“કાળા ચશ્માં” – મુકેશભાઈ સોજીત્રાની આ વાર્તા તમે વાંચી કે નહિ??

ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં” જેવી આચાર્યની બાઈક શાળાનાં દરવાજામાં આવી કે તરતજ એક બટક બોલી, ઊંચી એડીના સેન્ડલવાળી, અપરની એક નવ નિયુક્ત શિક્ષિકા બોલી. અને સાથે બીજાં બે શિક્ષકો પણ ખડખડાટ હસી પડ્યા!! અને આપણી સમાજ વ્યવસ્થા જ એવી કે બહેનો કોઈ પણ વાત કરે , ભલે ને પછી વાતમાં કોઈ દમ ના હોય ભાઈઓ એ વાતને ખુબ વખાણે અને હસે પણ ખરા!!

નવનીતભાઈ શાળાનાં આચાર્ય હતાં . નિવૃત થવામાં બે વરસ બાકી હતાં. પણ તેમની એક ખાસિયત હતી કે ગમે ત્યાં જાય આંખો પર કાળા ચશ્માં પહેરે અને ચશ્માં પણ બાબા આદમ વખતના હતાં. કાચ ઘસાઈ ગયેલાં!! ફ્રેમ ઘણી વાર તૂટી ગયેલી, વળી ગયેલી , પણ દર વખતે ફ્રેમ તૂટે ત્યારે નવનીતભાઈ ફેવી ક્વિક લગાવીને ફ્રેમ સાંધી લે, ઘણાં એને કહેતાં!!

“શું યાર આ પંતુજીવેડા કર્ય છો, નવા નવા આવેલાં ફિક્ષ પગારી પણ આની કરતાં સારા ચશ્માં પહેરે છે ને તું આવા જરી પુરાણા!! કાં તો પહેરવાનું બંધ કર્ય અને કાં નવા લઇ લે,તને મોઢે તો કોઈ કહેતું નથી પણ પાછળથી આખી કેન્દ્રવ્રતીશાળાનાં શિક્ષકો તારા દાંત કાઢે છે દાંત”

પણ નવનીતભાઈ જેનું નામ, જાણે પથ્થર પર પાણી!! એને કાઈ અસર જ ન થાય!! એ ખાલી એટલું જ બોલે,

“અરે આમાં વાંધો શું છે,?? અરે હજુ તો ઘણાં વરસ આ ચશ્માં ચાલે એમ છે.”

એવું નહોતું કે ખાલી શિક્ષકો જ કહેતાં પણ સગા સબંધી અને પોતાના બે પુત્રો પણ કહેતા કે હવે બીજા ચશ્માં પહેરો ને પણ દર વખતે નવનીતભાઈનો એક જ જવાબ!!

“અરે આમાં વાંધો શું છે ?? અરે હજુ તો ઘણાં વરસ ચશ્માં ચાલે એમ છે.”

નવનીતભાઈ તાલીમમાં જાય તો ઘણાં દુરથી બોલી ઉઠે!!

“આવી હો ઘરડી ઘોડીને લાલ લગામ!! આ ચશ્માં ના પહેરે તો તૂટીને શું ભડાકો થઇ જવાનો છે?? માથાના વાળ જતાં રહ્યા પણ મારા બટાની સ્ટાઈલ ના ગઈ હો”

એક વખત નવાસવા થયેલા કેનીએ નવનીતલાલને કહ્યું.“તમે હવે પછી ચશ્માં ના પહેરતાં” “કેમ” નવનીતભાઈએ કહ્યું.

“એમ એટલે એમ, કીધું ને એક વાર નથી સમજાતું” નવાસવાને એમ કે થોડોક રોફ જમાવી લઈએ.

“સાહેબ એવો કોઈ પરિપત્ર ખરો કે જેમાં ચશ્માં પહેરવાની મનાઈ હોય?? બાકી ચશ્માં તો પહેરાશે જ, કાયમ પહેરાશે જ !! “ નવનીતભાઈ એ કહ્યું અને સહુ સપડાક થઇ ગયેલાં!!

આવા નવનીતભાઈ નિવૃત થયાં!! છોકરાં બેય અમદાવાદ અને વેલ સેટ!! બે વરસ પહેલાં નવનીતભાઈની પત્નીનું અવસાન થયું અને એ જતા રહ્યા અમદાવાદ!! પણ પેલાં ચશ્માનો પ્રોબ્લેમ તો ત્યાય નડ્યો. સોસાયટીમાં બધાય જોઈ રહે કે આવા ભાંગલા તૂટલાં ચશ્માં આ કેમ પહેરતાં હશે!!

એક દિવસ રાકેશ નવા રે બન ના ચશ્માં લાવ્યો, અને આપ્યાં નવનીતભાઈ ને અને કીધું.

“બાપુજી આ ચશ્માં પહેરજો. આ જુના ઠોઠીયા જેવા ચશ્માં પહેરીને તમે અમારી આબરૂ કાઢો છો આબરૂ!! લોકો કેવું વિચારે!! આ રે બન ના ચશ્માં છે .આંખોને ઠંડક રહેશે,અને કલીયારીટી પણ વધી જશે જોવાની!! વળી યુવી પ્રોટેકશન છે અને દસ હજારના છે!!”

“અરે એમાં વાંધો શું છે, આવો ગાંડો ખર્ચ કરાય, આ ચશ્માં તો હજુ ઘણાં વરસ ચાલે એમ છે” એમ કહીને રે બન ચશ્માં પાછાં આપી દીધેલાં!! દીકરાએ અને વહુએ ઘણું સમજાવ્યા પણ માને તો ને અને આમેય નિવૃત શિક્ષક્ને સમજાવવા એ એવરેસ્ટ ચડવા જેવું કામ!! આખી જિંદગી જેની વિદ્યાર્થીઓને સમજાવવામાં ગઈ હોય એ કોઈનું સમજે?? વાતમાં માલ નહિ!!

બે દિવસ પછી સવારમાં નવનીતભાઈને ચશ્માં ના મળ્યાં!! ખુબ ગોત્યાં પણ ના મળ્યા. છેવટે એણે પોતાની પુત્રવધુ સુરભિને કહ્યું.
“સુરભી બેટા મારા ચશ્માં નથી મળતા તમે જોયા છે ક્યાંય”
“ આ લ્યો બાપુજી, હવે થી આ પહેરજો” એમ કહીને સુરભીએ પેલા નવા રે બન ના ચશ્માં આપ્યાં.

“ અરે આ નહિ , પેલાં ચશ્માં!! મારાં ચશ્માં!!” નવનીતભાઈ ચિંતાતુર જણાયાં.
“ એ ભંગાર ને તો મેં કચરાના ડબ્બામાં નાંખી દીધાં છે, ચારે બાજુ થી તૂટી ગયા છે અને કેવાં બેહુદા દેખાય છે એ તમે પહેરો છો ત્યારે”

“અરે ભારે કહું વહુ બેટા, ભારે કરી તમે” કહીને નવનીતભાઈ બહાર દોડ્યા!! બહાર પડેલા કચરનો ડબ્બો ઉંધો વાળ્યો, ઘરનાં કચરા અને કેરીના ગોટલા વચ્ચેથી એણે જાળવીને ચશ્માં કાઢ્યા અને અને બહાર ફળિયામાં આવેલાં વોશ બેસિનમાં તેઓ ચશ્માને ધોઈ રહ્યા હતાં.

અને રાકેશ ખીજાયો!! બરાબરનો ખિજાયો!! સુરભીનું મોઢાં પર પણ ગુસ્સો સાફ છલકાતો હતો.

“આખરે એવું તે શું દાટ્યું છે આ ચશ્માંમાં કે તમે એને મુકતા જ નથી,??કોઈ વાતે સમજતા નથી.???”

“એમાં એવું છે ને બેટા કે ૧૯૮૦માં હું નોકરીએ લાગેલો!! ૧૯૮૨ માં પરણેલો!! પગાર ખુબ જ ટૂંકો મહીને ૩૨૫ રૂપિયા આવતાં!! મારો સંબંધ થયો અને તારી મા ખેતરમાં દાડિયું કરતી અમારાં બેયની સ્થિતિ અત્યંત ખરાબ,!! એનાં પત્રો આવતાં!! હું પણ પત્ર લખતો!! એ ખેતરોમાં નિંદવા જતી, શીંગ વીણવા જતી!! ખુબ કામ કર્યા છે એણે!! લગ્નના એક વરસ પહેલા અમે તરણેતરના મેળામાં ભેગા થયેલાં.ત્યારે મેં એને પહેલી વાર જોયેલી!! અમે સાથે મેળામાં ફર્યા!!

એ વખતે આ ચશ્માં મેં ત્યાં એક લારીમાં જોયા મને ગમી ગયેલાં પણ ઈ વખતે આના પચાસ રૂપિયા હતાં!! ખુબ જ મોંઘા!! મારો તો જીવ ના ચાલ્યો.!! પણ તારી મા એ એની દાડીની કમાણીમાંથી મને ચશ્માં લઇ દીધેલાં!!એણે ખેતરમાં પાડેલા પરસેવાના આ ચશ્માં છે!! મેં તો ના પાડેલી કે આવા મોંઘા આપણને ના પોહાય પણ ઈ કહે કે તમે પહેરી તો જુઓ!! તમને કેવા શોભે છે!! અને એમ કહીને એણે એના હાથે મને આ ચશ્માં પહેરાવેલા બેટા!! એમના હાથે મને ચશ્માં પહેરાવેલાં!! અત્યારે તારી માં તો નથી, પણ આ ખાલી ચશ્માં નથી બેટા મારી જીવતરની બે આંખો છે!!” અને સાફ કરેલાં ચશ્માં નવનીતભાઈએ આંખો પર ચડાવ્યાં અને એ મોર્નિંગ વોકમાં ચાલી નીકળ્યાં!!

રાકેશ અને સુરભિની આંખોના ખૂણા પણ ભીના થઇ ગયાં હતાં.!!

લેખક :- મુકેશ સોજીત્રા

હવે દરરોજ વાંચો મુકેશભાઈ સોજીત્રાની વાર્તા ફક્ત અમારા પેજ પર, લાઇક કરો અને શેર કરો.

ટીપ્પણી