અદભૂત, અદ્વિતીય અને અત્યંત પ્રેરણાત્મક સત્ય કહાની

John-Roeblingન્યુયોર્ક શહેર અને બ્રુકલીનને જોડતો એક પુલ બનાવવાનો વિચાર આવતા જહોન ઓગસ્ટસ રોબલિંગ નામના એન્જીનિયરે પુલની ડીઝાઇન બનાવી. તમામ નિષ્ણાંતોએ તેની આ ડીઝાઇન તદન અવ્યવહારુ છે અને આવો પુલ બની જ ન શકે એમ કહીને એને ગાંડો ગણાવ્યો. જહોનને માત્ર એક જ વ્યક્તિનો સાથ હતો અને તે હતો તેનો દિકરો વોશીંગ્ટન રોબલિંગ.

બાપ-દિકરાએ સાથે મળીને કામગીરી શરુ કરી. આ માટે એન્જીનિયરોની એક ટીમ તૈયાર કરી. કામ હજુ તો વેગ પકડે તે પહેલા જ કામ કરતા બનેલી એક દુર્ઘટનાને કારણે તા. 22-7-1869ના રોજ જહોન રોબલીંગનું અવસાન થયું. ‘પિતા વગર આ કામ આગળ કેમ વધશે’ એમ વિચારવાને બદલે બાપનું સપનું પૂર્ણ કરવા માટે હવે દિકરાએ બધા જ કામની જવાબદારી પોતાના માથા પર લીધી.

પણ વિધીની વક્રતા જુવો કે વોશીંગ્ટન રોબલીંગ પણ બાપની જેમ જ તા. 3-1-1870ના રોજ એક દુર્ઘટનાનો ભોગ બન્યો અને એનું શરીર કામ કરતું બંધ થઇ ગયુ. પુલ બનાવવા માટે કામ કરતા એન્જીનિયરોને એ કોઇ માર્ગદર્શન આપી શકે એમ ન હતો કારણ કે એના હાથની માત્ર એક આંગળી જ કામ કરતી હતી. પિતાએ હાથ પર લીધેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા હવે વોશીંગ્ટને પત્નિ એમિલીનો સાથ લીધો. માત્ર આંગળીના ઇશારે એણે એક ભાષા વિકસાવી જે માત્ર એમિલી સમજી શકતી હતી.

એમિલીએ પણ પતિને પુરો સહકાર આપ્યો. એ ગણિત અને ઇજનેરી શીખી અને પતિ જે કંઇ પણ આંગળીના ઇશારે સમજાવે તે પ્રમાણે પુલનું કામ કરતા ઇજનેરોને એ માર્ગદર્શન આપવા લાગી. પુરા 13 વર્ષ સુધી આ રીતે ચાલ્યુ અને 1883ના વર્ષમાં જહોન રોબલિંગનું એ સપનું પુત્ર વોશીંગ્ટન અને પુત્રવધુ એમિલીએ સાકાર કરી બતાવ્યું. આજે આ બ્રુકલીન બ્રીઝ પરથી રોજના લાખો લોકો પસાર થાય છે.

મિત્રો , જો મનોબળ દ્રઢ હોય તો દુનિયાની કોઇ તાકાત આપણને સફળ થતા રોકી શકે નહી. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ આપણી સાહસયાત્રા ચાલુ રહે તો મુકામ સુધી પહોંચે જ એમા શંકાને કોઇ સ્થાન નથી. કોઇ કામ હાથ પર લો અને કોઇ પ્રશ્નો ઉભા થાય ત્યારે આ ઘટનાને યાદ કરજો.

શેર કરવાનું ભૂલશો નહિ દોસ્તો !

 

સૌજન્ય : શૈલેશ સગપરીયા

 

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block