ઈન્દોરી દાલ બાફલા બનાવવાની પરફેક્ટ રેસીપી – અચૂક શીખી અને બનાવો !!!!

આજે ભૂમિબેન આપના માટે લઈને આવ્યા છે ઈન્દોરી દાલ બાફલા બનાવવાની પરફેક્ટ રેસીપી…

માલવાની સૌથી પ્રખ્યાત વાનગી એટલે બાફલાબાટી… ઘીથી લબાલબ બાફલાની મજા દાળ, લીલી ચટણી અને ડુંગળી-મરચાં-લીંબુ સાથે માણવામાં આવે છે… તો ચાલો શીખી લો આ “ઑલ ટાઈમ ફેવરેઈટ ફૂડ” ની રેસીપી અને આજે જ બનાવો ખાસ આપના કુટુંબીજનો અને મિત્રો માટે….

બાફલા બનાવવાની રીત :
વ્યક્તિ : ૪
સમય : ૯૦ મિનિટ

સામગ્રી :

૨ કપ ઘઉંનો કકરો/જાડો લોટ
૧/૨ કપ ઘઉંનો ઝીણો લોટ
૩ ટે.સ્પૂ. ઘી/તેલ મોવણ માટે
૧/૪ ટી.સ્પૂ. હળદર
૧ ટી.સ્પૂ. મીઠું (આશરે)
૧/૮ ટી.સ્પૂ. ખારો (ખાવાનો/બેકિંગ સોડા)
હુંફાળું ગરમ પાણી જરૂર મુજબ
(આશરે ૩/૪ કપ)

રીત :

૧) એક વાસણમાં ઘઉંનો જાડો લોટ અને ઝીણો લોટ ભેગા કરી લો. તેમાં ૩ ટે.સ્પૂ. ઘી અથવા તેલનું મોવણ નાખીને બરાબર મસળી લો.

૨) મીઠું, હળદર અને સોડા ઉમેરીને હુંફાળા ગરમ પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટ કરતાં થોડોક જ કઠણ લોટ બાંધવાનો છે. લોટને ભીનું કપડું ઢાંકીને ૩૦ મિનિટ મુકી રાખો.

૩) લોટને ઘી/તેલ લગાવીને મસળી લો અને તેનાં ૬-૭ સરખા ભાગ કરીને ફોટોમાં બતાવ્યા મુજબ ગોળા વાળી લો. એકતરફ અંગુઠા વડે વચ્ચેથી સહેજ દબાવી લો. એક વાસણમાં પાણીમાં સહેજ મીઠું અને હળદર ઉમેરીને ઉકળવા મુકો. પાણી બાફલા ડૂબે તેના કરતાં બે ગણું મુકવાનું છે.

૪) ગોળાને હળદર અને મીઠાં વાળા પાણીમાં બે ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી બાફી લો. બાફલા પાણીમાં ઉમેરતાં પહેલાં નીચે બેસી જશે જેથી તળિયે ચોંટે નહીં તેનું ધ્યાન રાખો. પાણીને તેજ આંચ પર ઉકળવા દો. બાફલા આશરે ૧૦ મિનિટમાં બફાઈને ઉપર આવી જશે. તેને કાપડ ઉપર કાઢીને ૧૦-૧૫ મિનિટ કોરા પડવા દો.

૫) બાફલા ઠંડા પડે ત્યાં સુધી ઑવનને ગેસ ઉપર ધીમા તાપે ગરમ થવા મુકો. ઑવન ગરમ થાય પછી તેની જાળી ઉપર બાફલા ગોઠવી દો. ખાડાવાળો ભાગ પહેલાં ઉપરની તરફ રાખીને બાફલાને ધીમી આંચ પર શેકાવા દો. એકતરફથી ગુલાબી શેકાઈ ગયા બાદ ફેરવીને બીજી તરફથી મધ્યમ આંચ પર શેકાવા દો.

૬) આમ, બે થી ત્રણ વખત ફેરવી ફેરવીને બાફલાને લાલ થાય ત્યાં સુધી શેકી લો. બાફલા તૈયાર થઈ ગયા બાદ કપડાં વડે સહેજ દબાવીને તિરાડ પડે એટલે ઘીમાં ડુબાડીને ગરમાગરમ દાળ સાથે પીરસો.

નોંધ :

★ શક્ય હોય તો બાફલાબાટી માટે ઘઉંના ઝીણા અને કકરા લોટની વચ્ચેનો મધ્યમ દરદરો લોટ દળીને તેમાંથી બાફલા બનાવવા.
★ બાફલાને ખૂબ જ ધીમા તાપે શેકવાથી કડક થઇ જાય છે આથી આંચ ધીમી મધ્યમ એમ બદલતાં રહેવી.
★ બાફ્લામાં ખારો ઉમેરવો ના હોય તો ૨-૩ ટે.સ્પૂ. મોળું દહીં ઉમેરીને ઢીલો લોટ બાંધવો.

દાળ બનાવવાની રીત :

વ્યક્તિ : ૪
સમય :
તૈયારી માટે : ૧૦ મિનિટ
વાનગી માટે : ૨૦ મિનિટ

સામગ્રી :

૧ કપ તુવેરની દાળ
૪-૫ ટે.સ્પૂ. ઘી (વઘાર માટે)
૨ નંગ આખાં લાલ મરચાં
૫-૭ નંગ મીઠાં લીમડાનાં પાન
૧ ટી.સ્પૂ. જીરું
૧/૮ ટી.સ્પૂ. હીંગ
૧ ટે.સ્પૂ. લાલ મરચું પાવડર
૧ ટી.સ્પૂ. ધાણાજીરું
૧/૨-૧ ટી.સ્પૂ. હળદર
મીઠું સ્વાદ અનુસાર
પાણી જરૂર મુજબ (આશરે ૪-૫ કપ)

રીત :

૧) તુવેરની દાળને ગરમ પાણી ઉમેરીને દિવેલ નીકળી જાય તેમ બરાબર ધોઈ લો. દાળ ડૂબે તેનાથી થોડું વધારે હુંફાળું પાણી ઉમેરીને દાળને પલાળી રાખો. ત્યારબાદ એક વાસણમાં દાળ, ૩ કપ પાણી અને થોડું મીઠું નાખીને કૂકરમાં ૨-૩ સીટી થાય ત્યાં સુધી બાફી લો.

૨) એક વાસણમાં ઘી ગરમ થવા મુકો. તેમાં જીરું, આખા લાલ મરચાં, હીંગ અને મીઠાં લીમડાનો વઘાર કરીને વલોવેલી દાળ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો.

૩) સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને ધાણાજીરું ઉમેરી દાળને થોડી વાર ધીમી આંચ ઉપર ઉકળવા દો.

૪) ડબલ તડકા દાળ માટે વઘાર કરીને પીરસો અને ઉપરથી લીંબુ નીચોવીને બાફલા સાથે દાળની મજા માણો…

નોંધ :

★ દાળ બાફતી વખતે મીઠું ઉમેરવાનું છે આથી મીઠું વધારે પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
★ દાળ એકદમ ઓગળી જાય તેવી બાફવાની નથી, ફક્ત દાળ બરાબર ચડી જવી જોઈએ.
★ ડબલ તડકા દાળ બનાવવા માટે ઘીમાં જીરૂં અને લાલ મરચું ઉમેરીને દાળ પીરસેલી હોય તેમાં ઉપર વઘાર રેડી દો.

■ ધાણાની તીખી લીલી ચટણી બનાવવા માટે ૧૧/૨ કપ લીલાં ધાણા, ૨ તીખા લીલાં મરચાં, ૫-૭ કળી લસણ, ૧ ઇંચ આદું, ૧/૨ ટી.સ્પૂ. જીરૂં, ૧ ટી.સ્પૂ. લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને આશરે ૧/૪ કપ પાણી ઉમેરીને મિક્સરમાં ઝીણું વાટી લો. (પસંદ હોય તો ખાંડ ઉમેરી શકાય)

તો તૈયાર છે…સ્વાદિષ્ટ ઈન્દોરી દાલ-બાફલા…

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block