જીવનના સૌથી પહેલાં મોંઘા બૂટ! – વાંચવા, વિચારવા અને સમજવા જેવો લેખ !!

તેણે હાલ જે શૂઝ પહેર્યા હતા તે શૂઝની હવે બે દિવસ પણ વધુ પહેરી શકાય તેવી પરિસ્થિતિ નહોતી રહી, આથી બળજબરીએ પણ તેણે નવા શૂઝ લેવાં જ પડે એમ હતું. આખરે એક શૂ માર્ટમાં જઈ તેણે ૯ નંબરના ઓફીસવેર શૂઝ દેખાડવા માટે દૂકાનદારને કહ્યું. દૂકાનદારે શૉ કેસમાંથી એક પછી એક શૂઝ કાઢી તેના પગ સામે મૂકવા માંડ્યા. આજ સુધી આવી કોઈપણ ચીજ ખરીદવાની તેની આદત કંઈક એવી હતી કે પહેલાં પ્રાઈઝ ટેગ તરફ નજર નાખી લેવી પછી જ તે ચીજ-વસ્તુની ક્વોલિટી, ડિઝાઈન, ડ્યુરેબ્લિટી વગેરે ચકાસવાની જહેમત કરવી.

આ પ્રકારની આદત કેળવી લેવા કે કેળવાઈ જવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે, સામે પડેલી વસ્તુની ડિઝાઈન, સ્ટાઈલ કે ક્વોલિટી ભલે ગમે એટલી સારી હોય પરંતુ તે પત્નિની કોઈ જરૂરિયાત પૂર્ણ કરવાથી કે બાળકની કોઈ જીદ્દ કે ઈચ્છા પુરી કરવાથી કે ઘરની જવાબદારીઓ નભાવી લેવાથી વિશેષ અગ્રક્રમે આવી શકતી નહોતી. આથી જ પોતાને માટે કોઈપણ ચીજ ખરીદવા બાબતે પહેલાં પસંદગી નહીં પણ પ્રાઈઝ ટેગ આવતું હતું.

પરંતુ આ વખતે આ આદતમાં ન ચાહવા છતાં થોડો ફેરફાર થઈ ગયો. તેની નજર સામે મૂકવામાં આવેલા શૂઝમાંથી એક શૂઝ પર તેની નજર એવી ઠરી ગઈ કે, પ્રાઈઝ ટેગ જોવાનું પણ તેને ભાન નહીં રહ્યું. ‘લી કૂપર’ કંપનીના, જેને આપણે બ્રાન્ડેડ શૂઝ કહીએ છીએ તેવા, લી કૂપર કંપનીના એક શૂઝ તેને ખૂબ ગમી ગયા. ઈચ્છા થઈ આવી કે બસ આજે આ શૂઝ ટ્રાય પણ નથી કરવા અને સીધું જ કહી દેવું છે કે, ‘ઈસે પેક કર દો!’ પરંતુ આવું બોલતા પહેલાં ફરી તે અટકી ગયો. શૂ માર્ટની બહાર જઈ શૉ કેસમાં મૂકેલા બીજા શૂઝ પર ફરી એક નજર નાખવા માંડ્યો. તેની નજરને પામી ગયેલી તેની પત્નિ પણ તેની સાથે શો કેસ તરફ ગઈ અને ધીમા અવાજે કહ્યું, ‘તમને પેલા લી કૂપરના શૂઝ ગમ્યા છે ને? તો લઈ લો ને!’ ‘અરે, શું લઈ લો ને, તેં એ શૂઝનું પ્રાઈઝ ટેગ જોયું, ૨૬૬૩ રૂપિયાના છે, આટલા મોંઘા શૂઝ કઈ રીતે લઈ લઉં’ તેણે કહ્યું.

પત્નિએ સામે જવાબ વાળ્યો, ‘તમને ગમ્યા છે ને, તો લઈ લો, આટલું બધું વિચાર્યા નહીં કરો, ચાલો જોઉં, એક વખત પહેરી તો જુઓ, પછી તમને કમ્ફર્ટેબલ નહીં લાગે તો નહીં લેતા.’ તેણે શૂઝ પહેર્યા, ચાર-પાંચ ડગલાં ચાલી જોયું, સ્વાભાવિક છે અનકમ્ફર્ટેબલ જેવું તો ખાસ નહીં જ હોવાનું. આ વખતે તેની નજર અને ચહેરા પરના હાવ-ભાવ ખરેખર જોવા જેવા હતા. કોઈક નાના બાળકને એક રમકડું ખૂબ ગમી ગયું હોય પરંતુ મમ્મી-પપ્પાના ડરને કારણે કે તેમના ના કહેવાના કારણે લઈ નહીં શકાતું હોય ને, તેવાં જ અદ્દલ ભાવ હમણાં તેના ચહેરા પર પણ હતાં. જોકે, ના કહેવાવાળા કે ‘ગમ્યું છે!’ તેવું કહેવાનો ડર લાગે તેવો મમ્મી-પપ્પાનો ચહેરો હમણાં સામે નહોતો, પરંતુ આર્થિક પરિસ્થિતિ, સંજોગો અને ઘરના મોભી હોવાને કારણે જવાબદારીઓનો જે તાજ તેના માથા પર હતો તે, આ બધું જ તેને આ નિર્ણય લેતા અટકાવી રહ્યા હતાં.

સાવ નાની અમથી આ નાટકીય પરિસ્થિતિનો સામનો આપણાંમાના લગભગ ૭૦% પુરુષો પોતાના મહત્તમ જીવનકાળ દરમિયાન કરતાં જ હશે. અને આ પરિસ્થિતિ કે સંજોગ આપણને એટલાં સામાન્ય લાગે છે કે તેના પર આવો કોઈ લેખ લખવો જોઈએ એવો વિચાર પણ નહીં જ આવે. પરંતુ મને આવ્યો. અને હું લખવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું. કારણ કે… મને લાગે છે કે આપણે વુમન્સ ડે ઉજવીએ છીએ, મધર્સ ડે ઉજવીએ છીએ, પોતાનું પિયર છોડી સાસરીના ઘરને અપનાવી લેતી છોકરીની મહત્તા વિશે અનેક વાતો કરીએ છીએ. તેના ગુણગાન પણ ગાઈએ છીએ, મા ના ભોગ બલિદાન, લાગણીઓ અને તેમને થતાં અન્યાય વિશે પણ અનેક વાતો લખીએ છીએ, કહીએ છીએ અને લખીએ, વાંચીએ પણ છીએ જ. પરંતુ મને હંમેશ લાગતું રહ્યું છે કે આ બધાની વચ્ચે આપણે પુરુષની પરિસ્થિતિ, લાગણીઓ, બલિદાન અને જવાબદારીઓ નભાવવા પાછળની મૂક મહેનતને મહદાંશે ઈગ્નોર કરતા રહ્યા છે.

જેની પાછળનું એક કારણ કદાચ એ પણ હોય શકે કે, આપણે પુરુષપ્રધાન સમાજમાં જીવીએ છીએ અને તે પુરુષ સહીત આપણે બધાએ એ વાત ખૂબ સહજ રીતે સ્વીકારી લીધી છે કે, ‘તે તો કરે, આ બધી તેની જવાબદારી છે, તેમાં શું મોટી ધાડ મારે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે, મને લાગે છે કે આપણે સ્ત્રીની મહત્તાના ગુણગાન ગાવામાં પુરુષની મહત્તાને ઈગ્નોર કરતા આવ્યા છીએ. જો કે પુરુષને એ વાતથી ખાસ ફર્ક પણ નથી પડતો. કારણ કે તે પોતાની જાતને કે પોતાની પરિસ્થિતિઓને એટલી તીવ્રતાથી જોવા માટે ટેવાયેલો જ નથી. આ એક બાબતે મને લાગે છે કે, સ્ત્રીની ઈક્વાલિટી વિશે વાત કરતા આપણે બધા આ એક બાબતે પુરુષને અન્યાય કરી રહ્યા છીએ.
ફરી આપણાં ઉપરના એ મહાશયની વાત તરફ વળીએ.

જ્યારે તે નાનો હતો ત્યારે, મા-બાપની પરિસ્થિતિ નહોતી કે તેને મોંઘી કિંમતના કે બ્રાન્ડેડ કહી શકાય તેવા બૂટ અપાવી શકે, અરે ઈન ધેટ કેસ સીનારિયો, તેના મા-બાપની તો તેને માટે બૂટ ખરીદી શકાય તેવી જ આર્થિક પરિસ્થિતિ નહોતી. ત્યારબાદ તેની ઊંમર પૂરાઈ અને સમજણો થયો ત્યારે, પોતાને જ એટલી સમજ આવી ગઈ હતી કે આવા મોંઘા બૂટ ખરીદવા માટે મમ્મી-પપ્પાને નહીં કહેવાય. જો તે કહે અને તેમનાથી ખરીદી શકાય તેવી પરિસ્થિતિ નહીં હોય તો તેમને કેટલું દુઃખ થાય કે, દીકરાએ એક શૂઝની પેર માગી અને તે પણ અમે તેને માટે ખરીદી નહીં શક્યા! ત્યાર પછી તે કમાતો થયો ત્યારે વળી ભવિષ્યના વિચારો આવવા માંડ્યા હતા. મા-બાપ માટે કંઈક કરવું, પોતાના ભવિષ્ય માટે કંઈક પ્લાનિંગ કરવું વગેરે…

અને પરણ્યા પછી વ્હાલી પત્નીની બોલાયેલી કે વણબોલાયેલી ઈચ્છાઓની પૂર્તિ કરવામાં જ તેને પોતાની ખુશી મળી રહેતી હતી. ત્યારબાદ હવે ઘરમાં જન્મેલા બાળકનો તે પિતા હતો. પુરુષ તરીકેનો ગર્વ અનુભવી શકે આથી હવે તેના જીવનનું કે પસંદગીઓનું કે ઈચ્છાઓનું એક જ લક્ષ્ય હતું, જે હું નથી કરી શક્યો, જે હું નથી પહેરી-ઓઢી શક્યો એ મારા બાળકોને અપાવું. પોતાને માટે ૧૦૦૦નું કોઈ ટી-શર્ટ ગમ્યું હશે તો તે બાજૂ પર મૂકી દઈ, દીકરાનું હાથના રૂમાલ જેટલી સાઈઝનું જીન્સ ૨૦૦૦માં ખરીદી લેશે, અને પોતે ૨૦૦ રૂપિયાના ટી-શર્ટમાં ખુશી મનાવશે. હવે આ સમયે તેને એ વાત યાદ પણ નહીં રહે કે, પેલું ૧૦૦૦નું ટી-શર્ટ મને ગમ્યું હતું.

પરંતુ, આ વખતે આ નાટકીય કિસ્સો કંઈક અલગ વળાંક લેવા જઈ રહ્યો હતો. આખરે ૨૬૬૩ રૂપિયા જેટલી મોંઘી કિંમતના શૂઝ તેણે ખરીદી લીધા. બિલના પૈસા ચૂકવતી વખતે આજે ખરેખર તેની આંખમાં ઝળઝળીયા આવી ગયા જેવું કંઈક મહેસૂસ થઈ રહ્યું હતું. કારણ? શૂઝ લઈ બહાર નીકળી સ્કૂટરેટ પર બેસતાં તેણે પોતાની પત્નીને કહ્યું, ‘તને ખબર છે? આજે જિંદગીમાં પહેલીવાર મેં આટલા આટલા મોંઘા અને બ્રાન્ડેડ શૂઝ ખરીદ્યા છે. આજ પહેલાં મેં આવા કેટલાંય શૂઝ શૉ રૂમ્સમાં માત્ર હાથમાં પકડીને પાછા મૂકી દીધા છે.’ એવું નહોતું કે તેના માથે હજીય પેલી જવાબદારીઓ અને ઘરના મોભી હોવાનો વણલખ્યો ભાર નહોતો. પરંતુ તે બધાં સાથે પણ આજે તે આટલા મોંઘા શૂઝ ખરીદી શક્યો ત્યારે, અમિતાભ બચ્ચન કે નરેન્દ્ર મોદી કે રજનીકાન્ત જેવા સફળતાના શિખરે પહોંચેલા મહારથીઓને પોતાના જીવનમાં સફળતાના તે શિખરે પહોંચ્યા પછી જે અહેસાસ થયો હશે તેવો જ અહેસાસ આજે તેને હમણાં થઈ રહ્યો હતો. અને મને લાગે છે કે એક સામાન્ય પુરુષ માટે આ પણ કોઈ મોટી સફળતાથી ઉતરતી કક્ષાનો અહેસાસ તો નથી જ.

કારણ કે સામાન્ય ઘરના, સામાન્ય પુરુષ માટે તેની નાની નાની ઈચ્છાઓને મારી નાખવી કે ઈગ્નોર કરવી એ ભલે કોઈ ખાસ મોટું બલિદાન નહીં હોય. પરંતુ, આ પ્રકારની એક ઈચ્છા પૂર્ણ કરવી એ એક ખૂબ મોટી ખુશી તો ખરી જ. ‘મારી જિંદગીના પહેલાં સૌથી મોંઘા બૂટ!’

આ પુરુષની ઊંમર શું હશે? ૪૦-૪૫-૫૦? અને આ ઉંમરે ૨૬૬૩ રૂપિયાના એક બૂટ ખરીદવા એ ખરેખર શું એટલી મોટી બાબત હશે? અતિશંયોક્તિ જેવી વાત લાગે નહીં? લાગે જ કારણ કે તે પુરુષની આવી તો કેટલીય નાની નાની લાગણીઓ અને મોટાં મોટાં બલિદાનો પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપવાનું પણ વ્યાજબી નથી ગણ્યુ. વ્યાજબી જ શું કામ, આવી કોઈક બાબત ખરેખર હોઈ પણ શકે એવો પણ આપણને કયારેય વિચાર સુધ્ધા નથી આવતો.

લેખક : આશુતોષ દેસાઈ

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી