કાકા ફેસબુકમાં એકાઊંન્ટ ખોલાવિયું કે નહિ?

રવિવાર ની સવારે હું સોફા ઉપર બેસીને છાંપાના પાના ઉથલાવતો હતો. આંખુ છાપું ફફોસી માર્યું પણ સમ ખાવા પુરતું એક સમાચાર શોધી ના શક્યો. આજના છાંપા, છાંપા કરતા વધારે રામ-સે બ્રધર ની હોરર ફિલ્મ ની સ્ક્રીપ્ટ જેવા વધુ લાગે છે. —માતેલા સાંઢની જેમ આવતો ખટારો ૬ ને ભરખી ગયો… એક સાથે દસ -દસ અર્થીઓ ઉઠી ને ગામ આખું હિબકે ચડ્યું….નરાધમોએ અબળા ની લાજ લુટી…ફલાણો પંખે લટકી ગયો, ઢીકણો પાટે સુઈ ગયો… આ બધા સમાચારોની વચ્ચે હું સમાચાર શોધતો રહ્યો. કઈ મળ્યું નહિ તો કંટાળી ને મેં ટીવી ચાલુ કર્યું. તો બ્રેકીંગ ન્યુઝ માં પેટ્રોલ છાંટી ને કોઈ આત્મ વિલોપન કરવા જઈ રહ્યોં હતો! એ દીવાસળી ચાંપે તે પહેલા મેં મારા રીમોટ ની લાલ સ્વીચ ચાંપી દીધી. થોડા ઊંડા શ્વાસ લઇ ને મગજમાંથી આ બધો કચરો કાઢવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો અમારા પાડોશી નો કોલેજ માં ભણતો સ્માર્ટી જીમી આવી ગયોં. સાંચુ નામ તો જીવણલાલ મિસ્ત્રી છે પણ એ પોતાને બધે જીમી થી ઓળખાવે છે.

કાકા ફેસબુકમાં એકાઊંન્ટ ખોલાવિયું કે નહિ?….કેમ બેંક ઓફ ઇન્ડિયા કરતા વધુ વ્યાજ આપે છે? મેં પૂછ્યું. અરે કાકા કઈ દુનિયા માં વસો છો હું બેંક ના એકાઊંન્ટની વાત નથી કરતો. ફેસુબુક કાકા ફેસુબુક. કમ્પ્યુટર….ઈન્ટરનેટ….ફેસુબુક. ….અલ્યા એય અલીગઢ થી નથી આવ્યો ઈન્ટરનેટ, કમ્પ્યુટર આ બધું વર્ષો થી ખબર છે. પણ આ ફેસબુક વળી શું છે? ….જુઓ કાકા હું તમને બતાવું. એમ કહી ને એણે કંઇક કાળી પાટી જેવું કાઢ્યું.—- કેમ ભાઈ તમે કોલેજ માં પાટી લઇ જાવ છો? મેં પૂછ્યું…. અરે કાકા આ આઈ -પેડ છે, એમાં એપ્સ હોય. ઓહ તો આ ઝાડમાં વાંદરા હોય…..હવે શું કાકા મેં એવું ક્યાં કીધું…..કેમ તે જ તો કીધું આ પેડ છે, હિન્દી માં ઝાડ ને પેડ કહેવાય અને એપ્સ એટલે અંગ્રેજી માં વાંદરા….. શું મજાક કરો છો કાકા તમારે ફેસબુક જોવું છે કે નહિ?….હા ભાઈ હા જોવું છે બતાવ તારું ફેસબુક.

કાળી પાટી પર કોઈ કંકુ ના ચાંદલા કરતુ હોય કે સાથીયા દોરતું હોય તેમ એ આંગળી ફેરવવા લાગ્યો. થોડી વારમાં એક બ્લુ કલરના પટ્ટા વાળું સફેદ વેબ પેજ ખોલ્યું. અલ્યા આ ફેસબુક છે? મેં પૂછ્યું. આ તો મને ખબર છે… આપણો બ્રહ્માણી હેર કટિંગ સલુન વાળો લીમ્બાચીયો નહિ, જયારે પણ વાળ કાપવા માટે લાંબી લાઈન હોય ત્યારે એ મને એનું લેપટોપ પકડાવી ને આવુજ કોઈ પેજ ખોલી ને આપે છે, અને કહે છે કે તમે સારું લાખો છો તો અમારા ગ્રુપ વિષે કઈ મારા વતી લખી દો…. શું નામ હતું એના ગ્રુપ નું…..લેટ મી થીંક……. હા-હા પ્રોગ્રેસીવ વાળંદ સમાજ.

હવે તમે શું કાકા વાળંદ સમાજ ના પેજ પર જાવ છો.– કેમ વાળંદ માણસ નથી એને એનો સમાજ ના હોય? — હશે કાકા પણ જુવો હું તમને બતાવું કે આ ફેસબુક કેમ ઓપરેટ થાય. જો તમારે અહી રજીસ્ટર કરવાનું, પછી તમારો ફોટો ચડાવી ને બધાને ફ્રેન્ડ ની રીક્વેસ્ટ મોકલવાની, આને વોલ કહેવાય.—- ભાઈ મારા ફ્રેન્ડ ની રીક્વેસ્ટ મોકલવાથી થોડો કોઈ ફ્રેન્ડ થાય? ફ્રેન્ડ તો સ્કુલ ના દિવસો માં થાય, ગલીમાં ક્રિકેટ રમતા હોય ત્યારે થાય કે સ્કુટર પર રાત ના બે વાગ્યા સુધી ૩ સવારી માં ફરતા હોય કે ચાની કીટલી પર જેની સાથે ચા પીતા હોય ત્યાં થાય. ફેસબુક પર થોડા થાય.??—- અરે કાકા તમે કોન્સેપ્ટ સમજો. તમે એક આખું નેટવર્ક ઉભું કરી શકો.— ઓહ અચ્છા, લાવ તો તારું ફેસબુક ની એકટીવીટી તો જોવા દે. જુઓ કાકા પણ કઈ મચડતા નહિ. અરે ડોન્ટ વરી દોસ્ત લાવ જોવા તો દે. એમ કહી ને મેં એની કાળી પાટી હાથ માં લીધી.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ઓ હો હો આ શું ૧00૭ તારા ફ્રેન્ડ છે.! તો તું આ બધા ને ઓળખે છે? —- આઈ મીન કાકા ખ્યાલ છે , જુઓ કાકા આ પેલો મારો ફ્રેન્ડ વીકી નહિ—હા પણ આ ક્યાં વીકી નો ફોટો છે. —-નાં કાકા આ વીકી નથી પૂરું સાંભળો તો ખરા, આ વીકી ના પાડોશી ને ત્યાં જે એ.સી ની સર્વિસ કરવા આવે છે એનો સન છે.—- હે! –ઈ તારો ફ્રેન્ડ છે?? ના કાકા પણ ટચ માં રહેવાનું ક્યારેક એસી બેસી બગડે તો કામ માં આવે….. આઈ નો કાકા થોડા વધી ગયા છે, પણ ડીલીટ કરવાનો ટાઈમ નથી મળતો. —- અરે એ તો ઇઝી છે લખી નાખ કે મિત્રો મારે દસ હજાર રૂપિયા ની તાત્કાલિક જરૂર છે. જોઈ બીજે દીવસે ૧૦0૭ માંથી ખાલી ૭ જ બાકી રહેશે. અરે ના કાકા એવું કઈ નથી કરવું આપણે… કાકા તમે પણ આવું જોરદાર ફ્રેન્ડનું લીસ્ટ બનાવી ને બધાના ટચ માં રહી શકો. અલીયા આટલા બધા ના ટચ માં રહેવા જઈ એ તો પછી આપણી વાઇફ સાથે આપણો ટચ છુટી જાય. હશે લાવ આગળ જોવા દે….. લે આ શું છે — “માય પ્રિન્સ બર્થ ડે પાર્ટી પિક્ચર”— લાવો તો પ્રિન્સ ની બર્થડે પાર્ટી ના પિક્ચર જોઈ એ….. ઓ..હો… હો આનો બાપ તો બળદીયા જેવો ને માં હિડિંબા જેવી લાગે છે. અને આપણો આં પ્રિન્સ કયા એન્ગલ થી પ્રિન્સ લાગે છે? ઘટોત્કચ જેવો તો પ્રિન્સ છે. લખી નાખું હેપી બર્થડે ટુ ઘટોત્કચ?—- રહેવાદો કાકા આગળ જુવો….. હમમ.. આ જોવા દે… આ ભાઈ કોણ છે આટલા બધા સુવિચાર લખવા બેસી ગયા છે….અલ્યા એક દિ માં આણે કેટલા સુવિચાર ઠોકી દીધા છે…..આ જબાદીયો આખો દિ ફેસુબુક પર જ બેસી રહેતો લાગે છે…ફિલોસોફી પર ફિલોસોફી ઝાડે રાખી છે આમ ૨૪ કલાક ફેસબુક પર પડ્યો રહે છે તો ખરે ખર તો એણે જ આમાનો કોઈ એક સુવિચાર જીવન માં એપ્લાય કરવાની જરૂર લાગે છે. — મુકો એને કાકા આગળ વધો— લેટ મી ચેક…. આ કોક પરદેશ ફરવા ગયો લાગે છે…ઓત્તારીના આટલ બધા ફોટા? ફરવા ગયોં તો કે ફોટા પાડવા? સમજ્યા વગર દીધે જ રાખીયા છે… અને પાછી સ્ટાઈલ તો જો પેલા રણબીર કપૂર જેવી મારે છે…. આ ઢગો ચાલીસ નો તો દેખાય છે…જો તો ખરો હેવમોર ના ચણા પૂરી ની પૂરી જેવું તો મોઢું સુજી ગયું છે. ટીશર્ટમાંથી ફાન્દ બહાર ડોકા કાઢે છે…તો પણ ફેસબુક પર રહી ગયો હોય એમ અદા થી ફોટા ચડાવે છે.— કાકા શોખ ની વાત છે…. તમે કાકી ને ફરવા નાં લઇ જાવ એવું બીજા તો ના કરે ને. —હે……! હશે… હશે… ચાલ આગળ વધીએ….લે આ ભાઈ એ તો યુટ્યુબ ની વીડિઓ જ ચડાવે રાખી છે… બીજું કાય કામ નથી લાગતું. પણ દોસ્ત આ વીડિઓ હું યુટ્યુબ પર જઈ ને ના જોઈ શકું? — એવું નથી કાકા આ વીડિઓ એની પસંદ ની છે.—તો એની પસંદ ની છે તો મારે કેટલા ટકા?

અરે કાકા તમને કઈ સમજણ નથી પડતી…. એકલી વિડીઓ નથી હોતી, ભગવાનના ફોટાના પોસ્ટ પણ હોય છે ઘણા ગીતા વિષે પણ લખે છે.—– અરે ગીતા વિષે ક્યાં લખ્યું છે? ક્યાં છે સાલી ચાર દિવસથી ગેલેરીમાં નથી આવી. —અરે કાકા રહેવાદો આ રાઠોડ સાહેબની પત્ની ગીતા ની વાત નથી…અને જો રાઠોડ સાહેબ ને ખબર પડશે કે તમે દાઢી કરતા-કરતા પાણી લેવાના બહાને સવારે ચાર વાર રસોડાની ગેલેરીમાં આવો છો તો જરા વિચારજો તમારું શું થશે…. રાઠોડ સાહેબ પોલીસખાતા માં છે, સવારે સફારી પહેરી ને બુલેટ પર સાઈડ માં પિસ્તોલ રાખી ને નીકળે છે…. તમારી જેમ બદનીયું ને મેલો લેઘો પહેરી ને સ્કુટી પર થેલી લટકાવી આદુ મરચા લેવા નથી નીકળી પડતા. અને હા કાકા ગેલેરીમાં આટા મારવાનું ઓછુ કરો, આ ૮ નંબરના પ્રોફેસર માંકડ નહિ? રોજ સવારે એકનો એક ટુવાલ ગેલેરીમાં છ વાર સરખો સૂકવવા નીકળતા હતા…હમણાં એક દિ રાઠોડની નજરે ચડી ગયા…છેલ્લા એક અઠવાડિયાથી લંગડાઈ ને ચાલે છે… પૂછો તો પ્રોફેસર સાહેબ કહે છે કે કાય નહિ થોડી મચકોડ આવી ગઈ છે. …પણ હકીકતમાં રાઠોડે એમના જ લેકચર લઇ લીધા છે.—- લે ભાઈ એમ વાત છે… આજથી દાઢી કરવાનુજ બંધ.— મેં કહ્યું.

આપણે ભાઈ આડી વાતે ચડી ગયા પણ પાછુ તારું ફેસબુક ચેક કરવા દે….– લે આ ચેક ઇન શું છે?—– કાકા તમારી પાસે કોઈ મોબાઇલ હોય અને તમે કોઈ હોટેલ માં ઉતર્યા હો કે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો, તો તમે આ બટન દવાબી તમારું લોકેસન લોકો ને જણાવી શકો. સાથે કોઈ નોટ પણ મૂકી શકો.— હે તો હું જાજરૂ માં ગયો હોઉં તો મારું લોકેસન લોકોને જાણવી શકું?? ને સાથે એવી નોટ મૂકી શકાય કે આજે ચોથો દિવસ છે પણ દસ્ત સરખો ઉતરતો નથી, અત્યારે ચેક આઉટ કરું છું ને કાલે વળી પાછો ચેક ઇન કરી ને ટ્રાય મારીશ.— શું કાકા તમે પણ….— દોસ્ત એ ખબર ના પડી કે આપણે ક્યાં છે ને શું કરીએ છીએ એનું ભાગવત આખી દુનિયા આગળ કરવાની શું જરૂર? — એ મને ખબર નથી કાકા, બધા આ ફીચર યુસ કરે છે એટલે આપણે પણ કરવાનો. — દોસ્ત બીજી તારા આ ફેસબુક માં ખબર ના પડી કે બધા પિકચરો નીચે એક બે શબ્દ જ કેમ લખે છે . વેરી નાઇસ, ક્યુટ, સુપર્બ પણ આગળ કઈ કેમ લખતા નથી? આઈ મીન વિચારો ની આપ લે – બ્રેન સ્ટોર્મીંગ એવું કઈ તો દેખાતું નથી. — ઈ વળી શું હોય કાકા? — અને કાકા તમે સમજો, આપણે ગુજરાતી રહ્યા ઈંગ્લીશ માં એક વાક્ય લખવા કરતા આપણા માટે એવરેસ્ટ ચડવો સહેલો છે. એટલે પછી આપણે ટુંકાણ મા હાય ને બાય થી જ પતાવી દઈએ.

તો કાકા કેવું લાગ્યું તમને આ ફેસબુક?.— સાચું કહું દોસ્ત મને આ નવરા માણસ નું કામ લાગ્યું. અરે કાકા એમ કઈ હોય તો તમે બ્લોગ લખો છો એ શું છે? — અરે નાના એ તો હું માંર વિચારો પ્રદર્શિત કરુ છું. ઓકે કાકા એવું રાખો — લાવો મારું આઈ પેડ મારે એક બે જગ્યા એ ટ્વીટ કરવાના છે.— ઓહ તને પેટમાં વીટ આવે છે ઉભો રહે તને ઇનો પીવડાવું? કાકા ટ્વીટ— ટ્વીટ…ટ્વીટર ની વાત કરું છું.—– લે એ વળી કયું જનાવર નું નામ છે…. કાકા પછી ક્યારેક કહીશ અત્યારે મોડું થાય છે. એમ કહી ને અમારો જીમી એની કાળી પાટી લઇ ઘરની બહાર નીકળી ગયો.

વળી પાછો હું સોફા પર બેઠો બેઠો વિચારોના ચગડોળે ચડ્યો. સાલું આ ફેસબુક છે શું? નાના મોટા બધાને ઘેલું લગાડીને બેઠું છે. ટ્રેન- બસ સ્ટોપ, રેસ્ટોરન્ટ જ્યાં કઈ જોઈએ તો પેલું નાનું બાળક જેમ અરીસા સામે એકલું એકલું બબડ બબડ કરી ને હસતું હોય તેમ લોકો એકલા એકલા ગાંડા ની જેમ ફોન સામું જોઈ ને હસે રાખે છે. ફેસબુક પર ફ્રેન્ડના લીસ્ટ વધી રહ્યા છે પણ માણસ ના અરસ-પરસ ના સવાંદ ઘટી રહ્યા છે. માં- બાપ છોકરાને વિડ્યો ગેમ રમવાની નાં પાડે છે પણ પોતે ફેસબુક પર થી ખસતા નથી. ક્યાંક એવું તો નથી કે અંદર થી એકલો પડી ગયેલો માણસ ફેસબુક પર સવાર સાંજ આટા મારી ને પોતાની એકલતા છુપાવી રહ્યો છે? ખબર નહિ માણસ ને પોતાની આખી લાઈફના પાનાં દુનિયા સામે ખોલી નાખવામાં શું મજા આવે છે. માણસ ફેસબુક પર શું અને કોને શોધી રહ્યો છે એ હું સમજી શકતો નથી…..

હજી કઈ આગળ વિચારું ત્યાં મારી પત્ની એ અંદર થી બુમ પાડી —– ” સાંભળો છો આ કબાટ ના ઉપલા ખાના માંથી આપણા લગ્ન ના જુના ફોટા કાઢી દિયોને, મારે સ્કેન કરી ને ફેસબુક પર મુકવા છે…..”

લેખક :- કેયુર વસાવડા

ટીપ્પણી