ફણગાવેલાં મગનો પ્રસાદ – જગન્નાથપ્રભુને પ્રિય એવો મગ-કેરી-જાંબુનો પ્રસાદ બનાવવાની રીત આજે શીખી લો

જગન્નાથ એટલે જગતના નાથ…!! દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન સૌ નગરજનોને મળવા માટે રથમાં બિરાજમાન થઈને યાત્રાએ નીકળે છે… આ જગતના નાથની નગરયાત્રા એટલે રથયાત્રા…

આપના આંગણે આશિષ આપવા આવેલા પ્રભુને પ્રિય એવો મગ-કેરી-જાંબુનો પ્રસાદ બનાવવાની રીત આજે શીખી લો… પ્રભુના આશીર્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર એવો આ સ્વાદિષ્ટ પ્રસાદ આપના પરિવારજનો માટે આજે જ બનાવો…

વ્યક્તિ : ૪

સમય :

પૂર્વ તૈયારી માટે : ૧૧/૨ દિવસ
વાનગી માટે : ૧૫ મિનિટ

સામગ્રી :

૧ કપ મગ
૩ નંગ કેળાં
૨ નંગ કેરી
૧ દાડમ
૧૦-૧૫ નંગ જાંબુ
૨ ટે.સ્પૂ. ખાંડ

રીત:

૧) સૌ પ્રથમ મગને વીણીને પાણી વડે ધોઈને સાફ કરી લો.
૨) એક ઊંડા વાસણમાં મગ કરતાં ચાર ગણું હુંફાળું અથવા સાદું પાણી ઉમેરીને તેમાં મગને ૧૦-૧૨ કલાક પલાળી રાખો.
૩) મગ પલળી જાય એટલે એક કાણાં વાળા ટોપા અથવા ચારણીમાં ચોખ્ખું સુતરાઉ કાપડ પાથરીને પલાળેલા મગ ઉમેરો અને પાણી નિતારી લો.
૪) પાણી નિતારી લીધા બાદ મગને તેજ કપડામાં હવા ના જાય તેવી રીતે બાંધી દો. ફોટોમાં બતાવ્યા મુજબ તપેલી ઉપર કાણાંવાળો ટોપો મૂકીને ઉપર વાડકો ઊંધો મૂકીને બરાબર બંધ કરી દો.
૫) બાંધેલા મગને હુંફાળી જગ્યાએ એક દિવસ માટે મૂકી દો. લાંબા અને મોટા ફણગા જોઈએ તો થોડા વધુ સમય માટે મગને બાંધી રાખો.
૬) ફણગાવેલા મગને ચોખ્ખા પાણી વડે ધોઈ લો અને પાણી બરાબર નિતારી લો. સુતરાઉ કાપડ ઉપર પાથરીને ૧૦ મિનિટ માટે મગને કોરાં કરી લો.
૭) કેળાં અને કેરીના નાનાં ટુકડાં કરો અને દાડમને ફોલીને દાણા કાઢી લો. જાંબુને ધોઈને સાફ કરી લો.
૮) ફણગાવેલાં મગમાં કેળાં, કેરી, દાડમ અને ૨ ટે.સ્પૂ. ખાંડ ઉમેરી બરાબર હલાવી લો.
૯) વાડકીમાં કાઢીને ઉપર જાંબુથી સજાવીને પીરસો. પ્રસાદ ઉપર તુલસીપત્ર મૂકીને ભગવાનને ભોગ ધરાવો.

નોંધ :

★ સ્વાદ મુજબ ખાંડ, કેળાં, કેરી, દાડમ કે જાંબુ વત્તાઓછા પ્રમાણમાં ઉમેરી શકાય.
★ પ્રસાદ ધરાવવાના સમયે જ બનાવવો અને વધુ સમય મૂકી રાખવો નહીં. નહીં તો ફળો અને ખાંડના કારણે પાણી છુટું પડશે.
★ આપની પસંદ મુજબનાં બીજાં ફળો તેમજ કાકડી પણ ઉમેરી શકાય.
★ ધ્યાન રહે કે મગને ફણગાવ્યા બાદ કાચા જ ઉમેરવાના છે, બાફવાનાં નથી.
★ સમયનાં આયોજન માટે ૧૧/૨ દિવસ પહેલાં રાત્રે ૮ વાગ્યે મગ પલાળી દો. સવારે ૮ વાગ્યે મગને કપડામાં બાંધી દો. ૨૪ કલાક બાદ સવારે ૮ વાગ્યે ફણગાવેલાં મગ તૈયાર હશે. (મગની ગુણવત્તા મુજબ સમય ઓછોવધુ લાગી શકે છે.)
★ બજારમાં મળતાં તૈયાર ફણગાવેલા મગને બરાબર ધોઈને કોરા કરીને વાપરી શકાય.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

મિત્રો, આજના દિવસે આ વાનગી અચૂક શેર કરજો…જો જો ભગવાન જગન્નાથ ના આશીર્વાદ આખું વર્ષ તમને ફળશે !!

ટીપ્પણી