આ લેખ વાંચીને કામના કાગળિયા સાચવતા તમારા વડીલ ચોક્ક્સ યાદ આવશે – વાંચીને મજા માણો

- Advertisement -

મને આટલા વર્ષે પણ બરાબર યાદ છે કે ભયાનક ભૂકંપ આવ્યો ત્યારે હું કારની ચાવી અને ‘પાકીટ’ લઈને ધડધડ પગથિયાં ઉતરી ગયો’તો. અમારા ફ્લેટના રહીશો જીવ બચાવવા હાંફળા ફાંફળા બહાર દોડી આવેલા. કોઈ ખૂલ્લા પગે તો કોઈ ખૂલ્લા વાળે, કોઈ ખૂલ્લા બદને તો કોઈ ખૂલ્લા બટને થરથર કાંપતા ઉભા’તા. બધાના હાથ ખાલી હતા (‘ખાલી હાથ આયા થા, ખાલી હાથ જાના હૈ!’) પણ, અમારા એક ‘અગમચેતી’ પડોશીને હાથમાં Kala Niketan છાપેલ પ્લાસ્ટિકની થેલી જોઈ મને ભૂકંપ જેવો જ આંચકો લાગ્યો’તો. પ્લાસ્ટિકની થેલીમાં સાડી લઈને તો ભાગે જ નહીં!

ભૂકંપના અંચાકાનો ભય ઓસર્યો એટલે મેં એમની થેલી તરફ ત્રાંસી આંખે જોયું. ઓહો! થેલીમાં ‘કામના કાગળિયાં’ હતાં! છેલ્લી ઘડીએ ‘કામનાં કાગળિયાં’ લઈને ભાગનાર અમારા અગમચેતી પડોશી પર મને માન થયું અને હું ‘બ્રહ્મ’ બુદ્ધિ હોવા માટે મારી જાત પર ફિટકાર વરસાવવા લાગ્યો. સાલ્લું, મને કેમ આવો આઈડિયા નહીં આવ્યો હોય? મારે પણ મહત્વના દસ્તાવેજો લઈને જ ભાગવું જોઈએને! મને મારું લિવિંગ સર્ટિફીકેટ યાદ આવ્યું, રેશન કાર્ડ યાદ આવ્યું, પાસપોર્ટ સાંભર્યો, કિસાન વિકાસપત્રો અને વીમાના પ્રીમીયમની રસીદો યાદ આવી. ઘરનો બાર-સાતનો ઉતારો, ગેસના બાટલાની ઓરિજીનલ રિસીટ યાદ આવ્યાં. મને હથેળીમાં પરસેવો છૂટ્યો.

પણ, મારો અફસોસ દૂર થઇ ગયો જયારે પેલા ‘અગમચેતી’ના વાઈફે ફોડ પાડ્યો કે એ ભાઈને દર રવિવારે કે રજાના દિવસે શેર સર્ટિફિકેટ અને બીજા ઇન્વેસ્ટમેન્ટના કાગળિયાંની ફાઈલ ખોળામાં લઈને ફંફોસવાની આદત છે એટલે એ ‘કામના કાગળિયાં’ની થેલી લઈને ભાગી શક્યા’તા. તો બબબર….!

ભૂકંપની ગોઝારી ઘટના પછી મને સૌથી મોટું બ્રહ્મજ્ઞાન એ લાધ્યું કે આપણી જાત કરતાં પણ જો કંઈ મહત્વનું હોય તો એ છે ‘કામનાં કાગળિયાં’. આ ‘કામનાં કાગળિયાં’ની ફાઈલ એટલે આપણી સમૂળગી જિંદગીનો અમૂલ્ય દસ્તાવેજ. એ છે એટલે તો આપણે જીવતા હોઈએ છીએ, એ નથી તો આપણે નથી. ‘કામનાં કાગળિયાં’ સાચવીને બેઠો ન હોય એવો એક જીવતો માણસ તો તમે મને બતાડો!

