મમ્મી, તેરા જાદુ ચલ ગયા – આજની દરેક આધુનિક મહિલાઓએ નોંધ કરીને રાખવા જેવી વાત શીખવા મળશે…

મમ્મી, તેરા જાદુ ચલ ગયા !

‘મમ્મી, તમે લોકો અમારા નવા ઘરે રહેવા ક્યારે આવવાના ?’ પૂજાએ એની સાસુને એમના નવા ઘરનું આમંત્રણ આપતાં આગ્રહપૂર્વક પૂછ્યું.

મુંબઈ જેવા શહેરમાં સારા એરિયામાં ફ્લૅટ લેવો અને તે પણ બન્નેની ઓફિસની નજીક મળી જવો એ તો પરમ સદ્ભાગ્યની વાત જ ગણાય. છએક મહિનાથી વિશાલ અને પૂજા બધાં કામ છોડીને રાતદિવસની રખડપટીએ ચડેલાં તે હવે કંઈક ઠેકાણે પડ્યાં હતાં. ફ્લૅટ ગોઠવાઈ જતાં અને સારી કામવાળી તેમ જ રસોઈ કરવાવાળી બેન પણ મળી જતાં જાણે વધારાનું બોનસ મળ્યું. હવે મમ્મી–પપ્પાને રહેવા બોલાવવામાં કોઈ વાંધો નહીં આવે.

‘પૂજાનો ફોન આવ્યો હતો. આપણને એમના નવા ઘરમાં રહેવા બોલાવે છે. કેટલાય દિવસોથી તમે દીકરાને ત્યાં જવાનું ગીત ગાતા હતા ને ? તો હવે નક્કી કરો એટલે ઉપડીએ.’ શીલાબહેને મધુકરભાઈને મુંબઈ જવા માટે તૈયાર કરવા માંડ્યા. એકના એક દીકરાને ત્યાં આરામથી રહેવાના વિચારે બન્ને ખુશ થતાં ઘડી ઘડી સપનામાં સરી પડતાં. જોકે, આરામ તો અહીં પણ ક્યાં નહોતો ? નિવૃત્તિમાં બન્ને પોતપોતાની પ્રવૃત્તિમાં ગળાડૂબ હતાં. ‘સમય કેમ પસાર કરવો ?’ કે, ‘હવે અમારું કોણ ?’ જેવા પ્રશ્નોને બાય બાય કહીને ઘડપણની પૂરી તૈયારી સાથે જીવન મજેથી વીતતું હતું.

વહુના આગ્રહને માન આપતાં, દીકરા ને વહુ સાથે અઠવાડિયું હરવાફરવામાં ક્યાંય પસાર થઈ ગયું અને વિશાલ–પૂજાની રજા પણ પૂરી થઈ ગઈ. સોમવારની સવારે નવ વાગતાં તો બન્ને નાસ્તો કરીને જવા માટે તૈયાર હતાં.

‘મમ્મીને તું કહી દે છે કે હું કહી દઉં ?’ મમ્મીને બેડરૂમમાં જતાં જોઈ પૂજાએ વિશાલને પૂછ્યું.
‘ના, ના. હું જ કહી દઉં છું. એમ તો મમ્મીને ખોટું નહીં લાગે, સમજદાર છે પણ કંઈ કહેવાય નહીં. વહુ કહે ને દીકરો કહે તેમાં બહુ મોટો ફરક પડી જાય. આય મીન, સમજવામાં. બાકી તું પણ સારા શબ્દોમાં જ કહેશે તેની મને ખાતરી છે. હું જ કહી દઉં છું.’
‘ઓ કે, ગુડ બૉય. તો હું જાઉં ?’ પૂજા ઓફિસ જવા નીકળી ગઈ.

પૂજાના જતાં જ વિશાલે મમ્મીને ખોટું ન લાગે એની પૂરી તૈયારી કરીને શબ્દો ગોઠવ્યા અને મમ્મીને પાસે બેસાડી વાતની શરૂઆત કરી.

‘મમ્મી, આ બન્ને બેનો જે અહીં કામ કરવા આવે છે, તે તને કેવી લાગી ?’
‘સરસ. બહુ જ વ્યવસ્થિત છે કામમાં અને બીજી કોઈ માથાકૂટ પણ નથી. મને તો એમનું કામ ગમ્યું. બાકી, મોટા શહેરમાં તો આવી બેનો મળવી જ મુશ્કેલ. આપણે ત્યાં બહુ તકલીફ નથી પડતી. છેલ્લાં કેટલાંય વરસોથી એક લાભુબેન જ કામ કરે છે ને !’

‘હું પણ એ જ કહેવા માગતો હતો. અહીં શહેરમાં ઘરકામ કરનારાઓની બહુ જ તકલીફ છે. જેમતેમ આ બેનો મળી છે. એક તો નવી જગ્યા અને અમે તદ્દન અજાણ્યાં. સારે નસીબે આ લોકો મળી ગયાં. હવે આમને જ બરાબર સાચવીને રાખવા પડશે નહીં તો, ઘરકામ ને રસોઈમાં કેવી તકલીફ પડે તે તો તને ખબર જ હશે.’

‘હં તો ? મારે શું કરવાનું છે તે કહી દે ને.’ મમ્મીએ દીકરાને ગોળ ગોળ વાત કરતાં જોઈ સધિયારો આપ્યો.
‘એ જ કે, અમે ન હોઈએ ને, ત્યારે આ લોકોને કામની બાબતમાં કંઈ કહેતી નહીં. મને ખબર છે, તને કામની વરણાગી છે, જો તારી સાદી ટકોરને પણ આ લોકો બહાનું બનાવી દેશે ને તો અમારે મોટી મુસીબત થઈ જશે. આ લોકો જેવું ને જેટલું કામ કરે છે, અમને ચાલે છે. વધારાનું કરાવવું પણ નથી. પ્લીઝ, તું એટલું સાચવી લેશે ને ?’
‘તું ચિંતા નહીં કર. અમારી હાજરીમાં કે અમારા ગયા પછી પણ આ લોકો નાસી નહીં જાય તેની ગૅરન્ટી બસ ?’
‘મારી ગુડી ગુડી મમ્મી. બહુ ડાહી છે.’
‘જા હવે, મસ્કા ઓછા માર. તને મોડું નથી થતું ?’

શીલાબેને વિશાલના ગયા બાદ ઘરમાં એક ચક્કર લગાવ્યું. એમની નજરે અમુક વાતોને ધ્યાનમાં લીધી પણ મનમાં કંઈક વિચારી, એ વાતોને એમણે વિદાયના આગલા દિવસ માટે જમા રાખી. ઘરકામ કરવાવાળાં બેન બધું જ કામ કરતાં પણ સાફસફાઈમાં થોડું ગબડાવી દેતાં. એમ પણ દીકરા કે વહુને તો ક્યાં ફુરસદ હતી આ લોકોના કામમાં કોઈ ખામી કાઢવાની ? નજરમાં કંઈ આવતું હશે તોય, ભાગી જશેની બીકમાં કંઈ બોલતાં નહીં હોય. એમ તો, રસોઈ કરવાવાળા બેનમાં પણ ક્યાં કંઈ કહેવાપણું હતું ? આ લોકોની પસંદ મુજબ સ્વાદિષ્ટ નાસ્તા ને રસોઈ સમયસર બનાવીને હાજર કરી જ દે છે, હસતાં હસતાં. તો પછી, પોતાને ક્યાં ખામી લાગી ? એમની બારીક નજરે નોંધ્યું કે, રસોઈમાં ઘી–તેલ જરા વધારે છૂટથી વપરાતાં હતાં અને રંધાઈ ગયા પછીની સાફસફાઈમાં વેઠ ઉતારાતી હતી. જેને લીધે ઘરમાં કીડી ને વાંદાનું પ્રમાણ વધારે હતું. ખેર, હમણાં કંઈ નહીં. દીકરાએ ના પાડી છે !

થોડા દિવસ ખૂબ આનંદ ને સંતોષથી વિતાવ્યા બાદ આખરે વિદાયની ઘડી આવી પહોંચી. ફરી વહેલા મળવાના વાયદા સાથે બધાં છૂટા પડ્યાં. સવારે તો પેલી બે બેનો પણ મોં પાડીને ઊભી રહેલી. ‘મમ્મી–પપ્પા, આપ લોગ જલદી વાપસ આના. ઘરમેં બોત અચ્છા લગતા હૈ.’ સાંભળીને પૂજા ને વિશાલને નવાઈ લાગી. ‘આટલા દિવસોમાં વળી આ લોકોને માયા પણ લાગી ગઈ ? કે પછી, અમસ્તાં મસ્કા મારે છે ? અમને સારું લગાવવા ? હશે, જવા દો. ચાલો ભાઈ, કામે લાગો. બહુ કામ બાકી છે.’ બન્ને ફટાફટ લૅપટૉપ લઈને પોતાના ઓફિસના કામે વળગી ગયાં.

ચાર પાંચ દિવસ પછીની વાત.
પૂજાએ શીલાબેનને ફોન લગાવ્યો. ‘હલો મમ્મી….કેમ છો ?’
‘મજામાં છીએ. બોલ બેટા, તમે કેમ છો ? પેલી બે જણી નાસી તો નથી ગઈ ને ? મને તો તારો ફોન આવ્યો ને ફાળ પડી.’
‘અરે મમ્મી, મેં એટલા માટે જ ફોન કર્યો છે. અમે લોકો જે બે મહિનામાં ન કરી શક્યાં તે તમે થોડા દિવસોમાં જ કરી દીધું !’
‘શું થયું પણ ? કંઈ બોલશે કે ?’ શીલાબેનના અવાજમાં વિશ્વાસનો રણકો હતો.


‘કોને ખબર તમે એવો તે કેવો જાદુ કરી ગયાં કે, આ બન્ને જણી તો બીજે દિવસથી જ એક પછી એક સરપ્રાઈઝ આપ્યે જ જાય છે. રોજ ફર્નિચર ખસેડીને વાળવા માંડ્યુ ને ઝાપટઝૂપટ કરીને ઘર બે દિવસમાં તો ચકાચક કરી નાંખ્યું. રસોઈવાળાં બેન પણ રસોડું સરસ ચોખ્ખું કરીને જવા માંડ્યાં. ઘી–તેલનું પ્રમાણ પણ વ્યવસ્થિત થઈ ગયું. મમ્મી યુ આર ગ્રેટ. મને બી થોડો જાદુ શીખવી દો ને.’

‘બેટા, મેં કોઈ જાદુ નથી કર્યો. ફક્ત રહી એટલા દિવસ એમની સાથે પંચાતની બાદબાકી કરીને બે ઘડી વાત કરી લેતી. એમાં તમારી સાથે એમનાં કામનાં પણ વખાણ કરી લેતી. વખાણ કોને ન ગમે ? એમને પણ ચાવીવાળા પૂતળાની જેમ ચૂપચાપ કામ કરીને જતાં રહેવાનું તો નહીં જ ગમતું હોય. જ્યાં કામ કરે ત્યાં બે વાત કરવાનું એમને પણ મન થતું હશે. તમે લોકો તો બીઝી રહેવામાં સામાન્ય વહેવાર પણ ચૂક્યા. એમ પણ મને વડીલ સમજીને એમણે મારી બે–ત્રણ સલાહો પર પૂરતું ધ્યાન આપ્યું, જે તમારા માટે ફાયદેમંદ નીવડ્યું ને તમે સમજ્યાં કે મને કોઈ જાદુ આવડે છે !’
‘ઓહ મમ્મી ! યુ આર ગ્રેટ ગ્રેટ સુપરગ્રેટ ! થૅંકસ મા.’
ફોન મૂકતાં શીલાબેને મધુભાઈ સામે મલકી લીધું.

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ???

ટીપ્પણી