કાળુએ દીપડો માર્યો – એક મા અને દીકરાની સાહસની વાર્તા…

કાળુએ દીપડો માર્યો

અરવલ્લી તળેટીમાં વસેલું ‘સવાઈ’ શહેર રાજસ્થાનનું એક મુખ્ય નગર છે. ત્યાં આજુબાજુ આવેલા ગાઢ જંગલોમાં બધાજ પ્રકારના જંગલી જાનવરો મુક્તપણે વિચરણ કરતા. જેમાં વાઘ અને દીપડાની સંખ્યા સૌથી વધુ હતી. ૧૯૭૨ ની એક સત્ય ઘટના છે.

એ દિવસોમાં કાળુની ઉમર ફક્ત સોળ વર્ષની હતી અને તેના ગામનું નામ બઢેરડા(સવાઈ શહેરથી ૫ માઈલ દુર) હતું. કાળુના પિતાનો સ્વર્ગવાસ થઇ ચુક્યો હતો, તેની માતાએ જ તેને મોટો કર્યો હતો. તેની મા સ્થાનિક સિમેન્ટ ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટરને ત્યાં મજૂરી કરતી હતી. તે ખુબજ સાહસિક સ્ત્રી હતી અને શરીરે પણ એકદમ મજબૂત અને ખડતલ હતી.

કાળુ આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના ગામમાં સ્કુલ ન હતી .તેથી તેને દરરોજ પોતાના ગામથી પગપાળા ચાલીને શહેરમાં ભણવા જવું પડતું. એક દિવસ કાળુ સ્કુલે જવા તૈયાર થયો ત્યારે તેની માએ તેને શિખામણ આપતા કહ્યું, “જો દીકરા, સાંજના સ્કુલેથી જલ્દી ઘરે આવજે હવેથી !”

“કેમ મા?” કાળુએ પૂછ્યું.

“તે સાંભળ્યું નથી ? હમણાં હમણાં એક દીપડાએ આપણા વિસ્તારમાં ભારે ત્રાસ ફેલાવી દીધો છે. તે રાત્રીના અવારનવાર ગામમાં ધૂસી આવે છે. તે કેટલાયે ઘેટાં-બકરાં અને દુધાળાં જાનવરો પણ હુમલો પણ કરે છે.” તેની માએ તેને સમજાવતા કહ્યું.

“સારું માં હવેથી હું ઘરે વહેલો આવીશ” કહી તે સ્કુલે ગયો અને એકદમ સાવધાનીપૂર્વક રહેવા લાગ્યો.
પણ દીપડાનો ઉત્પાત તો દિવસે દિવસે વધ્યે જ જતો હતો. તે રોજ રાત્રે ગામમાં પ્રવેશી કોઈ ને કોઈ ખેડૂતના ઘેટાં-બકરાંને ઉપાડીને જંગલમાં લઇ જતો. ગામલોકો તેનાથી ખુબજ પરેશાન થઇ ગયા હતા. લાખ પ્રયત્ન કરવા છતાં પણ તેને મારી ન શક્યા .તેથી તે લોકોએ ઘેટાં-બકરાંને બહાર રાખવાનું છોડી દઈ ઘરની અંદર બાંધવા લાગ્યા. જેનાથી થોડા દિવસ શાંતિ જળવાઈ રહી.

પણ પાળેલા જાનવરોનું લોહી ચાખી ગયેલી દીપડો એમ બેસી રહે તેવો ન હતો. તેને શિકાર કરવાની નવી પદ્ધતિ અપનાવી. તે રાત્રે મોડેથી આવતો અને લોકોના ઘરની દિવાલ કે બાકોરામાંથી પોતાનું પૂછડું અંદર ઘુસાડી દેતો. તેનું આ પૂછડું જોતાજ બાંધેલા ઘેટાં-બકરાં ઊછળકૂદ કરવા લાગતાં અને ડરના માર્યા ખીલેથી રસ્સી તોડાવીને ભાગી છૂટતા. અને દીપડાને શિકાર મળી જતો.

એ રાત્રીના કાળુ પોતાની માં સાથે આંગણામાં સુતો હતો. અચાનક તેના ઘરમાં બાંધેલી બકરીઓનો બે-બેં અવાજ સાંભળીને તેની માની આંખો ખુલી ગઈ. તેને જોયું તો ખીલા સાથે બાંધેલી બધી તેની બકરીઓ ઊછળ- કુદ કરી રહી હતી અને ઘરની કાચી દિવાલમાં પડેલા બાકોરામાંથી અંદર પ્રવેશેલું દીપડાનું લાંબુ પૂછડું આમતેમ હાલી રહ્યું હતું.

તુરંતજ કાળુની માને બધી વાત સમજાઈ ગઈ અને તેને મનોમન દીપડાને યમઘાટ ઉતારી દેવાની યોજના ઘડી દીધી.

તેને ધીમેથી કાળુને જગાડ્યો અને ઇશારાથી વાત કરતા કહ્યું, “કાળુ, આજ આ દીપડો આપણા ઘરે આવી ચડ્યો છે. જો પેલા દિવાલના બાકોરામાંથી તેનું હલી રહેલું પૂછડું. જો તું હિંમતથી કામ લે તો આજે આપણે મા-દીકરો મળીને તેના રામ રમાડી દઈએ.”

“પણ કેવી રીતે ?” કાળુએ ઇશારાથી પૂછ્યું.
“જો, તેનું પૂછડું દિવાલ પાસે ખોડેલા ખીલા સાથે કેવું વળગી ગયું છે ! હું તેના પૂછડાંને મજબુત રીતે પકડીને બેસી જઈશ. તું બહાર જઈને કુહાડીના પ્રહાર કરી કરીને તેને મોતને ઘાટ ઉતારી દેજે.”
“પણ જો આ ખીલો ઉખાડી ગયો તો ?” કાળુએ શંકા વ્યક્ત કરી.

“નહી ઉખડે. તું આ વાતની ચિંતા ન કર. આ ખીલો ખુબ જ મજબુત છે અને તે તારા બાપુએ ધર્બેલો છે.” કાળુની માતાએ કહ્યું.


એ પછી બંનેએ પોતાની યોજનાને પાર પાડવાની કાર્યવાહી શરુ કરી. કાળુની મા ધીમે ધીમે પંજાભેર ચાલતી બાકોરા પાસે આવેલા ખીલા પાસે પહોંચી અને કોઈ પણ પ્રકારનો અવાજ કર્યાં વિના પોતાના બંને પગ દિવાલ સાથે અડાડી ખીલા પાસે બેસી ગઈ. આ બાજુ કાળુ પણ હાથમાં કુહાડી લઇ ઘરના બારણે તૈયાર ઉભો હતો અને મા ના ઈશારાની તૈયારી કરી રહ્યો હતો.દીકરાનો ઈશારો થતાજ તેની માએ દીપડાનું ખીલા સાથે વળગેલું પૂછડું પોતાના બંને હાથમાં કસકસાટ પકડી લીધું અને પોતાની પૂરી તાકાતથી તેને પોતાના તરફ ખેચવા લાગી.

કાળુ પણ ઘરની બહાર નીકળી દીપડા પર કુહાડાના ઉપર ઉપરી ઘા કરવા માંડ્યા. અને આવા મરણતોલ પ્રહારથી દીપડો થોડીજ વારમાં ગર્જના કરતો કરતો મૃત્યુ પામ્યો.
દીપડાની ગર્જનાથી ગામના લોકો ભેગા થઇ ગયા અને આવું સાહસિક કાર્ય જોઇને તેમના રૂંવાડા ઉભા થઇ ગયા. તેમણે કાળુને પોતાના ખભા પર ઉચકી લીધો અને બધાં તેમની જાય જયકાર કરવા લાગ્યા. અને આ દ્રશ્ય જોઇને માની ખુશીનો પાર ન રહ્યો.

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી