જય માળનાથ – મુકેશ સોજીત્રા લિખિત એક નવી સ્ટોરી !! ચૂકશો નહિ…..!!! ભાગ – ૨

“ નિત્યેશ આ મારા મમ્મી છે ગાયત્રીબેન, અને મમ્મી આ છે નિત્યેશ!! નિત્યેશ શામજીભાઈ પટેલ!! મમ્મી એ પણ આપણી જેવા જ પટેલ છે. મારી જેમ જ એ પણ ભાષાનો શિક્ષક છે અને મમ્મી અમે ચાર મહિનાથી ઓળખીએ છીએ. અમે કાલે મળ્યાં હતાં ને ત્યારે મેં જ કીધું હતું કે મારે ઘરે આવજે એટલે એ આવ્યો છે મમ્મી, મમ્મી હું તને બધું જ કહી દેવાની હતી એક કે બે દિવસમાં!! અમે એક બીજાને પસંદ કરીએ છીએ મમ્મી” અને ગાયત્રીબેન હાથ ઉંચો કર્યો. નિતિકા ચુપ થઇ ગઈ. ગાયત્રીબેન બોલ્યાં.

“ચાર માસથી હું પણ જોવ છું કે તું બહુજ ખુશ હોય છે, પહેલાં તો તારો મોબાઈલ પણ ઠેકાણે ના હોય અને હવે તું મોબાઈલને રેઢો મુકતી જ નથી. તું જયારે બહાર જાય છે ત્યારે બની ઠનીને જાય છે પેલાં તો તું સાવ બેદરકાર હતી. ચાલો કોઈ વાંધો નહિ. છોકરો છે તો સુંદર અને તે પસંદ કર્યો છે એટલે મારે કશું જ નથી કહેવું. શું કરે છે તારા મમ્મી પાપા કુટુંબમાં બીજું કોણ છે બેટા ?આવું સાંભળીને નિત્યેશનો શ્વાસ હેઠો બેઠો.

“પાપા છે, મમ્મીનું ત્રણ વરસ પહેલાં અવસાન થયું છે. પાપા ગામડે છે મારાથી બે મોટાભાઈ છે એ સુરતમાં વેલ સેટ છે. એક બહેન છે એ સાસરે છે. પાપા થાય એટલી ખેતી કરે છે વીસ વીઘા જમીન છે, હું ખાતરી આપું છું કે નિતિકાને હું સુખી રાખીશ.”

“મારે કોઈ ખાતરીની જરૂર નથી, પસંદ નિતિકાની છે એણે પુરતી ખરાઈ કરી જ લીધી છે, મારે તો એક ચોખવટ કરવાની છે એ હું કરી લઉં!! આ વાતની મારી દીકરીને પણ ખબર નથી, પણ હવે ચોખવટ જરૂરી છે!! તારા પાપાને પણ આ વાત તું જણાવી દેજે, મારા તરફથી તો આ સંબંધ મંજુર છે ઓકે પણ પહેલાં તમે સાંભળી લો” આમ કહીને ગાયત્રીબેને વાત શરુ કરી એ પહેલા એણે નીતીકાને કહ્યું.

“નિતુ બેટા કોફી બનાવ મારા માટે અને નિત્યેશને જે પસંદ હોય એ એને માટે બનાવ તને તો નિત્યેશની પસંદની તો ખબર જ હશે ને”? નિતિકા કિચનની અંદર ચાલી ગઈ. દસ મીનીટમાં જ નિતિકા કોફી અને સુંઠવાળી ચા બનાવીને લાવી. નિત્યેશે ચા પીધી અને ગાયત્રીબેને કોફી પીધી. ગાયત્રીબેને વાત શરુ કરી.

“ભાવનગર મારું પિયર છે અત્યારે તો મારા બે ભાઈઓ સિવાય કોઈ જ નથી મારા મમ્મી પાપાનું અવસાન થયે ઘણો સમય થયો. નિતિકાને પણ આ વાતની ખબર નથી કે એનાં બે સગા મામાઓ અહીંજ રહે છે ભાવનગરમાં જ !! એણે બે ત્રણ વાર પૂછેલું કે મમ્મી પાપા ક્યાં છે ?? દર વખતે હું એમને કેતીતી કે બેટા તારા પાપા ગુજરી ગયાં છે આપણું કોઈ જ નથી. નિતિકા મારી ડાહી દીકરી છે એ પછી એ કશુજ પૂછતી જ નહિ. એનાં પાપા હજુ જીવે છે અને વડોદરા છે!! પણ નિતિકા જયારે બે વરસની હતી ત્યારથી જ હું જુદી રહું છું. અમે કાયદેસર છૂટાછેડા તો લીધેલા નથી પણ મે જ એમને એમનાં રસ્તે જવા દીધેલા.” ગાયત્રીબેન વાત શરુ કરી અને આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. હિંચકા પર પડેલ રૂમાલથી એણે આંસુ લુંછી નાંખ્યા. નીતીકાની આંખોમાં પણ આંસુ આવી ગયાં. ગાયત્રીબેને વાત આગળ ચલાવી.

