સુદાન – અને એ બનાવ સાથે બીજી એક વધુ પ્રજાતિ પૃથ્વી પરથી લુપ્ત થઇ ગઈ…

“સુદાન”

પ્રકૃતિએ લાખો પ્રજાતિને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે અને એમાં સૌથી તાકાતવર માણસ છે. સૌથી તાકાતવર પ્રજાતિ તરીકે માણસજાતે અન્ય નિર્બળ અથવા તો અંતના આરે ઉભેલી પ્રજાતિઓને રક્ષણ આપવાને બદલે હંમેશા દુર્બળ પ્રજાતિઓને મોતનાં મોંમાં ધકેલી પોતાની જાતને સૌથી વધુ ક્રૂર સાબિત કરી છે. માણસજાત હંમેશા કુદરતની સામે ચાલી વન્યપ્રાણીઓ અને પ્રકૃતિનું નિકંદન કાઢવામાં મોખરે રહી છે. જેથી તેમના લીધે એક નહિ પણ હજારો પ્રજાતિઓ નામશેષ થઇ આ પૃથ્વી પરથી હંમેશા માટે વિદાઈ લઇ ચુકી છે અને બીજી સેંકડો પ્રજાતિઓ નામશેષ થવાના આરે છે.

આ નામશેષ થયેલી પ્રજાતિઓમાં ઉત્તરી સફેદ ગેંડા પ્રજાતિનો હાલમાં જ સમાવેશ થયો જે ગેંડા પ્રજાતિની પેટા-પ્રજાતિ છે. જેને Northern White Rrhinoceros (Ceratotherium simum cottoni)તરીકે ઓળખવામાં આવે છે.સામાન્ય રીતે ગેંડા પ્રજાતીના પ્રાણીઓ એકદમ શાંત અને સરળ જીવન જીવતાહોય છે અને તેઓની વંશ આગળ ધપાવવાની પ્રક્રિયા ખુબ જ ધીમી તેમજ પ્રજનન ક્રિયા મહદ અંશે જટિલ હોય છે.એક માન્યતા મુજબ ગેંડાને વન્યજીવનના રક્ષક માનવામાં આવે છે કેમ કે, જંગલમાં જો ક્યાંય આગનાં બનાવ બને તો અન્ય વન્યજીવો પોતાનો જીવ બચાવવા આગથી દુર ભાગે છે અથવા તો ડરે છે જયારે ગેંડા અગ્નિશામક પ્રાણીની ફરજ બજાવે છે અને આગને બુઝાવવાનાં પ્રયત્ન કરતાં જોવામાં આવે છે ને આ વાતનીઅનેક વન્યજીવન નિષ્ણાંતો દ્વારા ઘણી વાર નોંધ લેવામાં આવી છે, જો કે આ બાબતનાં કોઈ ચોક્કસ પુરાવાઓ હાથ ન લાગ્યા હોવાથી આ બાબત દ્રઢપણે નથી કહી શકાતી.ઉતરી સફેદ ગેંડાઓ હંમેશા તેનાં ચામડા અને શિંગના લીધે શિકારીઓનું પ્રાથમિક નિશાન તેમજ સર્કસ અને પ્રાણીસંગ્રહાલયોનું આવકનું આગવું સાધન રહ્યા છે.

ફેબ્રુઆરી ૧૯૭૫માં ચીપરફિલ્ડ સર્કસનાં નિષ્ણાંતોને ડીવર ક્રાલ્વે પ્રાણીસંગ્રહાલય ચેકોસ્લોવેકિયા તરફથી એક કરાર હેઠળ શામ્બે નેશનલ પાર્ક સુદાનમાં એક છટકું ગોઠવવા માટે નીમવામાં આવ્યા જ્યાં તેમને ગેંડાઓ ને પોતાનાં સકંજામાં ફસાવી સર્કસ તેમજ પ્રાણીસંગ્રહાલય માટે આવકનું અદકેરૂં સાધન બનવા મોકલી આપવાના હતાં. આએ ગોઠવાયેલા છટકામાં ઉત્તરી સફેદ ગેંડાઓનું એક જૂથ પકડમાં આવ્યું જેમાં કુલ ૬ ગેંડાનો સમાવેશ થતો હતો. અને આ એ ૬ ગેંડામાં ૪ માદાઓ હતી અને ૨ નર ગેંડાઓ હતાં. ચારે માદાઓનાં નામ અનુક્રમે નોલા, નુરી, નાડી અને નેશીરી હતાં જયારે નર ગેંડાઓનાં નામ અનુક્રમે સુદાન અને સૌટ હતાં. આ જૂથ જયારે પકડાયું ત્યારે સુદાનની ઉંમરફક્ત બે વર્ષ હતી. જે તે સમયે ગેંડાનાં ચામડા અને શિંગની માંગ એ હદે વિસ્તાર પામી કે ૧૯૭૫માં જે ઉત્તરી સફેદ ગેંડાઓની ૭૦૦ જેટલી વસ્તી યુગાન્ડા અને સુદાનમાં હતી એ ૧૯૮૦ ઘટીને ફક્ત ૧૩ રહી જવા પામી અને એ પણ કોંગોનાં ગર્મ્બા નેશનલ પાર્કમાં સુરક્ષિત હતી માટે. નહિ તો એ પણ કદાચ બચી ન હોત એવું કહેવામાં આવે છે.

૧૯૮૦ સુધીમાં આવેલાં આ બદલાવના કારણે આએ ૧૩ ગેંડાઓને અલગ અલગ જગ્યાઓએ સુરક્ષિત આવાસોમાં મોકલી આપવામાં આવ્યા જેમાં સુદાન તેમજ તેનું કુટુંબ પણ શામેલ હતું. ઉત્તરી સફેદ ગેંડાઓની પ્રજાતિ જળવાઈ રહે એ અર્થે અને શક્ય હોય તો એમનું ક્રોસબ્રીડીંગ પણ થઇ શકે એ માટે એમને અન્ય ગેંડા પ્રજાતિઓની માદાઓ સાથે પણ રાખવામાં આવ્યાં અને ઉત્તરી સફેદ ગેંડા પ્રજાતિની માદાઓ અન્ય ગેંડા પ્રજાતિ સાથે સરળ પ્રજનન કરી શકે એ માટે એમના પર અમુક શસ્ત્રક્રિયાઓ પણ કરવામાં આવી જેમાં વન્યજીવન નિષ્ણાંતોને નરી નિષ્ફળતા જ સાંપડી. કેમ કે, ઉત્તરી સફેદ ગેંડાઓ ક્રોસ બ્રીડીંગમાં પણ ખાસ ખરા ઉતર્યા ન હતાં અને છેલ્લે સને ૨૦૦૦ પછી એક પણ ઉત્તરી સફેદ ગેંડાનો જન્મ શક્ય નથયો.

સને ૨૦૦૦ પછી ઉત્તરી સફેદ ગેંડાપ્રજાતિમાં ફક્ત બે જ નર ગેંડાઓ જીવિત હતાં જેમાં એક હતો સુદાન અને બીજો અંગાલીફું. વધતી ઉમરનાં લીધે બન્નેવ નર ગેંડાઓમાંથી અંગાલીફું તો પહેલા જ પ્રજનન માટે જરૂરી શક્તિ ગુમાવી ચુક્યો હતો તેથી તેને સેન-ડીઆગો પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલો જે ૧૪ ડીસેમ્બર ૨૦૧૪ નાં છેલ્લો શ્વાસ લઇ આ દુનિયાથી વિદાય લીધો. તેથી ઉત્તરી સફેદ ગેંડાઓની વંશાવલી આગળ ધપાવવાની સંપૂર્ણ આશા નિષ્ણાતોને સુદાન પર હતી. કોઈપણ ભોગે આ પ્રજાતિ નામશેષ ન થાય એ હેતુથી આ પ્રજાતિના છેલ્લા વધેલા ત્રણ ગેંડાઓને (એક નર સુદાન અને બે માદા નાઝીન તેમજ ફતું) કેન્યાના ઓલ પેજેટા કન્સર્વન્સી માં મોકલી આપવામાં આવ્યા જેથી એમનો ઉછેર વધુ સારી રીતે થઇ શકે અને એમની વધુ સારી સંભાળ લઇ શકાય. તેમજ એમની સુરક્ષા હેતુ તેમને શિકારીઓથી બચાવવા ૨૪ કલાક તૈનાત રહે તેવા સશસ્ત્ર સૈનિકો પણ ફાળવવામાં આવ્યા. સુદાન અન્ય માદા ગેંડા સાથે મળી પોતાનાં વંશને આગળ વધારી શકે એ માટે તમામ બનતી બધી જ કોશિશો કરવામાં આવી પણ અનુક્રમે બધીજ કોશિશો નિષ્ફળ સાબિત થઇ. ૨૦૧૭ નાં અંતમાં સુદાનને કોઈ કારણોસર પાછળનાં જમણા પગમાં અસાધ્ય ચેપ લાગુ પડ્યો જેથી તેનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. પણ, નિષ્ણાંતો અને તબીબોની અથાગ મહેનતનાં લીધે સુદાન આ ચેપનાં સકંજામાંથી બહાર આવ્યો અને ફરી સામાન્ય જીવન જીવવા લાગ્યો પણ વિધિના વિધાનને કોણ બદલી શક્યું છે જો સુદાન બદલી શકે ?

ઉત્તરી સફેદ ગેંડાઓમાં છેલ્લો બચેલા નર ગેંડા સુદાનને ફરી એ જ ચેપ ૨૦૧૮ ની શરૂઆતમાં વધુ ઉગ્રતા સાથે લાગુ પડ્યો અને સુદાનનું સ્વાસ્થ્ય ખુબ જ ગંભીર રીતે બગડ્યું. સુદાન પણ પોતાનાં જીવન કાજે ઘણી લડત આપ્યો ને તબીબો, નિષ્ણાંતો પણ બનતી બધી જ કોશિશો કરી છૂટ્યા. પણ, અંતે કુદરત સામે એમને હાર માનવી પડી અને માર્ચ ૧૯ ૨૦૧૮ નાં રોજ ઉત્તરી સફેદ ગેંડા પ્રજાતિનો આખરી નર એવો સુદાન આ દુનિયાને અલવિદા કહી અનંતની રાહે ચાલી નીકળ્યો.

લેખન : જક્ષ મુસાની

ખરેખર આપણી પૃથ્વી પરથી અમુક પશુ અને પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થવા પાછળ આપણો પણ થોડો ભાગ રહેલો છે..

આપના અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર આપજો. અને દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી