“કલંક” – સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને? બહેનો એ ખાસ વાંચવું – નજરે જોયેલ સત્યઘટના આધારિત

0
7
A woman adjusts her scarf as the sun sets over Kashmir's Dal Lake in Srinagar July 18, 2010. REUTERS/Danish Ismail (INDIAN-ADMINISTERED KASHMIR - Tags: ENVIRONMENT SOCIETY) - RTR2GIJ3

કલંક…..

સરસ્વતી મિજાજી હતી! હરવું ફરવું, ખાવું પીવું, પેરવું ઓઢવું એવા એને શોખ. કોલેજમાં હતી ત્યારથી જ એ જીવનને સંપૂર્ણ રીતે જીવવા લાગી હતી. સદનસીબે સાસરિયુ પણ એવું જ મળ્યું હતું. લગ્ન પછી અનિરુદ્ધએ પણ એને જે કરવું હોય એ કરવાની છૂટ આપી હતી. સાડીઓ નું એક કબાટ ભરીને, લાલ, ગુલાબી, ઓરેન્જ, ગોલ્ડન, બ્લ્યુ બધા જ રંગની બધા જ પ્રકારની સાડીઓ. એવી સુંદરતા પણ હતી કે દરેક સાડીમાં એ શોભતી!

સરસ્વતી હતી પણ દયાળુ. ઘર સાચવવું કોઈ એની પાસેથી જ શીખે! બસ એક જ ખામી હતી. એ બાપના ઘરે લાડમાં મોટી થઈ હતી એટલે એને સંસારના નિયમો ખબર નહોતા. લોકોનો ખાસ પરિચય એને નહોતો.

સાસરિયામાં ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી લીલા રાખેલ હતી. સરસ્વતીને તો એની સાથે પણ દોસ્તી થઈ ગઈ હતી! જ્યાં મોટા મોટા માણસો નોકરોને બોલાવે પણ નહીં ત્યાં આ સરસ્વતી લીલા સાથે ગપ્પા મારતી! એને કામમાં મદદ પણ કરતી. ઘણી વાર તો લીલાને કુમકુમ ભાગ્ય કે સાથ નિભાના સાથિયા સિરિયલ જોવા પણ બેસાડી દેતી! જોતા જોતા કરુણ દ્રશ્ય આવે તો સરસ્વતીના ગાલ ભીના થઈ જતા.

“આ બધુ જોઈને શીખવાનું હોય કાઈ રડવાનું થોડી હોય બેન બા!” લીલા ટી.વી. બંધ કરીને કહેતી.
લીલા પણ એવી જ હતી. જ્યાં સુધી સરસ્વતી હસી ન જાય ત્યાં સુધી ઘેર ન જ જતી.

સરસ્વતીનું જીવન બસ આમ મોજથી ચાલતું હતું. રવિવારે અનિરુદ્ધ સાથે ફિલ્મ જોવાનું, અને સોમથી શનિ લીલા સાથે દિવસ નીકાળવાનો.

એક દિવસ સરસ્વતી સવાર સવારથી ચા બનાવીને પી રહી હતી. આ લીલા ક્યારે આવશે ખબર નહિ….. ઘડિયાળમાં જોઈને એ મનોમન બોલી. સરસ્વતી એટલી માયાળુ હતી કે એને એક વાર કોઈ સાથે દોસ્તી થઈ જાય તો પછી એના વગર એને ફાવે જ નહીં!

ફરી ઘડિયાળમાં જોયું દસ વાગ્યા પણ લીલા તો આવી જ નહીં…. ઘરમાં એકલી એ કંટાળી ગઈ. અનિરુદ્ધ તો સવારે વહેલો ઓફીસ જતો રહ્યો હતો. સાસુ અને સસરા પણ ગામડે હતા! અડોશ પડોશમાં બધા શહેરી જીવન શૈલીવાળા હતા. અનિરુદ્ધનું જીવન, ઘર, ગાડી જોઈને જલવા વાળા! એટલે ત્યાં તો કોઈ પાસે બેઠક કરવાનો કોઈ અર્થ જ નહોતો!

આ લીલા પણ એક ફોન રાખતી હોય તો. હવે તો એને એક ફોન જ લઇ આપું એટલે કોઈ માથા કુટ જ નહીં! આખો દિવસ એકલા એકલા નીકાળી સાંજે જમવાનું બનાવ્યું. અનિરુદ્ધ આવ્યો એટલે જાણે આખું ઘર નાચવા લાગ્યું!

સરસ્વતીના ચહેરા ઉપર ચમક ખીલી ઉઠી! માનવ મન કેવું હોય છે? ભલે મોટા મહેલમાં રહેતા હોઈએ પણ એકલા તો ન જ ગમે? એક નાનકડું પંખી પણ જો આવીને ચી ચી કરે તો ઘર હર્યું ભર્યું લાગવા લાગે! એમાં પણ સરસ્વતી તો છેક જ લાગણીશીલ હતી એને તો બાળપણથી જ હસવા બોલવાની ટેવ.

અનિરુદ્ધ સાથે જમતા જમતા આખા દિવસમાં ઓફિસમાં શુ કર્યું એ બધું પૂછી લીધું. પછી અનિરુદ્ધ પાસે કોઈ વાત જ ન વધી એટલે પોતે ચાલુ કરી દીધું.

“આજે તો આખો દિવસ એકલી એકલી કંટાળી ગઈ!”

“કેમ? લીલા ક્યાં ગઈ?”

“એ તો લીલા જાણે પણ આવી નથી એટલી ખબર છે.” સાડીથી મોઢું લૂછતાં એ બોલી.

“આ નેપકીન યુઝ કરને…..!!!!!” અનિરુદ્ધ બોલ્યો.

“નેપકીન…… દરેક વસ્તુ ની દરેક કામની એક અલગ મજા હોય અનિરુદ્ધ. મને યાદ છે જ્યારે હું નાની હતી મમ્મી રોટલી કરતી ત્યારે સાડીથી જ મોઢું લૂછતી…. ત્યારે ક્યાં આ બધું હતું.”

“એટલે મમ્મી કરે એ કરવાનું. પરંપરા જાળવવાની એમ?” અનિરુદ્ધ હસીને બોલ્યો.

“હાસતો… એ તો નથી પણ એના જેવું કરીને એને હું મારી અંદર તો જીવતી રાખી શકું ને….”

સરવસ્તીના ભાવ બદલે અને ફરી રડી પડે એ પહેલાં જ અનિરુદ્ધ સાવધ થઈ ગયો. વાત બદલી દેતા કહ્યું, “આ લીલાને તું એક મોબાઈલ અપાવી દે એટલે કોઈ માથાકૂટ જ નહીં.”

“એ તમને કેમ ખબર કે હું લીલાને ફોન અપાવવાનું વિચારતી હતી?” આંખો ફાડીને સરસ્વતીએ પૂછ્યું…..

“સ્નેહ…….પ્રેમ……લવ………”

“બસ…..બસ….. હવે રેવાદો હો…..” બંને હસી પડ્યા.
બીજા દિવસે સવારે અનિરુદ્ધ ઓફીસ ગયો એટલે ફરી સરસ્વતી એકલી પડી ગઈ. નવનો ટકોરો પડ્યો પણ લીલા આવી નહિ!

ક્યાં ગઈ હશે આ લીલા? મને કહ્યું પણ નથી! તો ક્યાં ગઈ હશે? લાવ ને એના ઘેર જઈને તપાસ કરું. બધું હેમખેમ તો છે ને? સરસ્વતી મનમોજી અને ભોળી તથા દુનિયાના સત્યથી અજાણ હતી પણ એક સ્ત્રી નો જીવ તો એની અંદર હતો જ ને! એના મનમાં સારા ખરાબ વિચાર આવવા લાગ્યા….

ટી.વી. બંધ કરીને કપડા બદલી દીધા. મોબાઈલ પર્સમાં મૂકી પર્સ લઈને નીકળી પડી. ના ગાડી તો નથી લેવી. લીલાને લાગશે ગાડી લઈને આવી! ચાલતી જ એ નીકળી પડી. લીલા નજીકના એરિયામાં જ રહેતી હતી. એ ગળી બે બાજુથી ખુલ્લી હતી. આ તરફના લોકોને પેલી તરફ અને પેલી તરફના લોકોને આ તરફ આવવાની જરૂર ન પડે એવા રસ્તા.

સરસ્વતી ગળીમાં પૂછતી પૂછતી ચાલી ગઈ. થોડી જ વારમાં લીલાનું ઘર આવી ગયું. એક નાનકડું ઘર. બે માણસો રહી શકે એવડું ઘર ગળીના છેક અંતમાં હતું.

સરસ્વતી અંદર ગઈ. એક નાનકડું બાળક રમતું હતું. સરસ્વતીને જોઇને એ બાળક બોલ્યું, “કોઈ આવ્યું છે.”બાળકનો અવાજ સાંભળી એક પુરુષ બહાર આવ્યો. શ્યામ ચહેરો અને લાલ આંખો દેખીને પણ ડર લાગે એવો ખડતલ માણસ!

“આ લીલાનું ઘર છે?” સરસ્વતીએ પૂછ્યું.

“હા. તમે કોણ?” સરસ્વતીનો દેખાવ અને કપડા જોઈ પેલા પુરુષને નવી થઇ કે મારા ઘરે આ બેન????? આ તો કોઈ પૈસાદાર ઘરની લાગે છે.

“હું સરસ્વતી. લીલા મારા ઘરે….”

“ઓહો ! સરસ્વતી બેન તમે????? આવો આવો…..”પેલા માણસે એક ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું, “હું મોહન.”

ક્યાં લીલા અને ક્યાં એનો પતિ? લીલા તો સુકા લાકડા જેવી અને આ તો હાડ માસની દુકાન.

“લીલા ક્યાં છે?” ખુરશી ઉપર બેસતા સરસ્વતીએ પૂછ્યું.

“એ તો સુઈ ગઈ.” જરાક ઉદાસ થઇ મોહને કહ્યું.

“કેમ?”

“એ બે દીવસથી બીમાર છે.”

“કેમ શું થયું?” સરસ્વતી ખુરશીમાંથી ઉભી થઇ ગઈ. અંદરના રૂમમાં જઈને જોયું તો લીલા સુતી હતી. શરીર ઉપર નજર ગઈ. લીલાને ઓરી નીકળ્યા હતા. અખા શરીરે મોટા મોટા ફોડલા!

સરસ્વતી સમજી ગઈ કે કેમ લીલા બે દિવસથી આવતી નહોતી. ઓરી નીકળે તો ઘર બહાર નીકળાય જ નહિ. લીલા સુતી હતી એટલે એણે જગાડી નહિ અને બહાર નીકળી ગઈ.

“દવાખાને બતાવ્યું ને?”

“હા બેન બા.” મોહને કહ્યું.

“સારું તો એનું ધ્યાન રાખજો તમે. ને હા બરાબર ઠીક ન થઇ જાય ત્યાં સુધી આવવાની કોઈ જરૂર નથી એણે કહેજો હો કે.” કહી સરસ્વતી દરવાજા તરફ ગઈ. હજુ દરવાજો વટાવે એ પહેલા જ શબ્દો કાને પડ્યા “ભૂખ લાગી છે……..”

કોમળ શબ્દો સાંભળી સરસ્વતી અટકી ગઈ. છોકરા તરફ ફરીને પૂછ્યું, “તારું નામ?”

“લાલિયો.” આંઠ વર્ષનો લાલો એની રીતે જ એનું નામ બોલ્યો.

“ચાલ જમવા…..” કહી સરસ્વતીએ લાલાને નજીક આવવા ઈશારો કર્યો.

લાલાએ એક નજર બાપા તરફ કરી અને જોયું તો મોહન આંખો બતાવતો હતો. લાલો ત્યાજ ઉભો રહ્યો. સરવતી એ જોઈ મોહન સામે જોયું અને કહ્યું, “નાનું બાળક છે એને ડરાવો નહિ. હું એને મારા ઘરે લઇ જાઉં છું.”

સરસ્વતી લાલા નજીક ગઈ એને ઊંચકીને બોલી, “અમે બેય જમીને આવશું અને તમારા અને લીલા માટે લઈને આવીશું.”

મોહન કાઈ બોલ્યા વગર જ ઉભો રહ્યો. સરસ્વતી લાલા ના ગોળ મટોળ મોઢા ઉપર એ માસૂમ સ્મિત જોતી એના ગાલ ખેંચતી ઘર બહાર નીકળી ગઈ.

ઘરે પહોંચી ટી.વી. ચાલુ કરી કાર્ટુન ચેનલ લગાવી લાલાને સોફામાં ગોઠવી પોતે રસોડામાં ગઈ. આ લીલા પણ જબરી છે હો આવું મસ્ત રમકડું છે ક્યારેય લઈને ન આવી! મનોમન લીલાને ઠપકો આપતી એ રસોઈ બનાવવા લાગી. એને ક્યાં ખબર હતી કે બધી આંગળીઓ સરખી નથી હોતી.

જમવાનું બની ગયું એટલે લાલાને ખવડાવી એક ટિફિન ભરીને ફરી લાલાને લઈને ઉપડી ગઈ. લીલાના ઘેર જઈને લીલાને જગાડી એને પરાણે લીલા અને મોહનને ખવડાવ્યું….. બંને ખાઈ લીધું એટલે ટિફિન પણ જાતે જ દીધું અને લાલાને બાય કહી ફરી ઘરે ચાલી ગઈ….

પછી તો સતત દસ દિવસ એ જ ક્રમ ચાલ્યો. લીલાએ ક્યારેય જીવનમાં એટલો પ્રેમ જોયો નહોતો. એ દિવસે તો લીલા રડી જ પડી હતી….. સરસ્વતી લાલાને જે રીતે રમાડતી એના ગાલ ખેંચીને એને પંપાળતી એ જોઈ લીલાને એક ઘટના યાદ આવી ગઈ….

લીલા પહેલા જ્યાં કામ કરતી ત્યાં એ લાલાને કોઈવાર સાથે લઈ જતી તો “એ ય લીલાડી તારા છોકરા રમાડવા આવી છે કે કામ કરવા…..” એવું સ્પષ્ટ પણે ઘરની માલીક કહી દેતી.

ત્યારે તો લાલો નાનો હતો. એક વાર જૂની શેઠાણી ને ત્યાં એ કામે ગઈ હતી અને લાલો રડવા લાગ્યો એટલે એને સ્તનપાન કરાવવા એ બેઠી હતી. શેઠાણીએ એ જોઈ તરત કહી દીધું હતું કે છોકરા ઘરે રાખીને આવજે.. કેમ જાણે એ શેઠાણીએ પોતાના બાળકોને ધવડાવ્યા વગર જ મોટા કર્યા હશે…

એ જ દિવસે લીલાએ કામ છોડી દીધું હતું. સદનસીબે બીજી શેઠાણી સરસ્વતી બહેન જેવી મળી હતી!

ધીમે ધીમે દવા દુવા અને ખાસ તો સરસ્વતીનો પ્રેમ જોઈને લીલાની તબિયત સુધરવા લાગી. મોહન પણ કામ ઉપર જવા લાગ્યો. તે છતાં સરસ્વતી તો ટિફિન લઈને આવતી.

એક દિવસ સરસ્વતી લીલાના ઘરેથી નીકળી. ગળીને છેડે ઘરની બહાર વાસણ ઘસતી બે ત્રણ બહેનો બેઠી હતી. સરસ્વતીને જોઈને એકનું મોઢું ચડી ગયું…..!

બીજી એ પૂછ્યું, ” કા, તેજલબેન આ ઓરત કોણ છે?”

“અરે ભાવના બેન શુ કહું તમને…… જવાદો હવે….” તેજલબેને મોઢું બાગાડીને કહ્યું…

“કેમ શુ થયું ?” ભાવનાબેનને રસ પડ્યો….

“અરે, મને તો બોલતાય શરમ આવે છે બોલો શુ કહું….” પછી ધીમેથી ઉમેર્યું, “આ સરસ્વતી છે. મોટા ઘરની વહુ છે તો ય આ મોહનીયાના ઘરમાં કાયમ આવે છે. હવે બૈરું માણસ કાયમ કોઈના ઘરે કેમ આવે એ તો જગ જાહેર છે.”

સરસ્વતીને એ શબ્દો સંભળાતા હતા પણ એ કઈ બોલ્યા વગર જ ચાલતી રહી. ના સરસ્વતીના ચહેરા ઉપર જરાય દુખ કે ગુસ્સો નહોતો. એ જાણતી હતી કે ભગવાન કૃષ્ણ ઉપર અને માતા સીતા ઉપર કલંક લગાવ્યું હતું તો મારું તો માત્ર નામ જ સરસ્વતી છે! સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે પણ મને એથી કોઈ ફરક પડતો નથી. હું શું છું એહું જાણું છું. મોહન, લીલા, લાલો અને અનિરુદ્ધ જાણે છે બસ મને બીજાથી શું અર્થ? એ મારા સુખ દુખમાંક્યાં આવવાના છે? એણીએ ઘર તરફ જવાનું ચાલુ જ રાખ્યું!

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

આવી જ સુંદર અને રસપ્રદ વાર્તા વાંચવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here