તમારી સ્કિન કયા ટાઇપની છે એની તમને ખબર છે ખરી?

આપણે હંમેશાં નૉર્મલ સ્કિન, ડ્રાય સ્કિન જેવા શબ્દપ્રયોગો વાંચીએ અને સાંભળીએ છીએ. આજે એ બધાના ઊંડાણમાં ઊતરીએ

alia bhatt

લાઇફ-સ્ટાઇલ

આપણે હંમેશા વાંચતા હોઈએ છીએ કે અમુક પ્રકારની સ્કિન માટે અમુક પ્રકારની બ્યુટી-પ્રોડક્ટ લગાવવી જોઈએ અને આપણે આંખ બંધ કરીને બધા જે કહે એ રીતે બ્યુટી-પ્રોડક્ટ લગાવી દઈએ છીએ. પછી શરૂ થાય ફરિયાદો – મારી સ્કિન આવી થઈ ગઈ અને મારી સ્કિનમાં રૅશિસ થઈ ગયા વગેરે-વગેરે. એટલે આંખ બંધ કરીને કોઈ પણ બ્યુટી-પ્રોડક્ટ લગાવતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે કઈ બ્યુટી-પ્રોડક્ટ તમારી સ્કિન માટે સારી કહેવાય અને કઈ પ્રોડક્ટથી તમારી સ્કિનને નુકસાન થઈ શકે છે. તો ચાલો બી-બ્લિસ સ્કિન અને હેલ્થ નામનું પોતાનું ક્લિનિક ચલાવતી ડર્મેટોલૉજિસ્ટ ડૉ. ભાવિની લોડાયા પાસેથી સાથે જાણીએ સ્કિન-ટાઇપ વિશે અને એના પ્રમાણે તમે કઈ રીતે સ્કિનની સંભાળ રાખી શકો છો એ.

સ્કિન-ટાઇપ

સ્કિન પાંચ પ્રકારની હોય છે : ડ્રાય સ્કિન, નૉર્મલ સ્કિન, કૉમ્બિનેશન સ્કિન, ઑઇલી સ્કિન અને સેન્સિટિવ સ્કિન. તમારે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે તમારી સ્કિન કયા પ્રકારની છે? એને તમે કઈ રીતે ઓળખી શકો? એ માટે રાત્રે તમારો ચહેરો વૉશ કરો. એ પછી સ્કિન પર કોઈ પણ પ્રકારની ક્રીમ અપ્લાય કરવી નહીં અને સવારે ઊઠીને પહેલાં ટિશ્યુ પેપરને તમારા કપાળ પર, તમારા નાક પર, તમારા ગાલ પર અને તમારી દાઢી પર મૂકો. એ પછી ટિશ્યુ પેપરને ચેક કરો. ટિશ્યુ પેપર ચેક કર્યા પછી ખબર પડે કે તમારા કપાળ, નાક અને ગાલ ઑઇલી દેખાય છે અને દાઢી પર કંઈ નથી તો તમારી સ્કિન કૉમ્બિનેશન સ્કિન છે. જો ટિશ્યુ પર કંઈ નથી લાગતું તો તમારી ડ્રાય સ્કિન છે. પણ જો ટિશ્યુ પેપર ચહેરાના ચારે ભાગ પર રાખવાથી બધે ઑઇલી દેખાય છે તો તમારી ઑઇલી સ્કિન છે. સેન્સિટિવ સ્કિનને તમે ટિશ્યુ પેપરથી ન ઓળખી શકો.

ઑઇલી સ્કિન

જેની સ્કિન ઑઇલી હોય છે તેમને પિમ્પલ્સ થવાના ચાન્સિસ વધારે છે. એ સિવાય ડાર્ક હેડ્સ અને બ્લૅક હેડ્સ પણ થવાના ચાન્સિસ બીજા સ્કિન-ટાઇપ કરતાં વધારે છે. એ લોકોએ બહુ હાર્શ ફેસવૉશ ન વાપરવું જોઈએ, એનાથી તમારી સ્કિન ડ્રાય થઈ જશે. એ સાથે અડધો કલાક પછી તમારી સ્કિન પહેલાં કરતાં વધારે પડતી ઑઇલી દેખાશે. ડ્રાય સ્કિનવાળાએ એવા ફેસવૉશ વાપરવાં જેમાં થોડાં ફીણ નીકળે જેને ફોમિંગ ફેસવૉશ કહેવાય. ઑઇલી સ્કિનવાળાએ બ્લૅક હેડ્સ અને વાઇટ હેડ્સની ટ્રીટમેન્ટ વારંવાર કરાવવી પડે છે. એ સિવાય સેલિસિલિક ઍસિડવાળાં ફેસવૉશ અને ક્રીમ વાપરવાં જોઈએ જેથી તમારી સ્કિન ઑઇલી ન દેખાય. એ સિવાય તમે જ્યારે કોઈ સનસ્ક્રીન વાપરો ત્યારે એમાં ઑઇલ-ફ્રી સનસ્ક્રીન આવે છે અને મૅટ ફિનિશવાળાં સનસ્ક્રીન આવે છે એ વાપરવાં. જેની સ્કિન ઑઇલી છે એ લોકોને મૉઇસ્ચરાઇઝરની જરૂર નથી અને જો લગાવવું હોય તો લાઇટ મૉઇસ્ચરાઇઝર લગાવવું.

લાઇટ એટલે બહુ ક્રીમી ન હોય, બહુ થિક પણ ન હોય; જે લગાવવાથી તમારી સ્કિન બહુ ઑઇલી ન લાગે. ઑઇલી સ્કિનવાળાને પિમ્પલ્સનો જે પ્રૉબ્લેમ છે એના માટે તેમણે ક્લીનઅપ કરવું જોઈએ. ઑઇલી સ્કિનવાળાએ ખાસ ધ્યાન રાખવું કે તેમણે તેમની સ્કિનને બહુ ડ્રાય ન કરવી, કેમ કે સ્કિનની ઉપરનું ઑઇલ તમારી સ્કિનને પ્રોટેક્ટ કરે છે. તમારે પણ એ લેયરને પ્રોટેક્ટ કરવી જોઈએ. જેની સ્કિન બહુ ડ્રાય હોય તેણે ફેસવૉશ ન વાપરવું હોય તો ક્લેન્ઝિંગ લોશન વાપરવું જોઈએ. ઑઇલી સ્કિનવાળાને લાગે છે કે મારી સ્કિન બીજાની સ્કિન કરતાં ખરાબ છે, પણ હકીકતમાં ઑઇલી સ્કિન વધારે સારી છે કેમ કે એ સ્કિન પર ઑઇલની લેયર છે જે સ્કિનને વધારે પ્રોટેક્ટ કરે છે એટલે જ્યારે એજિંગ થાય ત્યારે ઑઇલી સ્કિન વધારે સારી લાગે છે.

ડ્રાય સ્કિન


ડ્રાય સ્કિનમાં રિંકલ્સ આવવાના ચાન્સિસ વધારે છે. એ સિવાય ડ્રાય સ્કિનવાળાઓની ટેન્ડન્સી હોય કે જો તેઓ મૉઇસ્ચરાઇઝર ન વાપરે તો તેમની સ્કિન ટૅન વધારે થાય, કાળી વધારે થાય. એટલે તેમણે મૉઇસ્ચરાઇઝર વાપરવું જોઈએ. સનસ્ક્રીન પણ રોજ વાપરવું, પણ તેઓ જે સનસ્ક્રીન વાપરે એ મૅટ ફિનિશિંગવાળું ન હોવું જોઈએ. એ લોકોએ ઑઇલી સનસ્ક્રીન વાપરવું જોઈએ. ડ્રાય સ્કિનવાળાની જો ફ્લેકી સ્કિન થઈ જાય તો તેમણે એક્સ્ટ્રા મૉઇસ્ચરાઇઝર લગાવવું. એવાં મૉઇસ્ચરાઇઝર જેમાં વિટામિન E હોય, વિટામિન C હોય. એમાં વિટામિન ચ્વાળી ક્રીમ ફ્લેકી સ્કિનવાળા માટે સૌથી સારી છે. રોજ સવારના ઊઠીને જેમાં બહુ ફીણ ન થાય એવા ફેસવૉશથી ચહેરો ધોવો. એ પછી તેમણે જેમાં વિટામિન E હોય એ ક્રીમ લગાવવી અને એના પર સનસ્ક્રીન લગાવવું. જો આનાથી પણ સ્કિન ફ્લેકી રહે તો પછી ડર્મેટોલૉજિસ્ટને કન્સલ્ટ કરવું.

કૉમ્બિનેશન સ્કિન

કૉમ્બિનેશન સ્કિન સાંભળતાં મગજમાં એ જ વિચાર આવે કે આ સ્કિનવાળાએ બે-બે પ્રોડક્ટ વાપરવી જોઈએ, જે સદંતર ખોટું છે. જેની સ્કિન કૉમ્બિનેશન સ્કિન હોય તેમણે નૉર્મલ સ્કિનની જ પ્રોડક્ટ વાપરવી. તેમને સૌથી મોટો પ્રૉબ્લેમ ટી-ઝોનમાં થાય. ત્યાં તેમને બ્લૅક હેડ્સ અને વાઇટ હેડ્સ વધારે થાય છે. તો ટી-ઝોનના એરિયામાં તેઓ પિમ્પલ્સની ક્રીમ લગાવી શકે. જેમ કે સેલિસિલિક ઍસિડવાળી ક્રીમ લગાવી શકે. એનાથી નાકની સ્કિન મેઇન્ટેન રહે. એ લોકો પણ નૉર્મલ સ્કિનનાં ફેસવૉશ, સનસ્ક્રીન વાપરી શકે છે. તેમણે ઑઇલી સનસ્ક્રીન જ લગાવવી. અને એ લગાવ્યા પછી લાગે કે સ્કિન ઑઇલી લાગે છે તો અડધો કલાક પછી તેઓ ટિશ્યુ પેપરને સ્કિન પર દબાવીને સાફ કરી શકે અથવા ફેસવૉશ કરી શકે, કેમ કે એ જે ક્રીમની ઇફેક્ટ હતી એ અડધો કલાકમાં સ્કિનની અંદર ઍબ્સૉર્બ થઈ જાય છે

સેન્સિટિવ સ્કિન

કોઈ વ્યક્તિ જ્યારે તડકામાં જાય છે ત્યારે તેની સ્કિન લાલ થઈ જાય છે, સ્કિન ખેંચાઈ રહી છે એવું ફીલ થાય અને તડકાના લીધે તેને સ્કિન દાઝવાની ફીલિંગ્સ આવે, સ્પેશ્યલી નાક અને દાઢી પર; તો એ સ્કિન સેન્સિટિવ છે. એ સિવાય જે પ્રોડક્ટ બધા વાપરતા હોય એ પ્રોડક્ટ સેન્સિટિવ સ્કિનવાળાને સૂટ થતી નથી. સ્કિન પર ઇચિંગ આવશે. રૅશિસ આવશે. સ્કિન લાલ થઈ જશે વગેરે. તો આ સ્કિનને તમે ટિશ્યુ પેપરથી ઓળખી શકતા નથી. સેન્સિટિવ સ્કિનવાળાને કોઈ પણ પ્રકારની બ્યુટી-પ્રોડક્ટ સૂટ થતી નથી. તેમણે સેન્સિટિવ સ્કિન માટે જે સ્પેશ્યલી બ્યુટી-પ્રોડક્ટ આવે એ વાપરવી જોઈએ. એના સિવાય પેરાબેન-ફ્રી પ્રોડક્ટ વાપરવી જોઈએ. પેરાબેન એક ઇન્ગ્રીડિઅન્ટ છે જે દરેક બ્યુટી-પ્રોડક્ટમાં હોય છે. તેમણે એ જ ફેસવૉશ વાપરવું જોઈએ જેમાં લખેલું હોય છે કે ફેસવૉશ ફૉર સેન્સિટિવ સ્કિન. એ ફેસવૉશ બીજા કરતાં માઇલ્ડ હોય છે. જેની અંદર સ્ક્રબ આવે એ ફેસવૉશ તો તેમણે વાપરવું જ ન જોઈએ. એ સિવાય તેમણે સ્ક્રબ પણ ન વાપરવું. સેન્સિટિવ સ્કિનવાળાઓએ ફેસ લૂછવા માટે નૅપ્કિન પણ બહુ રફ ન વાપરવું જોઈએ. સૉફ્ટ જ વાપરવું અને ફેસ પર દબાવીને લૂછવું. સનસ્ક્રીનની વાત કરીએ તો સેન્સિટિવ સ્કિનવાળાએ બહુ થિક સનસ્ક્રીન ન વાપરવું, લાઇટ વાપરવું. સેન્સિટિવ સ્કિન બહુ જલદી લાલ થઈ જાય છે એટલે અમે પેશન્ટને કહેતા હોઈએ છીએ કે તમે તમારી સ્કિનની કૅર લો. રેગ્યુલર સનસ્ક્રીન લગાવવું. જો બહુ બહાર ફરવાનું કામ હોય તો માથા પર ટોપી અને ગૉગલ્સ પહેરવાં. બહારથી આવીને ઠંડા પાણીથી મોઢું ધોવું અથવા બરફ લગાવો. આનાથી તેમની રેડનેસ ઓછી થાય છે. રોજ રાત્રે સૂતાં પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાવવું જેનાથી તમારી સ્કિન મેઇન્ટેન રહે છે. સેન્સિટિવ સ્કિનવાળાને જે પણ બ્યુટી-પ્રોડક્ટ વાપરવી હોય એ પ્રોડક્ટને પહેલાં દાઢી પર ટ્રાય કરવી. સેન્સિટિવ સ્કિનવાળાએ મેકઅપમાં ડાર્ક કલરની પ્રોડક્ટ ન વાપરવી. જેમ કે રેડ, બ્રાઉન, મરૂન જેવા ડાર્ક કલર ન વાપરવા જોઈએ.

ઉંમરની સાથે સ્કિન-ટાઇપ બદલાય

સ્કિન-ટાઇપ ઉંમર જતાં બદલાય પણ છે. ક્યારેક તમારી સ્કિન ઑઇલી હોય તો ઉંમર વધતાં એ કૉમ્બિનેશન સ્કિન પણ થઈ શકે છે. આનાં કારણ પણ ઘણાંબધાં હોય છે. એમાં સૌથી મહત્વનું કારણ છે હૉમોર્ન્સ. એ પછી તમે શું કામ કરો છો, તમે આખો દિવસ ઘરે છો કે આખો દિવસ બહાર રહો છો, તમે સ્કિન માટે કઈ પ્રોડક્ટ વાપરો છો, તમે આખો દિવસ શું ખાઓ છો, તમે રોજ એક્સરસાઇઝ કરો છો કે નહીં એ બધું તમારી સ્કિન મેઇન્ટેન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્કિન પર ગ્લો લાવવા માટે તમારે ફ્રૂટ્સ અને શાકભાજી ખાવાં જોઈએ. રંગેબેરંગી શાકભાજીમાં ઍન્ટિઑક્સિડન્ટ બહુ વધારે હોય છે. આ ઍન્ટિઑક્સિડન્ટ્સ ઍન્ટિ-એજિંગમાં અને સ્કિનના કલર પર કામ કરે છે. દૂધમાંથી મળતું પ્રોટીન પણ આપણી સ્કિન માટે ઘણું ફાયદેમંદ છે.

એજિંગ સ્કિન

આ પાંચ સિવાય સ્કિનનો હજી એક પ્રકાર છે એજિંગ સ્કિન. એજિંગ સ્કિનને અટકાવવાની શરૂઆત ૩૦ વર્ષ પહેલાં જ કરવી પડે. એમાં બેઝિક છે સનસ્ક્રીન અને મૉઇસ્ચરાઇઝર. આ બે વસ્તુ પહેલેથી બધાએ સ્કિન પર લગાવવી જોઈએ. સનસ્ક્રીન લગાવવાથી તડકાની ઇફેક્ટ ઓછી થાય અને એનાથી સ્કિન પર જે પિગ્મેન્ટેશન આવે છે એ પણ ઓછું થાય. મૉઇસ્ચરાઇઝર લગાવવાથી સ્કિન મૉઇસ્ચર્ડ રહે. એનાથી તમારી સ્કિન પર વધારે એજ ન દેખાય. આ હતી ૩૦ વર્ષ પહેલાંની કૅર. હવે ૩૦ વર્ષ પછીની કૅર. ૩૦ વર્ષની ઉંમર પછી ઍન્ટિ-એજિંગ ક્રીમ લગાવવાનું ચાલુ કરી દેવું જોઈએ. આનાથી એજિંગ ધીરે-ધીરે ઓછું થાય. એને લંબાવી શકાય. એ સિવાય જે સ્કિન લચી ગઈ હોય એને ટાઇટ કરવા માટે સ્કિન-ટાઇટનિંગ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એ સિવાય વચ્ચે-વચ્ચે ફેશ્યલ પણ કરાવવું જોઈએ. આનાથી તમારી સ્કિન પર એજ દેખાતી નથી.

ફેસવૉશ વાપરવાની ટિપ્સ

કોઈ પણ ફેસવૉશ વાપર્યા પછી સ્કિન પર ખેંચાવ કે ડ્રાય જેવી ફીલિંગ ન આવવી જોઈએ. જો આવી ફીલિંગ આવે તો એ ફેસવૉશ બદલી દેવું, કેમ કે એ સ્કિનને વધારે ડ્રાય કરી રહ્યું છે. કોઈ પણ સ્કિનવાળાએ દિવસમાં બે વાર જ ફેસવૉશ વાપરવું જોઈએ. સવારે અને રાત્રે સૂતાં પહેલાં. જો તમે બે-બે કલાકે ફેસવૉશ વાપરશો તો તમારી સ્કિનની જે પ્રોટેક્ટિવ લેયર છે એ નીકળી જશે અને તમારી સ્કિન વધારે ડ્રાય થશે. વચ્ચે-વચ્ચે ફેસને પાણીથી ધોઈ શકાય.

સંકલન : જીગીષા જૈન 

સૌજન્ય : મીડ ડે 

ગ્લેમર, બ્યુટી હેલ્થ, લાઈફ સ્ટાઈલ તેમજ અન્ય માહિતી મેળવાવા માટે આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ ” આજે જ લાઇક કરો, ને જો આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

ટીપ્પણી