“કામિલ કી કલમ” હિન્દી સિનેમામાં સૌથી અનોખું લખતા ઈર્શાદ કામિલની કલમની વાત

કામિલ કી કલમ

‘ઇશ્ક હૈ ફિલ્લમ, જૂનુન ફિલ્લમ/ દર્દ ફિલ્લમ, દવા હૈ ફિલ્લમ/ હસીં ખુશી કા રિબાબ ફિલ્લમ, હમ સભી ઓર યાદ હૈ ફિલ્લમ’ સ્વાનંદ કિરકિરે લિખિત ‘શમિતાભ’નું આ અફલાતુન સોંગ દરેક ભારતીયો માટે એબ્સોલ્યુટલિ કરેક્ટ છે. હિન્દુસ્તાની બંદા ફિલ્મો જોવા ઉપરાંત ફિલ્મોને ચાહે છે. ખાય છે, પીએ છે ! ફ્લ્મિોને જીવે છે ! લોકો માટે એક નશો છે ફિલ્મો. ફિલ્મો સાંત્વના આપે છે, ઉત્સાહ આપે છે. એક નવી દુનિયામાં સફર કરાવે છે. દુઃખ, દર્દ, ગમ, તકલીફો, બધુ જ થોડા સમય માટે દુર કરી દે છે ફિલ્મો. ફિલ્મો સાથે સંકળાયેલા બધા જ પાસા લોકોને આકર્ષે છે. કેટલાક મ્યુઝિકના દીવાના હોય છે તો કેટલાક હિન્દી ફિલ્મના હીરોલોગના ! તો કેટલાક પરદા પાછળની વાતો જાણવા માટે તલપાપડ હોય છે.

આજે વાત કરવી છે હાલના હિન્દી સિનેમામાં સૌથી અનોખું લખતા,અર્થસભર છતાંય હટકે શબ્દોની ગુંથણી કરતા અને જેમના ગીતો સાંભળ્યા અને જોયા પછી ધીમે ધીમે એ મગજમાં અફ્ણિના નશાની જેમ ‘ચડવા’ લાગે છે એવા ઇર્શાદ કામિલની. ઇર્શાદ કામિલ નામ આવતા જ નજરની સામે રિવર્સમાં જોઇએ તો ‘તમાશા’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ના સોંગ દેખાય છે. એથી અગાઉ સુપર્બ સર્જન ‘હાઇવે’ના હૃદયસ્પર્શી ગીતો ગણગણે છે. એથી પહેલા ‘આશિકી ૨’ કે ‘કોકટેલ’ હોય કે પછી ઇમ્તિયાઝ અલીનું એવરગ્રેટ ક્રિએશન ‘રોકસ્ટાર’ હોય. ‘રોકસ્ટાર’ કે પછી ‘તમાશા’ના તો બધા સોંગ એમને કઇ રીતે સ્ફુર્યા એ પાછો અલાયદા લેખનો વિષય બની શકે તેમ છે. હિન્દી સાહિત્યને ફિલ્મોની લગોલગ રાખતા ઇર્શાદ કામિલે હિન્દી પોએટ્રીમાં ચંદીગઢની પંજાબ યુનિવર્સિટિમાંથી ડોક્ટરેટ કર્યું છે. આજે તદ્દન વાહિયાત પ્રકારનાં ગીતો લખાય છે જે થોડા દિવસોમાં ટેલિવિઝન પર શોર મચાવ્યા પછી ખોવાઇ જતા હોય છે, ત્યારે ઇર્શાદ કામિલ જેવા જેને ખરા અર્થમાં સમર્થ સર્જક કહી શકાય એવા ગીતકારની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તાતી જરૂર છે.

ઇર્શાદ કામિલમાં ગીતકાર તરીકેના બીજ તો સાવ નાનપણથી જ રોપાયા હતા. તેઓ જ્યારે પોએટ્રી(કવિતા) શું ચીજ છે એ નહોતા જાણતા ત્યારથી પોએટ્રી લખતા. એમના મોટા ભાઇએ એક વાર ‘આ શું લખ્યું છે’ કહીને એમની મજાક ઉડાવેલી, ત્યારે ઇર્શાદની ઉંમર માંડ પાંચ વર્ષની હશે. પણ તેઓની હિન્દી ફિલ્મોમાં એઝ અ લિરિસિસ્ટ તરીકેની એન્ટ્રી વિચિત્ર હતી. તેઓ મુંબઇમાં બીજા બધાની જેમ પહેલા કામ શોધવા, સ્ટ્રગલ કરવા માટે નહોતા આવ્યા, તેમને સીધું કામ જ અહીં ખેંચી લાવ્યુ હતું. વાત એમ છે કે ઇર્શાદ કામિલ ચંદીગઢમાં એક માતબર ગ્રુપના અખબારમાં સામાન્ય રિપોર્ટર હતા. એ સમયે ખાસ કાંંઇ કામ ન રહેતું, ફ્કત સાંજે પાંચ વાગ્યે ઓફિસ જવાનું અને એક ડબલ કોલમનો રિપોર્ટ આપવાનો. બાકી આખો દિવસ ફ્રી રહેવાનું. એ દરમ્યાન લેખ ટંડનજી કોઇ સિરિયલના શુટિંગ માટે આવેલા. ઇર્શાદ કામિલને જાણ થતા તેઓ તેમને મળ્યા અને ઇન્ટરવ્યુ કર્યો. બે-ત્રણ દિવસમાં જ હરિયાણાના કલ્ચર અફેરના ડાયરેક્ટરે ઇર્શાદ કામિલને ફોન કરીને કહ્યું કે ટંડનજીને કંઇક પ્રોબ્લેમ છે. એમની સ્ક્રિપ્ટ નથી આવી રહી, એમને જઇને હેલ્પ કર. ઇર્શાદ કામિલ ફરી ટંડનજીને મળ્યા અને એમના કહેવા પ્રમાણે અમુક ડાયલોગ લખી આપ્યા. ટંડનજી સીન સમજાવે અને ઇર્શાદ સીધા જ સ્ક્રિપ્ટ વગર ડાયલોગ લખી આપે. આમ ચાલ્યું. લેખ ટંડનજીની સિરિયલનું બાવીસ દિવસનું તથા ઇર્શાદ કામિલના જીવનનુ ં પ્રથમ શિડયુલ પૂરુ થયું. તે બાવીસ દિવસ પછી ટંડનજીએ ઇર્શાદ કામિલના હાથમાં પશ્ચિમ એક્સપ્રેસની ટિકિટ પકડાવી દીધી. આ પ્રસંગને વાગોળતા ઇર્શાદ કામિલ એક ઇન્ટરવ્યુમાં કહે છે કે, હું મુંબઇ મારી મરજીથી નહોતો આવ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું મારા માટે એક ઇત્તેફાક હતો !

નખશિખ હિન્દી-ઉર્દુ જબાન બોલતા ઇર્શાદ સાહેબ પોતાના અન્યો(કમર્શિયલ પ્રકારના)થી અલગ પડતા ગીતો વિષેે કહે છે કે, હું પણ બહુ જ કમર્શિયલ પ્રકારના ગીતો લખવા માંગુ છું. અલબત્ત, કમર્શિયલ પ્રકારના જ ગીતો લખું છું. પણ જેમ કહેવાય છે કે રોટલી બનતી હોય ત્યારે લોટમાં જરાક નમક નાખવાથી પણ સ્વાદ બદલાઈ જતો હોય છે તેમ હંુ ગીતમાં નમક જેટલુ સાહિત્ય ઉમેરી દઉં છું ! જેનાથી ગીતની ઉંમર વધે છે અને વળી તે અલગ લાગે છે. અને તમને એવું ફિલ પણ થાય છે કે તમે કમાવાની સાથે સાથે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી અને સમાજ માટે પણ કશુંક કર્યું.

‘તમાશા’ના પાંચ મિનિટના ‘ચલી કહાની’ સોંગમાં દુનિયાભરના સાહિત્યનો નીચોડ ઇર્શાદ કામિલે બખૂબી આપ્યો છે તો રોકસ્ટારના’હવા હવા’ પણ એક રાજા-રાણીની જુની સ્ટોરીનો આધાર લઇને લખવામાં આવ્યું છે.’રોકસ્ટાર’નું જ સુફી સોંગ’કુન ફાયા કુન’ઇર્શાદથી અનાયાસે જ લખાઇ ગયું છે. આવા તમામ એકથી એક ઓવર ધ ટોપ ગીતોની થોટ પ્રોસેસ મનમાં કઇ રીતે થતી હશે ?કેટલો સમય લાગતો હશે ? ઇર્શાદ કામિલ કહે છે કે કોઇ સોંગ બહુ જલ્દી લખાઇ જતું હોય છેઃ બે-ચાર કે છ કલાકમાં, તો કોઇને દસ કલાકથી લઇને દસ દિવસ સુધીનો પણ સમય લાગી જતો હોય છે. અમુકમાં સાઉન્ડસ પર શબ્દો ફીટ કરવાના હોય છે, સિચ્યુએશન પ્રમાણે અને મીટરમાં લખવાનું હોય છે, જેમાંં બહુ વાર લાગે છેે.

ઇમ્તિયાઝ અલીની મોટા ભાગની ફિલ્મોના ગીત ઇર્શાદ કામિલે લખ્યા છે. સોંગ લખવાની અને કંપોઝ કરવાની આખી જર્નિમાં ઇર્શાદ અને ઇમ્તિયાઝ સાથે જ હોય છે. બંને જણ એકબીજાના ત્યારથી પરિચયમાં છેે જ્યારે બંને પાસે કશું જ નહોતું, સિવાય ઉધારી ! સ્વાભાવિક છે કે ઇમ્તિયાઝ અલી તે વખતે ડાયરેક્ટર નહોતા અને ઇર્શાદ કામિલે પણ હજુ પ્રોફેશનલ કરિયરની શરૂઆત નહોતી કરી. ઇર્શાદ કામિલ કહે છે કે, આપણી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીની એ બદકિસ્મતી છે કે આપણા બધા જ ડાયરેક્ટરો કે પ્રોડયુસરોને મ્યુઝિકની એટલી સમજ નથી જેટલી હોવી જોઇએ. પણ ઇમ્તિયાઝ મ્યુઝિક જાણે છે, સમજે છે. અને આ બંનેના કોમ્બિનેશનથી(સાથે એ.આર. રહેમાન તો ખરા જ)બનતા મર્મવેધક ગીતોને આપણે માણીએ છીએ !

લેખન : પાર્થ દવે 

બોલીવુડની ફટાફટ ખબરો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

 

ટીપ્પણી