ઈશ્વરનું સરનામું – આ રીતે તેની ઈશ્વરની શોધ પૂરી થઇ

એક સુફી સંત પાસે એક યુવાન પોહચ્યો. યુવાને સંતને પૂછ્યું, “ તમે ઈશ્વરને જોયા છે ?” સંતે જવાબ આપ્યો : “ હા !”. યુવાને આગળ વધતા પૂછ્યું, “મને કહોને એ ક્યાં જોવા મળે છે ? મને એ કેવી રીતે જોવા મળશે ?” સંતે સામે પૂછ્યું, “તારે ખરેખર ઈશ્વરને જોવા છે ?” યુવાને કહ્યું, “હાસ્તો ! નહિ તો જાણવાની આટલી તાલાવેલી થોડી થતે ! મારે તો મૂળ સુધી જઈને ઈશ્વરને જાણવા છે.”

સંતે ઝીણી આંખો કરીને યુવાન સામે જોયું અને કહ્યું, “ જો ! હું ઈશ્વરનું વર્ણન નહિ કરી શકું. એનું વર્ણન થાય તેમ નથી, એનો અનુભવજ કરવો પડે. એ અનુભવ માટે તારે જબરી શોધ કરવી પડશે. એવી જગ્યાએ પોહાચવું પડશે જ્યાં પ્રેમ અને કરુણા હોય !”

યુવાન મંદિરમાં ગયો, મસ્જિદમાં ગયો, દેવળોમાં ગયો, ગુરુદ્વારમાં ગયો, ધાર્મિક સમારંભમાં ગયો, કથા-ઉત્સવમાં ગયો, યજ્ઞમાં હાજરી આપી, દેશ-વિદેશ ગયો અને તેને ક્યાંય ન તો ઈશ્વર મળ્યા કે ન તો પ્રેમ અને કરુણા જડ્યા !

યુવાન થાકીને બેઠો હતો. સાંજ પાડવા આવી હતી. દુર એક ઘર દેખાતું હતું. પીવા માટે ત્યાં પાણી મળશે તે વિચારી તે ઘરે ગયો. તેને જોયું કે એક ખાટલા પર એક બાઈ સુતી હતી. બાઈ અપંગ જેવી લગતી હતી.

પથારીમાંથી ઉઠી શકતી ન હતી. ભારે પીડા ભોગવતી હતી. તેનો પતિ અને પુત્રી ત્યાં હાજર હતા. યુવાને જાણ્યું કે પતિ જયારે કામે જાય ત્યારે પુત્રી બાઈની સંભાળ રાખતી અને પતિ જ્યારે ઘરે આવે ત્યારે પુત્રી બજારમાં જઈને ઘરની સાધન સામગ્રી અને દવા લઇ આવતી. સાંજે ત્રણે સાથે જમે. પછી રાત્રે પિતા અને પુત્રી વારાફરથી જાગે.

યુવાનને જોઈ પથારીવશ અપંગ બાઈ બોલી, “ભાઈ, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું: ‘મને સજી કરી દે અથવા લઇ લે.’ મારી પીડા કરતા તો મને મારા પતિ અને પુત્રી પર દયા વધારે આવે છે.” યુવાન ત્રણે જણ સામે બેસી પડ્યો. ત્રણેને નમન કાર્ય અને બોલ્યો, “ તમે ત્રણ નસીબદાર છો ! તમારામાં મને ઈશ્વરના દર્શન થયા છે.” યુવાને પણ પ્રેમ અને કરુણા અનુભવી. તેને ઈશ્વરનો અનુભવ થઇ ગયો. અને તેની શોધ પણ પૂરી થઇ.

સંકલન – દીપેન પટેલ

ટીપ્પણી