“મારા પિતાજી હરજીભાઈ, મારી બા શાંતુબેન અને મારાથી મોટા બે ભાઈઓ અને સહુથી નાની હું એક શાંત અને સુખી પરિવાર હતો. અમે એ વખતે આંબાવાડીમાં રહેતાં આજે પણ મારા બંને ભાઈઓ ત્યાજ રહે છે, ક્યારેક રસ્તામાં ભેગા થઇ જાય તો પણ અમારે બોલવા વહેવાર નથી. મારા પિતાજી અલંગ માં આવેલા એક વે બ્રિજમાં કામ કરતાં. હું સહુથી વધુ લાડકી અને મારો પડ્યો બોલ ઝીલાતો ઘરમાં!! મેં એ વખતે ધોરણ દસ પાસ કરીને પીટીસી કરેલું અને શિક્ષિકા બનવાની પૂરી ઈચ્છા હતી. એ ઈચ્છા પણ મારી પૂરી થઇ અને અહી ભાવનગરમાં જ મને નોકરી પણ મળી ગયેલ. મારા પાપા જે વે બ્રિજમાં નોકરી કરતાં હતાં ત્યાં જ પાછળ એક શીપ બ્રેકીંગ કંપની હતી એનાં માલિકના દીકરા સાથે મારું સગપણ થયું. મારા પાપા એમને ખુબ સારી રીતે ઓળખતાં હતાં. નિકીતાના પાપા એટલે કે રજની મને પણ જોતા વેત જ પસંદ પડી ગયેલાં. અમારા ધામધુમથી લગ્ન થયેલા અને મારા પાપાને તેઓએ શીપ બ્રેકીંગ કંપનીમાં ભાગીદાર પણ બનાવેલ અને મારા બે ભાઈઓને પણ એજ કંપનીમાં ગોઠવાઈ ગયાં. હું પરણીને સાસરે ગઈ. મેં શિક્ષિકામાંથી રાજીનામું આપ્યું. એ વખતે મને મારા આચાર્યે કીધેલું કે રાજીનામું ના આપો કપાત પગારી રજા પર જતાં રહો !! પણ હું ના માની !!મારા સસરા થોડાં દિવસ ભાવનગર તો થોડાં દિવસ વડોદરા એમ રહ્યા કરે.

લગ્નની શરૂઆતમાં તો મને કોઈ તકલીફ ના પડી પણ ધીમે ધીમે મને ખબર પડી કે મારા પતિ રજનીના લક્ષણો સારા નથી. જન્મથી જ ગર્ભ શ્રીમંત અને લાડકોડમાં ઉછરેલ રજનીમાં તમામ અપલક્ષણો હતાં. વડોદરામાં અનેક યુવતીઓ સાથે એમનું અફેર હતું.મેં મારી મમ્મીને વાત કરી, પાપાને વાત કરી, પાપાએ મારા સસરાને વાત કરી. મારા સસરાએ રજનીને ઠપકો આપ્યો કે હવે તો સુધર પણ એ દિવસથી મને ઢોરમાર પડવા લાગ્યો. મારા સસરા જયારે અહી ભાવનગર આવે ત્યારે વડોદરામાં મારે યાતનાઓ ભોગવવાની અને એમાં આ નિતિકાનો જન્મ થયો. પછી તો મારા વડોદરામાં મારા ઘરે જ મારી નજર સામે જ મહેફિલો થવા લાગી. મારી કુમળી દીકરી જયારે મોટી થશે ત્યારે શું થશે એની કલ્પનાથી જ હું ધ્રુજી ઉઠી. હું વડોદરા છોડીને અહી આવી ગઈ. મારા પાપા અને મારા ભાઈઓ મારા પર દબાણ લાવ્યાં કે એમની દયાથી જ અમે સારા દિવસો જોયા છે એટલે એક વખત મે જ મારા સસરાને કહી દીધું કે આ વાત નો નિવેડો લાવી નાંખો. ભલે મારા પાપા અને મારા ભાઈઓ તમો ભેગા ધંધો કરો પણ હું રજનીની ભેગી નહિ રહું. વાત વધી પડી. મારા પાપાએ જીવનમાં પહેલી વાર મારી પર હાથ ઉપાડ્યો અને હું સમસમી ગઈ. વગર વાંકે મને માર પડ્યો ત્યારે આ નિતિકા છ મહિનાની હતી.

થોડો સમય હું મારી એક બહેનપણીના મકાનમાં રહી અને ફરીથી શિક્ષકની જ જાહેરાત પડી મેં અરજી કરી હું શિક્ષિકામાં લાગી ગઈ. આ જ મકાનમાં હું ભાડે રહેતી પછી મેં આ મકાન ખરીદી લીધું. મારા સસરાની આબરૂ ના જાય એ માટે જ મારા પરિવારે મને ખરાબ ચિતરી.!! બસ એમને કંપનીમાં ભાગીદારી કાયમી રાખવી હતી!! હું સહન કરતી ગઈ આ નિતિકાને ખાતર!!.જો આ નિતિકા ના હોત ને તો હું મરી ગઈ હોત!! બસ એમની આંખોમાં જોતીને ત્યારે એમ જ થતું કે પછી આનું કોણ!!?? આનું કોણ!!?? અને બસ હું જીવી ગઈ.!! મારા પાપાએ બે ત્રણ વખત સમાધાન કરવાની કોશિશ કરી જોઈ પણ એ દાનવ પાસે હું જવા રાજી નહોતી મેં એને ચોખ્ખા શબ્દોમાં જ કહી દીધું કે એને જે કરવું હોય એ કરે મને એનામાં રસ નથી. મને એની સંપતિમાં પણ રસ નથી લાવો હું સહી કરી દઉં.

બસ એમને એટલું જ જોતું હતું. મેં સહી કરી દીધી કે મારો હક હું જતો કરું છું મારી પતિની સંપત્તિમાંથી!! પતિમાંથી તો ક્યારનીય છૂટી થઇ ગઈ હતી અને સંપત્તિમાંથી પણ !! બસ પછી તો મારા ભાઈઓ કે મારા સગા મા બાપ કોઈ ડોકાણા જ નહિ. હું સમાજથી અલિપ્ત થઇ ગઈ!! મારી શાળા!! ,મારું ઘર!! અને મારી દીકરી નિતિકા!! બસ આ ત્રિકોણમાં જ મારી જીંદગી સમેટાઈ ગઈ. અહીં આ જ સોસાયટીમાં પણ લોકો પ્રશ્નો ઉઠાવતાં હું કોઈ જવાબ ના આપતી!! લોકોને પોતાની જીંદગી કરતાં બીજાની જીંદગીમાં બહું જ રસ હોય છે.!! પણ મારું મૌન એ શ્રેષ્ઠ શસ્ત્ર સાબિત થયું. સોસાયટીના લોકો ધીમે ધીમે ભૂલવા લાગ્યાં. આજે આ જ સોસાયટીની મહિલા મંડળની હું પ્રમુખ છું!! પછી તો સાંભળ્યું કે રજનીએ બીજા મૈત્રી કરાર કરીને લગ્ન પણ કરી લીધા અને અત્યારે એ રાજકારણમાં ખુબ જ આગળ નીકળી ગયો છે. મારા બા બાપુજીના અવસાન વખતે મેં ઘરે નાહી લીધું મારા ભાઈના ઘરે પણ હું નથી ગઈ. બસ હવે નોકરી ના ચાર વરસ બાકી છે, આ નિતિકા પરણી જાય એટલે મારું કામ પૂરું” ગાયત્રીબેન ને બોલતાં હાંફ ચડી ગયો.

નિતિકાની આંખોમાંથી અશ્રુ ધાર નીકળી રહી હતી. નિત્યેશે એને સાંત્વના આપી.ગાયત્રીબેન બોલ્યાં.

“ નિત્યેશ તારા મમ્મી પાપાને આ બધું જણાવી દેજે અને બધાની ઈચ્છા હોય તો જ આગળ વધજો કાલ સવારે ક્યાંકથી વાત જાણવા મળે અને મારી દીકરીને પછી એ સંભળાવવામાં આવે કે તારી માં આવી હતી તો એ મારી દીકરી સહન નહિ કરી શકે!! દીકરી બધું જ સહન કરી શકે પણ સહુથી વધુ તકલીફ ત્યારે થાય કે દીકરીને સાસરિયામાં એની મા વિષે એલ ફેલ સંભળાવવામાં આવે ને ત્યારે થાય છે એટલે આ ચોખવટ જરૂરી હતી. બાકી મને કોઈ વાંધો નથી. આ મકાન પણ મારી દીકરીનું જ છે ખુબજ કરકસરથી જીવી છું, ટ્યુશન પણ કરાવ્યા છે, દીકરી માટે પાઈ પાઈ બચાવી છે!! નિત્યેશ મેં મારી દીકરીને એણે જે માંગ્યું એ નથી આપ્યું પણ એને જે ઘટતું હતું એ બધું જ આપ્યું છે.” નિત્યેશ ઉભો થયો અને બોલ્યો.

“તમે ચિંતા ના કરો મારા પાપા મારું બધું જ માનશે. મારા પાપા તો ભગવાનના માણસ છે.મારે મમ્મી તો નથી એક પાપા છે. બે ભાઈઓ અને એક બહેન ઘરે બારે છે હું જે કરું એ એને ફાઈનલ જ હોય છે. હવે તમારી ચિંતા એ મારી ચિંતા છે” અને નિત્યેશ ત્યાંથી નીકળી ગયો. એ જ દિવસે સાંજે એ પોતાને ગામ ગયો. પોતાના પિતા વાડીયે રજકાને પાણી વાળતા હતાં. પિતાને વાત કરી. વાત સાંભળી અને શામજીભાઈ બોલ્યાં.

“તને જે યોગ્ય લાગે એ કર, મને તો કોઈ તકલીફ નથી. તમને બેયને પસંદ હોય તો સમાજને પૂછવાનું ના હોય. અમને તો આ મંજુર છે બેય મોટાને સુરતથી સીધા ભાવનગર તેડાવી લઈએ. કાલ હું ભાવનગર આવી જાવ. વેવાણ ને મળી લઉં. સારું પાત્ર છે અને બેટા એક વાત કહું મારો રુદિયો કહે છે કે તને એ સુખી કરશે. બહું ઓછાં પાત્ર હોય છે આવા અને તમે બેય નોકરિયાત છો ભવિષ્યની કોઈ ચિંતા નથી તમારે!! મેં તો આ ધુડ અને ઢેફામાંથી ત્રણ પરણાવ્યા અને હવે તને પરણાવી દઉં એટલે કામ પૂરું. હું હજુ ગામનાં રસોડા કરું છું. હાથે રાંધી લઉં છું. મશીનમાં કપડાં ધોતા પણ આવડી ગયું છે એટલે કદાચ તું અને તારી વહુ ગામડામાં ના રહો ને તો પણ ચાલશે , મન થાય ત્યારે આવજો ગામમાં નહિતર હું તો મારું કરી ખાવ છું. મોટા બે ય તેડાવે છે કે સુરત આવતાં રહો પણ આ જમીનની માયા લાગી છે ઈ મુકાતી નથી. આ જમીન છે ને એ મને તારી બાની યાદ આપે છે એ પરણીને આવીને ત્યારે અહી પથરા જ હતાં. ખુબ કાળી મજુરી કરી છે તારી બા એ પણ એ આ દિવસ જોવા ના રોકાઈ!! ઈ જીવતી ત્યારે કહેતી કે મારા નિતલાને નોકરી મળશેને ત્યારે હું હાલીને રાજપરા ખોડીયાર જઈશ પણ એ તો લાંબા ગામતરે હાલી નીકળી પણ આજ એનો આત્મા જ્યાં હશે ને ત્યાં રાજી હશે, અલી એય સાંભળશો જો તારો નીતલો તારા માટે વહુ પણ ગોતી આવ્યો” શામજીભાઈ એ આકાશ તરફ જોઇને કહ્યું. ફાલીયાના છેડેથી શામજીભાઈએ આંખો લુંછી અને પછી એ ઉભા થયાં. મહા મહિનાની ઠંડી ખેતરમાં વરતાતી હતી. શામજીભાઈ બોલ્યાં.

“એક કામ કર તું ગામમાં જઈને ચણાનો લોટ લઇ આવ્ય,હું આજબાજુ વાળાને કહી દઉં અબ ઘડી આ જ તો વાડીયે ભજીયા બનાવીએ કેટલા દિવસ થયા છે આજ બાપ દીકરો ભેગા ભજીયા ખાઈએ. આમેય કેટલા દિવસથી આ લાલ ચટાક મરચાં જોઇને ભજીયા તો બનાવવા જ હતાં પણ આજ તો તું ખુશીના સમાચાર લાવ્યો છો.ને તો આજ પ્રોગ્રામ ઢીબેડી જ નાંખીએ” અને કલાક પછી વાડીયે શામજીભાઈ એ ભજીયામાં જમાવટ કરીને આજુબાજુના ખેતરવાળા ભાઈ બંધોને કહી પણ દીધું કે આવતાં ઉનાળે હવે છેલ્લો વરો કરી જ નાંખવો છે, આ નિત્યેશ ધામધૂમથી પરણવો જોઈએ.

બીજે દિવસે શામજીભાઈ ભાવનગર આવી ગયાં. ગાયત્રીબેનને મળી ગયાં. ફોન પર બેય મોટા દીકરા સાથે વાત પણ કરી લીધી. દીકરીને પણ ખુશ ખબર આપી દીધી એ પણ બિચારી રાજીના રેડ થઇ ગઈ. રૂપિયો નાળીયેર દેવાઈ ગયું. હવે તો રોજ સાંજે નિત્યેશ નિતિકાને ત્યાંજ જમી લેતો. સોસાયટી વાળા પણ કહેતા કે બરાબરની જોડી ગોઠવાઈ ગઈ છે. નિત્યેશે નિશાળમાં છોકરા જમાડ્યા. આમ તો ગામમાં કોઈ અવસાન પામેને ત્યારે જ છોકરા નિશાળમાં લાડવા ભાળતા!! પણ આજ પહેલી વાર છોકરાએ સબંધ ના લાડવા ખાધા. અને પછી આવ્યો ઉનાળો અને સારું મુહુર્ત જોઇને નિતિકા અને નિત્યેશના લગ્ન લેવાણા. ગામમાંથી જાન જોડીને નિત્યેશ ભાવનગર પરણવા આવ્યો. રંગે ચંગે પ્રસંગ પૂરો થયો. કન્યા વળાવતી વખતે ગાયત્રીબેને નિતિકાને એક ચાવી આપીને કહ્યું.

“દીકરી હું તને આ મકાન ની ચાવી આપું છું તમારા માટે મેં સીદસર રોડ પર એક મકાન લઇ દીધું છે. આમ તો મારા ગયાં પછી બધું તારું જ છે ને પણ આતો મને આપવાનો હરખ છે એટલે બેટા ના ન પાડતી, સદા સુખી રહો” નિત્યેશ અને શામજીભાઈ એ ના પાડી પણ ગાયત્રીબેન તો પોતાની હઠને વળગી રહ્યા કે હું તો મારી દીકરીને આપું છુ ને મારા ગયાં પછી જીપીએફ ઉપાડવામાં ફીણ આવી જાય એનાં કરતાં મેં અગાઉ જ ઉપાડી લીધું છે. અને નિતિકા અને નિત્યેશનો સુખી સંસાર શરુ થયો. નવા મકાનમાં રહેવા જતાં રહ્યા અને પછી એ બને હનીમુન કરવા મહાબળેશ્વર ઉપડી ગયાં!!

પંચગીની અને મહાબળેશ્વર એક એક સારી એવી જગ્યા છે!! સ્ટ્રોબેરીના બગીચામાં સેલ્ફી લેતા લેતા બંને જણા જીવનનો રસ માણી રહ્યા હતાં. ઇકો પોઈન્ટ પર તેઓ એ એક બીજાના નામ બોલીને પડઘાં સાંભળ્યા. એલફીસ્ટન પોઈન્ટ પર કોઈ હળવી વસ્તુ તમે નીચે નાંખો તો અધવચ્ચે થી એ વસ્તુ ઉપર આવે ગરમીના અમુક દિવસોમાં જ આવું થતું. મહાબળેશ્વર માં નાનકડા બાળકોની ટુર આવી હતી.એક ખુબ જ તંદુરસ્ત બાળકને તેડીને નિતિકા બોલી.

“સ્ટુપીડ આપણું પ્રથમ બાળક આવું જ હશે, એકદમ જાડીયું પાડીયું.” એમ કહીને એણે એ બાળકને ચૂમી લીધું અને નિત્યેશે એનો ફોટો લઇ લીધો. પંચગીનીમાંથી નિતિકા એ સરસ મજાના બાળકોના પોસ્ટર લઇ લીધા.

“આ બધાં પોસ્ટરો આપણે બેડરૂમ માં લગાવીશું. અને પછી આપણે આપણા બાળકને લઈને બે વરસ પછી પાછાં ઉનાળામાં અહી જ આવીશું અને આ સ્ટ્રોબેરીની વાડીમાં જ સાથે જ્યુસ પીશું” નિત્યેશ બોલ્યો અને નિતિકા હસી પડી. વેકેશન ખુલી ગયું.બનેનો સંસાર રાબેતા મુજબ ચાલવા લાગ્યો.શનિ રવિની રજામા બને જણા ગામડે જાય. નિતિકા ઘર સાફ કરી નાંખે વાડીયે જાય જમવાનું બનાવે અને પાછો આગ્રહ કરે કે

“બાપુજી અમારી સાથે ચાલો ને આ ખેતી હવે બહું કરી હવે આરામ કરોને ખુબ કામ કર્યું હવે, હવે ના કરો તો ના ચાલે”

“ ના બેટા તમારી સાસુની યાદો આ વાડીમાં સચવાયેલી છે, મને ત્યાં ના ફાવે, મને તો અહી જ્ ઠીક છે, જિંદગી સરસ રીતે ચાલતી હતી. ક્યારેક ક્યારેક નિતિકા અને નિત્યેશ ગાયત્રીબેન ની ઘરે રાતે જાય વાતચીત થાય. સંસાર સુખરૂપ ચાલતો હતો. દોઢેક વરસ વીતી ગયું.

એક વખત ચોમાસાનો સમય અને નિત્યેશ સીસીસીની પરીક્ષા આપવાં ગાંધીનગર ગયો હતો. ત્યાં એક એનો ભાઈબંધ રહેતો હતો. ત્યાં તે બે દિવસ રોકાવાનો પણ હતો. આમ તો નિતિકાને પણ જવાનું હતું. પણ ગાયત્રીબેને મોતિયાનું ઓપરેશન કરાવેલું એટલે નિત્યેશે જ કીધેલું કે બે દિવસ તું મમ્મી પાસે રહે, અને એટલે જ નિતિકા નહોતી ગઈ. સાંજે નિતિકાને પેડુમાં દુખાવો ઉપડ્યો. એક ગાયનેકોલોજીસ્ટ લેડી ડોકટરને બતાવ્યું. એમણે ફોટા પાડ્યા અને કાલે આવવાનું કીધું બીજે દિવસે નિતિકા હોસ્પીટલે ગઈ લેડી ડોકટરે થોડી પૂછપરછ કરી અને પછી કહ્યું.

“મીસીસ નિતિકા પટેલ એક સીરીયસ સમાચાર આપવાના છે. તમે હિંમત રાખજો. આમ તો કાલ રાતે જ મને આપના રીપોર્ટસ મળી ગયાં હતાં તેમ છતાં મેં રાતે સુરત અને મુંબઈના ડોકટર્સ સાથે ખુબજ ગહન ચર્ચા કરી,આપના રીપોર્ટસ અને એક્ષ રે પણ એમને મે મોકલ્યા. બધાનું કહેવાનું એક સરખું છે કે આપના ગર્ભાશયમાં જન્મથી જ પ્રોબ્લેમ છે,આપ કયારેય મા નહિ બની શકો”

નિતિકાને આ સાંભળીને ચક્કર આવી ગયાં. લેડી ડોકટર ઉભા થઇ ગયાં નિતિકાના વાંસામાં હાથ ફેરવીને કહ્યું.

“ટ્રીટમેન્ટનો કોઈ જ અર્થ નથી કારણકે એનાથી કશો ફેરફાર નહિ થાય, ખાલી ખોટા આશ્વાસનો આપવા કરતાં હું તમને ઠોસ હકીકત કહી દઉં છું. તમે એક શિક્ષિકા છો એટલે સમજી શકો છો. પરિસ્થતિનો મજબૂતાઈથી સામનો કરી લો. તમે તમારાં પતિદેવ સાથે વાત કરી લો. બાકી બીજા ડોકટર સારવારના નામે પૈસા પડાવી લેશે અને સહુથી મહત્વની વાત કે આપ પરિસ્થતિ સાથે અનુકુળતા સાધી લો મીસીસ પટેલ”

આંખમાં આંસુ સાથે નિતિકા ઉભી થઇ. સુખના હાઈવે પર સડસડાટ ચાલતી ગાડી અચાનક જ રફ રસ્તા પર આવી જાય એવી સ્થિતિ થઇ ગઈ. એમનું આખું શરીર ધ્રુજી ઉઠયું!! જગતનું સહુથી મોંઘુ કહી શકાય એવું માતૃત્વને ભગવાને એનાં ભાગ્યમાંથી છીનવી લીધું હતું. એનું મન ખિન્ન થઇ ગયું હતું. એ ઘરે આવી બેડરૂમમાં લગાવેલા બાળકોના ફોટા સામું જોઇને એ રીતસરની રડી પડી!! શું એનાં ઘરમાં પગલીનો પાડનાર ક્યારેય નહિ આવે!! એમનો પાલવ સદાય કોરો જ રહેશે.?? શું આનો કોઈ ઉપાય જ નથી!! આવું એની સાથે શા માટે થયું?? વાંક શું ?? ગુનો શું??? એ રડતી રહી…ઓશીકું ભીંજાઈ રહ્યું!! જીવનમાં એ પેલી વાર આટલું રડી હતી!! ઘરમાં એને છાનું રાખવા વાળું પણ કોઈ નહોતું!!

બપોરે એ જમી નહિ .. એક જ દિવસમાં નિતિકા વરસોથી બીમાર હોઈ એવી થઇ ગઈ. એ મનથી સાવ ભાંગી પડી હતી. બપોર પછી નિત્યેશનો ફોન આવ્યો એ એક દિવસ પછી આવવાનો હતો. એનાં ભાઈબંધને ત્યાં રોકાવાનો હતો. એ સાંજે ફરી ગાયનેકોલોજીસ્ટ પાસે ગઈ. ફરીથી એને સમજાવવામાં આવી. નિતિકાએ છેવટે એટલું કીધું કે પ્લીઝ આ વાત તમે હમણાં કોઈને ના કહેતા પ્લીઝ

સાંજે નિતિકા એની મમ્મી સાથે થોડું જમી, મનમાં ગડમથલ ચાલી કે મમ્મીને કહું કે ના કહું, પછી વિચાર્યું કે આખું જીવન દુઃખી થનાર મમ્મીને વધારે દુઃખી નથી કરવી. રાત્રે મોડે સુધી ઊંઘ ના આવી. બીજે દિવસે નિત્યેશ આવી ગયો એમનું સીસીસીનું પેપર સારું ગયું હતું. એ નિતિકા માટે અમદાવાદથી કાજુ કતરી લાવ્યો હતો. બે ડ્રેસ પણ લેતો આવ્યો હતો.

“કેમ મોઢું ઉતરી ગયું છે સ્વીટુ,?? બે દિવસ પણ મારા વગર રહી ના શકી, કે પછી તબિયત ખરાબ છે, આ આંખો પણ સુજી ગઈ છે ,શું થયું ડીઅર?? “ નિત્યેશે આવીને તરત જ કહ્યું.

“બસ કશું નથી, સહેજ કળતર આવી ગયું છે, ઊંઘ નથી આવી રાતે બરાબર એટલે કદાચ તને એવું લાગે “મોઢા પર બનાવટી સ્મિત લાવીને નિતિકા એ નિત્યેશને કહ્યું.

“હું પણ થાકી ગયો છું, એકલાં મુસાફરી મને ના ફાવે. ચલ હું સુઈ જાવ છું સાંજે મને જગાડજે” કહીને નિત્યેશ બેડરૂમમાં ચાલ્યો ગયો. બનાવટી ખુશીને ચહેરા પર ધારણ કરીને નિતિકા પૂર્વવત જીવવા લાગી. નિતિકાના મનમાં ઘમાસાણ ચાલી રહ્યું હતું. કોઈ ઉકેલ સુજતો નહોતો. એ જયારે નિત્યેશને ને જોતી ત્યારે એક દુઃખની લાગણી થતી કેટલો પ્રેમ કરતો હતો એને નિત્યેશ!! જયારે એને ખબર પડશેને કે હું એને બાળક નહિ આપી શકું ત્યારે એની પર કેવું વીતશે!! હું કેવી અભાગણી કે જન્મીને ન માને સુખ આપી શકી અને ના હવે પતિને!! તો ભગવાને મને જન્મ જ શું કામ આપ્યો!!?? પહેલાં આવી ખબર હોત તો લગ્ન જ ના કરત!! ના કોઈ પણ ભોગે હવે નિત્યેશને દુઃખી તો નથી જ કરવો.. અચાનક જ એને એક રસ્તો મળી ગયો અને એ સમયની રાહ જોવા લાગી અને તરત જ એને સમય મળી પણ ગયો.

“પંદર દિવસ પછી એક દિવસ શનિવારે નિત્યેશે કહ્યું કે કાલે હું પાપાને ઘરે જઈશ સાંજ સુધીમાં આવી જઈશ” નિત્યેશે કહ્યું. આમ તો નિત્યેશ ક્યારે એકલો જતો નહિ પણ આજ પ્રથમ વાર એણે એકલાં જવાની વાત કરી અને એણે સ્વીકારી પણ લીધી. શનિવારની એ રાતે એ બહાર જમ્યા. આજે નિતિકા ખુબજ ખુશ હતી. નિત્યેશને પણ નવાઈ લાગી અને એણે મજાક કરી.

“કેમ નિતિકાજી આજે ખુબ જ રોમેન્ટિક મુડમાં છો,કોઈ ખાસ વાત છે કે શું”??

‘એવું નથી સ્ટુપીડજી બસ આ તો અમસ્તું જ” કહીને નિતિકાએ નિત્યેશને બાહુપાશમાં લઇ લીધો. એ આજ પોતાના નિત્યેશને જીવનભરનો પ્રેમ કરવા માંગતી હતી. બીજે દિવસે સવારે નિત્યેશ બાઈક લઈને જતો રહ્યો. નિતિકા એ ઝટપટ પરવારી લીધું. બેડરૂમમાં જઈને એણે એક પત્ર લખ્યો. પત્ર લખીને એણે પર્સમાં મુક્યો. પછી એ એની મમ્મીના ઘરે ગઈ. એની મમ્મીને એણે કોફી બનાવી દીધી.અને પછી કહ્યું.

“મમ્મી આ મારા ઘરની ચાવી હું મારી એક બહેનપણીને ત્યાં જાવ છું, નિત્યેશ ગામડે ગયો છે લગભગ તો સાંજે પાછો આવી જશે, મારે કદાચ મોડું થશે તો નિત્યેશ અહી આવીને ચાવીઓ લઇ જશે.” નિતિકા એ ઘરની ચાવીઓ આપી દીધી અને તળાજા રોડ પર આવીને એક રિક્ષા રોકી અને માળનાથનું ભાડું નક્કી કરીને એ માળનાથ તરફ જવા રવાના થઇ. રિક્ષા ભંડારિયાથી માળનાથના રસ્તે જઈ રહી હતી. રિક્ષા મંદિર પાસે ઉભી રહી. નિતિકાએ ભાડું ચુકવ્યું અને રિક્ષા જતી રહી. નિતિકાએ મહાદેવના દર્શન કર્યા અને એજ વૃક્ષ નીચે બેઠી જ્યાં એ પહેલીવાર નિત્યેશ સાથે બેઠી હતી. વાતાવરણ એકદમ નીરવ હતું. એક પછી એક દ્રશ્યો એનાં મગજમાં ઉભરી આવ્યાં!! એ બાળકો!! નિત્યેશ સાથેનો સંવાદ અને આજબાજુના ખોખરા હિલ્સ જોઇને નિતિકાને મહાબળેશ્વરની યાદ આવી ગઈ. એ ઇકો પોઈંટ પર એણે પાડેલી બુમ નિત્યેશ…!!! નિત્યેશ…!!!. અને સંભળાયેલા પડઘાં યાદ આવ્યાં. નિતિકાએ મોબાઈલ ચેક કર્યો. નિત્યેશનો કોઈ મેસેજ નહોતો. એણે એક મેસેજ ટાઈપ કર્યો “લવ યુ સો મચ સ્ટુપીડ” અને મોબાઈલ સ્વીચ ઓફ કર્યો. નીતિકાએ આંખો મીંચી દીધી. પોતાના ભાગ્ય પર એ રોતી રહી. થોડીવાર પછી એણે આંખો ખોલી. પર્સમાંથી પત્ર કાઢ્યો અને વાંચવાનું શરુ કર્યું.

ડીયર નિત્યેશ,

લવ યુ. તને આ પત્ર મળશે ત્યારે હું ચાલી ગઈ હઈશ દૂર દૂર!! સંજોગો જ એવા સર્જાયા છે કે હું આ નિર્ણય લઇ રહી છું. એક શિક્ષિકાનું છોકરી છું અને હું પણ એક શિક્ષિકા છું એટલે આત્મ હત્યા તો નહિ જ કરું. બસ દૂર જઈ રહી છું. ક્યાં જઈશ?? શું થશે?? એની કશી જ ખબર નથી. પણ હું એક બદનસીબ છું કે હું કોઈને સુખ આપી શકતી નથી. બેડરુમના માળિયા પર ગુલાબી સુટકેશમાં મારા રીપોર્ટસ છે એમાં લખ્યા પ્રમાણે હું ક્યારેય મા નહિ બની શકું નિત્યેશ મને માફ કરજે. હું જાણું છું કે તને બાળકના કેવા સપના આવતાં હશે?? આપણે બાળકનું નામ પણ નક્કી કરી નાંખ્યું હતું. યાદ કર નિત્યેશ કે મહાબળેશ્વરમાં આપણે બોટિંગ કરતાં હતાં ત્યારે આપણે કેવા બાળકના સપનામાં ખોવાઈ ગયાં હતાં નહિ!!?? હું જન્મી ત્યારથી મારી મા દુઃખી થઇ અને લગ્ન પછી હવે તું દુઃખી થઇ રહ્યો છે. નિયતિએ આજ ધાર્યું હશે નિત્યેશ!! તું મને સાચો પ્રેમ કરે છે ને તો મને એક વચન આપ કે તું બીજા લગ્ન કરી લેજે તારા ઘરમાં ખીલખીલાટ હસતું બાળક હશે એ મને ખુબ જ ગમશે. હું કદાચ ના જાઉં તો મને ખબર છે કે તું આખી જિંદગી હીજરાતો રહેશે પણ બીજા લગ્ન નહિ કરે પણ મને વિશ્વાસ છે કે હું માંગીશ એ તું મને છેલ્લી વાર તો આપશેજ!! આમેય તે મારી બધીય ઈચ્છાઓ પૂરી જ કરી છે તો આ છેલ્લી ઈચ્છા જરૂર પૂરી કરજે. મારી ચિંતા ના કરીશ હું હમેશાં એ જ પ્રાર્થના કરતી હોઈશ કે તારૂ ઘર બાળકના અવાજથી ગુંજી ઉઠે! નિત્યેશ હું તને માળનાથના સોગંદ આપું છું કે બીજા લગ્ન કરી લે જે અને મને માફ કરી દેજે

લી. તારી જ નિતિકાના જય માળનાથ!!
આંખોમાં આંસુ સાથે એણે પત્ર વારંવાર વાંચ્યો. પત્ર ને પરબીડીયામાં નાંખ્યો અને પોતાના જ ઘરનું સરનામું કર્યું અને પરબીડિયું બંધ કરી દીધું. પર્સ ખોળામાં રાખીને એ ફરીથી આંખો બંધ કરીને ક્યાં જવાનું એ નક્કી કરી લીધું. એણે નક્કી કર્યું કે બસ રેલવે સ્ટેશનેથી ઉપડતી ટ્રેનમાં એ બેસી જશે અમદાવાદ અને ત્યાંથી દિલ્હી બાજુ જતી કોઈ પણ ટ્રેનમાં બેસી ને ગંગા કિનારે જતી રહેશે.ચાર વરસ પહેલાં એ એની મમ્મી સાથે હરદ્વાર ગઈ હતી અને ત્યાં ઘણાં આશ્રમ છે કોઈ એક આશ્રમમાં એ રોકાઈ જશે બસ પછી આગળ જોયું જશે. ભગવાને જે ધાર્યું હશે એ થશે પણ એ આજે જ નીકળી જશે!! વિચારમાં ને વિચારમાં કેટલો સમય પસાર થઇ ગયો એની એને ખબર જ નહોતી એણે આંખો ખોલી બપોર થઇ ચુક્યા હતાં ઝડપથી એ ઉભી થઇ મહાદેવના દર્શન કર્યા. થોડું પાણી પીધું અને જેવા મંદિરના પગથીયા ઊતરતી હતી અને અચાનક એક બાઈકનો અવાજ આવ્યો.અને નિતિકા થીજી ગઈ.

બાઈક પરથી નીચે ઉતરીને નિત્યેશ આવતો હતો. એ પણ નવાઈ પામી ગયો હતો કે નિતિકા અહી ક્યાંથી!!??

“તું અહી ક્યારે આવી નિતિકા,?? તારો મેસેજ મને મળ્યો મેં તને મેસેજ પણ કર્યા અને ફોન પણ કર્યો. પણ તારો ફોન બંધ આવતો હતો. મમ્મીને ફોન કર્યો તો એણે કીધું કે નિતિકા ચાવીઓ આપી ગઈ છે અને એ કોઈ એની બહેનપણી સાથે જવાની હતી, પણ તું તો અહી છો,??”

જવાબમાં નિતિકા કશું ના બોલી. બસ એ આંસુઓને ના રોકી શકી જેનાથી એ દૂર જઈ રહી હતી એ જ છેલ્લી ઘડીએ સામે આવીને ઉભો રહ્યો હતો!! જીવનમાં આવું જ થાય જે વસ્તુથી ભાગો એ જ સામે આવીને ઉભું રહે !! એ કશું જ ના બોલીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી!! અને નિત્યેશને વળગી પડી. નિત્યેશ પણ રડી પડ્યો. થોડીવાર પછી બને સ્વસ્થ થઇ ગયાં.નિત્યેશ બોલ્યો.

“જે હોય એ ખુલીને કહી દે સ્વીટી તું આમ રડ નહિ પ્લીઝ ,તને મારા સોગંદ છે સ્વીટી”

અને જવાબમાં નિતિકાએ પેલો પત્ર જ આપી દીધો નિત્યેશે વાંચ્યો અને રોઈ પડ્યો.

“બસ આવી નાની બાબત માટે તું મને છોડીને જઈ રહી હતી ગાંડી,તને એ ખબર છે કે પછી મારું શું થાત ,?? મારો પણ ના વિચાર કર્યો, તારી મમ્મીનો પણ તે વિચાર ના કર્યો. જીવનથી ભાગવાથી કોઈ પ્રશ્નનો ઉકેલ નથી આવતો, ગમે તેવો પ્રશ્ન હોય વાતચીતથી હલ થઇ શકે છે હું તારી સાથે આજ ચર્ચા કરવાનો હતો. તને ખબર નથી કે હું જ્યારે અમદાવાદ ગયો હતો સીસીસીની પરીક્ષા આપવા ત્યારે એક દિવસ વધારે રોકાયો હતો.ત્યારે મેં ત્યાં મારા રીપોર્ટસ કરાવ્યા હતાં,જેમ તું ધ્રુજી ગઈ ,એમ હું પણ ધ્રુજી ગયો હતો. મારામાં ખામી છે હું ક્યારેય બાપ નહિ બની શકું, ડોકટરે મને ચોખ્ખું કહી દીધું કે આની સારવાર શક્ય જ નથી.હું મુંજાયો કે શું કરવું?? તારી સાથે મેં એ વખતે વાત કરી લીધી હોત તો આ બધું ના બનત આમ તો ભૂલ મારી જ ગણાય.. પણ આ વાત કોને કરવી?? મને પાપા યાદ આવ્યાં. જીવનમાં એ ક્યારેય કોઈ મુશ્કેલીથી ગભરાયા નહોતા.આજ હું એની પાસે ગયો હતો.પાપાને મેં બધી વાત કરી.પાપાએ કીધું કે તારે નિતિકાને બધું જ કહી દેવાનું એ કહે એમજ કરવાનું એને સમજાવવાની કે હજુ જિંદગી પડી છે લાગણીમાં આવીને એવા કોઈ નિર્ણય નહિ લેવાના કે આખી જીંદગી ઝુરાપામાં વીતી જાય. બને તો એકબીજા સહમતી થી છૂટાછેડા લઇ લો. અને તેમ છતાં નિતિકા ના માને તો ગાયત્રીબેનને વાત કરવાની આમાં બે રસ્તા મને દેખાય છે કા છુટા થઇ જાવ અને છુટા ના થવું હોય તો પછી બાળકની ઝંખના છોડી દો અને શાળાના બાળકોને પોતાના માનીને જીવનભર એમની સેવા કરતાં રહો” નિત્યેશે વાત પૂરી કરી, એક દ્રઢતા એનાં ચહેરા પર દેખાતી હતી.

“નિત્યેશ પણ આપણી સાથે જ આવું કેમ થયું, ??ભોળાનાથે આપણ ને અહીજ ભેગા કર્યા અને બનેની જિંદગી કેમ બરબાદ કરી એવું શા માટે”?? નિતિકા એ કહ્યું.

“અરે ગાંડી એવું નહિ વિચારવાનું,ભગવાન પર ક્યારેય શંકા કે દોષારોપણ નહિ કરવાનું તને ખબર છે કે મેં પણ આજ પ્રશ્ન મારા બાપુજીને કર્યો અને એણે જે જવાબ આપ્યો એ સાંભળીને જ હું અહિયાં માળનાથ ના દર્શન કરવા આવ્યો છું. બાપુજીએ એમ કીધું કે ભોળાનાથે આપણ ને ભેગા કરીને બીજી બે જિંદગી બચાવી લીધી છે!! ધારોકે આપણે બેય અલગ અલગ વ્યક્તિને પરણ્યાં હોત તો,?? બે બીજી જીંદગી દુઃખી થાત ને આ તો આપણે બે ય સમદુઃખીયા છીએ હવે તારે નક્કી કરવાનું કે શું કરવાનું છે??” નિતિકાને નિત્યેશની વાત થી રાહત થઇ. એણે કીધું.

“બસ હવે જીવનનો માર્ગ મળી ગયો છે, હવે સંતાનની કોઈ જ અભિલાષા નથી. શાળાના જ બાળકો ને આપણા બાળકો ગણીશું. બાળકો માટે જ હવે જીવન ખર્ચીશું, નિત્યેશ હું એક ભયંકર ભૂલ કરવા જઈ રહી હતી!! જિંદગીથી ભાગીને જિંદગીનો ઉકેલ શોધવા જઈ રહી હતી!! ફરી વખત માળનાથની કૃપાથી આપણે એક થયા છીએ!! જિંદગીનો કોઈ પણ પ્રશ્ન હોઈ ખુલ્લાં દિલથી નિવેડો લાવીશું, હું તો કહું છું નિત્યેશ કે આપણે બાપુજી પાસે ગામડામાં જતાં રહીએ જ્યારે બદલીની તક મળે ત્યારે, અને બાકીની નોકરી ત્યાં પૂરી કરીશું. આપણે આમેય ભેગું કરીને શું કરીશું.??આપણે કોઈ વંશ તો નહિ હોય પણ પ્રભુના અંશ એવા બાળકોની સેવા કરીશું” બોલતી વખતે એક અજબ ચમક નિતિકાના ચહેરા પર દેખાતી હતી. નિત્યેશે નિતિકાને આગોશમાં લીધી અને બોલ્યો.

“આઈ લવ યુ ડાર્લિંગ, આઈ લવ યુ સો મચ”

ત્રીસ મિનીટ પછી માળનાથના ડુંગર પરથી બાઈક નીચે ઉતરતું હતું. નિતિકા નિત્યેશની પાછળ બેઠી હતી. જીવનમાં આવનાર ઝંઝાવાત શમી ગયો હતો. જય માળનાથ!!!

લેખક:-મુકેશ સોજીત્રા૪૨,શિવમ પાર્ક સોસાયટી,સ્ટેશન રોડ
મુ.પો. ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ પીન ૩૬૪૭૩૦

આપ સૌ ને મારી વાર્તા કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી