કલાકૃતિ – એક હૃદયસ્પર્શી વાત !!

“દીકરો મારો લાડકવાયો,
દેવનો દીધેલ છે…”

અનંતરાય રોજ સવારે દોહિત્રને તેના ઓરડામાંથી જગાડવા જાય અને આ પંકિતઓનું પઠન કરે.

નવાનગર ગામના પ્રતિષ્ઠિત વ્યાપારીઓમાંના એક એટલે એટલે અનંતરાય મજુમદાર. નામ પ્રમાણે વ્યક્તિત્વ પણ એટલું જાજરમાન. અનુરાધાદેવી એટલે તેમના પત્ની. સંતાનમાં તેમને એક જ દીકરી. રૂપરૂપના અંબાર સમી, અપ્સરા પણ જેનાથી શરમાઈ જાય તેવી પરિજ્ઞા અનંતરાયની લાડકી. પરિજ્ઞા પહેલેથી જ બધી રીતે હોશિયાર.

ભણવાની સાથે સાથે ગરબા કરે ને પાછી કથકમાં પણ જાય. વળી રોજ સાંજે સુગમ સંગીતના તો વર્ગ ખરા જ. ભરત-ગુથણ-સીવણ ને ચિત્રકામ..! દરેક કલામાં જાણે તેનો હથોટો. તેના હાથની બનાવેલી રસોઈથી લોકો આંગળા ચાટતાં રહી જાય. અનંતરાયે ત્રેવીસ વરસની ઉંમરે પરિજ્ઞાના લગ્ન તેમના એક વ્યાપારીના દીકરા પલાશ સાથે કરેલા. જે તેઓને સાથે જોવે તે જાણે કે તેઓ એકબીજા માટે સર્જાયા છે તેમ સમજી જ જાય. બન્ને કલાના ઉપાસક. પલાશ એક તબલાવાદક સાથે સાથે ફોટોગ્રાફર અને પ્રોફેસર પણ ખરો. જયારે લગ્ન બાદ પરિજ્ઞા કથકના ક્લાસ કરાવતી અને જાણીતી મેગેઝિન્સમાં લેખિકા પણ હતી. ઈર્ષ્યા આવે તેટલો બન્નેનો સુખી સંસાર..!!!!!!!

એક દિવસ પલાશ તેના ઓરડામાં બેસીને રિયાઝ કરી રહ્યો હતો. તબલાની રમઝટ બોલાવામાં મગ્ન પલાશને અચાનક છાતીમાં ટીસ ઉઠી. સાધના ક્યારેય અધૂરી ના મુકવી તેવું માનતા પલાશને થયું કોઈ સામાન્ય દુખાવો હશે, તેથી તેણે તબલા વગાડવાના ચાલુ જ રાખ્યા. ધીમે ધીમે એ દુખાવો વધતો ગયો. પલાશ તબલાની તાલ પણ વધારતો ગયો. એક સમય એવો આવ્યો કે પલાશ તબલા વગાડી જ ના શક્યો!!! તેના હાથ સ્ટીફ થઇ ગયા. પગ ખોટા પડી ગયા. અને એક જોરદાર અવાજ સાથે છાતીમાંથી જાણે હૃદય ઉછળી પડ્યું હોય તેમ તેણે રાડ પાડી અને…..

પરિજ્ઞા દોડતી તેના ઓરડામાં આવી. સાત મહિને પ્રેગ્નન્ટ એવી પરિજ્ઞાને દોડતા દોડતા હાંફ ચડી ગયો. ઓરડાના બારણે આવીને જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને તે ચિત્કાર કરી ઉઠી અને બેભાન થઇ ગઈ. પલાશના માતાપિતા પાછળ આવ્યા અને ઓરડામાં જોયું તો પલાશ જમીન પર ઊંધેકાંધ પડ્યો હતો. આંખોના ડોળા બહાર આવી ગયા હતા, અને બન્ને હાથ છાતી પર જકડાયેલા હતા. હા..!! તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

અને તેને આવી હાલતમાં જોઈને પરિજ્ઞા ગભરાઈને બેભાન પડી હતી. પરિજ્ઞાના સાસુએ તેને પહેલા તો પાણી છાંટીને ભાનમાં લાવવાની કોશિશ કરી પરંતુ પરિજ્ઞા હજુ પણ બેભાન જ રહી તેથી ડોક્ટરને ફોન કર્યો. ત્યારબાદ પોતાના દીકરા પાસે જઈને હૃદય વલોવાઈ જાય એવું આક્રન્દ કર્યું. થોડી વારમાં ડોક્ટર આવ્યા અને પરિજ્ઞાને હોસ્પિટલમાં દાખલ કરી. બીજી બાજુ પલાશને અગ્નિસંસ્કાર માટે લઇ જવાયો। ડોકટરે તાત્કાલિક ઓપરેશન કરવાની વાત કરી. પરિજ્ઞાના સાસુ એક તરફ હોસ્પિટલમાં રહ્યા અને બીજી તરફ પલાશના અગ્નિસંસ્કાર તેના પિતાજીએ કર્યા..!

પરિજ્ઞાના કૂખેથી પુત્રનો જન્મ થયો ત્યારે એને થયું જાણે પલાશની રાખમાંથી આ નવું હૃદય સર્જાયું…!!! તેના પુત્રના જન્મ બાદ તે અત્યંત રડી. તેણે નક્કી કરી લીધું કે હવે લગ્ન નથી કરવા બસ આ દીકરાને ઉછેરવામાં જ જિંદગી વીતી જશે.

પછી તો વરસો વીતતા ચાલ્યા. પાંચ વરસમાં તો તેના સાસુ અને સસરા બન્ને મૃત્યુ પામ્યા અને પરિજ્ઞાના પિતાજીએ તેને પિયર પાછી બોલાવી લીધી. પિયર આવીને પરિજ્ઞાએ તેના પિતાજી પાસેથી પૈસા લેવાની મનાઈ કરી અને કલાસાધના ફરી શરૂ કરીને તેના દીકરા “પરિષ” નું પાલન કરતી.

અનંતરાય પણ પરીષને અત્યંત વહાલ કરતા. રોજ સવારે તેને ઓરડામાં આ જ રીતે જગાડવા જતા.

પરિજ્ઞા પરીષના ઉછેર ખાતર કુંવારી જ રહી. તે રોજ સવારે પરીષને શાળાએ મુકવા જતી. પછી પોતે શરૂ કરેલા કથક ક્લાસમાં વિદ્યાર્થીઓને કથક શીખવાડવા જતી. બપોરે પરીષને લેવા જાય અને ઘરે આવીને તેને રોજ પોતાના હાથથી જમાડે. પરિજ્ઞાએ પરીષને નાનપણથી જ અનન્ય સંસ્કારો વડે સીંચ્યો હતો. ભણવામાં હોશિયાર પરિષ મોટા થઈને આર્મીમાં જઇ દેશની સેવા કરવાનું સ્વપ્ન સેવતો હતો.

જોતજોતામાં સમય પસાર થઇ ગયો અને પરિષ બાવીસ વરસનો થઇ ગયો. અદ્દલ તેના પિતાની પ્રતિકૃતિ સમાન પરિષ આજે આર્મીમાં ભરતી માટે જઈ રહ્યો હતો.

“દીકરા, મારો આધાર તો ફક્ત તું જ છે. તેથી તને આમ મોકલતા જીવ નથી ચાલતો.. પરંતુ આ દેશને તારા જેવા વીર જવાનોની જરૂર છે તેથી તારી આ શૌર્યતા માટે મને તારા માટે ગર્વ થાય છે. તારા ગયા પછી હું બસ હવે આખો દિવસ તારા પાછા આવવાની રાહમાં રહીશ. તારા નાના-નાનીએ તું નાનો હતો ને ત્યારે લગ્ન કરવા ઘણી વખત કહેલું, પરંતુ આ જિંદગીમાં તારા ને મારી કલા સિવાય કોઈને હું પછી પ્રેમ ના કરી શકત તેથી જ મેં લગ્ન ના કર્યા. બસ હવે તું જલ્દી પાછો આવ અને હું તારા લગ્ન કરાવું આટલી જ કામના છે.”

“જી માઁ. બહુ જલ્દી તારા બધા સાકાર થશે. હું પાછો આવીશ ત્યાં સુધી તું ધ્યાન રાખજે.”

પરિજ્ઞાએ આંસુઓની ધાર નહિ ને ખમીરવંતા જોમ અને ગર્વિત મુસ્કાન વડે પરીષને વિદાય આપી.

પરિષના ગયા બાદ પરિજ્ઞા સાવ એકલી પડી ગઈ હતી. હવે તે આખો દિવસ કઈ ને કઈ કાર્યમાં પોતાને મગ્ન રાખતી કે જેથી તેને પરિષની ગેરહાજરી ના વર્તાય. પરિષ પણ એકાંતરા અચૂક તેની માઁને ફોન કરતો.

એક વરસ…
બે વરસ….
ત્રણ વરસ… વીતી ગયા અને પરિષ પાછો આવી રહ્યો હતો. પરિજ્ઞા ખુબ આતુર હતી. પોતાનો દીકરો દેશને સન્માન અને સુરક્ષા અર્પી રહ્યો હતો તેની પરિજ્ઞાને ખુશી હતી….

ને આખરે એ દિવસ આવી પહોંચ્યો….

દરવાજા પર ટકોરા પડ્યા. પરિજ્ઞાએ જઈને દરવાજો ખોલ્યો તો સામે પરિષ એક મોટી મુસ્કાન સાથે ઉભો હતો. અને તેના આશ્ચર્ય સાથે પરિષની આજુબાજુ લગભગ ત્રીસેક જેટલી સ્ત્રીઓ પણ હતી. પરિજ્ઞાએ સૌને આવકાર્યા અને પરીષને તે બધા વિષે પૂછ્યું.

પરિષે કહ્યું,

“માઁ, આ દરેક સ્ત્રી તારી જેમ વિધવા છે. કોઈ ચોવીસની છે તો કોઈ ચાલીસની. કોઈ તો વળી ચોષઠની પણ ખરી.. આ દરેકના પતિ દેશ ખાતર મરી ફિટ્યા અને શહીદ થયા. આ દરેક સ્ત્રી જીવનમાં કંઈક કરવા આતુર છે અને કોઈને તારી જેમ બીજા લગ્ન નથી કરવા. એટલે હું સૌને અહીં લાવ્યો છું. તમે સૌ સાથે મળીને એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરો. તે હંમેશા મારા માટે સઘળું ત્યાગ્યું, તો પણ હું તને છોડીને ચાલ્યો ગયો.. પરંતુ આ બધા સાથે તારી મુલાકાત કરાવીને હવે હૃદયને થોડી હળવાશ લાગે છે.”

પરિજ્ઞા પોતાના દીકરાની સમજણ અને સ્થિતપ્રજ્ઞતા પર વારી ગઈ. બધી સ્ત્રીઓને મળીને તેમની રુચિ-અરુચિ વિષે જાણ્યું અને એક ઉત્તમ વિચારને અમલમાં મુક્યો. જે વિચાર હતો,

“કલાકૃતિ” નો..!!!

“કલાકૃતિ” એક એવી સંસ્થા જે વિધવા બહેનોને વિનામૂલ્યે જાતજાતની કલા વડે માહિતગાર કરે છે. કલાની સાધના અહીં થાય છે, અને સ્ત્રીઓને સન્માન મળે છે. અને ખાસ તો આ કલાકૃતિમાં આવતી સ્ત્રી ને બાળક હોય તો તેને લશ્કરમાં જવા માટે તૈયાર કરાય છે.

કલાકૃતિનો વાર્ષિક મહોત્સવ એટલે “કલાવિવાહ”

જ્યાં વિધવા સ્ત્રીઓના સમૂહલગ્ન એક કલાકાર સાથે યોજાય છે. એક વિધવા એટલે પરિજ્ઞા, આ સમુહલગ્ન યોજીને સમાજમાં અનેરું ઉદાહરણ બક્ષે છે.

પરિષ પણ આવતો રહે છે રજાઓમાં કલાકૃતિને મનભરીને માણવા…! પરિજ્ઞાએ જાણે કલા સાથે બીજા લગ્ન કર્યા છે…!!!!!

લેખક : આયુષી સેલાણી

ટીપ્પણી