કાળું ટપકું – એના શ્યામ રંગના લીધે અનેક વાર લગ્નની વાત આગળ નહોતી વધતી, એની નાની બહેનના લગ્ન પણ…

“શ્યામાં…..ઓ શ્યામા…તૈયાર થઈ ગઈ કે નહીં બેટા…કેટલીવાર છે હજી એ લોકો આવતા જ હશે..ચાલ ફટાફટ નીચે આવી જા” શ્યામા ના રૂમ તરફ જોઈ સુધા બેન બોલી રહ્યા હતા… ત્યાં જ એમને સામે થી રોશની આવતી દેખાઈ..


“અરે રોશની બેટા..તું આ રેડ કુર્તી માં ખૂબ જ સુંદર લાગી રહી છે….બેટા શ્યામા તૈયાર થઈ કે નહીં”. સુધાબેને પોતાની નાની દીકરી રોશની ને તૈયાર થઈને આવેલી જોઈ એની સામું બે ઘડી જોઈ રહયા ને બોલ્યા…રોશની હતી જ એવી..એકદમ ગોરો વાન…કમર સુધી ના લાંબા વાળ…અણિયાળી આંખો….ગુલાબ ની પાંખડી જેવા હોઠ…નાજુક નમણી કાયા…એકવાર એને જોઈ લે એ તો એનો હોશ જ ખોઈ બેસે એવું રૂપ ભગવાને એને બક્ષ્યું હતું… “ના મમ્મી શ્યામા તો એના લેપટોપ પર કઈ કામ કરતી જણાય છે…મને નથી લાગતું કે એ તૈયાર થઈ ગઈ હોય” રોશની એ સુધાબેન ને સંબોધતા કહ્યું

“આ છોકરી પણ ને…ક્યારેય પરિસ્થિતિ ની ગંભીરતા સમજતી નથી…કેટલી વાર કહ્યું કે આવા સમયે થોડી વ્યવસ્થિત તૈયાર થાય તો છોકરા વાળા પર સારી અસર પડે”.સુધા બેન મનોમન બબડતા બબડતા સીધા જ શ્યામા ના રૂમ માં પહોંચ્યા “આ શુ શ્યામા..તું હજી તૈયાર નથી થઈ….મુક હવે આ તારું લેપટોપ અને જા તૈયાર થઈ જા…” સુધા બેન શ્યામા માં હાથ માંથી લેપટોપ ખેંચતા બોલ્યા.

“મમ્મી પ્લીઝ તું મને લેપટોપ આપી દે…મારે મારી શાળા ના વિદ્યાર્થીઓ માટે એક જરૂરી પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે” શ્યામા એ ચિડાઈ ને કહ્યું “એ બધું પછી…પહેલા તું તૈયાર થઈ જા…રમેશકાકા હમણાં છોકરાંવાળા ને લઈને આવતા જ હશે…એ લોકો તને જોવા આવી રહ્યા છે અને તું આમ ફર્યા કરે છે…”

“મમ્મી હું તૈયાર જ છું….તને ખબર છે ને મને મેક અપ ના થથેડા કરવા નથી ગમતા”શ્યામા એ સહજતા થી જવાબ આપ્યો “પણ બેટા થોડો મેક અપ કરી લે તો તારો વાન જરા ખીલતો લાગે…અને આ ગ્રીન કલર તને નથી જામતો આમ તું વધારે……”સુધા બેન શ્યામા ના ચહેરા ના હાવભાવ વાંચીએ આગળ વાક્ય પૂરું ન કરી શક્યા..અદબ વાળી ને સુધા બેન ની સામે જોઈ રહેલી શ્યામા એ વાક્ય પૂરું કરતા કહ્યું


“આમ હું વધારે કાળી લાગુ છું એમ જ કહેવા માગે છે ને તું મમ્મી…તે ભલે લાગતી….પણ હું માત્ર એ છોકરો મને પસંદ કરી લે એ માટે એની સામે મેકઅપ ના થથેડા અને મારો શ્યામવર્ણ છુપાવી શકે એવા કપડાં પહેરી ને નહિ જ જાઉં….એને મારી સાથે લગ્ન કરવા હશે તો હું જેવી છું એવી જ મને સ્વીકારી લેશે..” શ્યામા એ સ્પષ્ટ પણે પોતાનું મંતવ્ય જણાવી દીધું.. “સારું બાપા તું જીતી ને હું હારી….ચાલ હવે નીચે આવી જા..એ લોકો આવતા જ હશે” એટલું બોલતા સુધા બેન દાદર ઉતરી ગયા…

શ્યામવર્ણ શ્યામા ના વર્ણ ને કારણે અગાઉ એને જોયેલા 5 છોકરા એને રિજેક્ટ કરી ચુક્યા હતા…બસ એના જ કારણે સુધાબેન નું માતૃ હ્ર્દય ચિંતિત હતું….શ્યામા ના વર્ણ ના કારણે સુધાબેન લઘુતાગ્રંથિ અનુભવતા અલબત્ત શ્યામા ને ક્યારેય એના વર્ણ પ્રત્યે કોઈ અણગમો જન્મ્યો ન હતો…સુધાબેન મનોમન ભગવાન ને પ્રાથના કરી રહ્યા હતા કે આ વખતે શ્યામા નું ચોકઠું ગોઠવાઈ જાય…થોડી જ વાર રમેશભાઈ છોકરાંવાળા ને લઈ આવી પહોંચ્યા…શ્યામા ચા નાસ્તો લઈ આવી…


છોકરા ના માતાપિતા અને એ છોકરો તો જાણે નક્કી કરી ને જ આવ્યા હતા કે શ્યામા ને લગ્ન માટે હા જ પાડવાની છે એમ એમને તરત જ શ્યામા ને પસંદ કરી લીધી…એકાંત માં વાત કરવા બન્ને ને મોકલ્યા ત્યારે શ્યામા ને જાણ થઈ કે એ છોકરા ના લગ્ન 2 વાર ફોક ગયા છે..શ્યામા ને મનોમન ખૂબ જ દુઃખ થયું.પણ એ કઈ બોલી નહિ..છોકરાવાળા એ જતાજતા શ્યામા પસંદ છે ની મહોર મારી દીધી…હવે જવાબ આપવાનો વારો શ્યામા ના માતા પિતા નો હતો…એમને શ્યામા તરફ ઈશારો કરી ને પૂછ્યું

“અમને 2 3 દિવસ નો સમય આપો..અમે જલ્દી જ તમને અમારો નિર્ણય જણાવીશું” શ્યામા ના મુખ પરના ભાવ વાંચી લેતા એના પિતા સુરેશભાઈ એ કહ્યું છોકરાવાળા વિદાય થયા.. “2 3 દિવસ શુ વિચારવાનું…કેટલા સારા માણસો હતા…છોકરો પણ દેખાવડો હતો..સારી જોબ પણ છે…બીજુ શુ જોઈએ શ્યામા ને” સુધા બેન ઉત્સાહભેર બોલી ઉઠ્યા “મમ્મી હું આ લગ્ન માટે તૈયાર નથી” શ્યામએ ઘટસ્ફોટ કર્યો

“મમ્મી એ છોકરા ના બબ્બે વાર લગ્ન ફોક થયા છે..હું એની સાથે લગ્ન નહિ જ કરું” “જો શ્યામા…આ બધી વાતો માં થોડું ઘણું જતું કરવું જ પડે” “જો મમ્મી ફક્ત મારા કાળા ચહેરા ને કારણે મારે એક બીજવર સાથે પરણવું પડે એમ હોય તો હું પરણવા જ નથી માંગતી…હું આજીવન કુંવારી રહી લઇશ….”

“આવું ઘમંડી વલણ રાખવું સારું નથી શ્યામા…જરા તારી નાની બેન રોશની નો તો વિચાર કર..એની પણ હવે લગ્ન ની ઉંમર થતી જાય છે..તારા લગ્ન થાય પછી જ એના લગ્ન વિશે વિચારી શકાય ને” “મમ્મી તું જેને ઘમંડ સમજે છે મારી માટે એ મારું સ્વાભિમાન છે..અને રહી વાત રોશની ના લગ્ન ની તો હવે તમે રોશની માટે જ છોકરો શોધો મારે હવે લગ્ન જ નથી કરવા”એટલું બોલી શ્યામા પોતાના રૂમ માં ચાલી ગઈ…

આમ ને આમ 2 વર્ષ વીતી ગયા…એ દરમિયાન સુરેશભાઈએ ઘણીવાર શ્યામા ને લગ્ન અંગે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ બધું જ વ્યર્થ….શ્યામા એના નિર્ણય પર મક્કમ હતી..એ દિવસની ઘટના બાદ સુધાબહેન અને શ્યામા વચ્ચે થોડું અંતર આવી ગયું હતું..બન્ને એકબીજા સાથે વાતચીત કરવાનું ટાળવા લાગ્યા હતા…..

શ્યામાંની રાહ માં ક્યાંક રોશની ની પણ લગ્ન ની ઉંમર ચાલી ન જાય એ વિચારે એમને રોશની માટે મેટ્રિમોનિયલ સાઈટ પર છોકરા જોવાનુ શરૂ કર્યું..આ અંગે ક્યારેય શ્યામા સાથે કોઈ ચર્ચા ન થતી…અને શ્યામા પણ એ ચર્ચા નો જાણે ભાગ જ ન બનવા માંગતી હોય એમ દૂર જ રહેતી.ખૂબ જ શોધખોળ બાદ રાજીવ નામના એક યુવક ની મેટ્રિમોનિયલ સાઈટ પરથી રોશની માટે પસંદગી કરવામાં આવી..વર્ષો થી કેનેડા માં જ સ્થાયી થયેલો રાજીવ એના માતા પિતા ની અંતિમ ઈચ્છા પૂરી કરવા જ એક ભારતીય છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો..

અને એમાં ય રોશની ના ફોટા માત્ર એ જ એનું મન હરી લીધું હતું…રોશની અને રાજીવ વચ્ચે સોશિયલ મીડિયા પર વાત નો સિલસિલો શરૂ થઈ ગયો….થોડા જ સમય માં બન્ને એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં પડી ગયા…હવે બન્ને એકબીજા ને રૂબરૂ મળવા નિયા આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા…સુધા બેન અને સુરેશભાઈ એ પણ રાજીવ ના બેકગ્રાઉન્ડ અંગે થોડી ઘણી માહિતી ભેગી કરી હતી એના પર થી એ સારા ઘરનો લાગી રહ્યો હતો…એટલે એ લોકો પણ આસ સંબંધથી ખુશ હતા….

એક દિવસ સવાર માં રોશની ખુશી માં ઉછળતી દોડી ને એની મમ્મી ને વળગી પડી “અરે બેટા શુ થયું…..બહુ ખુશ જણાય છે ને કાઈ આજે તો તું?” સુધા બેન રોશની ની ખુશી નો તાગ મેળવવા બોલી ઉઠ્યા

“મમ્મી પપ્પા…..કાલે રાજીવ ઇન્ડિયા આવી રહ્યો છે…..અને એરપોર્ટથી સીધો આપના ઘરે જ આવશે” ચહેરા પર અનહદ આનંદ સાથે રોશની એ જવાબ આપ્યો…શરમ ના શેરડા રોશની ના ચહેરા પર સાફ દેખાઈ રહ્યા હતા…આ બધી જ ઘટનાથી અજાણ એવી શ્યામા છેલ્લા એક મહિના થી પોતાની શાળા નું નેતૃત્વ સ્પોર્ટ્સ વેન્ચર માં કરવા માટે બેંગ્લોર ગઈ હતી..જે આજે પરત ફરી..પરિવાર માં સૌ કોઈને ખુશ જોઈ આજે ઘણા સમય પછી શ્યામા એમની ખુશી માં સામેલ થવા ઇચ્છતી હતી..એને આખરે પૂછી જ લીધું

“શુ વાત છે …બધા આજે બહુ ખુશ જણાય છે” ઘણા સમયથી શ્યામા સાથે નારાજગી જાળવી રાખનાર સુધા બેન બોલ્યા

“શ્યામા…તારી નાની બેન નો સંબંધ નક્કી થઈ ગયો છે..છોકરો કેનેડા માં સ્થાયી છે…તું ઘણા સમયથી ઘરે નહોતી એટલે તનેઆ આ અંગે વાત ન કરી શક્યા..પણ કાલે જ રાજીવ જેની સાથે રોશની નો સંબંધ કરવાનો છે એ આપણને મળવા ઇન્ડિયા આવી રહ્યો છે” રોશની ની સપના હંમેશા ઉંચા જ રહ્યા હતા એ વાત થી શ્યામા વાકેફ હતી..એટલે એની નાની બેન ના સપના સાકાર થશે એમ વિચારી એ પણ ખુશ થઈ ગઈ…બધા રાજીવ ના આગમન ની તૈયારી માં લાગી ગયા.

બીજા દિવસે સવારથી જ સૌ કોઈ રાજીવ ની રાહ જોઈ રહ્યા હતા…ધીરજ ની જાણે પરીક્ષા થઈ રહી હોય એમ રોશની વારેવારે દરવાજા સામે જોઈ લેતી..એકાદ બે વાર તો કોઈ આવ્યું એવા ભણકારા ય વાગ્યા..શ્યામા એની આ સ્થિતિ જોઈ એને ચીડવી રહી હતી..ઘણા સમય પછી પરિવાર માં ખુશીઓનો માહોલ હતો…શ્યામા ને શાળા એ જવાનો સમય થઈ ગયો હતો એટલે એ રાજીવ ને સાંજે મળી લેશે એમ કહી શાળા એ જવા નીકળતી જ હતી ત્યાં જ દરવાજા માં પ્રવેશતા રાજીવ સાથે ભટકાઈ ગઈ…

હાથ માં રહેલું પર્સ અને સ્ફુટી ની ચાવી નીચે પડી ગઈ..જે ઉઠાવવા જઈ રહેલી શ્યામા ને રાજીવે મદદ કરી..રાજીવ નો ચહેરો શ્યામા ને જાણે જાણીતો લાગતો હતો…એને ક્યાંક રાજીવ ને જોયો હોય એવો ભાસ થઈ રહ્યો હતો

“અરે રાજીવ બેટા….તમે આવી ગયા..આવો આવો..અમે તમારી જ રાહ જોતા હતા” સુરેશભાઈ એ રાજીવ ને આવકાર આપતા કહ્યું


6 ફૂટ હાઈટ…ગોરો વાન એમાં ય એક ગાલ પર પડતું ખંજન…..કસરત કરી ને કસાયેલું શરીર….રાજીવ ની પર્સનાલિટી ને વધારે નિખારી રહ્યા હતા….રાજીવે ઘરમાં આવતા ની સાથે જ સુરેશભાઈ અને સુધાબેન ના ચરણ સ્પર્શ કર્યા…અને ત્યાં જ એમનું દિલ જીતી લીધું….રોશની તરફ જોતા જ જાણે એ એના રૂપ માં મદહોશ થઈ ગયો…પણ એની તંદ્રા ને તોડતા રોશની શ્યામા નો પરિચય આપતા બોલી “રાજીવ આ મારી મોટી બેન છે શ્યામા….શાળા માં શિક્ષક છે…” “હેલો રાજીવ….સોરી પણ હમણાં મારે જવું પડશે…આપણે સાંજે મળીએ…”

“અરે ના ના કાઈ વાંધો નહિ …તમે તમારૂ કામ પટાવો…મુલાકાત તો હવે થતી જ રહેશે.” રાજીવે ખૂબ જ વિનર્મતા થી જવાબ આપ્યો. સૌ કોઈ રાજીવ ની અદાઓથી અંજાઈ ગયા હતા…પણ શ્યામા ને હજી જાણે રાજીવ ને ક્યાંક જોયો હોય એમ જ લાગી રહ્યું હતું.એ વિચાર કરતા કરતા જ શાળા એ જવા રવાના થઈ ગઈ….

બપોરે રાજીવ રોશની અને એના માતા પિતા સાથે જમવાના ટેબલ પર બેઠો હતો ત્યાં જ એને વાત માંડી “સોરી અંકલ આંટી…હુ આમ એકલો જ અહીં આવી ગયો…પણ મારા પપ્પાની તબિયત સારી નથી રહેતી એટલે મમ્મી એમને મૂકી ને આવી શકે એમ નથી…અને મોટાભાગ ના બધા જ સગા કેનેડા માં જ સ્થાયી છે એટલે હું ઇન્ડિયા માંથી પણ કોઈને મારી સાથે લઈને આવી શકુ એમ નહોતું” “અરે એમા શુ બેટા….અમે તારી સ્થિતિ સમજી શકીએ છે..” સુધાબેને રાજીવ ની સ્થિતિ સમજતા જવાબ આપ્યો


“આંટી એકબીજી વાત પણ તમને કહેવાની હતી…હુ એક અઠવાડિયા માટે જ ઇન્ડિયા આવ્યો છું…અને જો તમારી મરજી હોય તો હું આ અઠવાડિયા માં જ રોશની સાથે પરણી એને મારી સાથે કેનેડા લઈ જવા માંગુ છું” રાજીવ લગ્ન ની વાત મુક્ત કહ્યું “પણ બેટા તારા માતાપિતા કે કોઈ વડીલ વગર તું આમ એકલો લગ્ન કરીશ એ વ્યાજબી છે ખરા?” સુરેશભાઈ એ શંકા વ્યક્ત કરતા કહ્યું

“અંકલ હું આપણી ચિંતા સમજી શકું છું પણ મારા પિતા ની તબિયતના કારણે એ લોકો પણ લગ્ન ઉતાવળે જ ઈચ્છે છે…મોટા ભાગ ના સગા ત્યાં જ છે એટલે ત્યાં પહોંચી ને સૌ કોઈને રિસેપ્સન આપી દેવાનું મમ્મીએ વિચારી રાખ્યું છે..મમ્મી પણ ઇન્ડિયા આવવા ઇચ્છતી હતી પણ સંજોગો અનુકૂળ ન હોવાથી એ ના આવી શકી..પણ મને મમ્મી એ તમને લોકો ને વિડીયો કોલ કરવાનું કહ્યું છે…

અત્યારે એ લોકો ફ્રી જ હશે તો હું વાત કરાવી દઉં તમારી એમની સાથે” એમ કહેતા જ રાજીવ પોતાની માતા ને વિડિયો કોલ કરે છે અને રોશની તેમજ એના માતા પિતા સાથે વાત કરાવે છે…રાજીવ ની માતા સાથે વાતચીત કર્યા પછી સુધાબેન અને સુરેશભાઈ નિશ્ચિંત થઈ રોશની ના રાજીવ સાથે લગ્ન માટે તૈયાર થઈ જાય છે..5 દિવસ બાદ રોશની અને રાજીવ ના કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરવામાં આવે છે..સૌ કોઈ હવે રોષની ના લગ્નની તૈયારી માં લાગી જાય છે…


પણ શ્યામા ને આ ઘડિયા લગ્ન ગળે ઉતરી નથી રહ્યા…પણ એ ફક્ત પોતાની શંકા ના આધારે કઈ કરી શકે એમ પણ નહોતી…એને એકાદ વાર મમ્મી ને રાજીવ ને ક્યાંક જોયો હોય એમ લાગે છે એ વાત કરી હતી પણ મોટો બિઝનેસમેન છે તે કોઈ ન્યૂઝ ચેનલ પર જોયો હશે એમ કહી મમ્મી એ પણ વાત ને ઉડાવી દીધી હતી..લગ્ન નો દિવસ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો..શ્યામા પણ હવે પોતાના મન નો વહેમ સમજી બધી વાત ભુલાવી રોશની ના લગ્નની તૈયારી માં વ્યસ્ત થઈ ગઈ..આખરે લગ્ન નો દિવસ આવી ગયો…સૌપ્રથમ રોશની અને રાજીવ ના મંદિરમાં હિન્દૂ વિધિ પ્રમાણે લગ્ન કરવાના હતા ત્યાર બાદ કોર્ટ મેરેજ….સવાર થી જ ઘરમાં ચહલ પહલ હતી…

સુરેશભાઈ અને સુધાબેને પોતાની લાડલી દીકરી રોશની ના લગ્ન ની રંગેચંગે તૈયારી કરી હતી…રોશની પણ પોતાના રાજીવ સાથે લગ્ન થઈ રહ્યા છે એ વિચારે ખુશ હતી…દુલહન ના વેશ માં રોશની જાણે સાક્ષાત લક્ષ્મી લાગી રહી હતી…એનું રૂપ સોળે કલા એ ખીલ્યું હતું…સુધાબેન રોશની ને જોઈ રડમસ થઈ ગયા…પોતાની વ્હાલસોયી ને વળાવવા નો વખત આવી ગયો એ વિચારે એમની આંખો ભીની થઇ ગયી


“મમ્મી શ્યામા ક્યાં છે…સવાર ની ક્યાય દેખાતી નથી….” રોશનીએ સુધાબેન ને પૂછ્યું “તને નથી ખબર એ ક્યાં છે?….મેં પણ એને સવારથી જોઈ નથી મને એમ કે તારી સાથે જ હશે…આ છોકરી આમ કીધા વગર ક્યાં ગાયબ થઈ જાય છે?” સુધાબેન ચિંતિત થઈ બોલ્યા “એ તો આવી જશે મમ્મી…તું ચિંતા ન કરીશ” રોશની સુધાબેન ને શાંત પાડતાં બોલી..

લગ્ન નું મુહૂર્ત થઈ ચૂક્યું હતું…રોશની ને મંડપ માં લાવવા માં આવી…રાજીવ અને રોશની એકબીજા સામું જોઈ રહયા..બનેં ની જોડી ખૂબ જામતી હતી….બન્ને એકબીજા ના ગળા માં વરમાળા પહેરાવી હમેશાં માટે એકબીજા ના થઇ જવા આતુર હતા…પંડિતજી એ વરમાળા પહેરાવવા નો આદેશ કર્યો…રોશની શરમાતી શરમાતી રાજીવ ના ગળા માં વરમાળા પહેરાવવા જઇ રહી હતી…ત્યાં જ શ્યામ એને રોકતા બોલી “ઉભી રહે રોશની…..આ માણસ તારા લાયક જ નથી…અરે તારા શુ આ માણસ તો કોઈને લાયક નથી”

“તુ આ શું બોલી રહી છે તને એનું ભાન છે કે નહીં….તારી બેન નો પતિ બનવા જઇ રહ્યો છે એ..એના વિશે આવું બોલતા તને શરમ ન આવી…પોતાનું ઘર વસાવવા તો તું માંગતી નથી હવે શું તારી બેન ના લગ્ન માં પણ તું રોડા નાખવા માંગે છે” સુધા બેન પોતાનો ઉભરો ઠાલવતા શ્યામા ને થપકોએ આપતા બોલ્યા

” મમ્મી હું જે કહી રહી છું એ જ સત્ય છે….આ વ્યક્તિ એક નંબર નો ઠગ માણસ છે” શ્યામા એની મમ્મી ને સમજાવતા બોલી “બસ શ્યામા..તું મારી બેન છે એનો મતલબ એ નથી કે તું રાજીવ વિશે કઈ પણ બોલીશ એ હું ચુપચાપ સાંભળી લઇશ..મને ખબર છે તને રાજીવ ગમવા લાગ્યો છે અને એટલે જ તું મારા લગ્ન અટકાવવા માંગે છે” રોશની આક્ષેપો કરતા બોલી

