બે વર્ષ માટે પત્નીની મા બની જાઓ – લેખકે એક સ્ત્રીની વેદનાને ખુબ સુંદર વાચા આપી છે..

બે વર્ષ માટે પત્નીની મા બની જાઓ….

“યાર આ ડોક્ટર ઈરફાન ઉંમર સાથે સઠિયાતો જાય છે એવું લાગે છે. એની વાતો તો જુઓ યાર. પત્નીની મા બનો એટલે કે હું જાતે મારી સાસુ બની જાઉં. એ સાલી ખૂસડ બૂઢ્ઢી! કચકચ કરતી કકળાટીયણ ડોસલી !.આ ડાકટર્યો તો ગાંડાને પણ તાવ ચઢી જાય એવી વાતો કરે છે.”
અહા.. મિહિર તમે તો જાણે મસ્ત જોક્સ કહી દીધો હોય તેમ વીસ વર્ષથી સતત સાથે ટિફીન શેર કરતા સહકર્મચારીઓ ઠહાકા મારીને હસવા લાગ્યા.

“ડોકટરની વાત સાચી છે”. જાડા કાચના ચશ્મામાંથી કનુભાઈ કેશિયરની આંખો અવાજ સાથે વધુ ગંભીર થઈ હતી.

” એ લો… કનુકાકા પણ સઠિયાઈ ગયા. બે મહિના પછી રિટાયર્ડ થવાના. અને કાકી હવે તેમની ચાકરી કરશે કારણકે કનુકાકા કાકીની બે વર્ષ માટે મમ્મી બન્યા હતા.” મિહિર તમારા જોશીલા અવાજે અને તેમાં રહેલી ભારોભાર ટીખળે તમારા મિત્રોને વધુ જોશથી હસવા જોમ પુરુ પાડ્યુ.

” હાં, એ કરે જ છે અને કરશે જ. મેં રિટાયરમેન્ટ પ્લાનમાં પૈસા નથી રોકયા. લાગણીઓનું રોકાણ કર્યુ છે ” કનુભાઈ કેશિયરના અવાજમાં નિશ્ચિંતતા અને ઠરેલપણું હતું. પણ તમારે માથે ચઢેલો સુરજ હતો એટલે તમારી આગળ દરેક દીવા ઝાંખા પડતા હતા. મસ્તીની હવામાં દરેક સુફીયાણી વાતો મજાક બનીને હવા થઈને ઉડી જતી. સાંજે બેંકનો સમય પૂરો થયો અને તમે મેનેજરને શોભે તેવી જ લક્ઝરી કારનું ઈગ્નિશન ઓન કર્યું.

દરેક વ્યક્તિનાં નોકરીથી છુટીને ઘર તરફ કદમ બમણા જોશથી દોડવા જોઈએ.પણ તમે જાણીજોઈને ધીમા પડતા. રસ્તામાં પાંચ છ જગ્યાઓ પર બિનજરૂરી વિસામો લઈને ઘરે પૂરાં ચાર કલાક મોડા પહોંચતા કે જેથી તમારી પત્ની સુગંધા અને પુત્રી ધારા ઉંઘવા જતા રહ્યા હોય.

કાર હંકારીને તમે રોજની જેમ હળવા થવા મિત્ર અનુપ પાસે ગયા. થોડાં ગામગપાટા થયાં પછી બેંકની આજે ઘટેલી વાતો થઈ. તમે મજાકનાં મૂડમાં હતાં અને અનુપ ગંભીર. અનુપે તેનાથી બનતી બધી સલાહ તમને આપી.

“તારા કેશિયર કનુકાકાની વાતમાં દમ છે યાર. ખોટું ના લગાવતો દોસ્ત, પણ અત્યારે તારે સુગંધા ભાભી સાથે વધુ સમય ગાળવો જોઈએ ”
સુગંધાનું નામ સાંભળતા જ તમે સ્ટિયરીંગ પર ઘા કર્યો અને મોટેથી બરાડ્યા.

” શું કરું એની પાસે જઈને? સવારની ઉઠે ત્યારથી એની ચીઢ અને દાઝ ચાલુ થાય છે. નાનીનાની વાતોમાં ગુસ્સો કરે છે. ગુસ્સામાં કેટલીયે વસ્તુઓની તોડફોડ તેણે કરી નાંખી. એક એક મિનિટનો હિસાબ માંગે છે. તને તો ખબર જ છે યાર આપણને બેંકવાળાઓને કેટલો સ્ટ્રેસ હોય છે. કેટલું કામ હોય છે. હું તેની પાસે તેનો કકળાટ અને રોદણા સાંભળવા બેસી રહું..? દરેક ડોક્ટરને બતાવ્યું. બધાએ કીધું કે તેને કોઈ બિમારી નથી. તું જોવે છે ને મેં તેના માટે ગાડી, બંગલો, ફર્નિચર…શું નથી કર્યુ?”
તમારો ગુસ્સો જોઈને અનુપે વધારે દલીલ કરવાનું ટાળ્યું.

” જો અનુપ હવે વધુ હું તેની સાથે નહીં રહી શકું. હું અલગ રહીશ અથવા તેને છૂટી કરી દઈશ. હજુ તો અડતાલીસમું બેઠું છે. કોઈ પણ મળી જશે મને ” મિહિર તમે ખુમારી સાથે તમારો ફેંસલો અનુપને સંભળાવી દીધો.

” ધારાનો વિચાર કરવાનો મિહિર. આમ આવેશમાં કોઈ નિર્ણય ના લેવાય “. અનુપનાં અવાજમાં લાચારી સિવાય કંઈ નહોતું .

તમારા આવા અભાિગમ અને અભિમાની નિર્ણયને કારણે સુગંધાને બહુ મોટો માનસિક આધાત લાગ્યો. પહેલા વસ્તુઓની તોડફોડ કરતી ગૃહિણી જાતને ખતમ કરવા સતત પ્રયત્નો કરવા લાગી. સુગંધા કંઈક કરી બેસસે તો તમારી કારકિર્દી જોખમમાં મૂકાઈ જશે તેવો તમને સતત ભય લાગવા લાગ્યો. એટલે તમે બેંકમાં પણ જતા તો સુગંધાને સાંકળ વડે બાંધીને જતાં . સુંગધા હવે હારી ચૂકી હતી. ડબલ ગ્રેજ્યુએટ નારી પાસે વિરોધ કે વિદ્રોહ કરવા માટેની કોઈ જ માનસિક શક્તિ નહોતી બચી. એ ચૂપચાપ લાચાર પ્રાણીની જેમ તમારી જોહૂકમી જોયા કરતી. અંતે તમે કંટાળીને એક દિવસ સુગંધાને મેન્ટલ હોસ્ટેલમાં મુકી જ આવ્યા.

ધારાની જવાબદારી તમારા શીરે હતી. અને જોતજોતામાં તમારી જિંદગીનું પચાસમું વર્ષ બેસી ગયું. તમારા આવેગો શાંત પડી ગયા હતા. ચતૂરાઈ પૂર્વક કરેલા રિટાયરમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનની નોટોની થોકડીઓ વાપરવા માટે હવે તમારામાં ઉત્સાહ અને ઉમંગની અછત થવા લાગી હતી. તમારી આંખોએ લાગેલા જાડા ચશ્માને કારણે બેંકનાં યુવાન કર્મચારીઓ તમારી ખીલ્લી ઉડાવવાની એક તક ચૂકતા નહી .

મિહિર તમે હવે બેંક કરતા ઘરે વધું રહેવા લાગ્યાં હતા. નોકરી અને ઘર બન્ને ચલાવવા માટે હવે તમે સક્ષમ ન્હોતા. તમારી પાસે સ્વૈચ્છિક નિવૃત્તિ સિવાય કોઈ વિકલ્પ ન્હોતો.

ધારા આખો દિવસ સ્કૂલમાં રહેતી એટલે તમને ખાલીપો અંદરથી કોરવા લાગ્યો. અંદર- બહારથી તમે ખરવા લાગ્યા હતા. સાંજે ધારા સ્કૂલથી આવે પછી ટયૂશન વગેરે પતાવી તમારી મોંઘીદાટ કારમાં ફેરવી તમે પિતા તરીકેની ફરજ પૂરી થઈ હોય તેવું માનતા.

એવી જ એક સાંજે ધારાએ તમારી સાથે ફરવા આવવાની ના પાડી દીધી.

“ડેડ, ના એટલે ના.. તમને સમજ નથી પડતી??”

તમારા માટે આ પડકાર સમાન બાબત હતી. ત્રણ વર્ષ પછી તમારામાં ક્રોધનો જવાળામુખી ફરી સક્રીય થયો.અને ગુસ્સાનો લાવા શાંત ઘરમાં ચારે ખૂણાઓમાં પ્રસરી ગયો. તમારુ આ રોદ્ર સ્વરૂપ જોઈને કળીમાંથી ફુલ બની રહેલી ધારાનો ચહેરો કરમાઈ ગયો અને તે થરથર કાંપવા લાગી. થોડીવારની નિરવ શાંતિ પછી ધારાએ ચૂપકીદી તોડી.

” ડેડ તમે સાચે એમ.બી.એ. કરેલુ છે….?” બોર્ડમાં પ્રથમ આવનાર તેજસ્વી વિદ્યાર્થીની ધારાનો સવાલ સાંભળી તમે દંગ રહી ગયા. અને તમે ફરી એજ ગુસ્સા સાથે જવાબ આપ્યો.

” આ શું બેહૂદા સવાલ કરે છે? તારે ફરવા નથી આવવું તો ના પાડી દે કાલથી બંધ. હું નોટિસ કરું છું છેલ્લા કેટલાય દિવસોથી તારો સ્વભાવ અતડો થઈ ગયો છે. તારામાં ચિઢિયાપણું આવી ગયું છે. કયાંક તું બીજા કોઈ સાથે તો….? ”

“બસ…….” ધારાએ તમને વચ્ચેથી જ અટકાવી દીધાં. અને ધૃસ્કે ધૃસ્કે રડતા જઈને બોલી.

” ડેડ , છોકરીની જિંદગીમાં બે પડાવ આવે છે. એક માસિક આવવું અને એક માસિક જવું. જેને અંગ્રેજીમાં મિનાર્કી અને મેનોપોઝ કહે છે. આ બન્ને અવસ્થા એવી છે કે તેમાં મમ્મીની સખત જરુર પડે. છોકરીમાં માનસિક અને શારીરિક ફેરફારો અભૂતપૂર્વ રીતે આવતા હોય છે. મમ્મી તો અંહી છે નહીં અને તમે મને જે રીતનાં રાખતા હતા તેના પરથી હું નિશ્ચિંત હતી કે તમે બે વર્ષ માટે મારી મમ્મીનો રોલ સારી પેઠે નિભાવશો જ. પણ ખેર ડેડ.. તમે એમ.બી.એ. કર્યુ જ હશે. કદાચ તમારા વખતમાં આવું બધુ ભણવામાં નહીં આવ્યું હોય…”

ધારાનાં નિર્દોષ ચહેરા પરથી આત્મવિશ્વાસ સભર વાતો સાંભળી મિહિર તમે અભણ ગામડિયાની જેમ દીકરીને તાકતાં જ રહી ગયા.. અને કંઈક યાદ આવ્યું હોય તેમ મનોમન બબડ્યા.

” ડોકટર ઈરફાન સાચું જ કહેતા હતાં કે બે વર્ષ માટે પત્નીની મા બની જાઓ. કાશ..તે વખતે હું સમજી ગયો હોત.. તો મારો રિટાયરમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અઢળક ઈન્ક્રીમેન્ટ સાથે આજે મને મળતો હોત. અને સુગંધા નામક વટવૃક્ષની ઘટાદાર શાખનો છાંયડો મેળવતો હોત..તેમાંથી વહેતી પ્રેમભરી ખુશ્બુની ધારા વધેલી આખી જિંદગી મધમધતી રાખતી ….”

તમે તરત જ મોટર હંકારી મેન્ટલ હોસ્ટેલ પહોચ્યા. પણ અફસોસ.. સાંકળોથી બંધાયેલો છોડ કરમાઈને ખરી ચૂક્યો હતો. અને તમે ત્યાંથી ખોભો ભરીને માટી જ લાવી શક્યા જેમાં હવે કોઈ ભીનાશ કે ફોરમ નહોતી….!

લેખક : ઈરફાન સાથિયા

દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી