ગુજરાતનો આ ખેડૂત નકામી ખેતીથી કરે છે લાખોની કમાણી, કડવા કોઠીંબાની કાતરીનો સ્વાદ પહોંચ્યો 18 દેશોમાં

ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય ગણવામાં આવે છે. રાજ્યનાં અનેક ખેડૂતો આધુનિક યુગમાં ખેતીમાંથી ભલભલા પગારદારોને પાછા પાડી દે તેવી કમાણી કરી રહ્યાં છે. યુવાનો ભણી-ગણીને નોકરી કરવાને બદલે ખેતી તરફ વળ્યાં છે. જો કે પહેલાથી માત્ર ખેતી કરી રહેલા અને ઓછું ભણેલા ખેડૂતોએ પણ પોતાની શૂઝબુઝથી નવી ખેતી કરી નવો માર્ગ કંડાર્યો હોય તેવા પણ અનેક કિસ્સા છે. જેઓ પણ લાખોમાં કમાણી કરી રહ્યાં છે. કેશોદ વિસ્તારનાં આવા જ એક ખેડૂત સાથે વાતચીત કરી હતી, જેમણે કંઈક નવું કરવાની અને ભૂતકાળ બની ગયેલી ખેતી કે પછી કોઈ ન કરે તેવી ખેતી કરવાનો વિચાર આવ્યો, અને આજે તેઓ સરકારી સહાય કે અન્ય સહાય વિના આ ખેતી દ્વારા લાખોની કમાણી કરી રહ્યાં છે.

કોઠીંબા નામ પડતા જ મોંમાં કડવાશનો અનુભવ થવા લાગે, પણ જો તમને કોઈ કહે કે આ કડવા કોઠીંબા થકી કોઈ લાખોની કમાણી કરી રહ્યું છે. તો તમને લાગશે કે ઠોકમઠોક ચાલુ કરી છે, પણ આ વાત સાચી છે. કેશોદ વિસ્તારમાં હીરા ઘસીને પરીવારનું ગુજરાન ચલાવતા ખેડૂત હરસુખભાઈ ડોબરીયા હાલમાં વિશ્વનાં 17-18 દેશોમા કડવા કોઠીંબાનો સ્વાદ ચખાડી રહ્યાં છે. એટલે કે કોઠીંબામાંથી બનતી કાતરીને વિદેશમાં પણ મોકલે છે. સાથે જ હવે તેઓ આશરે 30 જેટલા ખેડૂતોને આ ખેતીનું બિયારણ આપીને તેમને પડતર જમીનમાંથી પણ કમાણી કરતા કર્યાં છે. હરસુખભાઈ તેઓની પાસેથી પણ કોઠીંબા વેચાતા લઈ કાતરી બનાવે છે.

ખેતી અંગે વાત કરતા હરસુખભાઈએ જણાવ્યું હતું કે, લુપ્ત થતી જતી ખેતીને જાળવી રાખવા માટે મને 19 વર્ષ પહેલા વિચાર આવ્યો હતો. ત્યારે ઘણું વિચાર્યા બાદ કડવા કોઠીંબાની વિસરાતી જતી ખેતી કરવાનો નિર્ણય કર્યો. કડવા ગણાતા કોઠીંબા ડાયાબિટીસ તેમજ પાચનશક્તિ માટે ઉત્તમ હોવાથી અને પડતર જમીનમાં પણ આ ખેતી થતી હોવાથી પાંચ વીઘામાં ખેતી શરૂ કરી. શરૂઆતી મુશ્કેલી વિશે તેઓએ કહ્યું હતું કે, શરૂઆતમાં સગા-સંબંધી અને પાડોશના લોકો આ ખેતી અંગે મજાક ઉડાવવા લાગ્યા, કે આવી નકામી ખેતી કોણ કરે? કેમ કે કોઠીંબા ગમે ત્યાં ઉગી નીકળે અને કોઈપણ તેને અડે નહીં, પશુ પણ આહાર તરીકે ન લેતા હોવાથી લોકો આ ખેતીને નકામી માનતા હતા. જો કે 40-50 દિવસમાં ઉત્પાદન શરૂ થયા બાદ તેની સુકવણી કરીને કાતરી બનાવી ઘરેથી જ તેનું વેચાણ શરૂ કરતા મારી મજાક ઉડાવતા સૌકોઈ અંચબામાં પડી ગયા હતા.

હરસુખભાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતનાં વર્ષથી જ કાતરીનો સ્વાદ સારો હોવાથી અહીં રહેલા સગા-સંબંધી તેમજ ગામનાં લોકો વિદેશમાં પણ લઈ જતા થયાં, જેથી સારી કમાણી થવા લાગી. હાલમાં હરસુખભાઈનાં હોમ પ્રોડક્સનની કડવા કોઠીંબાની કાતરી સંબંધીઓ મારફતે 17થી 18 દેશ સહિત મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા તેમજ રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હરસુખભાઈ અન્ય 30 જેટલા ખેડૂતોને કોઠીંબાનું બિયારણ આપીને તેમની પાસે પડતર જમીનમાં ખેતી કરાવે છે. આ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપીને પાક તૈયાર થયા બાદ તેઓ તેમની પાસેથી કોંઠીબા ખરીદી દે છે. તેથી અન્ય ખેડૂતોને પણ પોતાની પડતર જમીનમાંથી કમાણી કરવાનો રસ્તો મળ્યો છે.

કેશોદ વિસ્તારનાં આ પ્રગતિશીલ ખેડૂત વર્ષે એક લાખ કિલો કોંઠીબાની સુકવણી કરે છે. તેઓએ જણાવ્યું હતું કે 25 કિલો કોઠીંબામાંથી માત્ર અઢી કિલો કાતરી તૈયાર થાય છે. અન્ય ખેડૂતો પાસેથી કોઠીંબાની ખરીદી તેઓ વર્ષે એક હજાર કિલો જેટલી કાતરી તૈયાર કરે છે. જેને 400થી માંડીને 500 રૂપિયા કિલોનાં ભાવ દીઠ વેંચે છે. તેઓએ જણાવ્યું હતું કે આશરે 45 ટકા જેવું સ્થાનિક અને 55 ટકા જેવું વિદેશમાં કાતરીનું વેચાણ થાય છે. જેથી આ ખેડૂત નકામી ગણાતી ખેતીમાંથી પણ લાખોની કમાણી કરે છે.

કાતરી તૈયાર કરવાની રીત અંગે માહિતી આપતા હરસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોઠીંબાની ખેતીમાં દવા-ખાતર વગર 40 દિવસે ઉત્પાદન મળવાની શરૂઆત થાય છે. જરૂર મૂજબ પાણી આપીએ એટલે વીઘા દીઠ અંદાજે 400-500 મણ જેટલું ઉત્પાદન મળે છે. ખાતર કે દવાની આ ખેતીને જરૂરીયાત રહેતી નથી, જેથી વાવેતર અને અન્ય ખર્ચો પણ નહીવત માત્રામાં આવે છે. કોઠીંબા હળવા કેસરી રંગનાં થાય એટલે તેનો ઉતારો કરી લેવાનો અને બે ફાડા કરીને 20 કિલો કોઠીંબાને 500 ગ્રામ મીઠામાં ભેળવી 1 દિવસ ભરી રાખવામાં આવે છે. ત્યાર બાદ 20 દિવસ સુધી સુકવણી કરીએ એટલે કાતરી તૈયાર થઈ જાય છે.

હરસુખભાઈ કાતરીની સાથે સાથે ઈકો ફ્રેન્ડલી ચુલા અને તાવડી પણ તૈયાર કરે છે. સ્થાનિક લેવલે ગોકુલનાં ચુલા તરીકે ખ્યાતિ પામ્યા છે. ખેડૂતની સાથે સાથે હરસુખભાઈ પર્યાવરણપ્રેમી પણ છે. આજનાં સમયમાં ભાગ્યે જ જોવા મળતી ચકલી સંવર્ધન માટે તેઓએ ખાસ માળા બનાવ્યા છે. અને તુંબડાનું વાવેતર પણ કરે છે. તુંબડાને તેઓ ચકલાના માળા તરીકે તૈયાર કરે છે. ચોમાસાના ચાર મહિના હરસુખભાઈનાં આંગણે જાણે પંખીઓનો મેળો જામ્યો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. હજારો ચકલીઓ, પોપટ અન્ય પક્ષીઓ તેમનાં આંગણે આતિથ્ય માટે પધારે છે. તેઓ દર વર્ષે પોતાની બચતમાંથી એક લાખ રૂપિયાની ચણ પક્ષીઓ માટે ખરીદે છે. આમ, તેઓ પર્યાવરણ-પ્રકૃતિ બચાવવામાં પણ એક આદર્શ વ્યક્તિ તરીકે ખ્યાતિ પામ્યા છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ટીપ્પણી