“પ્રેમ માં આટલી અંધ ન બન રોશની…તું જે માણસ ને રાજીવ સમજે છે એનું ખરું નામ વિરાટ છે…અને છોકરીઓ ને મેટ્રિમોનિયલ સાઈટ પરથી ફસાવી એમને મુંબઈ ની અંધારી ગલીઓ માં વેચી દેવાનું ગતકડું ચલાવી રહયો છે…આ નિર્દોષ ચહેરા પાછળ ના નરાધમ થી તું હજી વાકેફ નથી બસ એટલે જ એનો પક્ષ લઈ રહી છે..” રાજીવ ની હકીકત છતી કરતા શ્યામા બોલી


” આ બધું ખોટું છે રોશની..મારા પર આવા આક્ષેપો હું સહન નહિ કરી શકું” રાજીવ પોતાનો બચાવ કરતા બોલ્યો “શ્યામા એ કહેલી એક એક વાત સત્ય છે…અમે ઘણા સમયથી આ વિરાટ ની શોધ માં હતો… પણ આજ સુધી એ અમારા હાથ માં આવ્યો નહોતો…thanks to shyama કે એના કારણે આજે આ નરાધમ અમારી ગિરફત માં છે” રાજીવ ને પકડી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા.. ત્યાં ઉભેલા સૌકોઈ પોલીસને જોઈ ચોકી ઉઠ્યા.

“મમ્મી આ મારી મિત્ર દિયા ના પિતા છે…હું થોડા સમય પહેલા દિયા ના ઘરે ગયી હતી ત્યારે અનાયાસે જ ટેબલ પર પડેલી ફાઇલ માં રહેલો આ રાજીવ ઉર્ફે વિરાટ નો ફોટો જોઈ ગયેલી..અને બસ એ જ કારણે મને એવું લાગી રહ્યું હતું કે મેં એને ક્યાંક જોયો છે…કાલે રાત્રે મને અચાનક આ ફોટો યાદ આવ્યો અને મેં તરત દિયા ને આ વિશે વાત કરી..

હું રાત્રે જ દિયા ના ઘરે એના પિતા ને મળવા પહોંચી ગયેલી અને મેં રાજીવ વિશે થોડી પૂછપરછ કરી ત્યારે મને રાજીવ ની હકીકત ખબર પડી…આવા નીચ માણસ ના હસ્તે મારી બેન ને સોંપી દેતા રોકવા માટે જ હું પોલીસ ને મારી સાથે લઈને આવી…મને ખબર હતી કે મારી વાત પર તમે કોઈ વિશ્વાસ નહિ જ કરો” શ્યામા એ સમગ્ર ઘટના વર્ણવતા કહ્યું….પોતાની માતા અને બેન દ્વારા પોતાના માટે બોલાયેલા શબ્દો યાદ કરી શ્યામા રડી પડી.

“મને માફ કરી દે શ્યામા…મેં તારા વિશે બહુ ખોટું વિચારી લીધું….” રોશની બે હાથ જોડી શ્યામા ની માફી માંગી રહી

“મને પણ માફ કરી દે બેટા….જાણે અજને તારા શ્યામ વર્ણ ને કારણે ઘણીવાર તને અન્યાય કર્યો છે મેં….પણ તું તો મારા ઘરનું એ કાળું ટપકું છે જે મારા સંસાર રૂપી માથા પર લગાવ્યા બાદ મારા સંસાર ને કોઈની ખરાબ નજર નહી લાગે….અને આજે તે રોશની ને આ નરાધમ ના ગંદા ઈરાદા માથી બચાવી એ પુરવાર પણ કર્યું છે” સુધા બેન ગદગદ થતા બોલ્યા…એમને શ્યામા ને છાતી સરસી ચાંપી દીધી…


શ્યામા રડતા રડતા બોલી રહી “મમ્મી હું જીવીશ ત્યા સુધી મારા પરિવાર ને કોઈની નજર નહિ જ લાગવા દઉં…હું કાયમ તમારું કાળું ટપકું બની ને રહીશ”

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