શ્યામાની રંગીન દુનિયા – શું ફક્ત રૂપ અને રંગ ખરેખર આટલા મહત્વપૂર્ણ છે…

શ્યામાની રંગીન દુનિયા

‘બેટા, પપ્પાને પાણી આપી આવ ને.’
…….
‘શ્યામા…બેટા, લે ને આ પાણી તારા પપ્પાને આપી આવ ને.’
……..
શ્યામાના રૂમમાંથી એના આવવાનો કોઈ અણસાર ન જણાતાં, રચના જ વહેલી વહેલી પાણી લઈને સોમને પાણી આપવા પહોંચી ગઈ.
‘તને સારી રીતે ખબર છે, પછી કેમ તું વારે વારે એનું મનહૂસ મોં મારી સામે ધરતી રહે છે? એનું મોં જોવું મને નથી ગમતું, ને તું હાલતાં ને ચાલતાં, મારી આગળ જાણી જોઈને એનાં ગીત ગાતી રહે છે કેમ?’ ગુસ્સામાં ધ્રુજતા સોમના હાથમાંથી ખાલી ગ્લાસ લઈને, ‘સૉરી’ બોલતાં રચનાએ ગળામાંના ડૂમાને જેમતેમ ખાળ્યો. રસોડામાં જઈ આંખ લૂછી એ થાળી પીરસવા લાગી. ફરી એક વાર એના મગજમાં પેલું ચકરડું ફરવા માંડ્યું. છેલ્લા વીસ વરસમાં બનેલા અસંખ્ય બનાવો, જાણે આજે જ બન્યા હોય એટલા જ જીવંત બની એ ચકરડામાં ગોઠવાઈ ગયા.

કેટલાય મહિનાઓની રાહ જોયા બાદ એક તો દીકરી જન્મી, અને તે પણ કાળી! હૉસ્પિટલમાં જ સોમ અને એની માએ તો બૂમરાણ મચાવી દીધેલી.
‘સિસ્ટર, આ આટલી કાળી છોકરી કોની છે? નક્કી તમે લોકોએ બદલી નાંખી છે, બાકી અમારા પરિવારમાં આજ સુધી એક પણ કાળું છોકરું જનમ્યું નથી. અમારે આવી કાળી છોકરી નથી જોઈતી. રાખો તમારી પાસે જ. તમારી હૉસ્પિટલમાં કોઈને જોઈતી હોય તો આપી દેજો.’ બબડાટ કરતાં બંને મા–દીકરા ત્યાંથી નીકળી ગયેલાં. રચના નર્સ અને ડૉક્ટરની સમજાવટથી જેમતેમ શાંત પડી હતી. સમાજની બીકથી જોકે, સોમે રચનાને દીકરી સહિત ઘરમાં આશ્રય આપેલો, પણ તે દિવસથી તે આજ સુધી, લાંબા વીસ વરસો સુધીમાં એક પણ વાર સોમે શ્યામાને બોલાવી નહોતી કે એના માથે હાથ સુધ્ધાં ફેરવ્યો નહોતો. ખોળામાં બેસાડીને રમાડવાની તો વાત જ ક્યાં? સોમની મા તો શ્યામાના જન્મ પછી છ જ મહિનામાં સ્વર્ગે સિધાવી હતી, એટલે એટલો ત્રાસ ઓછો થયેલો.

સોમ તો માની કસર પણ પૂરી કરતો હોય એમ સવારથી તે રાત સુધીમાં, કોઈ ને કોઈ બહાનું શોધીને, મા–દીકરીનું અપમાન કરવાનો એક પણ મોકો ન ચૂકતો. જેનું મોં જોવાનું ન ગમતું તેના પર જ સતત નજર રાખતો! અમુક જ રંગના કપડાં પહેરવાનાં, અમુક જ જાતના વાળ હોળવાના અને અમુક ખાસ રંગના જ રમકડાં પણ લેવાના! દીકરીનો રંગ શ્યામ શું હતો, કે સોમને શ્યામ રંગ પ્રત્યે જ નફરત થઈ ગયેલી. રચનાનો જીવ તો કળીએ કળીએ કપાતો રહેતો. દીકરીની દયા ખાવાની કે એને છાતીએ વળગાવવાની દરેક ઈચ્છાને એ સોમની ગેરહાજરીમાં પૂરી કરતી. ઘરમાંથી સોમની સતત ઉપેક્ષાને શ્યામા નાનપણથી જ પામી ગયેલી. હડધૂત થતા રહેવા કરતાં પોતાના રૂમમાં ભરાઈ રહેવાનું શ્યામાને વધુ અનુકૂળ આવી ગયેલું. રૂમમાં એ પોતાની દુનિયામાં મસ્ત રહેતી. ઢીંગલીઓ સાથે એની વાતો ક્યારેય ખૂટતી જ નહીં. હાથી ને ઘોડા પર તો એ દૂર દૂર ફરી આવતી. એના રૂમમાં સફેદ કાગળો હમેશાં અવનવા રંગો સજીને શ્યામાની ફરતે વીંટળાઈ વળતા. નાનપણથી જ, કુદરતી રીતે જ શ્યામાને રંગો પ્રત્યે અપાર સ્નેહ હતો.

રમકડાં તો રંગીન, કપડાં તો રંગીન અને એની રમતો પણ રંગોથી છલોછલ. સોમને જોકે શ્યામામાં કોઈ રસ નહોતો. એ તો નફરતની નજરે જ શ્યામાને જોતો. ઘરની બહાર શ્યામાએ ભડક રંગના કપડાં ન પહેરવા, એ નિયમનું સોમ ચુસ્તપણે પાલન કરાવતો. એટલું વળી સારું હતું, કે શ્યામાના ભણતરના ખર્ચા બાબતે સોમ ક્યારેય કંઈ બોલ્યો નહોતો. રચનાએ એ વાતે સંતોષ માની શ્યામાને નાનપણથી જ, રંગોની અવનવી દુનિયામાં સહેલ કરાવવા માંડી હતી. બે–ચાર વરસોમાં તો પરિણામ રચનાની નજર સમક્ષ હતું. શ્યામા ડ્રોઈંગની જાતજાતની હરિફાઈઓમાં સ્કૂલમાં અવ્વલ રહેવા માંડી. શ્યામાનો શ્યામ રંગ, મેઘધનુષી રંગોમાં ઢંકાઈ ગયો.

ધીરે ધીરે શ્યામા ઈન્ટરસ્કૂલ અને પછી આગળ વધીને ઈન્ટરસ્ટેટ લેવલે પહોંચી ગઈ. સ્કૂલના નોટિસબોર્ડ પર, પ્રિન્સિપાલની ઓફિસમાં ને દરેક ક્લાસરૂમમાં શ્યામાની બનાવેલી તસવીરો શોભવા માંડી. શ્યામા અલગારી જીવ. નાનપણથી જાણે કલાકાર બનવા જ સર્જાઈ હોય, એમ હમેશાં પોતાની ધૂનમાં જ રહેતી. આખરે એ દિવસ આવી જ ગયો, જ્યારે સોમની નજર શ્યામા સાથે જોડાયેલા પોતાના નામ પર પડી. લગભગ દરેક પેપરમાં, ફ્રન્ટ પેજ પર જ શ્યામાનો ઈન્ટરનેશનલ ટ્રોફી સ્વીકારતો ફોટો છપાયેલો. સાથે જ શ્યામાના મોંએ માબાપના વખાણ કરતો નાનકડો ઈન્ટરવ્યૂ પણ હતો. ફોટામાં ઈનામી કલાકૃતિ પણ હતી અને બાજુમાં ગર્વભેર ઊભેલી શ્યામા!

પહેલી વાર સોમે શ્યામાને તસવીરમાં ધ્યાનથી જોઈ. હા, આને પહેલી વાર જોઈ હતી હૉસ્પિટલમાં અને પછી કોઈક વાર અલપઝલપ ડોકાઈ જતા ચહેરામાં. ડરના માર્યા ધ્રુજતા શરીરમાં, બે નિર્દોષ ને ભોળી આંખો રચનાની પાછળ તરત જ સંતાઈ જતી. પોતે ડોળા કાઢતો ઘરની બહાર નીકળી જતો. આ ચહેરો? આજે જો આટલો સુંદર છે, તો ત્યારે કેટલો સુંદર હશે? રમતિયાળ પણ હોઈ શકે! જોકે, પોતે એને ક્યાં રમતિયાળ રહેવા દીધો હતો? સતત ધાકમાં રાખીને એક માસૂમ ચહેરાનું નૂર પોતે છીનવી લીધું હતું. સાથે સાથે રચનાને પણ સતત ધાકમાં રાખી હતી. વીસ વરસ! વીસ વીસ વરસ સુધી બંને મા–દીકરીએ મારા માટે શું શું નહીં વિચાર્યું હોય! ઘરમાંથી પ્રેમ નામના શબ્દનો તો મેં છેદ જ ઉડાડી દીધો હતો. મને કોણ જાણે શું થઈ ગયું હતું, તે માની વાતોમાં આવીને આ બે નિષ્પાપ જીવોને હેરાન કરવાનું પાપ વહોરી બેઠો.

સોમે ઓફિસમાં રજા મૂકી, અને ગાડી ઘર તરફ વાળી લીધી. શ્યામા…રચના…ક્યાં છો? બૂમો પાડતો સોમ આખા ઘરમાં ફરી વળ્યો. સોમના અવાજમાં રોજ કરતાં જુદો જ રણકો સાંભળી બંને મા–દીકરી ડરતાં ડરતાં રૂમની બહાર નીકળી. નજર સામે જે હતું અને કાનમાં જે અવાજ ગૂંજતો હતો તે મગજમાં ઊતરતું નહોતું. આજે પપ્પાને શું થઈ ગયું–આમ સાવ અચાનક? પપ્પા શબ્દ તો એ કાયમ મનમાં જ બોલી છે. બોલતી થઈ પછી મમ્મી સિવાય ક્યાં કોઈને જોયાં જ છે, આ ઘરમાં? અને રચના પણ અવાચક! આજે સૂરજ ક્યાંથી ઉગ્યો? શું ખરેખર મારી દીકરીના સારા દિવસો આવ્યા? એની છાતીમાં ભરાયેલો ડૂમો આંસુ બનીને વહી નીકળ્યો.

ખરેખર, રડવાનું તો સોમે હતું. પસ્તાવાના આંસુમાં ડૂબેલો સોમ, શ્યામા અને રચનાના માથે હાથ ફેરવતો ક્યાંય સુધી એમ જ બેસી રહ્યો. પેલાં બેને પણ ઊઠવાનું ક્યાં મન હતું?

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ અવનવી અલગ અલગ વિષય પર વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી