લાખ રુપિયાની ગોઠવણ – ખરેખર આ વાર્તા વાંચીને આજે તો માનવું જ પડશે કે માનવતા મરી પરવારી છે…

લાખ રુપિયાની ગોઠવણ

‘મમ્મી, તું કોઈ દિવસ મને સમજી નહીં શકે. જ્યારે પણ કોઈ વાત મૂકું કે, તારું લાંબું લાંબું લેક્ચર ચાલુ થઈ જાય. તને મારી એકેય વાત નથી ગમતી ? આમ કર ને તેમ નહીં કર તો ચાલુ જ હોય ને તેમાં જો શૉપિંગની વાત આવે તો તરત જ પૈસા ગણવા બેસી જાય. મમ્મી તું કેમ મારી સાથે જ આવું કરે છે ? હમણાં શાંતાબેન ઉપાડ માગશે તો ફટ દઈને હજાર રુપિયા કાઢી આપશે ને મેં ખાલી મારા લગનના ડ્રેસીસ માટે લાખ રુપિયા માગ્યા તો હિસાબ ગણાવવા બેઠી. જરા ઘરની બહાર નીકળ ને બીજી છોકરીઓને જો કે માબાપ પાસે કેટલા ખર્ચા કરાવે છે તે. આ તો પાછા મેં મારી જૉબમાંથી બચાવેલા પૈસા છે તો પણ. મેં જ ભૂલ કરી કે તને સાચવવા આપ્યા.’

જાહ્નવીએ એક નજર સ્નેહા પર નાંખી ને ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. આ છોકરીને હવે કોણ ને કેવી રીતે સમજાવે કે, લાખ રુપિયાનો એક જ ડ્રેસ એ પછી પાછો ક્યારે પહેરવાની ? એના કરતાં બે–પાંચ હજારના કેટલા બધા ડ્રેસ આવે ને આખું વરસ ચાલે. પણ નહીં, દેખાદેખી કોને કહી છે ? કરોડપતિ છોકરીઓની વાત જ જુદી છે ને આપણે રહ્યા મિડલ ક્લાસના માણસ તે કેટલી વાર કહેવાનું એને ? વર્ષો નીકળી ગયાં લગનનો ખર્ચો ભેગો કરતાં ને આ છોકરીએ ચપટીમાં ઊડાડી નાંખવો છે. ભલે પોતાના પર વાપરે કે પોતાની મરજી ફાવે તેમ કરવાની વાત કરે પણ બચત કરશે કે દાબીને પગ મૂકશે તો એનું જ ભવિષ્ય સલામત રહેશે ને ? બાપ તો છોકરીના પડ્યા બોલ ઝીલવા તૈયાર છે તે એક અક્ષર બોલવા રાજી નથી ને આમાં મારે જ ખરાબ થવાનું છે. હશે ચાલો, કાલની વાત કાલે. એને જવાબ આપવામાં તો એ કંઈ સાંભળશે કે સમજશે નહીં ને નકામી મારી વિરુધ્ધ મગજમાં ઝેર ભગું કરશે.’

જાહ્નવી ને માનવ રાતે જમીને ઘડીક હીંચકે બેઠાં કે, શાંતાબેનનો ફોન આવ્યો. ‘હમણાં ? આને વળી હમણાં શું કામ પડ્યું ?’ બોલતાં જાહ્નવી શાંતાબેનની વાત કંઈ જ બોલ્યા વગર ચૂપચાપ સાંભળી રહી. વચ્ચે વચ્ચે હોંકારો પૂરતી રહી પણ એનો અવાજ ધીમો પડતો ગયો ને ફોન પત્યો ત્યાં સુધીમાં તો જાહ્નવીની આંખના ખૂણા ભીના પણ થઈ ગયા. ઓહ ! બિચારી શાંતાબેન. નસીબમાં બે ઘડી શાંતિથી બેસવાનું તો દૂર પણ રોજ જ કોઈ ને કોઈ વાતે પૈસાની મગજમારી કરવા કોઈ ને કોઈ બહાનું એની સામે આવી જ રહે. રોજની હાડમારીઓથી ટેવાયેલી શાંતાબેનને એકની એક દીકરી માટે બહુ પ્રેમ. એક જ શહેરમાં પરણાવેલી જેથી મરજી થાય ત્યારે દીકરીને મળી શકાય. શાંતાબેનને વર તરફથી કે દીકરી તરફથી કોઈ ત્રાસ નહોતો. સવાલ હતો તો ફક્ત બે છેડા ભેગા કરવાનો. એમના વરની નોકરી કાયમી નહોતી ને તેવું દીકરીના સાસરામાં પરિવાર મોટો ને કમાનારો વળી એક જ ને તે પણ જમાઈ જ. વાર તહેવારે કે માંદગીમાં પોતાના ઘરની સાથે દીકરીને મદદ કરવામાં પણ પાછું વાળીને ન જોનાર શાંતાબેનના માથે નવી મુસીબત ઘુમરાતી હતી.

લગનના એક વરસ પછી મરેલી દીકરીને જન્મ આપવામાં ભાંગી પડેલી દીકરીને શાંતાબેને મહિનાઓ બાદ જેમતેમ બેઠી કરેલી. ત્યાં આજે સવારે જ એમની દીકરીને પેટમાં દુખાવો ઉપડતાં હૉસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળેલા. આ વખતે તો પહેલેથી જ દીકરીને શાંતાબેન પોતાના ઘરે લઈ આવેલાં ને નજીકની જ સરકારી હૉસ્પિટલમાં નામ નોંધાવીને આવેલાં ત્યારે એમના મોં પર ગજબનો ઉત્સાહ ને અજબ શાંતિ હતી. આ વખતે તો પોતાની દેખરેખ હેઠળ જ બધું સારી રીતે થશે તેના વિચારે શાંતાબેન ખુશ હતાં, તે એમની રોજ એકની એક વાતોથી જાહ્નવી સારી પેઠે સમજી ગયેલી. મનમાં તો જાહ્નવીએ પણ પ્રાર્થના કરેલી કે, આ વખતે શાંતાબેનને શાંતિ મળે એવું જ થવું જોઈએ. જોકે આ ફોન પરથી તો મામલો ગંભીર લાગે છે. એણે માનવને અને સ્નેહાને સાથે લઈ હૉસ્પિટલ જવા માંડ્યું. રસ્તામાં એમને બધી વાત સમજાવી દીધી. બાળક તો જન્મી ચૂક્યું છે પણ રડ્યું નથી ને બરાબર શ્વાસ નથી લેતું એટલે એને વેન્ટિલેટર પર મૂક્યું છે ને તાત્કાલિક કોઈ મોટી હૉસ્પિટલમાં દાખલ કરવું પડશે, નહીં તો બાળક મરી જશે. સ્નેહાને સમજાતું નહોતું કે, આ બધી વાતમાં મમ્મી એને શું કામ જબરદસ્તી લઈ આવેલી ?

શાંતાબેનના અવાજના કંપન પરથી પરિસ્થિતિ તાગી ગયેલી જાહ્નવીએ એમને શક્ય તેટલો દિલાસો આપવાની કોશિશ કરી ને પૈસાની ફિકર પણ ન કરવા જણાવ્યું. એમ તો સરકારી હૉસ્પિટલમાં બધી સારવાર ફ્રી જ હતી પણ હવે મોટી હૉસ્પિટલની વાત આવતાં, શાંતાબેન માટે તો જાહ્વવી જ સહારો ને ? એને જાહ્નવી પર પૂરો ભરોસો હતો ને એટલે જ એણે જાહ્વવીને રાતે પણ ફોન કરવામાં ખચકાટ નહોતો અનુભવ્યો. સરકારી હૉસ્પિટલના દરવાજે શાંતાબેન ઊંચા જીવે જાહ્વવીની રાહ જોતાં ઊભેલાં. જાહ્નવીના જતાં જ એનો હાથ પકડી શાંતાબેન રડી પડ્યાં. ‘બેન, મારી દીકરીને આ વખતે પણ…બેન, જે ખર્ચો થાય તે હું વાળી દઈશ બેન પણ આ વખતે બંનેને બચાવી લેજો.’ કહેતાં શાંતાબેન રીતસરનાં ધ્રૂસકે ચડી ગયાં. એને જેમતેમ શાંત પાડી માનવ સાથે જાહ્નવી ડૉક્ટરને મળવા ગઈ. ડૉક્ટર તો રાતની વિઝિટ પતાવી ઘરે જતા રહેલા ને બે ચાર નર્સ ને એક શીખાઉ ડૉક્ટર કહેવાતા છોકરાને હૉસ્પિટલ સોંપી ગયેલા. એ લોકોએ જ કેસની બધી વિગત જણાવી ને ‘બાળકને તો સરકારી એમ્બ્યુલન્સમાં હમણાં જ મોટી હૉસ્પિટલમાં લઈ ગયા’ એમકહી દીધું. શાંતાબેન તો ક્યારના દરવાજે જ ને તોય એમને કોઈએ જણાવ્યું પણ નહીં ? જાહ્નવીના હૃદયમાં કાંટો ભોંકાયો. સ્નેહાને પહેલી વાર આ બધું જોઈ મનમાં કંઈક ખૂંચ્યું.

શાંતાબેનની દીકરીને મળી એને આશ્વાસન આપીને જાહ્વવીએ શાંતાબેનને દીકરી પાસે રહેવા જણાવ્યું ને એ લોકો ઉપડ્યાં નજીકની મોટી હૉસ્પિટલે. એમના પહોંચતાં પહેલાં જ પેલી સરકારી ગાડી બાળકની કોઈક ટ્રીટમેન્ટ કરાવીને બીજી મોટી હૉસ્પિટલ તરફ નીકળી ચૂકી હતી.

વેન્ટિલેટર પર રાખેલા બાળકને અધ્ધર શ્વાસે જોઈ રહેલા પિતાની હાલત કલ્પવી મુશ્કેલ હતી. ડિલિવરીને બે કલાક થઈ ચૂક્યા હતા ને બાળક હજી વેન્ટિલેટર પર અહીંથી ત્યાં હડદોલાં જ ખાતું હતું ! શું એ જીવે છે કે એને…સતત અશુભ વિચારોથી ઘેરાયેલો એક બાપ પોતાના દિલને દિલાસો પણ કેટલોક આપે ? વહેલી સવારથી ભૂખા પેટે દોડાદોડી કરી રહેલા બાપને ન તો ખાવાના હોશ હતા કે ન તો બેસવાના. ‘આ વખતે બસ કેમેય કરીને બાળક જીવી જાય’ એ એક જ વિચારે એનું દિલ ગભરાતું હતું. હૉસ્પિટલના રિસેપ્શન પર એક તાજા જન્મેલા બાળકનું કેસપેપર બનાવવું કે નહીં તે વાતે અવઢવ ચાલી રહેલી.

‘દસ હજાર થશે.’ એક શુષ્ક અવાજે લાચાર બાપને ચમકાવ્યો. કે ચકાસ્યો ?
‘કંઈ નહીં, તમે દસના વીસ લો પણ મારા દીકરાને બચાવી લો.’ બાળકના જીવવાની આશાએ બાપ બીજું શું કહે ? પૈસા તો ખીસામાં પાંચસોથી વધારે નહોતા ને વીસ હજાર ક્યાંથી આવશે તેય ખબર નહોતી તોય એક જુગાર ખેલાયો ને બાળકની એન્ટ્રી થઈ ગઈ ને એને મોટા અદ્યતન રૂમમાં લઈ જવાયું. દૂરથી એક મરેલી આશાને જીવંત કરતો બાપ બાળકને મનમાં જ રમાડવા લાગ્યો. જાહ્નવી સ્નેહા ને માનવ સાથે હૉસ્પિટલ પહોંચી ત્યારે તો ત્યાંનો સ્ટાફ ગપ્પે ચડી ચૂકેલો.

‘હમણાં એક તાજા જન્મેલા બાળકને વેન્ટિલેટર પર મૂક્યું છે તેની ફીઝ ભરવા આવ્યાં છીએ.’
‘જી, દસ હજાર હમણાં જમા કરો ને કાલે સવારે બીજા દસ જમા કરજો.’
‘રોજના દસનો તમારો ચાર્જ છે ?’ માનવે જરા કડક અવાજે પૂછ્યું.
‘ના સર, આ બહુ કૉમ્પ્લિકેટેડ કેસ છે ને આ એરિયામાં વેન્ટિલેટર કોઈ હૉસ્પિટલમાં નથી એટલે…’
‘એટલે તમારે મન ફાવે તે ચાર્જ લેવાનો ? ને તમારી હૉસ્પિટલમાં કંઈ ચૅરિટી જેવું કે દયા માયા જેવું છે કે નહીં ? જરા માણસને જોઈને તો ચાર્જ લગાવો. આ માણસ તો તમારો આંકડો સાંભળીને એના દીકરા સાથે અહીં જ મરી જશે. મને જરા એક વાત સમજાવો તો. આ બાળક ખરેખર જીવે છે ?’

‘વૉટ ડુ યુ મીન મિસ્ટર ?’
‘મને ડાઉટ છે કે, આ બાળક મરેલું જ જનમ્યું છે ને તમારા લાંબા નેટવર્કમાં એક ગરીબ માણસને તમે આબાદ ફસાવ્યો છે, ખરી વાત ?’
‘તમે મોં સંભાળીને બોલો સાહેબ. પૈસા આપવા પડે એટલે તમારા જેવા લોકો પણ આવાં નાટક ખૂબ કરે છે અમને ખબર છે.’

‘હલો, પોલીસ સ્ટેશન? હું માનવ રાઠોડ બોલું છું, તમારી સામેની હૉસ્પિટલમાંથી.’ માનવે અમસ્તો જ એક ફોન લગાવ્યો, કે રિસેપ્શનિસ્ટે એનું બાવડું ઝાલી એને ખૂણામાં લઈ જઈ વાત થાળે પાડવા સમજાવવા માંડ્યો. ‘સાહેબ, મારી નોકરીનો સવાલ છે. સરકારી હૉસ્પિટલમાંથી આવા કેસ આવતા રહે છે ને અમારા સાહેબોનું નેટવર્ક બહુ મોટું છે એટલે કોઈને ખબર નથી પડતી. પ્લીઝ, તમારા પૈસા પાછા આપું ને કેસ પણ બંધ કરી દઉં. તમે બાળકને લઈ જાઓ.’

એક તદ્દન ભાંગી પડેલા બાપના હાથમાં બાળકને મૂકતી વખતે હૉસ્પિટલની દિવાલો પણ ધ્રૂજી ઊઠી હશે. માનવે એને સહારો આપી સાથે બેસાડ્યો ને બધા શાંતાબેનને દીકરી સાથે લેવા સરકારી હૉસ્પિટલ પહોંચ્યાં. થોડી વાર વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ ને પછી એક રોક્કળે સૌના ગળામાં ડૂમા ભરી દીધા. શાંતાબેનને અને પરિવારને સહીસલામત ઘરે ઉતારી માનવ, જાહ્નવી અને સ્નેહા સાથે ગાડીમાં ડૉક્ટરોની આવી શૈતાન ટોળીઓ વિશે ચર્ચા કરી રહ્યો હતો.

ધીરે રહી સ્નેહા બોલી, ‘પપ્પા મારા લગનના ડ્રેસ માટે એક લાખ મેં બચાવ્યા છે તે શાંતાબેનની દીકરીના નામે કાલે બૅંકમાં મૂકી આવજો.’ જાહ્વવીએ સ્નેહાને ચૂમીઓથી ને આંસુઓથી નવડાવી દીધી. માનવે પણ આંખના ખૂણા પર હાથ ફેરવ્યો.

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ આવી લાગણીસભર વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો આપણું પેજ.

ટીપ્પણી