો અને બોલ્યો,

“હું થયું બેન?”

“અરે મારા વીરા. આજ તો રાખડી બાંધવાની છું હું. મારા ગર્ભની અને મારા જીવની રક્ષા કરનાર તમે મારા વહાલા ભાઈ છો. ચલો ચલો, હાથ લાવો.”

કનૈયો તો આ સાંભળી ગદગદ થઇ ગયો. તેની આંખમાંથી પાણી વહેવા લાગ્યા અને બોલ્યો,

“બેની મારી આજ તારા માટે મારી કને ભેટ નથી. કાલે લઇ આવીશ હોં કે!!!”

“અરે રે કનૈયા આ “બંગડી” થી વિશેષ ભેટ શું હોઈ શકે તારી આ “બંગડીઘેલી” માટે.

ને કનૈયાએ લારી આખી બહેનને અર્પી દીધી.

લેખક : આયુષી સેલાણી

આ રક્ષાબંધન પર્વ પર દુનિયાના તમામ ભાઈ-બહેન ને સમર્પિત !! આપ સૌ ને આ સ્ટોરી કેવી લાગી ? મને કેજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block