જય માળનાથ – મુકેશ સોજીત્રા લિખિત એક નવી સ્ટોરી !! ચૂકશો નહિ…..!!! ભાગ – ૧

શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હતો. ભાવનગરને અડીને આવેલ એક નાનકડી પણ સુંદર પ્રાથમિક શાળાનો એક શિક્ષક ધોરણ આઠનાં વીસેક છોકરા છોકરીઓ સાથે માળનાથનો નાનકડો ડુંગર ચડી રહ્યો હતો. શ્રાવણ માસનો સોમવાર એટલે બપોર સુધીની જ નિશાળ અને બપોર પછી આ ઉત્સાહી શિક્ષક નામે નિત્યેશ પોતાનાં વર્ગના વ્હાલા બાળકો સાથે માળનાથનો ડુંગર ચડી રહ્યો હતો. આમતો એક અઠવાડિયા પહેલાં જ એણે આચાર્યશ્રીને વાત કરી હતી.

“સાહેબ આ શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે બાળકોને માળનાથ મહાદેવનું પગપાળા પર્યટન કર્યું હોય તો કેમ રહે” જવાબમાં આચાર્ય તો ઘડી ભર એમને તાકી જ રહ્યા જાણે કેમ કોઈ ભયંકર ગુનો ના કર્યો અને પછી જે જવાબ મળ્યો એનાથી નિત્યેશ રીતસરનો ડઘાઈ જ ગયો.

“નિત્યેશ કુમાર તમે હજુ નવા નવા જ છો એટલે આવા બધાં સુતળા તમને સુજે છે, આ વાનર વેજા કહેવાય એને બહું માથે ના ચડાવાય, આવા ગતકડાં ના કરાય એક વાર તમે આવા પર્યટનના રવાડે ચડાવો પછી વરસે ને વરસે અમારે કરવું પડે આ નિશાળમાં મને ૨૫ વરસ પુરા થયા છે!! અમને તો કોઈ દિવસ આવા ધખારા નથી ઉપડ્યા!! તમારે લઇ જ જાવા હોય તો તમારી જવાબદારી એ લઇ જાવ અને એ પણ નિશાળ પૂરી થાય પછી!! અને એ પણ બાર વાગ્યા પછી જ !! તમને બહું જ ચટપટી ઉપડી છે શિક્ષણ સુધારવાની એ અમને બધાને ખબર છે” નિત્યેશ વિલે મોઢે પોતાના વર્ગખંડમાં ગયો અને એની પીઠ પાછળ એક બે બીજા શિક્ષકોની ટિપ્પણીઓ પણ સંભળાઈ.

“નવું નવું આવ્યું છે ને એટલે ફદકે ચડ્યું છે, ધીમે ધીમે ટેવાઈ જશે, આવા ને આવા ભરીજ દીધા છે, શિક્ષણની પથારી ફેરવી દીધી છે લ્યો” મોઢામાં સતત ચવાતા માવા સાથે એક વહીવટી વરિષ્ઠ નિષ્ણાંત ગુરુજી આચાર્યને કહેતા હતાં. ત્યાં તાલીમી નિષ્ણાંત અને પત્રક સ્પેશ્યાલીસ્ટ બીજા એક ગુરુજી બોલ્યાં.

“આવા એ જ પથારી ફેરવી નાંખી છે આવા જ આખો અભ્યાસક્રમ નક્કી કરે છે. નકરી પ્રવૃત્તિ સિવાય બોલો બીજું કાઈ જ નહિ. અને બાળકો પણ આવા શિક્ષકોને ઘેરી જ વળે, હવે બીક જ નથી રહી. બાકી હું જયારે નોકરીએ લાગ્યો ત્યારે ગામની શેરીમાં કોઈ છોકરું સામું મળે ત્યારે એ સીધો જ ચડ્ડીમાં પેશાબ કરી જાય આવી ધાક હતી. અને એ વખતે શિક્ષણ પણ કેટલું સારું અને આ નિત્યેશના રૂમમાં તો બાળકો હસતાં જ હોય. મે તો તમને પહેલાં જ ચેતવ્યા હતા કે આને કાબુમાં રાખજો આના લખણ સારા નથી. આ ગામમાં આપણને આંખે કરવાનો છે, હજુ આ શાળામાં આ નંગ આવ્યો એને આઠ જ મહિના થયા છે ને તોય આખા ગામમાં એની વાતું થવા માંડી છે, વાહ વાહ થવા માંડી છે”

“એ એની મેળે જ ઠરી જાશે, અને આમેય ભાદરવાના ભીંડા નું આયુષ્ય કેટલું હોય??” આચાર્ય બોલ્યાં અને કાર્યાલયમાં થયેલ હાસ્યનો ઠહાકો છેક નિશાળના ગેટ સુધી સંભળાયો. જોકે જુના શિક્ષકોની વાત ખોટી તો નહોતી જ. આઠ માસ પહેલાં જ ભાષાના શિક્ષક તરીકે મુકાયેલા નિત્યેશે બાળકોના દિલ જીતી લીધા હતાં. શાળામાં દસ વાગ્યે આવી જાય એટલે બાળકો એની રાહ જોતા જ હોય સાહેબને ઘેરી વળે. જે છોકરાને ઘરે કોઈ બોલાવતું પણ નહિ એવા છોકરાને નિત્યેશ હસીને બોલાવે એટલે પેલાં છોકરાને તો જાણે સ્વર્ગ મળી ગયું હોય એટલી ખુશી થાતી અને એ છોકરો આખો દિવસ કોટામાં રહે. રીશેષમાં પણ આ નિત્યેશ સાહેબ બાળકોથી ઘેરાયેલા રહે. પાંચ વરસ પહેલાં આવેલા લાયબ્રેરીના પુસ્તકો ના પેકિંગ તોડી તોડીને એણે એ બધાં જ પુસ્તકો પોતાનાં વર્ગખંડમાં રાખી દીધાં હતાં અને બાળકોને વાંચવા આપી દીધાં હતાં. ભૂખ્યો શિક્ષક અને નવરું બાળક ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે એવી નિત્યેશની પ્રબળ માન્યતા હતી. એટલે જ રીશેષમાં બધાં શિક્ષકોને પ્રેમથી નાસ્તો કરાવતો અને બાળકોને એ ઘડીવાર પણ નવરા રાખતો નહિ.

વર્ગખંડમાં જઈને એણે બાળકોને વાત કરી કે આવતાં સોમવારે બપોરે શાળા છૂટ્યા બાદ માળનાથના ડુંગરે કેટલાને આવવું છે.?? જેને આવવું હોય એ ઘરે પૂછી જુએ. નિશાળ તરફથી નહિ પણ મારા તરફથી પર્યટન છે. સાંજે પાછાં આવી જઈશું. લગભગ વીસેક બાળકો તૈયાર થયાં!! અને આજે નિત્યેશ શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે બાળકોને લઈને માળનાથનો ડુંગર ચડી રહ્યો હતો પોતાના મોબાઈલથી બાળકો સાથે સેલ્ફી લઇ રહ્યો હતો. બાળકો ખુશ હતાં અને ખુબજ ખુશ હતાં. આમ તો બાળકો જન્મથી ખુબ જ ખુશ અને ખુબ જ હસમુખા હોય છે પણ કેટલાક બાળકો શાળામાં જવાની શરૂઆત કરે છે ત્યારથી એનું હાસ્ય હિડન મોડ માં આવી જાય છે. શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ જ અમુક લોકોનો જીવન મંત્ર હોય છે છે કે ના જીંદગીમાં ક્યારેય દાંત કાઢવા કે ના કોઈને દાંત કાઢવા દેવા!! ડુંગર ચડતા ચડતાં નિત્યેશ બાળકોને આજુબાજુની વનસ્પતિ અને પર્યાવરણ વિષે સમજાવતો હતો.

“સામે દેખાય છે ને એ નાના ખોખરા છે, એની બાજુમાં મોટા ખોખરા આવ્યું છે, આ બાજુ જુઓ આ પવન ચક્કી ઓ છે. એક એક પવન ચક્કી દરરોજ એટલી વીજળી પેદા કરે કે ભંડારિયા જેવા આખા ગામને વીજળી પૂરી પાડી શકે છે, જુઓ પેલું દૂર દૂર એક ગામ દેખાય છે ને એ વાળુકડ છે, પેલું છે ખરકડી, અને એ બેય ની વચ્ચે ખાટડી આવ્યું છે. જુઓ પેલું ઝરણું દેખાય છેને!!?? આ ડુંગરોનું બીજું નામ ખોખરા હિલ્સ છે, અહી ઘણાં બધાં ઝરણા આવેલા છે. તમે મોટા થાવને ત્યારે અહી ટ્રેકિંગમાં આવજો” બાળકો અદમ્ય ઉત્સાહ સાથે ફટાફટ ડુંગર પર ચડી રહ્યા હતાં સાથોસાથ નિત્યેશ પણ બાળકોનો ઉત્સાહ વધારી રહ્યો હતો. અચાનક બે એકટીવા આવી બને પર બે બે છોકરીઓ હતી.

એક એકટીવા સફેદ રંગની અને બીજી કાળા રંગની હતી. આંખો પર કાળા ગોગલ્સ અને ગુલાબી દુપટાથી મોઢું ઢાંકેલી એકટીવા આગળ ગઈ. નિત્યેશે વિચાર્યું કે પાછળ જે એકટીવા ગઈ તેને હાંકનારી ચોક્કસ કોઈ શિક્ષિકા જ હોવી જોઈએ આમેય હજારોની ભીડ વચ્ચે પણ શિક્ષિકા અલગ જ તરી આવે. અહી નિત્યેશની સિકસ્થ સેન્સ કામ કરી રહી હતી. થોડી જ વારમાં તેઓ ઉપર પહોંચી ગયાં. જેમ કોઈ સોનાની વીંટી વચ્ચે હીરો જડેલો હોય તે રીતે વનરાજીની વચ્ચે માળનાથનું શિવાલય મંદિર શોભી રહ્યું હતું. બાળકોએ દર્શન કર્યા.

પાણી પીધું અને પછી તેઓ ચારે બાજુ વિહરવા લાગ્યાં. નિત્યેશ મંદિરની એક બાજુ આવેલા એક પંખીઓને ચણ નાંખવા માટેના ઓટલા તરફ ગયો ત્યાં એણે પેલી એકટીવા વાળી એક ખુબસુરત યુવતી જોઈ. પ્રમાણસર શરીર, મોટી અને કાળી આંખો જમણી બાજુના ગાલ પર એક નાનકડો તલ અને બેય ગાલમાં પડતાં ખંજન!! એક અહોભાવથી નિત્યેશ તેની તરફ જોઈ રહ્યો, પેલી યુવતી પણ તેને જ તાકી રહી હતી. અચાનક જ એક બીજી યુવતીએ બુમ પાડી.

“નિતિકા ક્યાં ખોવાઈ ગઈ ચાલ પેલાં ઝાડ નીચે ત્યાં આપણે નાસ્તો કરી લઈએ” અને પેલી યુવતી ફટાફટ ભાગી જતાં જતાં બે વાર એણે નિત્યેશ સામે જોયું અને હસી. જયારે એ હસી ત્યારે એનાં ગાલ પર ખંજન પડ્યા અને નિત્યેશ સીધો જ એ ખંજનમાં ડૂબી ગયો. શાળાનાં અમુક બાળકો એ જોયું. તેઓ નિત્યેશ પાસે આવ્યાં અને વળી પાછાં તેઓ આજુબાજુના મનમોહક વાતાવરણમાં ખોવાઈ ગયાં. થોડીવાર પછી એક ઝાડ પાસે બાળકો નાસ્તો કરી રહ્યા હતાં. નિત્યેશ એક બાંકડા પર બેઠો હતો. ત્યાં પેલી ચાર યુવતીઓ આવી અને બાળકો સાથે બેસીને વાતો કરવા લાગી. વાત વાતમાં નિત્યેશે જાણી લીધું કે એમની ધારણા સાચી હતી. એ એક શિક્ષિકા જ હતી અને એનું નામ નિતિકા હતું. બાકીની ત્રણ એની બહેનપણીઓ હતી.

“શું નામ છે તમારું?” નિત્યેશે હિંમત કરીને પૂછી લીધું.

“ નિતિકા, અને તમારું નામ નિત્યેશ છે એવું આ છોકરી કહેતી હતી, એ એમ પણ કહેતી હતી કે નિત્યેશ સર ખુબ જ સારા છે” નિત્યેશે સ્મિત કર્યું અને પછી વાતો શરુ થઇ. બંને જણા જન્મો જન્મથી ઓળખતાં હોય એમ વાતો કરવા લાગ્યા. બાળકો અને પેલી ત્રણ યુવતીઓ આજુબાજુમાં બધું જોવા લાગ્યાં. બનેની જ્ઞાતિ એક જ હતી. ઉમર લગભગ સરખી હતી. બને ભાષાના જ શિક્ષકો હતાં,

“આપના મિસ્ટર પણ નોકરી કરે છે?” નિત્યેશે મહત્વનો સવાલ કર્યો.

“મિસ્ટર હજુ ગોત્યા જ નથી” નિતિકાએ કહ્યું અને નિત્યેશને બત્રીશ કોંઠે દીવા થયા.

“આપના શ્રીમતીજી પણ નોકરી કરે છે?” હવે સવાલ પૂછવાનો વારો નિતિકાનો હતો.

“સેમ ટુ યુ, હજુ મે શોધ આદરી નથી,પણ હવે બહું જલ્દીથી શ્રીમતીજી શોધી લઈશ” નિત્યેશે કહ્યું.

“બેસ્ટ ઓફ લક” નિતિકા એ કહ્યું અને નિત્યેશ બોલ્યો.

“આપ હસો છો છો ત્યારે ખુબજ ક્યુટ લાગો છો” અને નિતિકા તરત જ બોલી ઉઠી.

“અને ના હસતી હોઉં ત્યારે”

“ત્યારે વળી વધુ ખુબસુરત લાગો છો”

અને બંને પાછા ખડખડાટ હસી પડ્યા. નિત્યેશે પાણી માંગ્યું પીવાનું, નિતિકા પાસે પાણીની બોટલ હતી.

“પાણી તો છે પણ એંઠું છે, તમને ફાવશે?” નિતિકા એ કહ્યું. જવાબમાં નિત્યેશ કશુ ના બોલ્યો પણ હાથ લાંબો કર્યો. અને પાણીની બોટલ મોઢે માંડીને પીવા લાગ્યો. નિતિકા ધ્યાનથી જોઈ રહી.જાણે કે નિત્યેશ પાણી નહિ પણ નિતિકાનો સ્નેહ પીતો હોય એવું લાગ્યું.

“પાણી ખુબ જ સ્વાદિષ્ટ છે, ખુબ જ સ્વાદિષ્ટ!! નિત્યેશ બોલ્યો.

“કેમ એવું હશે? મને તો સામાન્ય જ પાણી લાગ્યું” નિતિકાએ આંખો નચાવી. જેને આંખ નચાવતા આવડે એને ભલભલાને વશમાં કરતાં પણ આવડે.

“કદાચ આપના હોઠના સ્પર્શથી પાણી સ્વાદિષ્ટ થઇ ગયું હોય એમ પણ બને” અને નિતિકા શરમાઈ ગઈ. આજુબાજુનું વાતાવરણ પણ એકદમ પ્રફુલ્લિત થઇ ગયું. નિતિકાએ પર્સમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો. મોબાઈલને ગુલાબી કલરનું કવર હતું પાછળ મોટા અક્ષરે N લખેલું હતું.

“લાવો તમારો નંબર હું તમને ભાષાનું મટીરીયલ્સ મોકલીશ. યુનિટ ટેસ્ટની પીડીએફ મોકલીશ. ગુણોત્સ્વની ટેસ્ટ મોકલીશ, વોટ્સએપ તો વાપરો છોને”?? નિત્યેશે કીધું ને નિતિકાએ નંબર આપી દીધો. એકબીજાએ ઘણી વાતો કરી. પછી બંને ઉભા થયાં. ખાસો સમય થઇ ગયો હતો છોકરાઓ પણ ખુશ હતાં. સાહેબ પણ ખુશ હતાં. નિતિકા પણ ખુશ હતી. છોકરીઓ નિતિકા ને ઘેરી વળી હતી, અમુક બટકબોલી છોકરીઓએ કહી પણ દીધું કે બહેન તમે અમારી નિશાળમાં નોકરી કરવા આવી જાવ તમને મજા આવશે.

એકટીવા રવાના થઇ. બધાં બાળકોએ હાથ ઊંચા કરીને આવજો આવજો કીધું. અને નિત્યેશે પણ હાથ ઉંચો કર્યો. અને પછી તો બાળકો પણ રવાના થયાં. સાંજના પાંચ થવા આવ્યાં હતાં.એક ઝરમરીયું આવ્યું.અને બાળકોની સાથે સાથે આજ નિત્યેશ પણ પલળ્યો. વાતાવરણમાં એક અજબની સુંદરતા વ્યાપી ગઈ હતી. બધાં જ બાળકોને એમનાં ઘરે પહોંચાડીને નિત્યેશ પોતાની રૂમ પર આવ્યો.એ પણ ભાવનગર જ રહેતો હતો. નિતિકાના કહેવા પ્રમાણે બને વચ્ચે ૮ કિમીનું અંતર હતું. નિતિકા તળાજા જકાત નાકા પાસે રહેતી હતી અને નિત્યેશ આખલોલ જકાત નાકા પાસે રહેતો હતો. ઘરે પહોંચીને એણે પહેલો મેસેજ કર્યો વોટ્સએપમાં. એણે નિતિકાનું નામ આ રીતે સેવ કર્યું હતું. “માય ડીયરેસ્ટ નિતુ” એક જ દિવસ પણ નહોતો થયો અને નિત્યેશનો પ્રેમ સુપરલેટીવ ડીગ્રી સુધી પહોંચી ગયો હતો.!!

“હેલ્લો, નાઈસ ટુ મીટ યુ, યુ આર સો સ્વીટ”

“હમ્મ્મ્મ, થેન્ક્સ સેમ ટુ યુ “ નિતિકાએ જવાબ આપ્યો. આ હમ્મ્મ્મ ની શોધ ફક્ત યુવતીઓ માટે થઇ હોય એમ લાગે છે એ વોટ્સએપ પર સહુથી વધુ હમ્મ્મ્મ જ વાપરે છે એમ નિત્યેશને લાગ્યું. પછી તો એકાદ બે સ્માઈલીની આપ લે શરુ થઇ, અને પછી તો એક સિલસિલો શરુ થયો જેને સુવર્ણસમય કહી શકાય. નિત્યેશ અને નિતિકા વોટ્સએપ પર ચેટ કરતાં ધરાતા જ નહોતા. વહેલી સવાર થી મોડી રાત સુધી અધધધ કહી શકાય એટલા મેસેજો એક બીજાને મોકલાવતા. શરૂઆતમાં માનવાચક સંબોધનથી ક્યારે એ લોકો પ્રેમવાચક સંબોધન પર આવી ગયાં એની ખબર પણ ના પડી. રાતે સુતી વખતે નિતિકા પોતાનો એક ફોટો વોટ્સેપ માં મોકલાવે પછી જ નિત્યેશને ઊંઘ આવે. અને હવે તો નિત્યેશ કવિ પણ બની ગયો હતો. એ નિતિકાના દરેક ફોટા પર બે બે લાઈન લખતો થઇ ગયો હતો.

“તારા ગાલ પર જે તલ છે,

એમાં મારા દરેક દુઃખનો હલ છે”

વળી એ કયારેક આખી કવિતા પણ બનાવી નાંખતો.

“સારું છે કે સપનામાં સાથ આપો છો”

ડૂબેલાને તરવા માટે હાથ આપો છો

ડુબાડીને આપની આંખોમાંને હળવેકથી

ગુમ થઇ જાવ છો, આપ એક અદાથી

વિરહની વેદના પર યાદોની કરવતથી

મારું દિલ તમે ધીરે ધીરે કાપો છો”

જવાબમાં નિતિકા સ્માઈલી મોકલતી અને પછી તો એક દિવસ પ્રેમનો એકરાર પણ થઇ જ ગયો. સાંજના છ વાગ્યા પછી નિતિકા હું બહેનપણીના ઘરે જાવ છું એમ કહીને બસ સ્ટેન્ડ પર આવી જાય અને ત્યાં નિત્યેશ તૈયાર થઈને જ ઉભો હોય.અને પછી બંને ક્યારેક સમોસા ખાય તો ક્યારેક ઘોઘા સર્કલના પાઉં ગાંઠીયા ખાય, ક્યારેક વળી મહિલા કોલેજની ડીશ પ્યાલી તો ક્યારેક એ લોકો સુપરનો આઈસક્રીમ ખાતા નજરે પડે. કલાક દોઢ કલાક સાથે રોકાય. અને પાછાં છુટા પડેને વોટ્સએપ પર વાતો કરવા વળગી પડે. રવિવારે મળવાનો સમય વધારે હોય અને ટોપ થ્રીમાં એક ફિલ્મ પાકું હોય. ફિલ્મ જોતી વખતે નિતિકા પોતાની એક બહેનપણી પણ સાથે જ હોય.

“મને તારું ઘર નહિ બતાવે,?? યાર સ્વીટુ એક વખત ઘરે તો લઇ જા.”એક દિવસ દાળ પૂરી ખાતા ખાતા નિત્યેશે કહ્યું.

“તો મેં ક્યાં ના પાડી એડ્રેસ તો છે જ તારી પાસે અને કાલે રવિવાર છે આવતો રહે મારી ઘરે અને મારી મમ્મી પાસે મારો હાથ માંગી લે એટલે કાયમ માટે તારી પાસે આવતી રહું. તું એકલો રહે છે અને તારી રૂમ પણ કેવી ગંદી છે,સાફ સફાઈ પણ તું રાખતો નથી.”

“હું સીરીયસલી કહું છું અને તું હળવાશથી લેશે આ બધી વાતોને, પણ કાઈ વાંધો નહિ કાલે તારા ઘરે કોઈને કોઈ રીતે તો આવીશ એક વખત તારી મમ્મીને રૂબરૂ મળીશ, તું પણ જોઈ લે કે આ સ્ટુપીડ નિત્યેશને કેવા કેવા આઈડિયા આવે છે” નિત્યેશે કહ્યું.

“ડન , હું પણ જોઈ લઉં કે કાલ તું કઈ રીતે ઘરે આવે છે, આઈ એમ વેઈટીંગ” આંખો નચાવીને છેલ્લી પૂરી ખાઈને નિતિકા બોલી.

અને બીજે દિવસે સવારે નિત્યેશ બરાબર તૈયાર થઈને વોટ્સએપમાં મેસેજ કર્યો.

“નિતુ ડાર્લિંગ આઈ એમ કમિંગ”

“યુ આર મોસ્ટ વેલકમ સ્ટુપીડ” નિતિકાએ રીપ્લાય કર્યો. નિતિકા વધારે પડતો પ્રેમ દર્શાવવા માટે હમેશાં નિત્યેશ માટે સ્ટુપીડ વાપરતી અને નિત્યેશને એનો કોઈ વાંધો પણ નહોતો. નિત્યેશનું બાઈક તળાજા જકાત નાકાથી જમણી તરફ વળ્યું. મેઈન રોડ થી ત્રીજી શેરીમાં છેલ્લે એક પાનની દુકાન હતી. ત્યાં બાઈક ઉભું રાખ્યું. હૈયામાં હામ ભરી અને ત્યાંથી બીજી એક આડી લાઈન હતી અને એ લાઈનમાં ૧૬મુ મકાન હતું એ નીતીકાનું હતું. નિત્યેશ ઘડીક ઉભો રહ્યો. અને પછી એણે બાઈક હંકારી. સોળમાં મકાન પાસે આવીને ઉભો રહ્યો. અંદર એક પ્રોઢા કહી શકાય તેવી એક સ્ત્રી હિંચકા પર બેઠી હતી. મકાનની અંદર એકટીવા હતી.જેનો નંબર જાણીતો હતો. હા આજ મકાન હતું.!!

“સુરેશભાઈ અહી રહે છે બહેન”??

“કોણ સુરેશભાઈ?? “ આંખો પર નંબરના ચશ્માં ચડાવીને નિતિકાના મમ્મી બહાર આવ્યાં.અદલ નિતિકા જેવું જ રૂપ હતું. નિત્યેશે મનોમન વિચાર્યું કે નિતિકા પણ પંચાવન વરસની થાશે ત્યારે આવી જ દેખાશે. આમેય ભવિષ્યમાં તમારી પત્ની ઘરડી થશે ત્યારે કેવી દેખાશે એ જાણવા માટે દરેક યુવાને પરણતી વખતે પોતાની સાસુને જોઈ લેવા એટલે આઈડિયા આવી જશે!!

“શિહોર વાળા સુરેશ ભાઈ, સોસાયટીનું નામ ભુલાઈ ગયું છે પણ સોળ નંબરનું મકાન છે એટલી ખબર છે આટલામાં જ કોઈ સોસાયટીમાં રહેતાં હશે સવારનો શોધું છું સુરેશભાઈને, પણ મળતાં નથી. ત્યાં તો અંદરથી નિતિકા આવી. એણે નિત્યેશને જોયો. એ અજાણી બનીને બોલી.

“કોણ છે મમ્મા કોનું કામ છે”?? કોઈ કશું બોલ્યું નહિ. નિતિકાના મમ્મી નિત્યેશને જોઈ રહ્યા હતાં. એનો ચહેરો વાંચી રહ્યા હતાં.

“અંદર આવ દીકરા, બાઈક ત્યાંજ પાર્ક કરી દે જે, નિતિકા માટે જ આવ્યો છે ને,?? કેટલા સમયથી ઓળખો છો એક બીજાને”??પહેલીવાર ખોટું બોલવું અઘરું છે દીકરા પકડાઈ જ જવાય, અંદર આવ દીકરા અંદર” નિતિકા અને નિત્યેશ તો સ્તબ્ધ જ થઇ ગયાં. નિત્યેશ તો સડક જ થઇ ગયો હતો.

“ અંદર આવ દીકરા” ફરીથી આજ્ઞાકારી અવાજ સંભળાયો. અને અનાયાસે નિત્યેશ અંદર દોરવાયો. એક સાદું અને ચોખ્ખું ઘર હતું. નિતિકા એક ખુરશી લાવી. નિત્યેશ ખુરશી પર બેઠો, પડખે એક ટીપોઈ પર નિતિકા બેઠી. નિતિકાના મમ્મી હિંચકા પર બેઠા.

“પરિચય નહિ કરાવે નિતિકા??” અને નિતિકા બોલી

વાર્તા નો અંત ખુબ જ રસપ્રદ અને રોમાંચક છે…આગળ વાંચવા અહી ક્લિક કરજો જય માળનાથ ભાગ – ૨

ટીપ્પણી