જીત મારી થઇ છે – ધવલ બારોટ !

ના જાણે કેમ રાજે અચાનક ગુસ્સે થઇ ને મીરાં પાસે કંઇક આવું કહી ને પાણી માંગ્યું, “ચલ એ વાયડીની ઉભી થા અને મને એક ગ્લાસ પાણી આપ કામચોર.”

રાજ ના આ શબ્દો થી ઘર ના હોલમા બેઠેલા તેના માતા-પિતા સહીત મીરાં પોતે પણ સ્તબ્ધ થઇ ગઈ.

“શું? શું કહ્યું તે? આ કંઈ રીત છે, એક સ્ત્રી સાથે વાત કરવાની?” રાજ ના પિતાજી એ તેને આવું કહી ને તરત જ ધમકાવ્યો.

જાણે પોતે કંઈ ખોટું વર્તન ના કર્યું હોય એવા ભાવાર્થ સાથે, રાજે તેના પિતાને જવાબ આપતા જણાવ્યું, “અરે પપ્પા! આ સાવ નકામી છે. બસ આખો દિવસ ફેસબૂક અને વ્હાટ્સએપ પર જ બેઠી રહે છે. અને…”

આ સાંભળતા ની સાથે જ રાજ ની માતા એ તેને અટકાવ્યો અને તરત જ કહ્યું, “શું કંઈ પણ બોલે છે? તને કોણે કહ્યું આ બધું? આવી રીતે વહુ સાથે વાત કરાય? ભૂલીશ નહીં કે તારી એક માં છે અને એક બહેન પણ. અત્યારે જ મીરાં પાસે માફી માંગ.”

“પરંતુ મમ્મી..” રાજ હજુ પણ કંઈક દલીલ કરવા આગળ વધ્યો.

અને ત્યારે જ રાજ ના પિતા એ તેને અટકાવતા ઊંચા અવાજમા કહ્યું, “આ તારી મા અને તારા પિતા નો હુકમ છે. સાંભળ્યું કે નહીં તે?” રાજ આખરે તેના માતા-પિતા આગળ ઢીલો પડ્યો અને એને મીરાં પાસે માફી માંગી અને તે પોતાના બેડરૂમમા જતો રહ્યો.

મીરાં ના આંખ માંથી આવેલા આંસુ ને જોઈ, રાજ ની માતા મીરાં પાસે ગઈ અને કહ્યું, “બેટી, રાજ તરફ થી હું પણ માફી માંગું છું. તું રડ નહિ. આ બધું જ ભૂલી બેટા. હંમે બંને હંમેશા તારા માતા-પિતા ની જેમ તારી સાથે જ છીએ. પોતાની જાતને ક્યારેય પણ એકલી ના સમજતી.”

“બેટી આજે મને શરમ આવે છે કે તારે લગ્ન ના ફક્ત બે મહિનામા આ દિવસ જોવો પડ્યો. રાજ આવો પહેલા ક્યારેય નહોતો. તું ચિંતા ના કર, હું એની સાથે વાત કરીશ આ વિષય પર. હંમે બંને એનું ધ્યાન રાખીશું કે, એ તને ક્યારેય પણ હેરાન ના કરે.”

આખરે મીરાં ની આંખ ના આંસુઓ ને સાંત્વતન મળ્યું. તે ખુશ હતી કે તેના સાસુ-સસરા એ વગર કઈ પણ કહે તેનો સાથ આપ્યો.

રાજ ના માતા-પિતા અને મીરાં છુટા પડ્યા. મીરાં પોતાના બેડરૂમમા ગઈ અને દરવાજો ખખડાવ્યો. રાજે દરવાજો ખોલ્યો. મીરાં અંદર આવી અને રાજે જોરથી દરવાજો બંધ કર્યો. આ જોઈ મીરાં અચાનક ઘબરાઈ ગઈ પરંતુ રાજ તેની સામે જોઈ ને હસવા લાગ્યો અને કહ્યું, “મેં તને શરત લગાવતી વખતે કહ્યું હતું ને કે સાસુ-સસરા એ મા-બાપ બની શકે છે. શું હવે તને મારી વાત પર વિશ્વાસ થયો?”.

આ સાંભળી ને મીરાં અચરજ પામી અને તેને કહ્યું, “શું? તું ગાંડો થઇ ગયો છું? આ બધું તે ગઈ કાલે લગાવેલી શરત માટે કર્યું?”

રાજ એ હળવું સ્મિત આપ્યું અને મીરાં ની નજીક જઈને કહ્યું, “ના વહાલી. આ બધું મેં તારી માટે કર્યું. મારે ફક્ત એટલું જ સમજવું હતું કે સબંધો પ્રેમ અને વિશ્વાસ થી બને છે. ફક્ત લોહીથી નહીં.”

રાજ ની આ વાત મીરાં ના દિલ પર લાગી આવી. તેને બધું સમજમા આવ્યું કે રાજે આ બધું કેમ કર્યું. તેને આખરે રાજ નો આભાર માન્યો. ફરી પાછા એની આંખમા આંસુ આવ્યા પરંતુ આ વખતે આંસુ સ્મિત ના હતા.

આ સ્તીથી ને હળવી બનાવા, રાજે ફરી મજાક ના ભાવે કહ્યું, “તો મેડમ. કેવું રહ્યું. લગ્ન પછી આ આપડે પહેલી વાર શરત લગાવી હતી? હું જીતી ગયો ને.”આંસુ લુછી ને, સ્મિત આપતા મીરાં એ જણાવ્યું, “નાં રાજ. આજે સાચા અર્થ માં જોવું તો જીત મારી થઇ છે.”

લેખક – ધવલ બારોટ

તમને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો..

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી