દરેક પતિ પત્નીએ વાંચવાલાયક વાર્તા, મરિયમ ધુપલીની કલમે…

“જીવન સાથી”

આજે સમર્થ અને સાક્ષી ના લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ હતી. પોતાની પ્રથમ વેડિંગ એનિવર્સરી ને સમર્થ એટલી યાદગાર બનાવવા ઈચ્છતો હતો કે જેથી આ દિવસ ની યાદો આજીવન બંને ના હ્રદય માં વસી રહે. ખાસ કરી ને સાક્ષી માટે આજ નો દિવસ એના જીવન નો સૌથી ખુશી નો દિવસ બની રહે એ માટે એણે બધુજ યોજનાબદ્ધ તૈયાર કરી રાખ્યું હતું . શહેર ની સૌથી પ્રખ્યાત હોટેલ માં ડિનર ટેબલ, કેન્ડલ લાઈટ, સાક્ષી ને ગમતું મેન્યુ ! કશે કોઈ પણ કમી ન રહી જાઈ એની પૂરી તકેદારી રાખી હતી . ડિનર ટેબલ પર ગોઠવાયેલી સાક્ષી લાલ સુંદર સાડી, મેચિંગ ઈયરિંગ્સ, સુંદર બંગડીઓ ને મંગળસૂત્ર સાથે એટલીજ સુંદર ને આકર્ષક લાગી રહી હતી , જેટલી લગ્ન ને દિવસે લાગી રહી હતી. એજ સુંદર ચ્હેરો , એજ આકર્ષક વ્યક્તિત્વ, એજ નાજુકતા, એજ નમ્રતા અને એજ ફિક્કું હાસ્ય. એ ફિક્કા ચ્હેરા પાછળ છુપાયેલી એજ કોઈ રહસ્યાત્મક ઉદાસીનતા. કંઈક તો હતું જે સાક્ષી ને સમર્થ ના હૃદય માં ભળી જતા થંભાવી જતું. કંઈક તો હતું જે લગ્ન ના એક વર્ષ પછી પણ સમર્થ અને સાક્ષી વચ્ચે કોઈ અદ્રશ્ય દીવાલ સમાન ઉભુ હતું. આ એક વર્ષ ના સમયગાળા માં સમર્થ એક આદર્શ પતિ બની રહેવા સંપૂર્ણ પ્રયત્નશીલ રહ્યો હતો. સાક્ષી ની દરેક નાની મોટી ખુશીઓ ની એણે ખુબજ ઝીણવટ થી કાળજી રાખી હતી.
પોતાના તરફ થી સાક્ષી માટે , એના ચ્હેરા પર હાસ્ય જોવા માટે એ કઈ પણ કરી છૂટવા તત્પર રહેતો. આમ છતાં હજી સાક્ષી ના હૃદય માં
પોતાનું એ પ્રેમભર્યું સ્થાન નજ બનાવી શકયો . એક સાચો પુરુષ ફક્ત સ્ત્રી ના શરીર ને નહીં, એના મન, હૃદય ને આત્મા ને પણ સ્પર્શી
શકે. સમર્થ ને સાક્ષી ના જીવન નો એ સાચો પુરુષ બનવું હતું. સાક્ષીના મન, હૃદય ને આત્મા ને સ્પર્શવું હતું.

