જજમેન્ટલ – આપણી જ સાથે બનતી ઘટના ઓ નો અરીસો !!! A must social story

” સાહિત્ય એકેડેમી ” ટેક્ષી ડરાઇવર ને પહોંચવાના સ્થળ નું નામ કહી ટેક્ષી માં હું ગોઠવાયો ને બાજુ ની સીટ ઉપર પહેલેથી એક યાત્રી ગોઠવાયેલા હતા. હતા નહીં હતી. ટેક્ષી આગળ વધી ને ટૂંકા સફર માં સહ યાત્રી નો સાથ સંવાદ મેળવવા ની આશા એ એક ઔપચારિક ” હેલો ” કહી નાખ્યું. પણ ઉત્તર માં એ શરીરે કોઈ પ્રતિક્રિયા ન દર્શાવી. કદાચ અજાણ્યા યુવક જોડે વાતો કરવી સ્વાભાવ માં ન હોય. પણ મહાનગરો ની યુવતીઓ હવે એટલી પણ અંતર્મુખી નથી રહી .

પણ પછી એના પહેરવેશ પર ધ્યાન ગયું કે દાખલો બેસી ગયો . ડોક્ટર નો સફેદ કોર્ટ ને હાથ માં વંચાઈ રહેલ ફાઈલ . મારો પહેરવેશ એક લેખક ને શોભે એવોજ, સાદો સીધો કુરતો ને આંખે એક ચસ્મો ! બે ભિન્ન વિશ્વ ની વ્યક્તિઓ. અમે તો ભાઈ કલ્પના માં વિહરવા વાળા લોકો. નવા શહેર ની સાથે ધીરે ધીરે અનુકૂલન સધાઈ રહ્યું હતું. મારા બે ત્રણ નાટકો સાહિત્ય વિશ્વ સામે પુસ્તક રૂપે આવી ચૂક્યા હતા.પુસ્તકો પ્રોમોટ કરવા એક ફેસ બુક પેજ પણ બનાવ્યું હતું પણ આટલી સિદ્ધિ મહાનગર માં ઓળખ ઉભી કરવા પર્યાપ્ત ક્યાંથી ? હજુ તો ઘણા અંતરો કાપવા ના હતા…..પણ હમણાં પૂરતું આ નાનું અંતર કાપવા એક સંગાથ મળી જાય તો બસ…એ વિચારે ફરી એક વાર ગળું ખંખેરી હું નમ્ર પણે પ્રયત્ન કરી રહ્યો…..” હાય ….આમ અવિનાશ …..”

યુવાન હાથો એ ફાઈલ માં ના પાના ફેરવ્યા સંપૂર્ણ મૌન પૂર્વક, આંખો ઉઠાવ્યા વિનાજ, એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિનાજ. આવું અપમાન ? આટલું અભિમાન ? ફક્ત એક કોટ નું ?

પહેલા ના સમય માં સામાજિક મતભેદો જાતિવાદ ને નામે થતા. ઊંચી જાતિ – નીચી જાતિ , ઉચ્ચ કુળ – નિમ્ન કુળ . હવે સમાજ એમાંથી નીકળ્યો પણ નવા મતભેદ ના ચક્રવ્યૂહ માં ફસાયો. વ્યવસાયિક મતભેદો ! સામેની વ્યક્તિ કયો વ્યવસાય કરે છે , ક્યાં કામ કરે છે ને સૌથી મહત્વ નું એ વ્યવસાય એને કેટલા આર્થિક આંકડાઓ સુધી પહોંચાડે છે – એને આધારેજ સંબંધો રચાય છે , માન અપાય છે અને મિત્રતા બંધાય છે.

મારી પડખે ગોઠવાયેલી આ મેડિકલ ફિલ્ડ ની યુવતી સમાજ ના ‘ જજમેન્ટલ ‘ વ્યવહાર નો મારો એકમાત્ર અનુભવ નથી. એક નાનકડા ટાઉન ની નાનકડી કોલોની માં જયારે ઉછેર પામતો હતો ત્યારે માધ્યમિક કક્ષા ના અભ્યાસ સુધી કોલોની ના બધાજ ભણતા યુવકો ને એકસમાન આદર, પ્રેમ ને માન મળતું. પણ સમય ની સાથે અભ્યાસ નું રૂપ પણ બદલાયું. બધાજ યુવકો પોતાના જુદા જુદા પ્રવાહો માં ગોઠવાઈ કોલેજ ના અભ્યાસ માં પરોવાયા. હું તો બાળપણ થીજ કલ્પના નો જીવ . સાહિત્ય સિવાય મારુ ઠેકાણું અન્ય ક્યાં ? કેટલાક મિત્રો મારી જોડે આર્ટ્સ માં, કેટલાક કોમર્સ માં પણ આખી કોલોની માંથી એકમાત્ર યુવક વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ્યો ‘ અનુજ ‘

વિજ્ઞાન પ્રવાહ માં એના પ્રવેશે એને કોલોની નો હીરો બનાવી નાખ્યો. બધાજ વાલીઓ ની આંખો નો આદર્શ સિતારો. જયારે પણ એ પેલો લેબ નો સફેદ કોટ ચઢાવી કોલોની માં પ્રવેશે કે દરેક વાલી ઓ ની દ્રષ્ટિ ગર્વ થી એના ઉપર તકાઈ રહે ને પરત ફરી અમારા ઉપર અપમાનજનક ભાવો સાથે એવી ઠોકાય જાણે કે કહ્યા વિનાજ કહેતા હોય …..” કંઈક તો શીખો ! ” એ મારા જીવન નો સમાજ ના ‘ જજમેન્ટલ ‘ વ્યવહાર નો પહેલો કડવો અનુભવ. તમે તમારી રુચિ ના ક્ષેત્ર માં ગમે તેટલા પરિશ્રમી , ધગશી કે ‘ પેશનેટ ‘ હોવ , પણ વાત આખરે આંકડાઓ ઉપર આવી નેજ અટકે . અમારા બધાજ યુવકો ની વચ્ચે અનુજ નું ભવિષ્ય આંકડાઓ ની આર્થિક ડોટ માં સૌ થી આગળ પહોંચવાનું નિશ્ચિત હોય એ રીતે અમારી ‘ જજમેન્ટલ ‘ કોલોની નો એ સુપર હીરો અને અમે બધા ઝીરો…..

યુનિવર્સીટી ના દ્રિતીય અભ્યાસ તબક્કા માં પણ એજ પરિસ્તિથી . એકજ કેમ્પસ ને ત્રણ ભિન્ન પ્રવાહો ની કોલેજો. એકજ સામાન્ય કેમ્પસ પર ત્રણ જુદા પ્રકાર ના વિદ્યાર્થીઓ. બધીજ યુવતીઓ મોટેભાગે વિજ્ઞાન પ્રવાહ કે કોમર્સ ના વિદ્યાર્થીઓ ના ગ્રુપ માં જોડાવું પસંદ કરતી. એટલુંજ નહીં અમારી આર્ટ્સ વાળી યુવતીઓ પણ એજ ગ્રુપ માં હરવાફરવા ને પ્રાધાન્ય આપતી. કેન્ટીન, રીસેસ ,લાઈબ્રેરી કે એન્યુઅલ ફંક્શન જ્યાં જુઓ ત્યાં સાઇન્સ ને કોમર્સ ના એ’ કૂલ ડૂડઝ ‘ નિજ બોલબાલા. અમારી જોડે ફરતી યુવતીઓ એટલે ‘ બહેનજીઓ ‘ . અમે સાહિત્ય જીવો જાણે એકલા અટૂલા સમુદ્ર દ્રીપો સમા ! સાહિત્ય ની સાદગી માં રાચતા જીવો માં કોઈ ને રસ જ નહીં . જયારે સાચી વાત તો એજ કે સાહિત્ય ક્ષેત્ર ના માનવીઓ જેવા રસિક વ્યક્તિઓ અન્ય ક્યાંય ન જડે !

આજે જયારે પણ બાળકો નું પરિણામ આવે કે ગુણો ને આધારેજ કારકિર્દી ની પસંદગી નિશ્ચિત થઇ જાય. ૯૦ % ની ઉપર એટલે ‘ સાઇન્સ ‘ નું ફોર્મ હાથ માં. ૭૦ , ૮૦ કે તેની વચ્ચેનાઓ ની ‘ કોમર્સ ‘ માં ટિકિટ કપાઈ જાય.પણ જો ૬૦ ની નીચે ટકા દેખાય કે એકજ વાત : ” કઈ નહીં તો ‘આર્ટ્સ ‘માં તો મળીજ રહેશે. ” એટલે બાળકો ની કારકિર્દી રિઝલ્ટ ના આંકડાઓ નક્કી કરે …એમાં એમના રસ , રુચિ નું સ્થળ ક્યાં ? ૯૦ % થી ઉપર લાવનાર જો આર્ટ્સ નું ફોર્મ ભરે એ વાત જજમેન્ટલ સમાજ કઈ રીતે પચાવે ?

યુનિવર્સીટી માંથી નીકળી વ્યવસાય માં પરોવાઈએ કે ત્યાં પણ સમાન દ્રશ્ય. ડોક્ટર ,એન્જીનીઅર બની ગયેલા બાળકો ના વાલી છાતી ફુલાવી ચાલે. કોમર્સ ગ્રેજ્યુએટ ના વાલીઓ પણ બાળક ના આવક ના આંકડાઓ પર હરખાય . પણ જો કોઈ વાલી કહે કે મારો દીકરો લખે છે, તો સામે થી ફરી પુછાય ” એ તો ઠીક પણ કમાવા માટે શું કરે છે ? ” એટલે પેન પકડી બેસવું એ ફક્ત નવરાશ ની પ્રવૃત્તિ માત્ર ! પણ મારી પડખે ના આ મહાનુભવ જેમ મેડિકલ ફાઈલ પકડી બેસો એટલે સફળ જીવન નું ચિન્હ ! આ બધા ની વચ્ચે વાલીઓ પણ આ ‘ જજમેન્ટલ ‘ સમાજ માં માન ,આદર ને પ્રતિષ્ઠા મેળવવાની લાલચ માં બાળકો ને વધુ આંકડાઓ પાડી આપતી કારકિર્દીઓ તરફ જ ધકેલે છે.

આજે જો મારા શરીર પર પણ કોઈક એવીજ કારકિર્દી નો સંકેત સૂચવતા વસ્ત્રો હોત તો મારા હાઈ, હેલો નો જવાબ મળ્યો હોત ….માન પણ જળવાયું હોત ને કદાચ નવા શહેર માં એક નવી મિત્ર પણ મળી ગઈ હોત !

ટેક્ષી ને બ્રેક લાગી ને મારા વિચારો ને પણ. મારે હજી આગળ જવાનું હતું. કદાચ યુવતી એ અહીજ ઉતરવાનું હશે. ” મેડમ મહાલક્ષ્મી “પણ એ ફાઈલ માંજ ડૂબી ચૂકી હતી. ડરાઇવર ના શબ્દો નો કોઈ પ્રત્યાઘાત જ નહીં .ગાડી ની બારી ના કાચ પર કોઈ યુવતી એ બહાર તરફ થી ટકોરા પાડ્યા ને વાઈબ્રેશન તરફ એની આંખો ઉઠી. બહાર ઉભેલી યુવતી એ ઈશારો કર્યો કે પર્સ ખોલી,ડરાઇવર ને પૈસા ચૂકવી , ઉતાવળે પોતાના ઘટાદાર વાળ ખસેડી એણે કાન માના આધુનિક અતિસુક્ષ્મ ઈયર ફોન કાઢ્યા. એટલે મારા હાઈ ,હેલો એ કાન સુધી પહોંચ્યાજ ન હતા ???????

સફેદ કોટ વ્યવસ્થિત કરતી એ ખૂબજ ઉતાવળે ટેક્ષી માંથી ઉતરી.
” આટલું મોડું . શો નો ઓલમોસ્ટ ટાઈમ થઇ ગયો !” ગુસ્સા માં એ અજાણી યુવતી બોલી રહી .
એને આશ્વાસન આપતી સફેદ કોટ વાળી યુવતી મધુરતા થી હળવા સ્વર માં બોલી :” ડોન્ટ વરી યાર! કોસ્ચ્યુમ તો ચઢાવીજ દીધું છે ને આંખે રસ્તે ડાઈલોગ પણ રિહર્સ કરી નાખ્યા છે . હવે ફક્ત સ્ટેજ ઉપર જઈ એક્શન !!!!!!”

એટલે કે એ ડોક્ટર નહીં એક્ટર ????????????

હું આગળ કંઈક વિચારું એ પહેલાજ મારા પગ પાસે છૂટી ગયેલ મેડિકલ ફાઈલ……..નહીં …….નહીં ……ડાઈલોગ ની સ્ક્રીપટ ફાઈલ ઉઠાવવા એ ફરી ટેક્ષી ની અંદર ઝૂકી અને પહેલીવાર મારા ચ્હેરા ઉપર એની આંખો ઠરી .

“ઓ માઇ ગોડ… ..આઈ કાન્ટ બીલીવ ધીઝ!!!!!” મારા ચ્હેરા ની વધુ નજીક આવતા એ વધુ ઊંચા અવાજે ચીખી ઉઠી.
” મિસ્ટર અવિનાશ શાહ !!! ઘી ઓથર !!!” પોતાની ફાઈલ સાથે એક પેન મારી આગળ ધરતા એ એકી શ્વાસે બોલ્યે જ ગઈ.
” ઓટોગ્રાફ પ્લીઝ…….આમ યોર બિગ ફેન સર …..આજનું અમારું નાટક આપનાજ પુસ્તક પર આધારિત છે. ફેસબુક પર હું તમને રેગ્યુલર ફોલો કરું છું . સાહિત્ય વિશે આપના દરેક કોલમ અચૂક વાંચું છું .” પોતાના પર્સ માંથી મોબાઈલ કાઢી એણે પરવાનગી માંગી :

” સેલ્ફી પ્લીઝ…………” મારી જોડે સેલ્ફી લઇ, પોતાની ઓળખ ને સંપર્ક ની માહિતી નો કાર્ડ આપી, મને પોતાની મિત્રતા ની ભેટ આપી , મારી કારકિર્દી ને સંપૂર્ણ માન ને આદર આપી જઈ રહેલી એ ચંચળ યુવતી નો વ્યવહાર જાણે કટાક્ષ માં મને પૂછી રહ્યો :

” હું ઇઝ જજમેન્ટલ ? સમાજ કે હું જ ?”

ગાંધીજી કહેતા કે સમાજ ની કુટેવો સુધારવા પહેલા આપણી વ્યક્તિગત કુટેવોજ સુધારવી , સમાજ આપોઆપ સુધરી જશે. સમાજ ને ‘ જજમેન્ટલ ‘ હોવાનો દોષ આપવા પહેલા અન્ય વ્યક્તિઓ નો આપણી અપરિપક્વ માન્યતાઓ ને કાલ્પનિક ધારણાઓ દ્વારા અભિપ્રાય બાંધવાની પોતાનીજ કુટેવ સુધારવી રહી….આખરે સમાજ એવો માનવી ને માનવી એવો સમાજ …….

લેખક : મરિયમ ધુપલી

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી