અપૂર્ણ લવ સ્ટોરી તો તમે ગણી જોઈ હશે પરંતુ આ પૂર્ણ સ્ટોરી તમારા ઉડાવી દેશે હોશ

પોષનો સૂરજ ટેકરી આડે સંતાઇ ગયો. સાંજ ઉઘડું ઉઘડું થઇ રહી હતી. આથમણે આભમાં રંગોની રંગોળીઓ પુરાઇ રહી હતી.

સરમાણે સાતી સંચ ગાડામાં નાખ્‍યા ત્‍યાં પડખેની નેવાળીમાંથી ઝાંઝરીની મીઠી મીઠી રણઝણ સંભળાઇ.

સરમણ છાનાં પગલે આવીને ઓરડીની પડખે થતો‘કને રસ્‍તાની કાંઠે બાવળિયાના થડ આડે જઇને ઊભો રહ્યો. આવતલ જેવું ત્‍યાંથી પસાર થયું કે તેની ઉડ ઉડ કરતી ઓઢણીનો છેડો સરમણે ઝાલી લીધો. ઓઢણી ખેંચાણી કે એક કોમળ સ્‍વર તરડાયો : ‘કોણ છે ઇ?‘ કહેતી‘ક એ યુવતી પાછી ફરીત્‍યાં જ આડઝુડ ફેલાયેલા બાવળિયા આડેથી સરમાણ હસતો હસતો બહાર આવ્‍યો :‘એ તો મારી સિવાય કોણ હોય વિલાસ?‘ અને એ યુવતી ઉર્ફે વિલાસ ખડખડાડ હસી પડી, પણ પછી કૃત્રિમ રીસનો છણકો કરતી બોલી ‘તારી સિવાય બીજું કોઇ હોય પણ નહીં ને? ત્‍યાં ને ત્‍યાં બે થપાટ ન ચોડી દઉં?‘

‘હા ભાઇ હા. ગામ આખામાં બળુકી તો તું એક જ ને? બાકી બધા તો માયકાંગલા. ખરૂં ને?‘

‘હા. એકવાર નહીં સો વાર.‘ વિલાસ તણખી:‘અને તનેય કહી દઉં કે મારી સાથે બહુ મર્યાદા રાખીને રહેવું નહિંતર એ હથેળીનો સ્‍વાદ તને પણ ચાખવા મળી જશે. આ વિલાસ છે જેટલી સારી છું એટલી જ ભૂંડી છું.‘

‘હવે માર્યા ને ખાધા…!‘ બોલતા સરમાણે તેનું કૂણુ માખણ કાંડુ મરડતા કહ્યું :‘બોલવાનો તો વેંત ને પછી તોપખાને નામ નોંધાવવા દોડી જાય છે? ચાલ, તારામાં એટલું બધું જોર કુદકા મારતું હોય તો લે, છોડાવી લે આ કાંડુ…‘

‘એ કાડુ એમ છૂટે એવું નથી સરમાણ! હા, તારે છોડી દેવુ હોય તો પછી-‘ વિલાસે શરમાઇ જતા કહ્યું: ‘ઢીલા પોચા કાંડા તો આ કાંડુ માંગવા કેટલાય આવીને હાલ્‍યા ગયા. એમ કાંઇ મારુ કાંડુ સસ્‍તુ નથી. પણ તું તો છોડીશ નહીં ને?‘

‘ના વિલાસ આ છોડવા માટે નથી પકડ્યું. આ કાંડુ મારા છેલ્‍લા શ્વાસ લગી નહીં છૂટે. એની ખાતરી આપું છું. બસને?‘

બસ એટલું જ તારી પાસે માંગુ છું,‘ ટહુકતી વિલાસ સરમાણની ફરતે વેલી જેમ વીંટળાઇ વળી….

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

સરમાણ જ્યારે અંધારું થયે સાંતી લઇને ઘરે આવ્‍યો ત્‍યારે મહેમાન બેઠા હતા. આમ તો મોટા ભાઇના સસરા અને સાળા હતા. સરમાણે આવકાર્યા. કલાક બેસીને તેઓ ઊભા થયા ત્‍યારે ભાભીએ તેમને કહ્યું ‘પછી મેં તમને કીધું એ વાત ધ્‍યાનમાં રાખજો.‘

‘અરે, આ તો સોનામાં સુગંધ ભળી એમ કહે ને!‘ હરજી પટેલે પોતાની દીકરીને કહ્યું: ‘તમે બેય બહેનો એક જ ઘરે હો એનાથી વધારે રૂડું શું હોય શકે? હું આજે જ તારી બાને જઇને વાત કરું છું. કમુરતા ઊતરે ઇ ભેંળ જ સગાઇ નક્કી! આનાથી બીજું ક્યાં સારું સગું મળવાનું?‘

મહેમાન નીકળી ગયા પછી સરમાણે લીલાને પૂછ્યું: ‘ભાભી, શી વાત હતી?‘

જવાબમાં લીલા કહે: ‘અરે, સરમાણભાઇ તમે આટલુંય ન સમજ્યા? આ તમારા માટે મેં મારા બાપુજી પાસે માંગુ નાંખ્‍યું છે. તમે અંજુને તો જોઇ છે ને? છેને ચાંદના કટકા જેવી? ચોવીસ કેરેટનું સોનું છે સોનું. જોજોને, તમારી અને એની જોડી જામવાની…‘

‘પણ ભાભી..‘ સરમાણ મુંઝાઇ જતા બોલ્‍યો.

‘હવે પણ ને બણ. ધરમના કામમાં ઢીલ કેવી? તમે જોજોને, તમારા લગ્‍ન તો એવી ધામધૂમથી કરવા છે કે દુનિયા આખી જોઇ રહે કે ભાભીએ દિયરના લગ્‍ન કર્યાને કાંઇ? દુનિયા મોઢામાં આંગળી ન નાખી જાય તો કહેજો…‘

‘અરે ભાભી, પણ મારા હૈયાની વાત-‘ સરમાણ આગળ બોલી ન શક્યો ને લીલા ભળતો અર્થ તારવી હસી પડી અને પછી તો કમુરતા જેવા પુરા થયા કે બાદલપરથી સમાચારેય આવી ગયા. સામે પક્ષે બધું મંજૂર જ હતું. તો લીલાના હૈયામાં તો પોતાની નાની બહેનને દેરાણી બનાવવા માટેનો કેટલો ઉમંગ રમતો હતો, એ તો પોતાનું મન જ જાણતું હતું. એણે તો ત્‍યારે ને ત્‍યારે જ પોતાના પતિ બંનેસંગને, સગાઇ વાસ્‍તે અંજુ માટે લાવવાની વસ્‍તુઓ પણ ગણાવવા માંડી અને કાલને કાલ શહેરમાંથી લઇ આવવાની તાકીદેય કરી દીધી. બીજે‘દિ બંનેસંગ અને લીલા શહેરમાંથી અંજુને ચૂંદડી ઓઢાડવા માટેની તમામ જણસ ખરીદીય લાવ્‍યા. પણ સરમાણ ઉદાસ હતો. લીલાને અને બનેસંગને એની ક્યાં જાણ હતી? એમણે હોંશે હોંશે મહેમાનને તેડાવ્‍યા. રૂડા મંગળ ગીતો ગાયા અને બીજે દિવસે તો વેવિશાળેય કરી આવ્‍યા. આ વાતને બે-ત્રણ દિવસ થઇ ગયા. સરમાણ ઉદાસ રહેતોલ હતો. લીલાથી આ વાત હવે અજાણ ન રહી. એક રાત્રે એણે સરમાણને પૂછ્યું: ‘સરમાણભાઇ હું જોઉં છું કે બે-ત્રણ દિવસથી તમારું મોઢું નિમાણું થઇ ગયું છે.‘

‘બસ ભાભી, એ તો અમસ્‍તુ…‘

‘ના સરમાણભાઇ. હવે આપણો સમય પહેલાના જેવો નથીક્ષ્‍, પણ સુધર્યો છે. તમને અને તમારા ભાઇને બા-બાપુ નાનપણમાં એકલા મૂકીને મોટા ગામતરે સંથરી ગયા. કાકા કાકીએ તમને ઉછેર્યા. હું આવી પણ કાકીની એકજ શિખામણથી મેં બધી વાત જાણીને તમને સગા દિકરાની જેમ રાખ્‍યા. બોલો, આમાં ક્યાંય ભૂલચૂક થઇ ગઇ હોય તો.‘

‘ભૂલ તો ભગવાને કરી નાખી ભાભી! હું ક્યા મોઢે તમને કહું?‘

‘પણ બોલોને! ન બોલો તો તમને મારા સમ છે.‘

‘બસ, બસ ભાભી તમે મને બાંધી દીધો.‘

‘તો પછી કહો.‘

‘ભાભી, આ વેવિશાળ કરીને તમે મને ધરમસંકટમાં મૂકી દીધો.‘

‘કારણ?‘

‘કારણ કે હું કોઇકને ચાહું છું.‘

‘કોણ છે?‘

‘એનું નામ છે વિલાસ. રાઘવ પટેલની દીકરી. સરમાણ અટક્યો: ‘તે દિવસે તમારા બાપુજી આવ્‍યા ત્‍યારે કહું કહું થતી વાત તમને કહી ન શક્યો. પણ મને ખબર નહોતી કે એ વાત અહીં સુધી આવી જશે. પણ ભાભી, વિલાસને મેં મારા કાળજાના કટકાની જેમ ચાહી છે. હું એને દગો આપી શકું એમ નથી.‘

લીલાના ચહેરામાં ફેરફાર થઇ ગયો. અત્‍યાર સુધી શાંત રહેલી લીલા છંછેડાઇ જતા બોલી :‘તો પછી તમારે મને પહેલા કહેવું જોઇએને?‘

‘એ જ તો કહું છું, પણ હું કહી જ ન શક્યો. બોલી ન શક્યો.‘

‘અને એની સજા મારી બહેનને ભોગવવાની?‘

‘ના, હું નહીં ભોગવવા દઉં. હું બધાની વચ્‍ચે કહીશ કે સાચી વાત આમ હતી.‘

‘કોણ માનશે આ વાત?‘ લીલા ગુસ્‍સે થઇ ઉઠી:‘તમે મારું આટલું વેણ ન રાખ્‍યું પણ વાંધો નહીં.‘ કહેતી લીલા જતી રહી.

સગપણ ફોક થયું અને સરમાણ જુદો થઇ ગયો. અલબત, લીલા અને બનેસંગે તેના લગ્‍ન તો વિલાસ સાથે કરાવી આપ્‍યા. ચૂલો નોખો હતો. ખેતરવાડીના ભાગ પડ્યા નહોતા. દિવસો વીતવા લાગ્‍યા. બે વરસ પુરા થઇને ત્રીજું વરસ બેઠું. પણ વિલાસને સારા દિવસો ન દેખાયા. એટલે હવે આડોશપડોશમાં છણભણ થવા લાગી. એમાં આવ્‍યા દુષ્‍કાળના વરસ. સરમાણ હીરા ઘસવા બેઠો. ઘરમાં પૈસાની છત થતી હતી, સુખ હતું પણ શેરમાટીનો ખાલીપો બેયના અંતરને દઝાડતો હતો. એવામાં ગામમાં અફવા ફેલાઇ કે સરમાણ જે હીરાના કારખાને બેસે છે એ શેઠની દીકરી રાજુલ સાથે સરમાણનું લફરું ચાલે છે અને રાજુલ અને સરમાણ લગ્‍ન કરી લેશે. આ સાંભળી વિલાસના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્‍યો. હવે એને કોરી કૂખનું દુ:ખ અસહ્ય લાગવા માંડ્યું. એ સરમાણ સાથે જેમ તેમ બોલતી. સરમાણ એને વારતો કે તું જેવુ વિચારે છે એવું કશું નથી, એ તો મારી પાસે હીરાનું કામ શીખે છે. તારા સિવાય બધી સ્‍ત્રીઓ મારે માટે બહેન સમાન છે.‘

એક દિવસ ઓચિંતાની વિલાસ કારખાને આવી. તો રાજુલ સરમાણ સાથે લળી લળીને વાતો કરતી હતી. વિલાસ, રાજુલ સાથે બાખડી પડી અને સરમાણનો હાથ ખેંચીને લઇ ગઇ. સરમાણે વિચાર્યું: ‘એક ખાલી ખોળાનું દુ:ખ તેના માનસને બગાડી રહ્યું છે. તે વિલાસને ડોકટર પાસે લઇ ગયો. ડોકટરે નિદાન કર્યું કે વિલાસમાં ખામી છે. કદાચ ઇશ્વર મહેરબાની કરે તો જ એ મા બની શકે. દવા અને દુઆ… ભગવાન રહેમ કરે.

વિલાસ હવે સરમાણને કારખાને જવા ન દેતી. જોકે આ વરસે વરસાદ સારો પડ્યો હતો. ખેડનું કામ રહેતું હતું. સરમાણ આખો દિવસ વાડીએ જ રહેતો. ઘણીવાર વિલાસ ભાત પણ બનાવી ન દેતી. સાંજે થાક્યાં પાક્યાં આવતા સરમાણને જોઇને વિલાસ રસોઇ બનાવવા ઊભી થતી પરંતુ ત્‍યારે સરમાણ પ્રેમથી કહેતો: ‘ઉતાવળ કરતી નહીં. મેં આજ ખાધું છે.‘

‘ક્યાં?‘

‘ભાભી ભાત લઇને વાડીએ આવેલા. ઘણું બધું હતું. તો મેં અને ભાભીએ સાથે જ રોંઢો કર્યો.

વિલાસ ચોંકી જતી. સરમાણ માટે ફરીવાર શંકાનો કીડો સળવળવા લાગ્‍યો. પોતાના પતિ અને પોતાની જેઠાણી ઉપર તે અવિશ્વાસ મુકવાનું પાપ કરી બેઠી. બે-ત્રણ દિવસ વીત્‍યા હશે. એક દિવસ તેણે નિશ્ચય કરી લીધો કે આજ તો હું એ બંનેને રંગેહાથ પકડી જ લઉં.

 

બપોરની વેળા હતી. લીલા અને સરમાણ છાંયે બેઠા હતા. વિલાસ આવીને ઓરડી આડે સંતાઇ ગઇ કે, લીલાનો અવાજ સંભળાયો:‘સરમાણભાઇ, વિલાસની દશા બગડતી ચાલી છે. આવું ને આવું રહેશે તો એક દિવસ તેને ગાંડાના દવાખાને…‘

‘હા, ભાભી! એનું કારણ ખાલી ખોળાનું દુ:ખ છે અને ઇ દુ:ખ જે દિવસે મટશે તે દિ‘ બધું મટી જશે.‘

‘પણ તમે દાકતરને બતાવવા ગયા‘તા એમણે શું કહ્યું?‘

‘શું કહે?‘ સરમાણ વાંહજાળ પાણીમાં અગ્નિ પ્રગટાવે એવો ષ્‍ંડો નિહાકો નાખીને બોલ્‍યો: ‘વિલાસ મા બની શકે એમ નથી.‘

‘હેં???‘

‘હા, ભાભી. ડોકટર કહે છે કે દવા અને દુઆ. ભગવાન ઉપર શ્રધ્‍ધા રાખો. હું મારી રીતે પ્રયત્‍ન કરું છું. પણ શક્યતાઓ નહિવત છે.‘

‘હોય નહીં. લીલાનો અવાજ મોટો થઇ ગયો: ‘કંઇ કારણ?‘

‘અપૂર્ણ સ્‍ત્રી. ભાભી! વિલાસ પૂર્ણ સ્‍ત્રી નથી.‘

‘સરમણભાઇ, આની કરતા અંજુ માટે હા પાડી દીધી હોત તો?‘

‘અંજળ, ભાભી! આ બધી કિસ્‍મતની વાતું. બાકી, મેં વિલાસને પ્રેમ કર્યો છે ને કરતો રહીશ. મેં સાચા દિલથી તેને ચાહી છે.‘

‘પણ એ તમારો સંસાર સળગાવે છે એનું શું?‘

‘અજ્ઞાનીના ઓરતા શું ભાભી!‘

‘ફારગતિ આપી દો. લખણું કરી દો. એક કરતા એકવીસ મળી રહેશે.‘

‘એ તો આ ભવ નહીં જ બને ભાભી! ઇ ગમે તેવી છે, ગાંડી ઘેલી છે તોય ઇ મારી પરણેતર છે. હવે અડધે રસ્‍તે લાવીને, અંતરિયાળ મૂકી દઉં તો મારું આયખું લાજે. આ ભવ તો સુખી ન થાઉં પણ સાત સાત ભવ એ પાપના પાતક મને છોડે નહીં.‘

‘તો આખો ભવ વાંઝિયાનું મેણું સાંભળતા રહેશો?‘

‘સાંભળતો રહીશ પણ કોઇ દિવસ વિલાસને ઓછું નહીં આવવા દઉં. એની એબ ઢાંકેલી જ રાખીશ.‘

‘સારું ત્‍યારે બીજું શું?‘ લીલા બોલી ઉઠી.

તે દિવસે રાત્રે વાળુ પાણી કરીને સરમણ ઓરડે આવ્‍યો ત્‍યારે વિલાસની આંખો ચૂઇ ચૂઇને લાલ હિંગોળવી બની ગઇ હતી. બીડી ઓલવીને સરમાણ ખાટલે બેઠો. એકબીજા વચ્‍ચે ક્યાંય સુધી મૌન છવાયે.લું રહ્યું કે, સરમાણે વિલાસની પીઠ પર હાથ પસવારતા હસીને પુછ્યું: ‘કેમ, આજ તારી જીભ મૂંગી થઇ ગઇ? આજે આખો દિ‘નો મારો કોઇ વાંક ગુનો તારી નજરમાં ન આવ્‍યો?‘

‘ગુનો તો મેં કર્યો છે! મારા વાંકે તારી જિંદગીની નાવડી ખરાબે ચડી ગઇ. અત્‍યાર લગી હું મા ન બની શકવાના કારણમાં તારો વાંક જોતી હતી, પણ વાંક મારો જ છે.‘

‘હું સમજ્યો નહીં ગાંડી?‘

‘તમારી સમજણે જ તો મારી આટલી બધી અણસમજ, નાદાનિયત અને છોકરમતને ઢાંકી દીધી છે. મારી ખામીઓને, મારી અધુરપને, મારી અપુર્ણતાને.‘ બોલતી વિલાસ રડી પડી.: ‘આટ આટલો સમય થયો છતાં તમે મને ખબર જ ન પડવા દીધી કે વાંક મારો છે! હું ખડકી ખડકીએ, ગામના ઝાડવે ઝાડવે, મોઢે મોઢે તારો વાંક કાઢતી રહી. તારા અંગેની સાચી ખોટી વાતું કહેતી ફરી, પણ તું તો દરિયો નીકળ્યો દરિયો. છેક લગી માજા જ ન મૂકી.‘

‘મેં તને હૈયા સરસી ચહી છે વિલાસ! પણ કોણ કહે છે કે તું અપૂર્ણ છે, તારામાં ખામી છે! અરે, તું પૂર્ણ જ છે. તારામાં કોઇ જ ખામી નથી.‘

‘જુઠુ બોલમા સરમાણ! આજે તું ભાભીને શું કહેતો હતો? હું બધું જ ઓરડી આડે સંતાઇને સાંભળી ગઇ હતી.‘ વિલાસ રડી પડી: ‘આજે હું તને છૂટો કરી દઉં છું. સામે ચાલીને ફારગતિ આપી દઉં છું. હું પત્‍ની તરીકેની ફરજો તો ન બજાવી શકી, સંતાનેય ન આપી શકી. તું બીજા લગ્‍ન કરી લે. હું ચાલી જઇશ. આવીશ, ક્યારેક તારા અને તારી પત્‍નીના બાળકો જોવા. બે ઘડી એને વહાલ કરીને પાછી ચાલી જઇશ. ‘

‘અરે ગાંડી! આવી વાતુ શું કરે છે? ડોકટરે ભલે ગમે એમ કીધું પણ ડોકટરથીય એક મોટો ડોકટર મારો ભગવાન છે. એને આપવું હશે તો ગમે એમ કરીને આપશે. મનથી કરેલી સાચી આરત ભગવાન અચૂક સાંભળે છે. તું જોજેને તારી જ કૂખ એક દિ‘ ભરાશે અને આ ઘર આપણા સંતાનોના કલરવથી કિલ્‍લોલતું થઇ જશે.

‘સરમાણ.‘

‘હા, વિલાસ. માણસ અપૂર્ણ હોતો નથી. શરીર અપૂર્ણ હોતું જ નથી. અપૂર્ણ હોય છે મન! અને અપૂર્ણ મનના વિકારો એટલા બધા પ્રચંડ હોય છે કે ધીરે ધીરે શરીરને પણ અપુર્ણ બનાવી દેતું હોય છે. બસ, એકવાર તારું મન મારા મનથી ભરાઇ જશે તે દિ‘ શ્રધ્‍ધા અને વિશ્વાસથી છલકાઇ ઉઠશે અને તે દિ‘ ઉપરવાળાને ય આપણું મેણુ ભાંવુ પડશે. સમજી?‘

સરમણના શબ્‍દ વિલાસના આળાં હૈયા પર વહાલપનો લેપ કરી રહ્યા. એ હવે સરમાણને વળગીને સૂઇ ગઇ.

નળિયાના ચાંદરણાંમાંથી ચંદ્રદેવ પોતાની ચાંદનીના પીંછાથી વિલાસની અપુર્ણતાને પૂર્ણતામાં ફેરવી રહ્યો હતો. અને અપૂર્ણતા મટી ગઇ હતી!!!

 

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

  • યોગેશ પંડ્યા

ટીપ્પણી