એક આઈસક્રીમના બદલામાં એક કહાની – અચૂક વાંચવા લાયક સ્ટોરી !!

“એક પાર્સલ મોકલાવ્યું છે, પાર્સલ નહીં તે આપવા આવનાર વ્યક્તિ મહત્વની છે. ધ્યાન આપજે પછી વિગતે વાત કરશું.” ‘વોટ્સ ઍપ પર એક મેસેજ આવ્યો અને બે દિવસ પછી હું સાંજે ઓફિસથી આવીને જસ્ટ બેઠી હતી અને બારણે ડોરબેલ વાગી.’ તેમણે વાતની શરૂઆતની કરી. તેમની બરાબર બાજૂમાં બેસી હમણાં જ મગાવેલા અંજીર આઈસક્રીમની મજા માણી રહેલા નયનભાઈ તરફ તેમણે આ કહેતાં કહેતાં એક નજર નાખી. બંનેની નજર એક થઈ, એક હુંફાળા સ્મિતની આપ-લેનો વ્યવહાર થયો અને તેમણે ફરી ચહેરો મારી તરફ ઘૂમાવી વાત આગળ ચલાવી.

રવિવારની રજાનો દિવસ હતો આથી અમે રાતનું ભોજન પતાવી આંટો મારવા નીકળ્યા હતાં. રસ્તે આઈસક્રીમની દૂકાન પર નજર પડી અને અમે આઈસક્રીમ ખાવા બેસી ગયા. અમારા ટેબલની બરાબર બાજૂમાં ત્રણ ટેબલ ભેગા કરી તેની આજૂ-બાજૂ સાત કપલ્સનું એક ગૃપ બેઠું હતું. બધાની ઉંમર ૫૫ની આસ-પાસની હશે. અમે હજી મેન્યુમાં જોઈ કયું આઈસક્રીમ મગાવશું તે નક્કી કરી રહ્યા હતાં ત્યાં જ બાજૂમાં બેઠેલાં ટોળામાંથી ત્રણજણાં વચ્ચે મીઠાં ઝઘડાની શરૂઆત થઈ. ‘ના ના વિમલ એ નઈ ચાલે, દરવખતે આમ તું જ પૈહા આપવાની જીદ્દકરવાનો તો આપણે આવતે મહિને નથી મળવું.’ એક આધેડ વયની સ્ત્રીએ કહ્યું. ‘અરે દરવખતે ક્યાં કરું છું?

ગયા મહિને તો અમારી એનવર્સરી હતી એટલા માટે મેં પૈસા આપ્યા હતા.’ વિમલભાઈ બોલ્યા. ‘હા તો ગયા મહિને અનીવર્સરી હતી ને, ત્યારે તેં આઈપા અવે આજે હું છે? નયન આ વિમલને હમજાવજે હં, ઊં હાચે જ આવતા મહિનેથી ની આવા.’ પેલી સ્ત્રીએતેની બાજૂમાં બેઠેલા પુરૂષની પીઠે ધબ્બો મારતા કહ્યું. ‘હા, સુરભીની વાત સાચી છે, વિમલભાઈ દરવખતે આવું નહીં હોય.’ બીજી ત્રણ સ્ત્રીઓએ પણ પેલા સુરભીબેનના સૂરમાં સૂર પુરાવ્યો. આ તરફ સુરભીબેનના હાથનો ધબ્બો ખાઈ ચૂકેલા નયનભાઈએ ગજવામાં હાથ નાખ્યો તો બીજી તરફ નયનભાઈની સામે ઉભેલા બીજા એક ભાઈ જેમણે ચશ્મા પહેર્યા હતાં તેમણે તો વેઈટરને લગભગ-લગભગ પાંચસોની નોટ પકડાવી પણ દીધી હતી.