‘કામનાં કાગળિયાં’ કોને ગણવાં? અમારા બાપ-દાદાઓ તો સગાઈ થયાના જૂના પોસ્ટકાર્ડ કે ભૂતનાથના મંદિરમાં થાળ ધર્યો હોય એની પચીસ વરસ જૂની રસીદને પણ સાચવવા જેવાં ‘કામનાં કાગળિયાં’ ગણતા.

અમને બાપ-દાદાઓએ વારસામાં સ્થાવર-જંગમ મિલકત સાથે ‘કામનાં કાગળિયાં’ ચીવટપૂર્વક સાચવવાનું ડહાપણ પણ વારસામાં આપ્યું છે. દિવાળી આવે એટલે ચાવીવાળા કબાટમાંથી થોથાં જેવી મહત્વના કાગળિયાંની ફાઈલ બહાર નીકળે. ઓરડા વચ્ચોવચ્ચ પલાંઠી વાળીને કાગળિયાઓ ઉથલાવાય, એક્સરે જેવી ઝીણી આંખે એક એક કાગળ ફરી તપાસાય આ કાગળિયાંઓમાં ચાળીસ ટકા પીળા પડી ગયા હોય, દસ ટકા કાગળ જ મહત્વના હોય અને બાકીના ‘સચવા કે ન સચવા’ એ જ સમજ ન પડે. ઉલટાનું, દર વર્ષે બીજાં છ-સાત નવાં કાગળિયાં ફાઈલમાં ઉમેરાય અને કબાટના ઉપલા ખાનામાં ચીવટપૂર્વક પાછાં મૂકાઈ જાય. આવું દર વર્ષે થાય!

ભૂકંપ આવ્યા પછી હું તરત જ મારા પરિવારના બધા જ કામનાં કાગળિયાં બેંક લોકરમાં મૂકી આવ્યો’તો અને એ પાછાં પણ લઇ આવ્યો’તો. એ કાગળિયાંઓમાં HDFCના લોન પેપર્સ, ગેસ ડીપોઝિટની પહોંચ, લિવિંગ સર્ટિફિકેટથી માંડી સ્કૂલ-કોલેજની બધા જ વર્ષની માર્કશીટસ, સ્કૂલમાં ત્રિપગી દોડમાં મળેલ ત્રીજા સ્થાનનું સર્ટિફિકેટ અને 2010ની હાઉસ ટેક્સની રસીદ પણ ખરી. મને રમૂજ એ થાય છે કે, શું આપણે ‘ઉપર’ જઈએ ત્યાં સુધી અ કહેવાતા ‘કામના કાગળિયાં’ જીવની જેમ સાચવી રાખવાના?! કાશ, હું મારી માયા સંકેલું એ પહેલાં હું તટસ્થપણે નક્કી કરી શકું કે જીવથી વહાલી મારી ફાઈલમાંથી ક્યા ક્યા કાગળિયાં કામના છે અને ક્યા ક્યા કાગળિયાં નકામા!

શું મારા જીવનકાળ દરમિયાન કહેવાતાં ‘કામના કાગળિયાં’માંથી ૫% કાગળિયાં પણ મને કામ આવવાના છે ખરાં? પૂર કે ભૂકંપ આવે તો હું બધા કાગળિયાં ભરેલી પ્લાસ્ટિકની થેલી લઈને ભાગી શકીશ ખરો?Anupam Buch

નવી પેઢીના વહેવારો તો હવે પેપરલેસ થતા જાય છે, છતાં ‘કામના કાગળિયાં’ હોવાંનું માલિકીપણું સાવ ભૂંસાઈ નથી ગયું. આપણે નહીં હોઈએ ત્યારે સગાઇ પછી લખેલા પ્રેમ-પત્રો કે કે આધારકાર્ડઝ કે આપણી અને સાક્ષીની સહીવાળું વસિયતનામું (Will) આપણા કબાટ કે બેન્કના લોકરમાં સચવાયેલ પડ્યાં જ રહશે. એ ‘કામનાં કાગળિયાંઓનું શું થયું આપણને ખબર નથી પડવાની!

લેખક – અનુપમ બુચ

ટીપ્પણી