સાતમે નોરતે મા દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું વર્ણન વાંચીએ અને જાણીએ આ દેવીની ઉપાસના અને સાધક સિદ્ધિના લાભ.

શુભંકરી ભયંકર સ્વરૂપ મા-દુર્ગાનું સાતમું સ્વરૂપ “કાલરાત્રિ” છે. આ શક્તિનો રંગ રાત્રીના ગાઢ અંધકારની જેમ એક્દમ કાળો છે. વિખરાયેલા વાળ; ગળામાં વિજળી જેમ ચમતી માળા છે. આ શક્તિને ત્રણ નેત્રો છે. બ્રહ્માંડની જેમ ગોળ છે ! તેમનાં નેત્રોમાંથી વિજળી જેવાં ચમકદાર કિરણો નીકળે છે. નાકમાંથી શ્વાસોચ્છવાસમાંથી ભયંકર અગ્નીજ્વાળાઓ નીકળે છે. તેમનું વાહન ગદર્ભ છે. ચાર ભુજાઓ વાળી આ શક્તિનો એક હાથ અભય મુદ્રા અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. જ્યારે ત્રીજા હાથમાં લખંડી કાંટાળું હથિયાર તો ચોથા હાથમાં ખડગ કે કટાર છે.

“કાલરાત્રિ” નામ મુજબ ભયંકર રૂપવાળી છે પરંતુ તેઓ હંમેશા શુભ-ફ઼ળ આપનાર છે. દુર્ગાપૂજાનાં સાતમાં દિવસે આ શક્તિની ઉપાસના કરવા સાધકનું મન “સહસ્ત્રધાર” ચક્રમાં સ્થિર કરે છે. સંસારની સમસ્ત સિધ્ધિઓનાં દ્રાર સાધકનાં શરીરમાં ખુલે છે. સર્વ પાપ-વિઘ્નો દૂર થાય છે, સર્વત્ર અમૃતની અમીયલ વહીને જીવન આનંદમય બનાવે છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય છે.

મા “કાલરાત્રિ” દુષ્ટોનું નાશ કરનારી; સ્મરણ માત્રથી દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે ભયભીત બની નાશ પામે છે! કાલરાત્રી-શક્તિના ધ્યાનનો મંત્ર આ પ્રમાણે છેઃ

એક વેણી જયાકર્ણપૂરા નગ્ન ખરા સ્થિતા |
લંબોષ્ઠિ, કર્ણિકાકણી તૈલાભ્યકતશરીરિણી ||
વામ પાદોલ્લસલ્લોહલતા કંટક ભૂષણા |
વામ ન મૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલ રાત્રિર્ભયંકરી ||

-: કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

-: આજના ગરબા :-

જય જય બોલો આનંદે
જય જય બોલો આનંદે અંબે માતની રે

અંબે માતની રે બહુચર માતની રે
ચાંચર ચોકની રે
ગબ્બર ગોખની રે..

પાવાગઢમાં છે મહાકાળી
શંખલપૂરમાં બહુચર વાળી
આરાસુરની રાણી અંબે માતની રે

ગોખમાં ગબ્બરમાં હિંચકા ખાયે
ભક્તોને એ દર્શન આપે
શોભે સિંહની સવારી અંબે માતની રે

રાચે નાચે તાળી પાડે
ગરબા ગાયે સખી સંગાથે
સખીઓ ઝીલે તાળી અંબે માતની રે
ખણખણ ખંજરી વાગે
ઘમઘમ ઘમઘમ ઘૂઘરી વાજે
સઘળે પ્રસરે જ્યોતિ અંબે માતની રે

માડી તારા મંદિરીયે

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય
જાગો માં.. જાગો માં..

જગભરમાં ઘંટારવ થાય..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…
ઘંટારવ થાય…
ઘંટારવ થાય…

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીઓ સંગ રૂડો અવરસનો રંગ

માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહી પાન
માના રૂપની નહીં જોડ, એને રમવાના બહુ કોડ
માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ

માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

રંગતાળી રંગતાળી રંગતાળી, કે ઘુમે ગબ્બરવાળી
સંગે ઘુમે છે બહુચરવાળી, કે રંગમાં રંગતાળી
સોહે અંબે આરાસુરવાળી, કે રંગમાં રંગતાળી
હે મારી માવલડી મતવાલી, કે રંગમાં રંગતાળી

ટીપ્પણી