પણ એટલામાં જ દાનવીર વિમલભાઈ ફરી ઊભા થયાં. ‘નાના મૂકેશ તું એકલો શું કામ આપે છે…’ તેમની વચ્ચે આ રીતનો ઝઘડો થોડો લાંબો ચાલ્યો એટલે હું તેમને માટે સાવ અજાણ્યો માણસ હોવા છતાં મેં માજાકના મૂડ સાથે તેમની વાતમાં ડપકો મૂક્યો. ‘વિમલભાઈ આપતાજ હોય તો અમારા બિલના પૈસા પણ આપી દેજો!’ મારું વાક્ય સાંભળી આખુંય ગૃપ શાંત થઈ ગયું અને બધા મારી તરફ જોવા માંડ્યા. ‘લે, તું વળી કઈ નવી નવાઈનો આવ્યો તે અમે તારા પૈસા ચૂકવીએ?’ એવો સવાલ ત્યાં બેઠેલાંઓમાંથી એંસી ટકા લોકોના ચહેરા પર આવી ગયો હતો એ હું જોઈ શકતો હતો. પરંતુ બીજી જ મિનિટે બધા હસી પડ્યા. વિમલભાઈએ તો નિખાલસતાથી કહી પણ દીધું, ‘હા હા ભાઈ કેમ નહીં, તમ તમારે મગાવી લો, બિલ હું ચૂકવી દઈશ.’

વિમલભાઈની આ નિખાલસતા મને ગમી ગઈ. વિમલભાઈ સાથે હમણાં જે દલીલમાં ઊતર્યા હતાં એ સુરભીબેનને હજીય સમજાતુ નહોતું કે વિમલ વળી શું કામ આ અજાણ્યા ભાઈના આઈસક્રીમના પૈસા ચૂકવે? ‘આ વળી કોણ છે?’ તેમણે વિમલભાઈને ઈશારાથી જ પૂછ્યું. પણ વિમલભાઈ તેમને કંઈ જવાબ આપે તે પહેલાં જ મેં કહ્યું, ‘અરે, આન્ટી હું મજાક કરું છું, ડોન્ટ વરી. વિમલભાઈએ મારા પૈસા નહીં ચૂકવવા પડે.’ અને ફરીવાર બધા હસી પડ્યા.

આઈસક્રીમની મજા માણવાનો તેમનો પ્રોગ્રામ તો ક્યારનો પૂર્ણ થઈ ચૂક્યો હતો છતાં હજીય બધાં ગપ્પા મારતા ત્યાં જ બેઠાં હતાં. પુરૂષોનું ગૃપ દૂકાનની બહાર ઊભા-ઊભા વાત કરી રહ્યું હતું અને સ્ત્રીઓનું ટોળું દૂકાનના શેડમાં જ ખુરશી પર બેઠું હતું. કોઈકે નવા ડ્રેસ કે સાડીઓની વાત કાઢી તો કોઈકે સવારના યોગા ક્લાસિસમાં શું થયું તેની કહાની કહી સંભળાવી. આ બધી વાત-ચીત ચાલતી હતી એટલાં જ પેલા સુરભીબેને સામે બેઠેલી એક સ્ત્રીને સંબોધતા કહ્યું, ‘અલી ચૌલા, પેલા દિનેશની પોરી ગઈકાલે કોઈની હારે ભાગી ગઈ, ખબર પડી કે નંઈ?’

તેમની આ વાત સાંભળી બધી સ્ત્રીઓની આંખો પહોળી થઈ ગઈ. ‘હેં શું વાત કરે? ક્યાં ભાગી ગઈ? કોની હારે ભાગી ગઈ? પોયરો એ લોકોની જાતવાળો જ ઊતો કે?’ એક પછી એક અનેક સવાલો થવા માંડ્યા. ‘રામ જાણે બયરું આપણને હું ખબર, એ લોકો કોઈને વાત કરે તો કંઈ હમજ પડે ને,’ સુરભીબેને બળાપો કાઢ્યો. આ દિનેશ અને તેની ભાગી ગયેલી દીકરીની વાતો થોડી લાંબી ચાલીને એટલે સુરભીબેને મમરો મૂક્યો. ‘આ અમારે ત્યાં જ જો ને, મારા ભાઈની પોરી વાણિયામાં પરણી, મારી નણંદનો દીકરો લુહાણીને લઈ આવ્યો અને આ મારે ત્યાંની સુનંદા, મારી નાની બેન… તેની પોરી નાગરમાં પરણવાની છે.

એ લોકોને બો એવું કે લોક બધું વાત કરહે, વાત કરહે… ઉં જો મંડી કે ની તે એક દા’ડો જઈને સુનંદાને લેઈ કાઢી. ‘એ હું તું લોકો હું કેહે, લોકો હું કેહે કર્યા કરે? પોરીને કાં કરવું છે એ વિચારને, લોકને હું છે, એ તો રાજકુમાર હાથે પરણાવે તો હો બોલવાનું જ.’ બધા ચૂપ. નયન મારી બાજૂમાં બેઠેલો તે મારો હાથ દબાવીને મને ચૂપ રે’વા કહ્યા કરે પણ સુનંદાની પોરી તે મારી પોરી ની મળે કે? ઉં હું કામ ચૂપ રેઉં?’ સુરભીબેન બોલ્યા. હમણાં વ્યાસપીઠ પર બિરાજમાન એવા સુરભીબેનની આ કથા તેમની બાકીની બધી બહેનપણીઓ એટલી ગંભીરતાથી સાંભળી રહી હતી કે એક સમયે તો મને લાગ્યું કે આ આખુંય ધાડું આજે હમણાં જ, અહીંથી સીધું સુનંદાબેનની ઘરે પહોંચી જશે અને તેમની દીકરીના તેને ગમતાં પેલા નાગરબ્રાહ્મણ છોકરા સાથે લગ્ન કરાવીને જ પાછું ફરશે.

પરંતુ એટલામાં તો સુરભીબેન બોલ્યા, ‘આ અમારી જ રામકહાણી કંઈ ઓછી ઊતી કે તે સુનંદાની પોરીને હારું ઊં ચૂપ રેઉં?’ અને બધા ખડખડાટ હસી પડ્યા. આ બધાના હાસ્યમાં એક નાની સરખી ઘટના તરફ કોઈનું ધ્યાન નહોતું ગયું પરંતુ મારી નજરે એ ઘટનાને બરાબર પકડી હતી. સુરભીબેન આ છેલ્લું વાક્ય બોલ્યા ત્યારે તેમની નજર નયનભાઈ તરફ હતી, નયનભાઈએ પણ સુરભીબેન તરફ જોયું અને જેવા બધાં હસવામાં વ્યસ્ત થયાં કે તુરંત સુરભીબેને નયનભાઈ તરફ આંખ મીંચકારી મલકી લેવાનો સોનેરી ચાન્સ ઝડપી લીધો. નયનભાઈ પણ તેમની આ રાજરાણીની આ હરકત જોઈ મલકાયા અને જાણે કંઈ જ બન્યું નથી તેમ વર્તતા તેમણે ફરી મિત્રો તરફ ચહેરો ફેરવી લીધો.

માત્ર અડધી જ સેકન્ડની ઘટના હતી પરંતુ, એ અડધી સેકન્ડ જેટલા સમયનો પણ આ આધેડવયના યુગલે એવો સરસ ઉપયોગ કર્યો હતો કે મને તેમની આ મીઠી છેડછાડ સામે સામે હવે જાણે આઈસક્રીમની મીઠાશ પણ ફીકી લાગવા માંડી હતી.

‘ચાલો હવે નીકળીએ? આપણે બધાં તો નવરા છીએ પણ આ ચૌલાએ કાલે સવારમાં ઓફિસ જવાનું છે. અને મારા પણ ટ્યુશન ક્લાસિસમાં રજા નથી રાખી. ચાલો હવે બધાં ઊભા થાવ.’ વિમલભાઈ બોલ્યા અને તરત જ નયનભાઈએ ફરી એક ડપકો મૂક્યો. ‘હા ભાઈ અને આ અમારી સુરભીએ પણ તો હજી કાલે સુનંદાની દીકરી માટે લડવા જવાનું ખરું ને…’ અને આખુંય ટોળુ ફરી એકવાર હસી પડ્યું. સુરભીબેન પણ એટલા નિખાલસ સ્વભાવના હતાં કે તે પણ નયનભાઈની આ કોમેન્ટ હસી શક્યા તે જોઈ મને ખરેખર આનંદ થયો.

અમારા પણ આઈસક્રીમના ચટાકા પૂર્ણ થઈ ચૂક્યા હતાં આથી અમે પણ તેમની સાથો-સાથ જ ઊભા થયા. ‘અમારા આઈસક્રીમના પૈસા મેં જ આપ્યા છે હં આંટી, વિમલભાઈ પાસે નથી અપાવ્યા.’ મેં જતા જતાં મજાકના આશયથી સુરભીબેનને કહ્યું. હું એક સાવ અજાણ્યો માણસ હોવા છતાં મારી આ વાત સાંભળી નયનભાઈએ મારા ખભે હાથ મૂકતા કહ્યું, ‘અરે, વ્હાલા તમારા બે આઈસક્રીમથી વિમલના ગજવાને કોઈ ફર્ક પડે તેમ નથી.’ બસ આ સુનહરો ચાન્સ હતો મારી પાસે તેમની સાથે થોડી વાત કરી લેવાનો અને મેં બકાયદા એ મોકો ઝડપી જ લીધો.

‘ખરેખર અંકલ, તમારી બધાની આ મજાક મસ્તી જોઈ ખૂબ ગમ્યું, મને પણ એવો વિચાર આવી ગયો કે મારી સિનીયર સિટીઝન તરીકેની લાઈફ પણ આ જ રીતે વિતે તો મજા પડી જાય.’ મેં કહ્યું. ‘અમે બધાં સ્કૂલ ટાઇમના મિત્રો છે ભાઈ. કોઈક કાંદિવલી રહે છે કોઈક મલાડ તો કોઈક ટાઉનસાઈડ. પરંતુ, મહિનામાં એકવાર વિધાઉટ ફેઈલ અમે બધ્ધા ભેગા મળીએ જ મળીએ. અને દરવખતે બસ આ જ રીતની ધમાલ હોય.’ નયનભાઈએ કહ્યું અને પોતાના એક્ટિવા સ્કૂટરેટ પર બેસી ગયા. અરે, અરે આમ ક્યાં ચાલ્યા, મારે હજી તમારી સાથે થોડી વાતો કરવી છે. મેં મનોમન વિચાર કર્યો. પણ એટલામાં તો નયનભાઈએ એક્ટિવામાં ચાવી ઘુમાવી સ્કૂટરેટ સ્ટાર્ટ પણ કરી દીધું. ‘કેટલી ઉંમર થઈ તમારી ભાઈ?

હું પંચાવનની છું અને આ નયન પણ સત્તાવનની આસ-પાસનો હશે. મસ્તી બધી અહીં આપણાં દિમાગમાં હોય છે, ઊંમરને તેની સાથે કોઈ લેવા-દેવા નથી.’ સુરભીબેને કહ્યું. વાહ કેવી સરસ વાત કહી. જે આડેધ વયની સ્ત્રી સામાજીક ટોર ટપ્પા કરતી હતી તે આવી મોટી ફિલોસોફીકલ વાત પણ આટલી સહજતાથી કરી શકે છે તે જોઈ મને સાચે જ મજા પડી ગઈ. હવે તે જવા માગતા હોય તો પણ તેમને રોકી લઈને થોડી વાતો કરી લેવાની મારામાં હિંમત આવી ગઈ હતી. ‘અંકલ સત્તાવનના થયા હશે એટલે? શું વાત કરો છો આંટી, તમને તમારા જ પતિની ઊંમર પણ ખબર નથી એમ?’ મેં કહ્યું. ‘પતિ? આ નયન કંઈ મારો વર નથી.’ તેમણે કહ્યું. મારી સામે જાણે કોઈકે હેન્ડ ગ્રેનેડની પીન ખેંચી કાઢીને સામે મૂકી દીધો હતો. ‘શું? તમે અને અંકલ પતિ-પત્ની નથી એમ? પણ હમણાં સુધી તમે લોકો જે રીતે વર્તી રહ્યા હતાં તે જોઈને મને તો લાગ્યું કે, તમે બંને…’ ‘વર-બૈરી હોઈશું એમ જ ને?’ સુરભીઆંટીએ મારી વાત અધવચ્ચેથી કાપતા કહ્યું.

નયનભાઈને સમજાઈ ગયું કે, આ છોકરો હવે અમને એમનેમ જવા દે તેવું નથી, આથી તેઓએ પણ સ્કૂટરેટ ફરી બંધ કર્યું અને સ્ટેન્ડ કરી અમારી બાજૂમાં આવી ઊભા રહી ગયા. ‘એક એક આઈસક્રીમ મગાવીએ, પ્લીઝ?’ મેં પૂછ્યુ કે જેથી આ વન્ડર કપલને સમજાઈ જાય કે અમારી આખીય કહાણી જાણ્યા વિના આ છોકરો અમને જવા દેવાનો નથી. સુરભીઆંટીએ નયનભાઈ તરફ જોયું અને નયનભાઈ આંખોથી જ ઈશારો કર્યો એટલે તુરંત સુરભીઆંટી બોલ્યા, ‘મગાવો ત્યારે, પણ પૈસા નયન નહીં આપે હં!’ અને અમે બધા હસી પડ્યા. અમે ફરી એક ટેબલની આસ-પાસ ગોઠવાયા. ‘આ હું ને નયન મળ્યાને અઢી વર્ષ થયા હશે, નહીં નયન? અઢી જ થયા ને?’ સુરભીઆંટીએ નયનભાઈ સાથે કન્ફર્મ કર્યું. ‘હા, અઢી વર્ષ જેટલાં તો થયા.’ સુરભીઆંટીએ તેમની વાત આગળ ચલાવી. ‘એક પાર્સલ મોકલાવ્યું છે, પાર્સલ નહીં તે આપવા આવનાર વ્યક્તિ મહત્વની છે. ધ્યાન આપજે પછી વિગતે વાત કરશું.’ બસ આટલા એક જ વાક્યનો એમણે મને વોટ્સ ઍપ પર મેસેજ મોકલ્યો’તો. એમનો એ મેસેજ આવેલો તેને બી ત્રણ દિવસ થઈ ગયેલા.

ઊં તો એ મેસેજ ભૂલી હો ગેયલી. પણ ત્રીજા દા’ડે હાંજે ઊં મારી સ્કૂલની નોકરી પુરી કરીને ઘેરે આવીને બેઠી ને એટલામાં જ ડેરબેલ વાગી. ઊં તો બબડી, મરીગીઆએ પાણી હો શાંતિથી ની પીવા દેઈ. પણ દરવાજે જોયું તો હાથમાં એક નાનુ બોક્સ પકડીને નયન ઊભેલો ઉતો. હું છે? મેં પૂયછું.’ સુરભીઆંટીએ તેમના અસલ લહેકાંમાં વાત માંડી. ‘શ્રીકાંતભાઈએ આ પાર્સલ મોકલાવ્યું હતું…’ નયનઅંકલ અઢી વર્ષ પહેલાંના કાળખંડમાં પહોંચી ગયા હોય તેમ બોલ્યા. ‘ઓહ, સૉરી સૉરી… આવો ને, અંદર આવોને ભાઈ. પાણી પીશો?’ મેં એને અંદર બોલાવ્યો. પણ નયન તો હજીય બાઘાની જેમ દરવાજે જ ઊભો રેઈલો. મેં તેના હાથમાંથી પાર્સલ લઈ લીધું અને કહ્યું, ભાઈ પાણી પીશો ને?’ આટલું બોલતામાં તો સુરભીઆંટી ફરી હસવા માંડ્યા. ‘હેં હા હા, પાણી આપો.’ નયન અંકલે અઢી વર્ષ પહેલાં પૂછાયેલા પ્રશ્નનો ફરી એકવાર જવાબ આપ્યો. ‘૨૯ વર્ષની ઉંમરે નયન કેનેડા ચાલી ગયેલો, ને ગોરાઓના ગામમાં હારા એવા રૂપિયા કમાયો એટલે બધું વેચીવાચીને પાછો ભારત આવી ગ્યો.

જુવાનીમાં રૂપિયા કમાઈ લેવાની લ્હાયમાં લગન હો ની કરેલા. શ્રીકાંતની દૂકાનને નયનની મોટેલ બાજૂ-બાજૂમાં જ એટલે બંને દોસ્ત બની ગયા. બંને એકબીજાના સ્વાભાવને ને ગમા-અણગમાને બરાબર ઓળખતા થેઈ ગેયલા. શ્રીકાંતને જેવી ખબર પડી કે નયન પાછો ભારત રવાના થઈ જવાનો છે. એટલે એણે એની હાથે મારે હારું એક પાર્સલ મોકલ્યું. ને મને મેસેજ કરી દીધો, પાર્સલ મોકલાવ્યું છે…’ સુરભીઆંટીએ ટૂંકાણમાં છતાં અગત્યની એવી બધી વાતો કહી દીધી. ‘પણ આ પાર્સલ પછી તો એવું સરસ બહાનું બની ગયું કે, તે દિવસ પછી હું અને સુરભી ખૂબ સારા મિત્રો બની ગયા. પહેલાં અઠવાડિયામાં એકવાર પછી ત્રણેક દિવસ અને પછી તો રોજ જ સુરભીની સ્કૂલ છૂટવાનો ટાઇમ થાય અને હું તેની સ્કૂલના દરવાજા પાસે પહોંચી ગયો હોંઉ.’ હવે આગળની વાતની ડોર નયન અંકલે પકડી લીધી હતી. ‘તમે જુવાનિયાઓ શું ડેટ પર લઈ જવાના છોકરીને, હું આ સુરભીને દર બીજે દા’ડે કોઈને કોઈ બહાને બહાર ડેટ પર લઈ જતો.’

તેમણે કહ્યું. હવે મારું કન્ફ્યુશન વધતું જતું હતું. એકતરફ આ અંકલ-આંટી કહે છે કે અમે પતિ-પત્ની નથી અને બીજી તરફ અંકલ કહે છે કે હું સુરભીને ડેટ પર લઈ જતો હતો? ‘આમ કરતાં કરતાં જ ચાર મહિના ક્યાં નીકળી ગયા ખબર પણ નહીં પડી.’ નયન અંકલે વાત આગલ ચલાવી. ‘બસ, અને ચાર મહિના સુધી નયનના ગજવામાં પડેલા તેણે કમાયેલા કેનેડિયન ડોલર ખાલી કરાવ્યા પછે મેં એક દિવસ તેને કહ્યું, ‘તું મારી સાથે કેમ રહેવા નથી આવી જતો?’ સુરભીઆંટીએ આઈસક્રીમના ખાલી થઈ ગયેલાંમાંથી ભરેલી છેલ્લી ચમચી ચાટતા કહ્યું. ‘પણ હું પુરૂષ, એમ કોઈ સ્ત્રીના ઘરમાં જઈને કઈ રીતે રહેવા માંડુ? એટલે મેં તેને કહ્યું કે, હું તારી ઘરે નહીં આવું તારે મારી ઘરે આવી જવું હોય તો બોલ.’ નયન અંકલ સુરભીઆંટી તરફ જોઈ બોલ્યા. ‘આપણે હું વાંધો હોય હેં? હું તો બીજે દા’ડે સ્કૂલથી નયનનાં આ જ એક્ટિવા પર બેસીને ઘરે આવી, તેની પાસે બેગડા ભરાવ્યાને ચાલી પડી.’ સુરભીઆંટીએ “ધ એન્ડ”નું બોર્ડ દેખાડતા હોય તેમ કહ્યું. પણ નયન અંકલની વાત હજી પૂર્ણ થઈ નહોતી. ‘એમ કેવી રીતે ચાલી પડી? તારે હજી શ્રીકાંત જોડે વાત નહોતી કરવાની?’ નયન અંકલે યાદ કરાવ્યું.

‘એ હા, આ ડોહાને પાર્સલ હાથે એણે જ તો મોકલેલો. મેં શ્રીકાંતે મને કીધેલું કે, પછી વિગતે વાત કરીએ, એટલે મેં તેની હાથે ટૂંકાણમાં જ વાત કરી લીધી કે, તારું પાર્સલ આપણને જામી ગ્યું છે. આ હું એની ઘેરે જ જાઉં છું, શ્રીકાંત મને કહે, કરો કંકુના… ને અમે બસ ત્યારથી લઈને આ અઢીવર્ષથી કંકુનાં જ કરી રહ્યા છે, કેમ નયન?’ કહેતાં તેમણે નયન અંકલની પીઠ પર હળવો ધબ્બો માર્યો. ‘ચાલો હવે નીકળીએ?’ સુરભી આંટી બોલ્યા. અને અમે બધા ઊભા થયા.

પણ લેખકનો જીવ જરા વેદિયો ખરો તે વળી મેં એક સવાલ પૂછ્યો. ‘એટલે નયન અંકલે તો લગ્ન નહોતા કર્યા, પણ આંટી તમે પણ આટલી મોટી ઊંમર સુધી કુંવારા જ રહ્યા હતાં?’ મારો આ પ્રશ્ન સાંભળી સુરભીઆંટી અને નયન અંકલ બંને એકબીજા તરફ જોયું અને તે નજર બરાબર એક થઈ શકે તે માટે તેમણે થોડી સેકન્ડનો સમય લીધો. ‘લે હા… એ તો તને કહેવાનું રહી જ ગયું, આ કેનેડામાં બેઠેલો શ્રીકાંત એટલે મારો વર, હું ૨૧ની હતી જ્યારે મારાને શ્રીકાંતના લગ્ન થઈ ગયેલાં.

પણ અમારું કંઇ જામ્યુ નહીં. શ્રીકાંતે કહ્યું કે મારે કેનેડા જવું છે, ને મેં કહ્યું કે મારે અહીં જ રહેવું છે. તું તારે ઊપડ. ત્યારથી એ મારો વર મટી ગ્યો ને બેસ્ટમ બેસ્ટ ફ્રેન્ડ બની ગ્યો. ને પછી હું બાવનની થઈ ત્યારે એ ભાઈસાહેબ મારા દોસ્તારે આ ડોહાને મોકલી આપ્યો, કે જો તને જામે તો ઠીક નહીં તો હરી હરી… હવે તો પંચાવન થયા, પણ ધમાલ ચાલુ છે, ને આ તેં જોયુંને નયનના બધા દોસ્તારો પણ મજાના છે એટલે ચાલ્યા કરે.’ સામે ઊભેલા કોઈ હમઉમ્ર દોસ્ત સાથે વાત કરતા હોય એટલી સહજતાથી સુરભીઆંટીએ વાત પુરી કરી અને નયન અંકલે એક્ટિવા સ્ટાર્ટ કર્યું. મને મળેલું આ અજાણ્યુ છતાં બેસ્ટ લાગેલું કપલ હવે જવાની તૈયારીમાં હતું. પણ છેલ્લે જતીવેળા પણ તેમના પ્રેમાલાપના જે છેલ્લાં શબ્દો મારા કાને પડ્યા તેમાં નયન અંકલ કહેતાં હતાં, ‘ડોબી મારી ઉંમર સત્તવનની નથી, હું હજી બાવનનો છું!’ ‘હેં હું વાત કરે, એટલે તું મારાથી નાલ્લો છે એમ?’ પણ સુરભીઆંટી કે નયન અંકલને ઉંમરથી કે તેના તફાવતથી ક્યાં કોઈ ફર્ક પડતો હતો અને આપણને પણ ક્યાં પડવાનો હતો?

લેખક : આશુતોષ દેસાઈ

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી