વર્ષોથી જળવાઈ રહેલી અને ટકેલી આપણી સંસ્કૃતિ અને પરંપરા… આધુનિક યુગમાં ટકી રહેશે ખરા ?

ચાર વેદમાં સામવેદ કહે છે: ‘તત્વમસિ’. એટલે કે, ‘તું જ બ્રહ્મ છે.’

જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ નથી. બ્રહ્મ, જીવ કે ઈશ્વર એ બધુંય તું જ છે…

 

હેડફોનમાં એક પ્રોફેસરનો અવાજ આવી રહ્યો છે: ‘આજથી દશેક વર્ષ પહેલાની વાત. હું કોન્ફરન્સમાં હાજરી આપવા દિલ્હીથી આવેલો. ત્યાંની એક બેંકમાં હું ગયો અને મારી સહી કરીને ચેક રજુ કર્યો. બેંકના કારકુને મને ચેક પરત આપતાં કહેલું, બોલપેનની સહી ચાલશે નહી. તમારે શાહીથી સહી કરવી પડશે. તે સાંભળીને મને આનંદ થયેલો. જગતમાં એક પ્રજા એવી છે જે આંખો મીંચીને નવી ટેકનોલોજી સ્વીકારી લેતી નથી. શરૂઆતમાં વિરોધ કરશે, ધ્યાનથી સમજશે અને પછી સ્વીકારવા લાયક લાગે ત્યારે પ્રેમથી અપનાવશે.’ પ્રોફેસર થોડું અટકીને આગળ કહે છે: ‘આજે ફરી આવીને જોઉં છું તો તમે બધા જ બોલપેન વાપરો છો, તમારી પરિપક્વ સ્વીકૃતિ સાથે વાપરો છો. એક પ્રજા તરીકે તમારો આ ગુણ મને અભિભૂત કરે છે.’

આપણી પરંપરા-સંસ્કૃતિ કઈ રીતે અને શેના પર ટકેલી છે? હજારો વર્ષોની સંસ્કૃતિનું અસ્તિત્વ શેના પર ટકી રહ્યું છે? ઝડપી પરિવર્તનના આ દૌરમાં માનવીની-આપણી સંસ્કૃતિ, એની ધર્મ પ્રત્યેની શ્રધા અને ‘ફક્ત શ્રધા’ ટકી રહી છે. ‘ફક્ત શ્રધા’ એમ લખવાનું કારણ એ જ કે ઉપરોક્ત લાઈન જેમાંથી લેવામાં આવી છે એ જ લઘુનવલકથામાં જયારે નાયક કહે છે કે ‘મને ધર્મ-કર્મમાં કે ક્રિયાકાંડમા શ્રધા નથી.’ ત્યારે સામો જવાબ મળે છે કે, ‘ધર્મમાં શ્રધા હોવી કંઈ જરૂરી નથી. પણ માણસને શ્રદ્ધા તો હોવી જોઈએ.’ માણસને આમ પણ કોઈ પંથ, ધર્મ કે ભગવાનમાં શ્રધા ન હોય તો પણ એ કોઈ એવા તત્વ કે કુદરત પર તો વિશ્વાસ મુકતો જ હોય છે કે જેનાથી બધું જ ચાલી રહ્યું છે. આપણે ઝડપથી, તરત જ કશું જ સ્વીકારતા નથી કે સ્વીકારી શકતા નથી. દરેકને જોઈ, પરખી અને સમજીને અપનાવીએ છીએ. એ જ કારણે કદાચ આપણે હીન શાસકો, પરદેશી હુમલાખોરો, ધર્મગુરુઓ વગેરે અવરોધો વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને ટકાવી શક્યા છીએ.

મહાનદી નર્મદાને અર્પણ કરાયેલી ધ્રુવ ભટ્ટલિખિત અને માનવ સંસ્કૃતિનું દર્શન કરાવતી લઘુનવલકથા ‘તત્વમસિ’માંથી પ્રોફેસર જે કહે છે એ-ઉપરોક્ત વાત લીધેલી છે. ‘તત્વમસિ’ માનવની માનવ, કુદરત, લોકમાતા નર્મદા અને સમગ્ર સંસ્કૃતિસાથેના સહજીવનની યાત્રા છે. નર્મદા મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટકમાં ઉદભવીને સાતપૂળા પર્વતમાળાના મંડલા પહાડો, જબલપુરના આરસના ખડકો, વિધ્યાચલ, થોડોક મહારાષ્ટ્રનો ભાગ અને અંતે ભરૂચના ખંભાતના અખાતમાં સમુદ્રને મળે છે. આ પવિત્ર પુણ્યદાયિ નર્મદાની પૂજા એ એની પરિક્રમા છે. જેમાં યાત્રી કોઈ એકાદ સ્થળેથી શરૂઆત કરી નર્મદાના ઉદગમ સ્થાન અમરકંટક, જ્યાંથી સરિતા વહે છે એ કુંડને ફરી સામા કિનારે યાત્રા કરતો આખી પ્રદક્ષિણા કરે છે. અને જ્યાંથી શરૂઆત કરી હતી એ સ્થળે પાછો ફરે છે. આમ યાત્રી નર્મદા ફરતેનો આખો રસ્તો, રસ્તા વચ્ચે આવતા ઘરો, અરણ્યો, જંગલો, પહાડ-નાના મોટા ડુંગરા, ગામો વગેરે પરથી પસાર થાય છે. આપણા નિબંધકાર અને પ્રવાસલેખક કાકાસાહેબ કાલેલકરે પુસ્તક ‘જીવનલીલા’માં “ઉભયાન્વી નર્મદા” શીર્ષક હેઠળ નર્મદાપ્રવાસના પોતાના અનુભવો અને સુંદર સંસ્મરણો રજૂ કર્યા છે.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

‘તત્વમસિ’માં યાત્રીને પરિક્રમાવાસી કહ્યો છે. ‘તત્વમસિ’નો એક પ્રસંગ અહી ટાંકવાની ઈચ્છા થાય છે. એક પરિક્રમાવાસી પોતાની સેવા બરાબર થતી નથી એવી રાવ લઇ, ‘અમને રોકાવા માટે સારી જગ્યા બતાવો’ કહે છે. તેને અસંતોષ હોય છે. આ જોઈ વર્તાનાયક, જેને આદિવાસી સંસ્કૃતિના અભ્યાસમાટે પોતાના વિરોધ છતાં આગ્રહ કરી પ્રોફેસરે મોકલ્યો હોય છે તે ગીન્નાય છે. તે વિચારે છે કે તેના અત્યાર સુધીના જીવનમાં માણસની અંગત સેવા કરવાનો અનુભવ એને નથી અને પુણ્ય કમાવાની વાત તો તે કદાપિ સ્વીકારી શકે એમ નથી. આ કારણે તે સુપરિયા(એક સ્ત્રીપાત્ર)ને કહે છે કે સેવા કરવાનું કામ મારાથી નહી થાય. મારે પુણ્ય જોઈતું નથી અને એ માણસમાં મને રસ પણ નથી. આ સાંભળી સામેથી વિચારતા કરી મુકે એવો જવાબ મળે છે. તેણી કહે છે કે, ‘કોઈ પણ જે આ સેવા કરે છે તે પરિક્રમાવાસી માણસને સાચવવા નથી કરતા, પરિક્રમાને સાચવવા કરે છે.’ આ વિચારીને માનવું પડે એવું સત્ય છે. નદીને કિનારે ઠેર ઠેર મંદિરોમાં, ગામડાઓમાં, જાણ્યા-અજાણ્યા લોકો, અબુધ આદિવાસીઓ યાત્રીઓને સાચવે છે એ એટલા માટે જ કે આ પરંપરા ટકી રહે નહી કે પરીક્રમાવાસી.

 

આ પ્રસંગ વાંચતા તરત જ મને માતાના મઢ જતાં પદયાત્રીઓના દર્શન થાય છે. સૂરજબારીથી માતાના મઢ સુધીના માર્ગમાં ઠેર ઠેર છાવણીઓ બંધાય છે, ગ્રામ્યલોકો ઉત્સાહથી  રાહત કેમ્પ ઉભાં કરે છે. એ રાહત કેમ્પમાં, છાવણીઓમાં પદયાત્રીઓની સેવા નથી થતી પણ માં આશાપુરાની યાત્રાની, વર્ષોથી જળવાઈ રહેલી પરંપરાની સેવા થતી રહે છે. બીજી મોટા ભાગની પરંપરાની જેમ એ પણ એક પરંપરા જ છે જે ટકી રહી છે.

~ પાર્થ દવે

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી