ઇશ્વરનો પત્ર – એકવાર અચૂક વાંચવા અને સમજવા જેવો

મારા વહાલા સંતાનો,

આજે મારી પાસે અગણિત ફરિયાદો આવી રહી છે. કોઇ કહે વરસાદ નથી પાણી વિના શુ કરુ મહેરબાની કરો. કોઇ કહે આર્થિક તંગી છે પરિવાર ભીંસાઇ રહ્યો છે. વળી કોઇ નાત જાતના પ્રશ્નોથી પરેશાન છે. દરેકને પોતાના મોટા મોટા પ્રશ્નો છે તેની વચ્ચે તે ફસાયેલો છે. તમે બધા મારા સંતાનો છો તમારા દુ:ખ મને વિચલિત કરી રહ્યા છે.

હું આ પ્રકૃતિનો જન્મદાતા છું તો મેં આ સૃષ્ટિની રચના ખાલી મોજ શોખ માટે નથી કરી. સૃષ્ટિનો ઉદય તેના ખાસ ઉદેશ્યથી થયો છે. હે મારા સંતાનો, જેમ તમે ઘણું બધુ વિચારી નાના નાના યંત્રો અને અવનવી શોધ કરો છો અને તે ચોક્કસ નિયમથી જ ચાલે છે તે જ રીતે આ સૃષ્ટિના સંચાલનમાં પણ નિયમો રહેલા જ છે. મનુષ્ય સ્વભાવવશ બંધન અને નિયમોને ફગાવી રહ્યો છે પરંતુ આ નિયમો તોડવાથી સૃષ્ટિનું સંચાલન ખોરવાઇ રહ્યુ છે.

મારા બનાવેલા કોઇ નિયમો બંધન નથી પરંતુ બિમારી સમયે લેવામાં આવતી કડવી દવા સમાન છે. જેમ બિમારી સમયે કડવો રસ રૂચિકર લાગતો નથી પરંતુ તેના ગુણ આપણા શરીરને લાભદાયી છે તેના થકી જ મીઠાશની મહત્તા વધે છે અને તેના થકી જ શરીરની સફાઇ શક્ય બને છે. તે જ રીતે મારા બનાવેલા નિયમો અપનાવવામાં અને તેને ગ્રહણ કરવામાં કે જીવનમાં અમલવારી કરવામાં જરૂર કડવા રસ જેવા લાગશે પણ જો તે એક વખત તમારા દ્વારા અમલી બની જશે ત્યારે તેની મજા અને મીઠાશનો આનંદ અલગ જ હશે. આંખોની પાંપણ આંખને આરામ અને તેની રક્ષા માટે આપ્યુ છે બાકી આંખ બંધ કરી આજુબાજુનુ અનદેખુ કરવાથી કાંઇ પરિસ્થિતિ બદલી જવાની નથી.

પ્રકૃતિની રક્ષા, દયા-પ્રેમ, નિર્બળની સહાયતા જેવા ગુણો કેળવવાથી બધી સમસ્યાઓના સમાધાન મળતા રહેશે બાકી કાગળની પાછળ દોડવા કરતા આ મહામુલા દેહ અને તેની શકિતને નીખારીએ તો કોઇ જાતની મુશ્કેલી જીવનમાં આવશે જ નહી. વાડા અને બંધન ગમે તેટલા બનાવશો પણ તમારી અંદર રહેલો પરમતત્વ હું એક જ છું અને એક જ રહેવાનો છું, એ ક્યાંય બહાર તમને મળીશ નહી

બાકી અંતમાં એટલુ જ કહીશ કે હું ખુબ જ કૃપાળુ છું. તમે બધા મારા જ સંતાનો છો અને હું સદાય તમારી સાથે જ હતો, સાથે જ છું અને ભવિષ્યમાં પણ સાથે રહેવાનો જ છું. મને કયાંય બહાર શોધવા કરતા એકવાર ભીતર ડોકિયુ કરી લેજો તમને તમારા સખા રૂપે હમેંશા હુ મળીને જ રહીશ. તમારી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો હલ મારા દ્રારા તમારા અંતર માંથી મળીને જ રહેશે.

લેખક :- ભાવીષાબેન ગોકાણી

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી