Jamanagari Kavo (જામનગરનો કાવો) ખુબ હેલ્ધી છે…

 

ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. જામનગરની ઉત્પત્તિ કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે. સ્વાદ અને અનેક રોગોમાં અક્સીર આયુર્વેદિક કાવો શિયાળાનું ઉત્તમ આયુર્વેદિક પીણું સાબિત થયું છે. કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે શહેરીજનો મોટી સંખ્યામાં કાવો પીવા ઉમટી પડે છે.

શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો ન હોય. સાંજ પડે ને કાવાની રેંકડીઓની આજુબાજુ કાવા સાથે ટોક-શોનો પ્રારંભ થાય છે. શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા હઠીલાં દર્દો માટે કાવો અક્સીર ઈલાજ ગણવામાં આવે છે.

બુંદદાણા, આદુરસ, સંચડ, સૂંઠ પાવડર, લીંબુ તેમજ વીસ જેટલા આયુર્વેદિક મસાલા વગેરેથી ઉકાળીને તેને મસાલા સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે. એક-એક ઘુંટ શરીરમાં જાણે સ્ફુર્તિનો અનુભવ કરાવે છે. કાવામાં લવિંગ અને તજ જેવી વસ્તુઓ નાખવામાં આવતી નથી.

ભુજીયા કોઠા પાસે રજવાડી કાવા નામે બે પેઢીથી રેંકડી નાખી ધંધો કરતા ધંધાર્થી જણાવે છે કે તેઓના બાપ-દાદાએ પાંચ પૈસા અને દશ પૈસાથી કાવો વેચવાની શરૂઆત કરી હતી. જે આજે એક ગ્લાસનાં દશ રૂપિયા લેવામાં આવે છે. તેઓ કાવાનો મસાલો અમેરિકા, લંડન સહિતના દેશોમાં મોકલે છે. ઉપરાંત ગુજરાત બહાર પણ તેની નિકાસ કરે છે.

જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ 80-90 રેકડીઓમાં વેંચાતો કાવો સાંજના સમયે જાણે લોકો માટે શરીર સાચવવાનું સાધન બની ગયો છે. ખાસ કરીને અંધારા ઉતર્યા પછી સપરિવાર ફરવા નીકળતા લોકો લહેજતથી કાવો પીવે છે અને કેતાલાક લોકો તો સ્પેશિયલ કાવો પીવા નીકળે છે. કાળી ચા જેવો ભાસતો કાવો કફ તોડી નાખે છે, જેથી ઠંડીના દિવસોમાં કાવો અક્સીર આયુર્વેદિક પીણું બની રહ્યું છે.

તમે પણ આ કાવો બનાવી શકો છો :

સામગ્રી :-

બુંદદાણા ( કોફી સીડ્સ ) ૧ ટી સ્પુન , ફુદીનો ૮ થી ૧૦ ડાળખી , આદુ ૧ નાનો ટુકડો , સંચળ પાવડર ચપટી, સ્વાદ મુજબ મીઠું ,મરી નો પાવડર ૧/૨ ટી સ્પુન , પાણી ૪ કપ , લીંબુ, ૧ ચમચી કોફી પાવડર .

રીત :-

સૌ પ્રથમ એક પેન માં પાણી લો .તેમાં લીંબુ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરો . આદુ ને ખમણી ને નાંખો . હવે એને ઉકળવા દો . ૩ કપ જેટલું બાકી રહે એટલે ગાળી લો એમાં લીંબુ નીચોવી ગરમ ગરમ પીઓ . ઠંડી તો ઉડી જશે પણ શરદી, કફ, ખાંસી માં પણ રાહત થશે. અજમાવી જોજો એક વાર પીને ,અને મને તમારો અભીપ્રાય આપવાનું ભૂલતા નહી હોં

આજે જ ટ્રાય કરો અને અમને જણાવજો કેવો લાગ્યો. શેર કરો બીજા મિત્રો સાથે.

ટીપ્પણી