૩ ઇડિઅટ્સ અને પી.કે. જેવી અદભૂત ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઈટર અભિજાત જોશી સાથે સંવાદ

મૌનમાં જે વિવેચન હોય છે તેનો પરચો મને બાળપણમાં મળ્યોઃ અભિજાત જોશી

પી.કે. ને ‘ગાંધીગીરી’ના આઇડિયા ક્યાંથી આવેલા છે?

ઓલ-ટાઇમ ગ્રેસ્ટેસ્ટ ડાયરેક્ટર્સના લિસ્ટમાં જેમનું નામ અચૂક લેવું પડે તેવા રાજકુમાર હિરાણીએ મુન્નાભાઇ એમ.બી.બી.એસ., લગે રહો મુન્નાભાઇ, ૩ ઇડિઅટ્સ અને પી.કે. જેવી અદભૂત ફિલ્મો આપી છે. એમાંથી મુન્નાભાઇ એમ.બી.બી.એસને છોડીને બાકીની ફિલ્મોની સ્ક્રિપ્ટ હિરાણી સાથે મળીને અભિજાત જોશીએ લખી છે. જાણીને આશ્ચર્ય થાશે કે ૩ ઇડિઅટ્સ, પીકે અને લગે રહોના ઘણા નેવર બિફોર સિન્સના મૂળીયા ગુજરાતને અડે છે. જેમ કે, ૩ ઇડિઅટ્સનું ‘આલ ઇઝ વેલ’ એ અભિજાત જ્યારે અમદાવાદની એચ.કે.કોલેજની અગાશીએ સૂતા ત્યારે તેમને ‘આલબેલ’ની બૂમો સંભળાતી, ત્યાંથી આવેલું છે!

અમદાવાદમાં જન્મેલા અને મોટા થયેલા અભિજાત જોશીએ પહેલી ફિલ્મ ૧૯૯૮માં ‘કરીબ’ લખેલી. તેમના નાના એટલે કે ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર અને વિવેચક યશંવત શુક્લ. તેઓ એકપણ ફિલ્મ જોતા નહીં. અભિજાતના પ્રેમ ખાતર આ ફિલ્મ જોવા તેઓ ‘એડવાન્સ સિનેમા’માં ગયા. અભિજાતના મિત્રએ તેમને કહ્યું કે તારા નાના ફિલ્મ જોવા આવ્યા છે! અભિજાત આશ્ચર્યચકિત! ફિલ્મ તદ્દન વાહિયાત હતી. એ ફિલ્મ બાદ તેના પ્રોડ્યૂસરને તેનું મકાન વેચવું પડ્યું હતું અને પૈસા ભેગા કરવા એડ ફિલ્મો બનાવવી પડી હતી! (એ પ્રોડ્યૂસર એટલે વિધુ વિનોદ ચોપરા.) નાના અને વિવેચક યશંવત શુક્લ તે ફિલ્મ વિશે શું કહેશે તેની અભિજાત રાહ જોઈ રહ્યા હતા. અભિજાત મુજબ, ‘તેઓ મહાન વિવેચક હતા. તેમના વિવેચનમાં એક ખાસ પ્રકારનું વિવેચન હોય છે, એ તેમણે કરિબ ફિલ્મ માટે કર્યું. તેમણે ફિલ્મ માટે કશું જ ન કહ્યું! ઉપચાર ખાતર પણ એક વાત ન કહી. ફિલ્મની કક્ષા અને સ્તર જોઈને તેમને કંઈ જ બોલવાની ઈચ્છા ન થઈ. તેમણે મૌન દ્વારા જ બધું કહી દીધું. મૌનમાં જે વિવેચન હોય છે તેનો પરચો મને બાળપણમાં મળ્યો..’

ઈંગમાર બર્ગમૈન નામના સ્વીડિશ ફિલ્મ ડાયરેક્ટરના ત્રણ કમાન્ડમેન્ટ છે. પહેલો કમાન્ડમેન્ટ: તમે સંપૂર્ણ મનોજરંજન પૂરું પાડશો. જે લોકો ફિલ્મો જોવા આવ્યા છે તેઓ તમારી જિંદગીની આખી સાંજ તમને આપવા આવ્યા છે. તેઓ એ આશા સાથે આવ્યા છે કે અહીં મનોરંજન મળશે. માટે એ તમારી પ્રથમ ફરજ છે કે તમારે મનોરંજન પૂરું પાડવું. વિધુ વિનોદ ચોપરાએ અભિજાતને એક વાત કહેલી કે ગમે તેટલી ડર્ટી ફિલ્મ હોય કે ગમે તેટલો સબ્જેકટ સારો હોય, ગાંધીની વાત હોય કે કોઈ પણ વાત હોય પણ પબ્લિકને બોર ન કરવી.

બીજો કમાન્ડમેન્ટ: યુ વેર નોટ સેલ યોર સોલ વેન યુ એન્ટરટેન. આ મુશ્કેલ છે. મનોરંજન પૂરું પાડતી વખતે તમારે તમારી આત્મા નથી વહેંચી દેવાની. સફળતા મળે ત્યાર બાદ એક હ્યુમન ટેન્ડેશી હોય છે કે જે પોપ્યુલર હોય તેને અપનાવી લેવું. ઓડિયન્સને શું ગમે છે તે સતત પીરસતા રહેવું. એમ કરતી વખતે તમારા આર્ટિસ્ટ તરીકેના કન્વિન્સ ખલાસ થઈ જાય છે. તમારે ખરેખર શું લખવું છે, અભિવ્યક્ત કરવું છે તે ભૂલાઈ જાય છે અને માત્ર લોકો શું જોવા માટે પૈસા ખર્ચશે, લોકો આવશે કે નહીં, ફિલ્મ કેટલા કરોડનો બિઝનેસ કરશે, એ જ યાદ રહે છે. પણ મનોરંજન આપતી વખતે ખુદ વહેંચાઇ જવાનું નથી.

ત્રીજો કમાન્ડમેન્ટ: જે પણ ફિલ્મ લખો એ તમારી લાસ્ટ ફિલ્મ છે એમ વિચારીને લખો. મુંબઈમાં મોટાભાગના લોકો એમ કહેતા હોય છે કે આ ફિલ્મ તો હું પબ્લિક માટે બનાવું છું. આના પછી જે બનાવીશ એ મારી હશે. તો એ ફિલ્મ ક્યારેય આવશે જ નહીં! માટે આ ફિલ્મ બનાવીને તમે મરી જવાના છો એમ વિચારીને જ ફિલ્મ બનાવો.

સ્વીડીશ ડાયરેક્ટરના આ ત્રણેય આદેશો રાજુ હિરાણી એન્ડ ટીમ કમ્પલસરી ફોલો કરે છે એમ કહેવાની આવશ્ક્યતા જ નથી.

***

સિનેમા સો વર્ષથી ચાલ્યું આવે છે. ભારતમાં દર વર્ષે ૮૦૦થી વધારે ફિલ્મ બને છે. દુનિયામાં તો હજારોની સંખ્યામાં બને છે. એમાં તમે એક ફિલ્મ બનાવીને વધારો કરો છો. માટે રાજુ-અભિજાતનો સૌથી પહેલો નિયમ એવો છે કે, જે ફિલ્મ પર તમે કામ કરી રહ્યા છો તે યૂનિક આઈડિયા હોવો જોઈએ. લોકો ફિલ્મ જોવાની શરૂઆત કરે ત્યારે એમ લાગે કે આ નવી વાત છે. હંમેશા એવું શક્ય નથી બનતું પણ તેના પ્રયત્ન પૂરેપૂરા કરવા જોઈએ. કઈ રીતે આવે છે એવા આઈડીયાઝ?

રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીએ ફિલ્મ લખવા માટેની કેટલીક હોમ મેડ રેસિપીસ ઊભી કરી છે. અભિજાત અને રાજુ લખવાની શરૂઆત કરે છે ત્યારે તેમની પાસે એક સબ્જેક્ટ હોય છે. જેમકે, ધર્મનું ધંધામાં પરિવર્તન થઈ ગયું છે એવો એક વિચાર આવ્યો અને પી.કે. લખવાની શરૂઆત કરી. પહેલો વિચાર એ આવે કે મુખ્ય પાત્ર કયું હશે. (મુખ્ય પાત્ર એટલે આમીર-રણવીર નહીં)

અભિજાત અને રાજકુમાર હિરાણી એવું માને છે કે જેમ-જેમ વધારે લાંબુ ચાલીએ છીએ તેમ વધારે સારા આઈડિયા આવે છે! અભિજાત કહે છે કે, જેમ વધારે ચાલીએ છીએ ‘કંઈક’ થાય છે. મગજમાં એવું કંઈક થાય છે જેના કારણે આઈડિયા સહેલાઈથી આવે છે. જે પણ કારણ હોય; રાજુ અને અભિજાત બે-બે ત્રણ-ત્રણ કલાક ચાલે છે. પાછું એમાં જરાય ફરજિયાત નથી હોતું કે બંનેમાંથી કોઈએ વાતો કરવાની. માટે ઘણીવાર એવું બનતું હોય છે કે ત્રણ કલાક સુધી સાથે ચાલ્યા હોવા છતાં કોઈ એક શબ્દ પણ ન બોલ્યું હોય. આનો ફાયદો એ છે કે, કોઈ વ્યક્તિની સામે તમે બેસીને વાત કરો તો તમારે બોલવામાં મુશ્કેલી પડે. તમારે બોલવું જ પડે અથવા તમારે ‘ધ્યાન રાખીને’ બોલવું પડે. પણ ચાલવામાં નજર ન મળતી હોવાથી એવા કોઈ પ્રોબ્લેમ નથી થતા.

