જયપુર, દાલબાટી-લસ્સીથી આગળનું શહેર!

દરેક શહેરની એક તાસીર હોય છે, એક શહેરમાં એક સામાન્ય માણસને શું જોઈએ? સારી સડકો? સારા થિયેટર્સ? પુરતી પાર્કિંગ વ્યવસ્થા? ભરપુર વૃક્ષો અને બાગ-બગીચાઓ? શાંતિ અને સલામતી? કદાચ આમાંથી બધું જ. શહેર કોઈ પણ હોય એના પ્લસ અને માઈનસ પોઈન્ટ્સ હોવાનાં જ. મોટેભાગે એવું બનતું હોય છે કે કોઈ પણ શહેર વિષે ટ્રાવેલોગ્સ લખવામાં આવતા હોય તો બહુ બધા વખાણ જ હોય છે, એમાં કંઈ જ ઘસાતું લખવામાં આવતું નથી હોતું. સચોટ અને સરળ એનાલિસીસ કોઈ શહેર વિષે વાંચવું હોય તો રીતસર ફાંફા મારવા પડતા હોય છે. શહેર એ તો ગુલઝાર કે મુન્નવર રાણાની કવિતાઓ જેવું સૌમ્ય તો ક્યારેક એકદમ બરછટ હોય છે. અમદાવાદ ઘોંઘાટિયુ લાગે તો મુંબઈ સતત દોડાદોડી કરતું રહે!

ટુરિઝમ પણ બહુ કમાલની ચીજ છે, તમે કોઈ શહેર કે કસ્બાને પિછાણવાની કોશિશ કરો તો એના માટે તમે કોઈ ટુર ઓપરેટરની મદદ થી હરો ફરો પણ એનાથી તમે શહેરની તાસીર નથી ઓળખી શકતા, એ તો કોઈ અરેન્જ મેરેજની પહેલી મુલાકાતની જેમ ઉપરછલ્લી વાતો જેવું કૃત્રિમ હોય છે! તમે અજમેર જઈ આવો તો તમને દરગાહ શરિફથી આગળનું અજમેર ખબર જ નથી હોતું! અમદાવાદ એટલે માત્ર કાંકરિયા કે સિદ્દી સૈયદની જાળી ન હોય. જયપુર આ લખનાર માટે એટલું ખાસ છે કે એના પર એક સ્વતંત્ર લેખ લખી શકાય.

૧૭૨૭માં મહારાજ જયસિંહ એ સ્થાપેલું આ શહેર ભારતનું પહેલું પ્લાન્ડ શહેર તરીકે ઓળખાય છે, શહેરમાં પ્રવેશીએ એટલે તરત એક રજવાડી ફિલ આવે! શહેરને ત્રણ મુખ્ય ભાગમાં વહેચવામાં આવ્યું છે. પિંક સિટી એટલે કે ઓલ્ડ સિટી, મુઘલ સિટી એટલે કે જે ભાગમાં બધા જ મહેલો અને કિલ્લાઓ આવેલા છે અને ત્રીજું ન્યુ સિટી એટલે કે ‘વિકાસ’ નું શહેર જ્યાં ટેક પાર્ક અને હાઈરાઈઝ બિલ્ડીંગો આવેલી છે. શહેરને કેટલાય ગેઇટ થી જાણે કિલ્લે બંધ કર્યું હોય એવું લાગે.

1જયપુરનો નશો હૌલે હૌલે ચઢે છે. સખત લીલોતરી,ચારેકોર હેરિટેજ બિલ્ડીંગ્સ અને સખ્ત પોલિસનો જાપ્તો એકદમ દિલ્હીની યાદ અપાવે છે.મશહૂર મિર્ઝા ઇસ્માઇલ રોડ પર આવેલી 100 વર્ષ જૂની નિરો‘ઝ રેસ્ટોરન્ટ ખુબ જાણીતી છે,સાંગાનેરી ગેઇટ થી પિન્ક સિટી શરૂ થાય છે અને આંખોને ટાઢક વળે છે.છોલે કુલચે ખાતા ઉપર ધ્યાન જાય તો સડસડાટ મેટ્રો ટ્રેન જઈ રહી છે.દિવાળીનો ઠાઠ અહીં અભૂતપૂર્વ છે,પાંચ બત્તી વિસ્તાર દિલ્હીનાં પોશ ગ્રેટર કૈલાશની યાદ અપાવે છે.રોયલ આલ્બર્ટ હોલમાં આજે ઇજિપ્શિયન મમી રાખેલી જોઈ ચકિત થઇ જવાયું,રાજમંદિર ટૉકીઝ જોઈને અમારા જેવા ફિલ્મી કીડા તો બેબાકળા થઇ જાય. જયપુર આપણી એકસ્પેક્ટેશન્સ વધારી નાખે અને એઝ યુઝવલ અહીં પણ ફોરેનર્સ નો રાફડો ફાટ્યો છે.

આપણી અંદરનો કોલોનિયલ માઈન્ડસેટ, એક એવરેજ ભારતીયની અંદરની માનસિક ગુલામી આજે પણ ફોરેનર્સને જોઈ ઘેલા ઘેલા કરી નાખે છે, એ લોકો પણ હવે સખ્ત અને સ્માર્ટ થઇ ગયા છે. જયારે કોઈ ચોરી છુપીથી એના ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે એટલે તરત કંટાળીને એ લોકો મોઢા પર ના પાડી દે છે. જયપુર શહેરને ગુજરાતનાં કહેવાતા વિકાસનાં બદલે ખરો વિકાસ મળ્યો છે એવું કહીએ તો એ અતિશયોક્તિ ન કહેવાય. મેટ્રોટ્રેન એક ૩૦ લાખની વસ્તી વાળા શહેરને મળી ગઈ છે, મોજ થી બીજો ફેઇઝ પણ બંધાવો શરુ થઇ ગયો છે. એક તરફ સરસ ઇલેક્ટ્રિક રિક્ષાઓ પણ ચાલી રહી છે અને ખુલ્લી રિક્ષાઓ ખેંચનારા મહેનતુ ચાલકોની આપણને દયા આવ્યા વગર રહે નહિ.

5જો કે સાંજ પછી આ શહેર થોડું ડરામણું ભાસે છે, સ્થાનિકોનાં કહેવા પ્રમાણે અહીં રાત્રે ૧૨ વાગ્યે પણ સલામતી વર્તાય છે, પણ અમને એવું લાગ્યું નહિ. છૂટ થી દારુ મળતો હોઈ, કોઈ ગુજરાતી ભલે એ પીધા વગર રહી ન શકે પણ શહેરમાં ન જાણે કેમ પણ આધેડ સ્ત્રીઓ દેખાય છે પણ જુવાન છોકરીઓ એટલા પ્રમાણમાં દેખાતી નથી. કદાચ શહેરની પ્રતિબંધિત અને જુનવાણી રહેણીકરણી પણ આની પાછળ જવાબદાર હોઈ શકે.

જયપુરની ફક્ત ગળચટ્ટી વાતો જ કરીએ એવું તો કેમ ચાલે? શહેરમાં અપાર ગંદકી ફેલાયેલી છે, વિધાનસભા વાળો જનપથ અને ટોંક રોડ પર આવેલા વિશાળ હરિયાળા સેન્ટ્રલ પાર્ક આસપાસ જયપુર કોઈ દુલ્હન જેવું યુવાન, તરોતાજા અને સ્વચ્છ લાગે છે પણ ચાંદપોળ-સુરજપોળ અને શહેરનાં કેટલાક બીજા વિસ્તારોમાં ગંદકી અપાર છે. શહેરનાં રિક્ષાચાલકો પ્રવાસીઓને ઠંડા કલેજે ચિરીને છેતરે છે. શહેરનાં લોકો ભલે ડબલસવારીમાં પણ બંને જણ હેલ્મેટ પહેરતા હોય પણ રિક્ષામાં મીટર લગાડેલા હોવા છતાં, ઉધડા ભાડે જ રિક્ષાઓ દોડે છે. દિવાળીનાં તહેવારોમાં જ સખ્ત કમાણી હોવા છતાં, બધી જ રેસ્ટોરન્ટ અને ફૂડ જોઈન્ટસ બંધ થઇ જાય છે. અહીં પણ ગુજરાતીઓ થોકબંધ આવતા હોય, જયપુરની ઈકોનોમીમાં પણ ગુજરાતીઓનો ફાળો અપાર છે.

2ખુબ જ સલુકાઇ થી જમાવેલું તાજું જાડ્ડું દહીં, કેસરની કતરણ બિછાવેલી લસ્સી જયારે માટીનાં કુલ્લ્ડમાં પીવામાં આવે ત્યારે પેટ સાથે નિયત પણ ભરાઈ જાય છે! અહીંની રાજસ્થાની પ્યાઝ કચોરી અને આલુંટીકી સાથે છોલે પણ ખાવા જેવા ખરા. નોનવેજીટેરીયન આત્માઓને અહીં લાલ માંસ લગભગ જન્નતનો અનુભવ કરાવી દે એની પૂરી શક્યતા. અગર નાથદ્વારા કે ઉદયપુરની વાત કરતા હો તો બરાબર, બાકી જયપુરની ચા માં ઈલાયચી જ હોય છે, ડિટ્ટો દિલ્હી!! જયપુરની રહેણી કરણી પર દિલ્હીનો સારો એવો પ્રભાવ છે! અહીં નાથદ્વારા કે ઉદયપુરની જેમ ફુદીના થી સજાવેલી ચા ની લારીઓ જોવા નથી મળતી, ખાંડ વધુ નાખવામાં આવે છે! લસ્સી અને સિકંજી અહીનાં લોકોને એટલા જ વ્હાલા છે જેટલા ગુજરાતીઓ ને વ્હિસ્કી-વોડકા

જયપુરી બ્લોક પ્રિન્ટીંગ અને શાકભાજીનાં રંગો થી બનેલી શાલ, સ્ટ્રોલ, રજાઈઓ, બ્લેન્કેટ, ડ્રેસ અને ચોળીશૂટ ખુબ જ સરસ હોય છે. હા, ખાસ્સા મોંઘાદાટ હોય છે! અહીંનાં લોકો તમને એકદમ મીઠ્ઠી છુરીની જેમ હસીને તમારી પાસે થી પૈસા લેવામાં ખાસ્સા સફળ થાય છે. આપણે જાણે હસીને છેતરાઈ રહ્યા હોય એવી સતત લાગણી થાય.

નાહરગઢ કિલ્લો શહેરની ટોંચ પર છે, સરસ છે જોઈ નાખવા જેવો ખરો. જયગઢ કિલ્લો પણ ખુબ જ સરસ છે, આ બધા જ બાંધકામ ખાસ્સા જુના. અહીં આવેલી જયવાણ ટોપ એ એશિયાની સૌથી મોટી ટોપ આલેખાઈ છે. પણ કિલ્લાઓમાં શિરમોર એવો આમેર ફોર્ટ તમને અચંભિત કરી નાંખે છે. અહીનો શીશ મહેલ અદભુત પણ લોકો અરીસાઓ ચોરી જતા હોવાથી હવે અંદરનો પ્રવેશ વર્જિત છે! એક મોટા તળાવ વચ્ચે દુર આવેલો જલ મહેલ રમણીય છે પણ એની આસપાસનો વિસ્તાર ગંદકી થી ગંધાય છે! જયપુરનો સિટી પેલેસ એ ઉદયપુર સિટી પેલેસની સરખામણીમાં કંઈ જ નથી છતાં જોઈ નાખવા જેવું ખરું. જંતરમંતર અદભુત છે, એ જમાનામાં સવાઈ જય સિંહ એ આટલું સરસ ખગોળજ્ઞાન અને ફક્ત પોતાની ક્યુરિયોસિટી થી જંતરમંતરનું નિર્માણ કરાવેલું. આજે વર્લ્ડ હેરિટેજ સાઈટ છે આ અદભુત જંતરમંતર જે રાશિઓ થી પવનની દિશા અને અયનવૃત થી કર્કવૃત્ત જેવા દરેક ફેકટર્સને કોઈ જ આધુનિક સાધનો વગર સચોટ કહી આપે છે!

જયપુરનું લક્ષ્મીનારાયણ મંદિર એટલે કે બિરલા મંદિર ખુબ જ શાંત અને સફેદ મારબલ જડિત આ જગ્યા મનની શાંતિ આપે છે, બાજુમાં આવેલું ગણેશ મંદિર પણ ખુબ જ સરસ. અહીનાં બિરલા પ્લેનેટોરિયમમાં બાળકો સાથે માર્સ મિશનની મુવિ જરૂર થી જોવા જેવી ખરી. રાજમંદિર થિયેટરમાં ફિલ્મ ન જોઈ શકીએ તો જયપુરનો ફેરો ફોગટ! કંઈ પણ સારું કે ઘસાતું લખવા માટે પણ એને પહેલા નિહાળવું પડતું હોય છે!

જયપુર શહેર જેવા બીજા અનેક ભારતીય શહેરોની તાસીર એ કોઈ ટુર પેકેજની પેલે પાર આ લેખ જેવા ફર્સ્ટ હેન્ડ અનુભવો થી જ પરખાતી હોય છે, બાકી તો પછી ઘરે બેસીને ફેસબુક પર કોઈ કાજીની જેમ ન્યાય તોળતા સ્ટેટ્સ અને ફિલસુફીથી ઉભરતા ગંધાતા લેખો જ વાંચવા-લખવા મળી જાય!

પાઈડ પાઈપર:

ફિલ્મ રંગ દે બસંતી જ્યાં શૂટ થઇ હતી એ નાહરગઢ કિલ્લો હોય કે ભવ્ય આમેર કિલ્લો, દિલ અને નામો એની દીવાલો પર કોતરી ભારતનાં ભવ્ય વારસાને ગાળો આપવાનું લોકો ક્યારે બંધ કરશે?

લેખક : ભાવિન અધ્યારુ

ટીપ્પણી