સમર્થ જયારે લગ્ન માટે યુવતીઓ જોવા જતો ત્યારે એ કન્યા જોવાની પરંપરા એને જરા જૂનવાણી ને તર્કવિહીન લાગતી . આમ કઈ રીતે કોઈ વ્યક્તિ ને ફક્ત બાહ્ય રૂપરંગ જોઈ, એના હાથે બનાવેલાં થોડા નાસ્તાઓ ચાખી કે એકાંત માં દસ મિનિટ માટે થોડા પ્રશ્નોત્તર કરી જીવનસાથી તરીકે મૂલવી શકાય? એ અજાણી વ્યક્તિ માટે પણ એનું પોતાનું મૂલ્યાંકન આ મર્યાદિત સમયગાળા માં કઈ રીતે ન્યાયયુક્ત બની રહે ? આખરે એને જીવનસાથી જોઈતી હતી, ઓફિસ માટે કોઈ કાર્યકર નહીં, કે ઇન્ટરવ્યુ લઇ નક્કી કરી નખાય. ઘર ને વહુ જોઈતી હતી , રસોઈ બનાવનારી નહિ! કોઈ ના હાથ નું જમણ ખુબજ સરસ બનતું હોય , પણ સ્વભાવ જ ઠીક ન હોય તો? એક દિવસ મેકઅપ લગાવી સુંદર ભાસતી વ્યક્તિ ને જીવનસાથી તરીકે તો સવારસાંજ મેકઅપ વિનાજ જોવાની હોય ને ! પણ આ બધા તર્ક યુક્ત પ્રશ્નો નો ઉત્તર આપવાનો સમય વ્યસ્ત સમાજ પાસે ક્યાંથી હોઈ ? સમર્થ ને પણ આ પરંપરાઓ અંગે એના મન માં ઉદ્દભવતા કોઈ પણ પ્રશ્ન નો ઉત્તર મળ્યો નહીં. સમાજ માં ખુશી થી રહેવું હોય તો ચુપચાપ પરંપરાઓ ને માન આપી ચાલતા રહેવું.

સાક્ષી ને જયારે જોવા ગયો હતો, ત્યારે પહેલીજ નજર માં એના હૃદય ના તાર છેડાયા હતા. એ આકર્ષણ કંઈક જુદુંજ હતું. પહેલા પ્રેમ નું આકર્ષણ ….પણ આ આકર્ષણ ફક્ત શારીરિક ન હતું . આ પહેલા પણ તો એણે કેટલી યુવતીઓ ને જોઈ હતી. પણ સાક્ષી ને જોઈ જે લાગણી એના હય્યા માં ઉઠી હતી, એ એક અલગજ પ્રકારના ભાવો હતો. માન નો, સન્માન નો, સ્નેહ નો કોઈ અલગજ સેતુ જાણે બંધાઈ રહ્યો હતો. સાક્ષી ની સાદગી ને સહજતાથી એ ઊંડે ઊંડે અંજાઈ ગયો હતો. એકાંત માં વિતાવવા મળેલી એ મર્યાદિત ક્ષણો માં એણે સાક્ષી સામે અગણિત પ્રશ્નો ની કેવી છડી વરસાવી હતી! થોડીજ મિનિટોમાં જાણે એનું આખું જીવન વૃતાંત જાણી લેવું હતું. એ અઢળક પ્રશ્નો ના જે નિખાલસ અને પ્રામાણિક ઉત્તરો મળ્યા હતા એ સાક્ષી ના શાંત, સરળ અને પ્રેમાળ સ્વાભાવ નો અરીસો બની રહ્યા હતા. માતા પિતા ના સંસ્કારો ની છાપ બાળકો ના ચરિત્ર માં ઊપસીજ આવે. એક સભ્ય પરિવાર તરફ થી મળેલા સુસંસ્કારિત ઉછેર નું પ્રતિબિંબ પાડતી સાક્ષી સમર્થ ના હૃદય ના ઉંડાણો માં ઘર કરી ચૂકી હતી. હવે ફક્ત સમર્થ એ સાક્ષી ના હૃદય ના ઉંડાણો માં પોતાના માટે એવુજ ઘર કરવું બાકી હતું.

લગ્ન પછી સાક્ષી ના હૃદય માં પોતાનું સ્નેહભર્યું સ્થાન બનાવવા સમર્થ દિલોજાન થી મંડી પડ્યો. સાક્ષી એ પણ સમર્થ ના ઘર ને , કુટુંબ ને પોતાના પ્રેમાળ સ્વભાવ થી સ્વર્ગ સમાન બનાવવા સહહૃદય પ્રયત્નો કર્યા.સમર્થ ના માતા પિતા ને પોતાનાજ માતા પિતા જેટલું માન , સન્માન, આદર ને પ્રેમ આપ્યા. ઘર પ્રત્યે ની બધીજ ફરજ અને જવાબદારીઓ સંપૂર્ણ હૃદય અને પ્રામાણિકતા સાથે નિભાવવા માંડી . સમર્થ ના ઓફિસ ને લગતા કાર્યો હોય કે ઓફિસે જતી વખત રૂમાલ, ટાઈ ,મોજા તૈયાર રાખી મુકવા સમા નાના ઝીણવટ ભર્યા કાર્યો , બધાજ કાર્યો ને એ સમાન લાગણી પૂર્વક ન્યાય આપતી. સમર્થ અને એના માતાપિતા ખુબજ ગર્વ અનુભવતા કે એમને સાક્ષી સમી સમજુ, વિનમ્ર અને પ્રેમાળ વહુ મળી જે એમના ઘર માં ખુશીઓનો પ્રવાહ બની આવી હતી.

પણ આ બધા ની વચ્ચે સમર્થ સાક્ષી ના ચ્હેરા પર છલકતા હાસ્ય માં કશુંક ઉણપ જેવું સ્પષ્ટ અનુભવી રહ્યો હતો. જેટલો એ સાક્ષી ને ચાહતો હતો શું સાક્ષી પણ એને એટલીજ ચાહતી હતી ? શું સાક્ષી આ ઘર માં ખુશ હતી ? એણે ઘણી વાર સાક્ષી ને એકાંત માં કોઈ શૂન્યમનસ્કતા માં ખોવાયેલી જોઈ હતી. બધાની વચ્ચે હોવા છતાં પોતાનાજ અંગત વિશ્વ્ માં વિહરતી જોઈ હતી. વાતો કરતી સાક્ષી નું આંતરિક મૌન એ ઘણી વાર પામી ચૂક્યો હતો. ફિક્કા હાસ્ય પાછળ ભીના હય્યા નો એ ભેજ એનું મન જાણે સ્પર્શી શકતું હતું. કશુંય ન કહી એની વિહ્વળ આંખો કેટલું કહી જતી હતી. એ સાક્ષી ને મદદ કરવા ઈચ્છતો હતો. એની આ વિહ્વળતા નો ઉકેલ શોધવા માં એની પડખે રહેવા ઈચ્છતો હતો . એના ચ્હેરા પર સાચી ખુશી લાવવા એ શું કરી શકે ? કઈ રીતે સાક્ષી ના ભીતર ના ઉંડાણો માં પહોંચી શકે ? પતિ પત્ની ના હ્ય્યાઓ વચ્ચે ના આ મૌન ને તોડવા એણે એક દિવસ પોતાનાજ તરફથી પ્રથમ પગલું ભર્યું . મન માં અકળાવી રહેલા વિચારો ને સીધેસીધા શબ્દો રૂપે સાક્ષી આગળ ધરી દીધા :

” સાક્ષી તું મારી જોડે ખુશ તો છે ને ?”

” જી હા, પણ આજે આમ અચાનક ……???”

“અચાનક નહિ સાક્ષી જ્યારથી તું મારા જીવન માં આવી છે ,મારુ સમગ્ર જીવન પ્રેમ થી છલોછલ કરી આપ્યું છે. મને અને મારા માતાપિતા ને એટલી ખુશીઓ આપી છે, જે બદલ હું આજીવન તારો ઋણી રહીશ. પણ તારા હૃદય માં કોઈ તો ઉણપ છે જેને ભરવા હું અસમર્થ બની રહ્યો છું. મને એ ઉણપ ભરવી છે પણ તારી મદદ વિના એ કઈ રીતે શક્ય બને ? જ્યાં સુધી તું મને ન જણાવીશ હું કઈ રીતે તારી લાગણીઓ ને ઈચ્છાઓ ને સમજી શકીશ ?”

” આપ નકામી ચિંતા કરો છો . હું અહીં ખુબજ ખુશ છું. આવા કાળજી રાખનાર માતા પિતા ને પ્રેમ કરનાર પતિ જીવન માં હોઈ એ સ્ત્રી તો ભાગ્યશાળીજ હોય . ”

આ ટૂંકા જવાબ માં હૃદય ની લાગણીઓ વીંટાળી લઇ એજ ફિક્કા હાસ્ય સાથે એણે વાર્તાલાપ સંકેલી લીધો. સમર્થ સમજી ચૂક્યો કે સાક્ષી એને અંતર પામવાની તક આપવા તૈયાર ન હતી. એણે મિત્રતા માટે આગળ ધરેલો હાથ ખાલીજ પરત થયો હતો. એની લાગણીઓ ના કોઈ ખૂણા માં વિચિત્ર વેદના ઉઠી હતી. આ સંબંધો ની ગાંઠ ઉકેલવાના પ્રયાસ માં જાણે વધુ ગૂંચવાઈ રહી હતી. એ રાત્રે સમર્થ દરરોજ કરતા ઘણો મોડો ઘરે પહોંચ્યો હતો. બધા ઊંઘી ગયા હશે એ વિચારે કોઈ પણ પ્રકાર નો અવાજ કર્યા વિનાજ એ સીધો પોતાના શયનખંડ માં સાક્ષી ની ઊંઘ ન તૂટે એ રીતે શાંતિ થી પ્રવેશ્યો. પણ એના વિસ્મય વચ્ચે સાક્ષી હજી જાગી રહી હતી. એના શાંત ડૂમાઓ સમર્થ પામી ગયો. સમર્થ ને જોતાજ પોતાના હાથમાંની કોઈ તસ્વીર એ ઓશિકા નીચે છૂપાવી રહી. સમર્થ ની આંખો એ નોંધ લીધેલા એ દ્રશ્ય ને જાણે
જોયુંજ ન હોય એમ અજાણ બની રહી. એ રાત્રે પોતાની પડખે સાક્ષી સાચેજ ઊંઘી રહી હતી કે ઊંઘવાનો ડોળ કરી રહી હતી, એ સમર્થ જાણી ન શક્યો. પણ એ રાત પછી સમર્થ ની રાતો ની ઊંઘ જાણે જતીજ રહી.

સમર્થ હવે સાક્ષી ની ઉદાસી નું મૂળ કળી ગયો. પોતે સાક્ષી ના જીવન માં પ્રવેશવામાં મોડો પડ્યો હતો. કોઈ હતું જે એનાથી પહેલાજ સાક્ષી ના હૃદય માં પ્રવેશી ચૂક્યું હતું. જે હજી પણ સાક્ષી ના અસ્તિત્વ નો હિસ્સો બની એના જીવન ના કેન્દ્ર માં વસતું હતું. કોણ હતી એ વ્યક્તિ જેની તસ્વીર ફક્ત સાક્ષી ના હાથોમાજ નહીં, એની આંખો માં પણ હાજર હતી. કદાચ એના શાંત અને નમ્ર સ્વભાવે માતા પિતા ની ઈચ્છા સામે માથું ઝુકાવી દીધું હતું. પ્રેમ નું મેદાન એ ગભરુ હ્ય્યુ અર્ધા માર્ગમાંજ છોડી નીકળ્યું હતું. પણ નિયતિ સાથે કરાતા આવા કરારો સાચી ખુશીઓ ને ક્યાં થી અનુસરે? ઈચ્છા વિના રચાતા આવા બંધનો માં પ્રેમ નું છોડ ક્યાંથી વિકસી શકે ? માતા પિતા એ બાળકો
ની ઈચ્છા વિરુદ્ધ એમને સંબંધો માં બાંધવા પહેલા વિચારવુંજ રહ્યું કે
આખરે બાળકો એ પોતાનું જીવન એ વ્યક્તિ જોડે વિતાવવું પડે છે, એમને નહિજ . જ્યાં હૃદય તૈયાર ન હોય ત્યાં તર્ક ના દાખલાઓ
પણ ન બેસાડાય. સંબંધ જયારે બંધન માં પરિણમે ત્યારે પ્રેમ દર ક્ષણ ઘૂંટાઈ ઘૂંટાઈ ને જીવે. સમર્થ ને પણ હવે આ બંધન થી ગૂંગળામણ થઇ રહી હતી. સાક્ષી ને આ પરિસ્થતિ માં જોવું હવે એને મંજૂર ન હતું. સાક્ષી ને એ બાંધી ને નહિ જ રાખી શકે.એ સાક્ષી ને મુક્ત કરવા ઈચ્છતો હતો. એના ચહેરા પર સાચી ખુશી ને મન માં આનંદ ને તૃપ્તિ જોવા ધારતો હતો. પણ એ સાક્ષી ની મદદ વિના શક્યજ ન હતું.

લગ્ન ની આ પહેલી વર્ષગાંઠ ના થોડાજ દિવસો પહેલા સાક્ષી નો જન્મ દિવસ હતો. સમર્થ ના માતા પિતા એ સાક્ષી માટે એક સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કર્યું. સાક્ષી ના માતા પિતા ની મદદ થી એમણે સાક્ષી ના દરેક મિત્રો ને પણ ઘરે આમંત્રિત કર્યા. એ દિવસે સાક્ષી ના ચ્હેરા પણ પહેલી વાર સમર્થ એ ખુશી ની ચમક અનુભવી . જૂના મિત્રો નવા જીવન માં ફરીથી જાણે ખુશીઓ ઘસડી લાવ્યા હોય એ રીતે સાક્ષી નો ચ્હેરો પ્રફુલ્લિત ખીલી ઉઠ્યો હતો. સાક્ષી ને આમ ખુશ જોઈ સમર્થ ની વિહ્વળતા પણ ઓછી થઇ. ઘણા દિવસો પછી સાક્ષી ના નજીક જવાની ઈચ્છા ફરી હકારાત્મકતા માં ભળવા લાગી. આ સંબંધ ના ભવિષ્ય માટે ફરી આશા બંધાઈ રહી. આખરે સમય સમાન મલહમ વિશ્વ્ માં અન્ય ક્યુ? સમય ની સાથે બધીજ મૂંઝવળો આપોઆપ ઉકેલાઈ જશે. એક દિવસ બધાજ કોયડાઓ સમય જાતેજ ઉકેલી બતાવશે. ત્યાં સુધી ધીરજ, ધૈર્ય, આશા સાથે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવુંજ હિતાવહ. ભવિષ્ય ની ચિંતાઓ માં વર્તમાન ને હાથમાંથી સરવા નજ દેવાય ! સમર્થ ના હકારાત્મક વિચારો એ એના પ્રેમ ને આશાવાદ ના નવા મેઘધનુષી રંગો માં રંગી નાખ્યો.

હાથમાંનું ગુલાબ સાક્ષી ને આપવા તત્પર સમર્થ ની આંખો પાર્ટી માં ઉપસ્થિત મહેમાનો ની વચ્ચે અદ્રશ્ય થઇ ગયેલ સાક્ષી ને શોધી રહી. પહેલા પહેલા પ્રેમ જેવી એ રોમાંચક લાગણીઓ નું સંતોલન બેસાડી રહેલું સમર્થ નું બેચેન હય્યુ સાક્ષી ની એક ઝલક પામવા ઉતાવળું બની રહ્યું. ક્યાં હતી એની સાક્ષી? મહેમાનો ની વચ્ચે થી માર્ગ બનાવતો દરેક દિશા માં પોતાના પ્રેમ ને શોધતો સમર્થ પોતાના શયનખંડ સુધી પહોંચી વળ્યો. શયનખંડ ની અંદર થી સંભળાઈ રહેલા એ ડૂસકાંઓ સાક્ષી ના રુદન નાજ હતા. સમર્થ આગળ વધે એ પહેલાજ શયનખંડ નું બારણું ઊઘડ્યું ને સમર્થ કોરિડોર ના પરદા પાછળ લપાઈ ગયો. ઓરડા માંથી બહાર નીકળી સાક્ષી એ પોતાની ભીની આંખો લૂછી નાખી. એની પાછળ યુનિવર્સીટી નો એનો મિત્ર ગૌરવ નીકળ્યો. સાક્ષી ના ખભે પ્રેમ થી એનો હાથ મુકાયો ને બંને પાર્ટી તરફ ઝડપથી ઉપડી પડ્યા. કોરિડોર ના પરદા પાછળ થી નીકળેલા સમર્થ ના ચ્હેરા પર હતાશા ને ક્રોધ છલકી રહ્યા. હાથમાંનું ગુલાબ જમીન પર પછડાયું ને લાખ પ્રયત્નો છતાં નિયઁત્રણ ગુમાવી કેટલાક ઉના અશ્રુઓ બહાર ઢળીજ પડ્યા…………………….

કેન્ડલ લાઈટ ડિનર ને વધુ રોમેન્ટિક બનાવવા સમર્થ એ હોટેલ ના સ્ટાફ ને અગાઉ થીજ કરેલ વિનંતી અનુસાર હોટેલ નો ઓરડો સાક્ષી ને ગમતા ગીત થી વધુ કર્ણપ્રિય બની રહ્યો. સાક્ષી એ પ્રતિક્રિયા દર્શાવતા પોતાનું એજ ફિક્કું હાસ્ય દર્શાવ્યું. પણ આજે આ ફિક્કા હાસ્ય નો સાક્ષીના જીવન માં અંતિમ દિવસ હતો . હવે સાક્ષી ના ચ્હેરા પર આજીવન સાચી ખુશી જ છલકતી રહેશે. સમર્થ નિર્ણય લઇ ચૂક્યો હતો. સાક્ષી ને હવે એ મુક્ત વિહરવા દેશે. કોઈ પણ સંબંધ સાક્ષી ને એની ઈચ્છા વચ્ચે અવરોધરૂપ નજ બનશે. સાક્ષી એજ જીવન જીવશે જેમાં એના અંતર ની ખુશી છુપાયેલી છે. પોતાના પ્રેમ ને ખુશ જોવું એજ તો સાચો પ્રેમ. પોતાની ખુશી ન જોતા અન્ય ની ખુશી ને પ્રાધાન્ય આપે એજ તો પ્રેમ. જીવન માં આવનારી એ સાચી ખુશી થી અજાણ સાક્ષી આગળ સમર્થ એ પોતાની ભેટ ધરી. પ્રેમ પૂર્વક એ ભેટ સ્વીકારી સાક્ષી એ સંભાળી ને ગિફ્ટ બોક્સ ટેબલ પર મુક્યો.

” ગિફ્ટ જોઇશ નહિ ?”

” જી જરૂર ”

એક મોટા ડબ્બા નું રેપર હટાવી અંદર થી એક બીજો ડબ્બો નીકળ્યો.
બીજા માંથી ત્રીજો. ત્રીજા માંથી ચોથો. અને જોતજોતા માં ડબ્બાઓ ના ઢગલા નીકળતા ગયા. સમર્થ સામે બેઠો સાક્ષી ની વિહ્વળતા નો આનંદ ઉઠાવી રહ્યો. છેવટે એક સૌથી નાના ડબ્બા માંથી એક કાગળ નીકળ્યું.

” જી આ…….???”

” વાંચ તો ખરી..”

કાગળ નું એ ફોર્મ સાક્ષી ની આંખો ને ધડ ધડ ભીંજવી ગયું .

” પણ તમને કઈ રીતે ખબર પડી ?”

” હું ગૌરવ ને મળવા ગયો હતો ”

આગળ ની વાત સાક્ષી સમજી ગઈ. સમર્થ ની દ્રષ્ટિ આગળ ગૌરવ સાથે થયેલ પોતાનો સંવાદ જીવંત થયો :

” ગૌરવ હું બધુજ જાણી ચુક્યો છું . હવે વાત છુપાવવા નો કોઈ અર્થ નથી. સ્પષ્ટ રીતે બધું નક્કી કરી નાખીયે એમાંજ સૌની ભલાઈ છે.”

” જી સારું થયું કે આપ ને જાણ થઈ ગઈ. હવે સાક્ષી ને પણ એના મન માં અનુભવાતા અપરાધભાવ માંથી મુક્તિ મળી જશે ….”

” એ મુક્તિ તો ક્યાર ની મળી ગઈ હોત જો એણે નિઃ સંકોચ મને વાસ્તવિકતા જણાવી દીધી હોત ”

” પણ એની પણ મજબુરી હતી ………..”

” કેવી મજબુરી ???”

“સાક્ષી ના પિતા એ વચન લીધું હતું કે સાક્ષી જો એ અંગે સાસરે જઈ એક પણ શબ્દ ઉચ્ચારશે તો એમનો મૃત ચ્હેરો જોશે ”

” પણ આમ એક વચન પાછળ એ પોતાનું સમગ્ર જીવન અનુકૂલન સાધતી રહે એ તો અન્યાયજ કહેવાય !”

” પણ જો આપનો સાથસહકાર હોય તો એના જીવન માં ખુશીઓ પરત થઇ શકે છે. જો આપ એને સમજી શકો તો…….”

” હું સાક્ષી ને પ્રેમ કરું છું ગૌરવ, જો એની ખુશી માટે એને મુક્ત કરવી પડે તો હું એ પણ કરીશ ”

” યુ રિયલી લવ હર….”

” હા , પણ એ તો તને પ્રેમ કરે છે ગૌરવ. હું તમારા પ્રેમ વચ્ચે વિઘ્ન
ન બનીશ.”

અણધાર્યા શબ્દો થી ગૌરવ ખડખડાટ હસી પડ્યો. સમર્થ કશુંજ કળી
ન શક્યો. ગંભીર વાર્તાલાપ વચ્ચે ગૌરવ નું આ હાસ્ય રહસ્ય ઉપજાવી
રહ્યું. ગૌરવ નો હાથ સમર્થ ના ખભે અડ્યો.

” સાક્ષી તમને અને ફક્ત તમનેજ પ્રેમ કરે છે. તમારા માતાપિતા માટે એને અનન્ય માન અને આદર છે. એના જન્મદિવસ નિમત્તે એણે મને આ વાત જાતે જણાવી હતી.”

” તો પછી એની ઉદાસી પાછળ નું રહસ્ય શું ?”

” હું તમને કંઈક બતાવા માંગુ છું ”

સાક્ષી ના ફોટો થી ભરેલી આલ્બમ જોતાજ સમર્થ દંગ રહી ગયો.

” આ સાક્ષી છે ? વિશ્વાસ જ નથી આવતો ? તો આ તસ્વીરો ને જોઈ એની આંખો વહે છે ???”

” જી હા, સાક્ષી ને મોડેલીગ નો શોખ પહેલેથીજ હતો . પણ સમય સાથે એ શોખ પૅશન માં બદલતો ગયો. એના માતાપિતા ખુબજ રૂઢિચુસ્ત વિચારધારા ધરાવે છે. મોડેલિંગ એમની દ્રષ્ટિમાં નિમ્ન અને અસુરક્ષિત વ્યવસાય અને પોતાનીજ દીકરી આ વ્યવસાય માં જોડાઈ તો સમાજમાં એમનું નાકજ કપાઈ જાય. એમના વિરોધ અને મનાઈ છતાં સાક્ષી એ ચોરીછૂપી પોતાનું સ્વ્પ્ન સાકાર કરવા પ્રયત્ન યથાવત રાખ્યા. એની અથાક મહેનત અને હિમ્મત ના ફળ સ્વરૂપે એક પ્રખ્યાત આંતર રાષ્ટ્રીય સ્તર ની ઘરેણાં ની કંપની માં મોડેલિંગ નો બ્રેક મળ્યો. એટલુંજ નહિ મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે પણ એણે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પણ ઘરે એ વાત ની જાણ થતાજ એના માતાપિતા એ સ્પષ્ટ પ્રતિકાર કર્યો. એ દિવસો દરમ્યાન આપના ઘરેથી લગ્ન નો પ્રસ્તાવ આવ્યો.સાક્ષી ના માતાપિતા એ એને ખૂબજ ધમકાવી. આવા સરસ પરિવાર માં દીકરી ઠરીઠામ થઇ જાય તો એમની જવાબદારી માથે થી ટળે , એ વિચારે એમણે પ્રસ્તાવ સ્વીકારી લીધો. જો સાક્ષી ના પાડે તો માતાપિતા ના મૃત ચ્હેરા જોશે, એવી ભાવનાત્મક રમત દ્વારા ,’ઈમોશનલ બ્લેકમેલિંગ ‘ દ્વારા એમણે સાક્ષી ને લગ્ન માટે રાજી કરાવી લીધી . લાગણી ના એ વહેણ માં સાક્ષી ના જીવન સવ્પ્નો એ આખરે હથિયાર નાખી જ દીધા.”

હોટેલના ડિનરટેબલ પર ગોઠવાયેલી સાક્ષી હાથ માના ફોર્મ ને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. એ ધ્રૂસકાઓ થી સમર્થ વર્તમાન માં પરત થયો. સાક્ષી ના હાથ પોતાના હાથ માં પરોવી એણે પોતાના હૃદય ની વાત સાક્ષી સમક્ષ મૂકી :

” આમ સોરી સાક્ષી. જાણ્યે અજાણ્યે હું તારા અને તારા સવ્પ્નો ની વચ્ચે ભીંત સમો બની રહ્યો. પણ હવે તને તારા સ્વપ્નો થી કોઈ દૂર ન કરી શકે. હું છું ને તારી જોડે!”

પોતાના અશ્રુઓ લૂછી સાક્ષી એ ધ્રુજતા અવાજે પૂછ્યું;
” પણ લોકો શું કહેશે ?”

સમર્થ ખડખડાટ હસ્યો :
” લોકો એટલે સમાજ ને સમાજ એટલે આપણે પોતેજ. આ લોકો શું કહેશે વાળા ભયે અગણિત માનવ સવ્પ્નો ને કચડ્યા છે. સમાજ ની આંખો એ આપણી બધાની વ્યક્તિગત આંખો નો જ તો સરવાળો માત્ર! કોઈ પણ વ્યવસાય ઊંચો કે નીચો નથી હોતો. ઊંચી કે નીચી તો આપણી સોચ ને આપણા દ્રષ્ટિકોણ હોય છે. વ્યક્તિ નું સાચું સુરક્ષા કવચ તો એનો પરિવાર હોય છે. જે વ્યક્તિ પાસે પરિવાર નો પ્રેમ ને સાથ હોય તે વિશ્વ ના કોઈ પણ વ્યવસાય માં સંપૂર્ણ સુરક્ષિત હોય છે. હવે જલ્દીથી આ સ્પર્ધા નો ફોર્મ ભરી નાખ. ‘મિસિસ ઇન્ડિયા ‘ નો તાજ તો આ વર્ષે મારી પત્નીના માથેજ શોભશે . હા,પણ જો તને ‘મિસ ઇંડિયાજ ‘ થવું હોય તો એ માટે તો મને છૂટાછેડા……..”

સાક્ષીએ સમર્થ ના હોઠ પર સ્નેહ થી હાથ મૂકી,એને આગળ બોલતો અટકાવી, લપાઈ ને એની છાતી પર પોતાનું માથું ટેકવી દીધું. પોતાના જીવનસાથી ના આલિંગન માં સાચી ખુશીઓ થી એની આંખો ભીંજાઈ રહી. આખરે જે સાથ આપે એજ તો સાચો જીવનસાથી ! સમર્થ ને લાગ્યું જાણે આજે પહેલીવાર સાક્ષી એ એને સ્પર્શ્યો, ને એના હૃદય ને પણ ………………..

લેખક : મરિયમ ધુપલી.

ખુબ સરસ વાર્તા બધાએ સમજવા જેવી. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block