જીવતાં જાગતાં ટેલીવિઝન

ઓગણીસસો ચોર્યાશી-પંચ્યાશીમાં નવું BUSH કલર ટીવી લઈને અમારા ફ્લેટના એન્ટ્રન્સ પાસે રિક્ષા આવીને ઉભી રહી ત્યારે ત્યાં રમતાં છોકરાં અને બે-ત્રણ રામલાઓ અમને ઘેરી વળ્યા’તા. મદારી સૂંડલામાંથી કાળોતરો કાઢવાનો હોય ત્યારની ટોળાંની કુતૂહલતા જેવો જ ખેલ થયો’તો.

‘એ..સાચવજો..જાળવજો’ જેવા અવાજ અમારું હડતૂત ટીવી પાંચમે માળે ચઢાવતી વખતે થતા’તા. વાયરો ખેચાયા’તા અને એક ચોક્કસ દિશામાં એન્ટેનાની પણછ ખેંચાઈ’તી. ચા-નાસ્તાની સેવામાંથી તાત્કાલિક નિવૃત્ત કરેલ ટીપોય પર ભીંતભર ગોઠવાયેલ ટીવી પરથી અમારા ડ્રોઈંગ રૂમમાં રંગો ઢોળાવા લાગ્યા’તા. અડોશ-પડોશ, સગાવહાલાં મિત્રો અને સ્ટાફ તરફથી ‘પહેલું’ ટીવી આવ્યાના અભિનંદનની ઝડીએ અમને તરબોળ કરી દીધા’તા.

પણ સાહેબ, ખરું પૂછોતો અમારે મન કશું નવું નહોતું. આ તો અમારું સાતમું ટીવી હતું! હા, સાતમું.

અમે ટોપ ફ્લોર પર રહેતા. અમારી પહોળી બાલ્કનીનું ફોલ્ડેબલ ડોર ખોલી નાખીએ એટલે સામેના બ્લોકની ત્રીજા-ચોથા અને પાંચમાં માળની બાજુ-બાજુની ૬ બાલ્કનીઓમાંથી ડ્રોઈંગ રૂમ, રસોડાનો ખાંચો અને મેઈન ડોરના પેસેજ સ્પષ્ટ દેખાય. ઉપરાંત, દરેક ફ્લેટના બેડરૂમની બારીની અંદર શરમ ન હોય તો ઝાંખી પણ શકાતું.

અમારી બાલ્કની એટલે નવરાશની પળોમાં ખુરશી ઢાળીને બેસવાની ઉત્તમ જગ્યા. બેઠાં ભેગાં કેબલ કે એન્ટેના વિના એક સાથે લાઈવ ૬ ટીવી ઓન થાય! અમે છએ છ ઘરની ડોરબેલ સાંભળી શકતા. કોઈની કર્કશ કોઈની મીઠી. કોઈ વાર તો ટીવી નંબર ૪ ની ડોરબેલનું ટીંગટોંગ અમે અમારા ઘરનું ટીંગટોંગ સમજીએ.

ટીવી નંબર ૩ ના દેસાઈભાઈ શેર માર્કેટનું કરતા એટલે ઘેર મોડા આવતા. ટીવી નંબર ૨ ના શાહભાઈ ઘેરથી નોકરી અને નોકરીથી ઘેર. ટીવી નંબર ૫ નો પરિવાર મિતભાષી ને ગંભીર જયારે ટીવી નંબર ૬ નો પરિવાર સાવ મુંજી. હા, એ ઘરના દાદીમા બોખાં તોય હસે, મારા દીકરાને દૂરથી ચપટી વગાડીને રમાડે. ટીવી નંબર ૧ એટલે SUB ની સિરીયલ જોઈ લ્યો. મનોરંજનથી ભરપુર. આખો દિ’ અંદર અંદર હસી-મજાક અને ધબ્બા-ટપલી દાવ ચાલુ જ હોય. ટીવી નંબર ૧ ધાર્મિક કાર્યક્રમોથી ભરપૂર. અમે સવારથી ભજન-કિર્તન સાંભળતા. અગરબત્તીની સુગંધ અને તુલસી-દીવાના દર્શન કરતા. બે-ત્રણ મહીને પ્રસાદ વિનાની કથામાં પણ હાજરી આપતા.

ટીવી નંબર ૧ ના દાદાના હાથમાં પૈસાનો વહીવટ રહેતો એ અમે જાણીએ. મહાશયને રોજ રાત્રે Gold Spot પીને જ સુવાની ટેવ. ટીવી નંબર ૫ વાળાનું ઘર હિન્દી સિરીયલના ઘર જેવું ચકાચક જ હોય પણ ટીવી નંબર ૨ અને ૪ના ઘર એટલે કોઈ જૂના ગુજરાતી મૂવીના સેટ જોઈ લ્યો!
.
ટીવી નંબર ૬ માં સમસ્યાઓથી ઘેરાયેલું કુટુંબ રહેતું. બાપ મિલની નોકરી છૂટી ગયા પછી ઘણું ખરું બાલ્કનીમાં જ બેઠો હોય. દિ’માં ચાર વાર દેરાસર જાય. અમે જોતા કે ચાર દિકરીઓ અને એક દિકરો બહાર જતી વખતે માને પગે લાગીને જ નીકળે. ધોબીના કપડાં આપવા જતાં હોય કે કોલેજે જતાં હોય. નિયમ એટલે નિયમ! બાપ બેઠો બેઠો જોયા કરે! પણ પાછલા વર્ષોમાં અમે એ ટીવી પર જે કંઇ સમસ્યાઓ જોતા એ Life Ok ચેનલ જેવું હતું.

અમે છએ છ પરિવારના સગા-વહાલાં અને મિત્રોથી પરિચિત. મહેમાનો કોને ત્યાં કેટલા આવે છે, કોણ વધુ સમય રહે અને કોણ ‘પરોણો’ છે એ અમે જાણીએ. અમે મીઠી રકઝક, કડવી વાતોના સાક્ષી. કોણ ‘જોરાતું’ છે ને કોણ ભગવાનનું માણસ, કોણ વહેલું ઉઠે છે કોણ મોડું ઊંઘે છે, ક્યાં એકાંતરે ધોબી આવે છે અને ક્યાં હાથે ઈસ્ત્રી થાય છે એ બધું અમારા ધ્યાનમાં હોય. એ છએ છ ટીવી અમારે માટે FOOD FOOD ચેનલ જેવાં પણ હતાં. કોણ ક્યારે જમે છે, કેવી રીતે જમે છે, શું જમે છે એ અમારાથી છાનું ન રહેતું. કોઈ માંદુ-સાજું હોય કે પરિવાર બહાર ગામ હોય તો એનું ટીવી ચાડી ફૂંકી દે. બાલ્કનીમાં સૂકાતાં કપડાં બધાંની લાઈકિંગ અને લાઈફ સ્ટાઈલનાં ઝંડા હતાં.

હું ક્યાં નથી જાણતો કે અમારું ઘર પણ એ બધા માટે દસ ફૂટ બાય દસ ફૂટનું એક ટીવી જ હતું.

અમે ઘણા વરસ સાત-સાત ટીવીના માલિક રહ્યા. હું મારા નવા ઘરમાં શિફ્ટ થયો ત્યારે BUSH ટીવી સહિત પાણીનું ડબલું અને કચરા ટોપલી સુધ્ધાં સામાન સાથે રેકાડામાં મૂકાવીને નીકળ્યો’તો પણ મારાં ૬ ટીવી નહોતો લઇ જઈ શક્યો. હું સાત ભાગની નવલકથા કે એક મહાનિબંધનું રસપ્રચુર મટીરિયલ રાતોરાત દફનાવીને નીકળી ગયો’તો.

આજે મોંઘા પરદા અને વેનેશિયન બ્લાઈંડઝથી અભેદ નવા ઘરની અંદર કોઈ ડોકિયું નથી કરતું અને અમે ઘરની બહાર નથી કરી શકતા. કોણ શું કરે છે એ જાણવામાં અમને રસ નથી રહ્યો અને નથી કોઈને પડી કે અમે શું કરીએ છીએ . હવે અમારું પંચાવન ઇંચનું ટીવી છસ્સો ચેનલોના બૂકેથી ઘરમાં રંગોત્સવ ઉજવે છે પણ મારાં એ ૬ જીવતાં જાગતાં ટીવીના અંતરંગો પાસે બધું ફિક્કું, સાવ ફિક્કું!

લેખક – અનુપમ બુચ (અમદાવાદ)

આપ સૌને મારો આ લેખ કેવો લાગ્યો ? અચૂક જણાવજો…

ટીપ્પણી