આ જ રીતે બોરિવલી નેશનલ પાર્કમાં એક સવારે ચાલતા ચાલતા રાજુ અને અભિજાતની વાત થઈ કે એક એવું પાત્ર ઊભું કરીએ જેને ધર્મની કશી ખબર જ ન હોય. ૧૭-૧૮ દિવસ વિચાર્યું પણ કશો નિર્ણય ન લેવાયો. પછી અભિજાતને અમેરિકામાં વોક કરતા કરતા વિચાર આવ્યો કે કોઈ એલિયનના પર્સપેક્ટિવથી આ વાત કરીએ તો?! રાજુએ તરત કહ્યું, ડન! આ રીતે પી.કે.ના સેન્ટર આઈડિયાનો જન્મ થયો. તેનું સ્ક્રિપ્ટ રાઇડટિંગ ૪ વર્ષ ચાલ્યું.

લગ રહો મુન્નાભાઈ માટે બે વર્ષ લાગેલા. રાજકુમાર હિરાણીને એવો વિચાર આવ્યો હતો કે આજના સમાજ અને સમયમાં ગાંધીજીના વિચારો પ્રસ્તુત છે કે નહીં? પહેલા રાજુએ એ પ્રકારની સ્ક્રિપ્ટ લખી હતી કે એક ગાંધીવાદી માણસ ૧૯૪૨ની ચળવળમાં ઘાયલ થઇને કોમામાં છે. તે ૩૦ વર્ષ બાદ એટલે કે ૧૯૭૨માં જાગીને પૂછે છે કે, ગાંધીજી ક્યાં છે? પછી તેને વિચાર આવ્યો કે આ માણસને જો મુન્નાભાઇ મળે તો શું થાય? ( કેમ કે ત્યારે ઓલરેડી મુન્નાભાઇ એમ.બી.બી.એસ તે બનાવી ચૂક્યો હતો.) ફરી રાજુએ વિચાર્યું કે જો ગાંધીયનને જ મળવું હોય તો મુન્નાભાઇ સીધો ગાંધીજીને જ મળે તો કેવું થાય? તેણે અભિજાતને આ વાત કરી કેમ કે તે જાણતો હતો કે અભિજાત ગુજરાતનો છે. તેની માતૃભાષા ગુજરાતી છે. રાજુએ અભિજાતને કહેલું કે, મુન્નાભાઈ મહાત્મા ગાંધીના ભૂતને મળે છે. અભિજાતને આ કોન્સેપ્ટ બહુ જ ગમ્યો હતો, પણ તેણે રાજુ સામે એક શરત મૂકી. અભિજાત મુજબ જો ગાંધીજીનું ભૂત પાછું આવે તો એવું લાગે કે એમને(ગાંધીજીને) પાછું આવવું છે. ગાંધીજીને પોતાને આ દેશમાં પાછા આવીને ગાઇડ કરવાની ઇચ્છા હોય એવું લાગે. ખરેખર તો આ દેશને ગાંધીજીની જરૂર છે ને! માટે વાત બનવી એવી જોઇએ કે ગાંધીજીના વિચારોની અસર મુન્નાભાઇ પર પડે. રાજુ કોન્સેપ્ટ માની ગયો. બેઉ સાંજ સુધી કામે લાગ્યા. એ જ દિવસે સાંજે અભિજાતે કહ્યું કે, એવું બની શકે કે મુન્નાને ગાંધીજીનો આભાસ થાય, તેને ભ્રમ થાય કે ગાંધી છે. અને એક જ ક્ષણમાં રાજુએ કહ્યું, હા, કેમિકલ લોચા..! ઉસકે ભેજે મેં કેમિકલ લોચા હૈ…

***

કિસ્સાઓ ઘણા છે. અત્યારે એક મસ્ત ટેઇલ પીસ સાથે વાત પૂરી કરું: અભિજાત જોશીએ ‘લગે રહો મુન્નાભાઈ’ની સ્ક્રિપ્ટની તૈયારી માટે મહાદેવ દેસાઇની ડાયરી, જેમાં ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યા સુક્ષ્મ રીતે આલેખાઇ છે, તેના ત્રેવીસે-ત્રેવીસ ભાગ વાંચી નાખ્યા હતા. પૂરા દસ હજાર પાના!

લેખન.સંકલન : પાર્થ દવે 

બોલીવુડને લગતી નાની મોતી તમામ બાબતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી