તમારે સ્વસ્થ રહેવું હોય અને મોજેમોજ કરવી હોય તો જાણો આ શાનદાર વ્યક્તિ વિશે… જીવન થઇ જશે ધન્ય

જગતના જૂજ દેશો એવા છે જ્યાં લોકો ભોજન, ચા-કોફી ઇત્યાદિમાં ભેંસના દૂધનો ઉપયોગ કરે છે, તમામ સુખીસંપન્ન દેશોમાં ગાયના દૂધનો જ ઉપયોગ થાય છે. ભેંસનું દૂધ પચવામાં ભારે, કોલેસ્ટેરોલ વધારનારું અને વાયુ વધારે એવું હોય. ગાયનું આના કરતાં ઊલટું. આપણે ત્યાં દૂધના ગુણનો નહીં, તેમાં કેટલી ફેટ છે એનો મહિમા ગવાય. મલાઈનો પુડલો થવો જોઈએ. ઘીના પૈસા પણ બચી જાય, ચામાં વધુ પાણી ધાબડી શકાય. એક નિષ્ણાતે મને મુદ્દાની વાત કરી: આ ફેટનું પાપ અમૂલના સ્થાપક વર્ગીસ કુરિયને ઘાલ્યું છે. એમણે ફેટને જ મહત્વ આપ્યું અને દેશી નસલની ગાયોનું ધનોતપનોત નીકળી ગયું. આપણે પોતે જ ગૌવંશ ખતમ કર્યો. આ કોઈ ISIનું કાવતરું નથી, દાઉદ તો જન્મ્યો જ નહોતો, વિદેશી NGOનો પણ હાથ નથી. આપણને હાથના કર્યા આખા શરીરે વાગ્યા. આજે હવે ફરી આપણને ગાય તરફ પાછા ફરવાનું સમજાઈ રહ્યું છે ત્યારે એક અનોખો ગૌસેવકની વાત કરવી છે. સૌથી પહેલાં એક સ્પષ્ટતા: ગૌસેવા, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વગેરેના નામે બહુ ધૂપ્પલ ચાલે છે. પણ હું તમને જે વાત કરી રહ્યો છું એ એક નિષ્ઠાવાન, પ્રતિબદ્ધ, દીર્ઘદ્રષ્ટા ગૌસેવકની છે. એમનું નામ: પરષોત્તમભાઈ સિદપરા. ગામ: જામકા. તાલુકો અને જિલ્લો: જૂનાગઢ. એમની પાસે પેલાં પદ્મનાભ સ્વામીના મંદિર કરતાં પણ કિંમતી ખજાનો છે.

એ ખજાનો એટલે તેમની 100 ગીર ગાય. વેલ્યુ એડિશન કરવામાં આવે તો દેશી ગૌવંશ અને તેના પાલક માટે કેવી વિન-વિન સ્થિતિ સર્જાઈ શકે તેનું આદર્શ ઉદાહરણ તેઓ પૂરું પાડે છે. તેઓ ગીર ગાયના દૂધમાંથી ઘી, મોહનથાળ, બત્રીસું, કાટલું, દૂધના પેંડા, માવાના પેંડા, માવો, શિખંડ, જાંબુ તથા બીજી અનેક વસ્તુઓ બનાવે. ડિમાન્ડ એવી કે, પહોંચાય નહીં. માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ માંગ. તેમની વસ્તુઓ નોર્વે પણ જાય અને દુબઇ પણ મોકલે. બ્રિટનમાં પણ લોકો મંગાવે અને અમેરિકામાં પણ. 100 ગાયના દૂધમાંથી આવી જાતજાતની વસ્તુઓ બનાવે અને તેનાં ગૌમૂત્ર-છાણનો ઉપયોગ ખેતીમાં કરે. કુલ 25 એકર જમીનમાં એમની ખેતી. આપણાં દેશી કહેવાય એવા બંસી ગોલ્ડ, બંસી અને ટુકડાનો પાક લે. તલ, તુવેર અને મગફળીની ખેતી પણ કરે. પૂર્ણતઃ ઓર્ગેનિક ખેતી. કોઈ જ કેમિકલનો ઉપયોગ નહીં. વેલ્યુ એડિશન એવું કરે કે, આપણે દંગ રહી જઈએ. મગફળી અને તલમાંથી દેશી ઘાણીમાં તેલ બનાવે. રિફાઇન્ડ-બીફાઇન્ડની પ્રોસેસ વગર, માત્ર કપડાંથી ગાળી ને એ તેલનું વેંચાણ કરે.

દાળ વગેરે માટે જુનવાણી ઘંટીનો જ ઉપયોગ. ઘી તો વલોણાનું જ. ફુલ ફેટ દૂધનું દહીં કરે, તેમાંથી છાસ અને છાસમાંથી માખણ. છેલ્લે માખણમાંથી ઘી. વધેલી છાસ પાંચ રૂપિયે લિટરના ટોકન ભાવથી આપી દેવાની. અગાઉ છાસ તેઓ મફત જ આપી દેતાં. પણ આ નિઃશુલ્ક આપવાનો દેશ નથી. લોકો પાણીના પરબ પરથી ગ્લાસ પણ ઠાંગરી જતા હોય છે, પાનવાળાએ આઠ આનાનું બાક્સ પણ બાંધી ને રાખવું પડે અને તો ય દિવાસળી તો ચોરાઈ જ જાય. પરષોત્તમભાઈને ત્યાંથી મફતની છાસ લઈ જઈ લોકો પોતાની પાડીને (ઘરવાળી નહીં, બહાર ખૂંટે બાંધેલી) પીવડાવતા. હવે પાંચ રૂપિયા રાખ્યા તો લોકો જરૂર મુજબ લઈ જાય છે. બર્થ ડે ઉજવણી માટે તેઓ ગાયના દૂધના પેંડામાંથી તમારે જોઈએ એવડી કેક પણ બનાવી આપે છે. ઝેરીલા કેમિકલ્સવાળી મેંદાની કેક ન ગળચવી હોય તો અને અસલી દેશી તેલ-ઘી કે મીઠાઈ ઝાપટવી હોય તો એમને 9427228975 પર ફોન કરજો. અમલ કરવો કે ન કરવો એ તમારી મરજી.

અસલી અને દેશી વસ્તુઓનો મને શોખ. હું તો બધું દાબતો જ હોઉં છું, સારું લાગે તો તમને આંગળી ચિંધુ. કરો મોજડી.

લેખન.સંકલન : કિન્નર આચાર્ય 

રસપ્રદ ને જાણવા જેવું વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block