વાર્તા :- “આઈ લવ યુ રવિના” મુકેશભાઈ સોજીત્રાની વાર્તા દરેક કપલે વાંચવી જોઈએ…

“આઈ લવ યુ રવિના”

ચિંતન સવારે દસ વાગ્યે ઓફિસ જવા રવાના થયો. રવિનાએ ટીફીન તૈયાર કરી દીધું હતું. હવે એ સાંજે આઠની આસપાસ આવવાનો હતો. સ્નેહકુંજ સોસયટીના બીજા માળેથી એ ચિંતનને જતો જોઈ રહી, શેરીમાંથી રવિનાએ એને મેઈન રોડ પર જતો જોયો. અને તરત જ એ બાલ્કનીમાં એક ખુરશી પર બેસી ગઈ. થોડી વાર બેઠા પછી એ ઉભી થઇ. શેલ્ફમાં રાખેલી પોતાની પર્સનલ બેગ કાઢી અને સાડીઓની નીચે સાચવીને રાખેલ મોબાઈલ બહાર કાઢ્યો અને મોબાઈલ ઓન કર્યો. અને નિરાંતે ખુરશી પર બેસીને એણે વોટ્સએપ શરુ કર્યું. વોટસએપ માં એક જ નંબર હતો. પોતાનો રેગ્યુલર ફોન બાજુમાં મુકીને એણે આ ફોનમાં આવેલ મેસેજ વાંચવાના શરુ કર્યા.

“ હાઈ સ્વીટી ગુડ મોર્નિંગ માય બેબી ડોલ!! આઈ એમ સેન્ડીંગ યુ ફ્રેશ મોર્નિંગ કિસ!! લવ યુ માય ક્રીમ પાઈ!!
“ યુ આર માય ડ્રીમ ગર્લ બેબી!! યુ આર માય ક્રીમ ગર્લ બેબી!! યુ આર માય સાઉલ મેટ બેબી!!
રવિના એક એક મેસેજ વાંચતી ગઈ અને એવા જ જવાબ આપતી ગઈ, થોડી વાર એણે કરેલ તમામ રીપ્લાય પર વોટ્સએપમાં બલ્યુ ટીક થઇ ગઈ હતી અને પછી રાજ નો એક મેસેજ આવ્યો.
“ઇટ્સ ઓકે માય બકુડી!! સબ સલામત!! ઇટ્સ એની પ્રોબેલ્મ માય હાર્ટ???

“નો પ્રોબ્લેમ માય હાર્ટ” રવિનાએ મેસેજ કર્યો અને થોડી વારમાં જ રાજનો ફોન આવ્યો.રાજ એની સાથે વિડીઓ કોલિંગ થી વાત કરી રહ્યો હતો. રવિના ઉભી થઇ કાનમાં ઈયર ફોન લગાવ્યા.ઘરનું મેઈન બારણું બંધ કર્યું અને બેડ પર લંબાવ્યું અને રાજ સાથે એણે વાત શરુ કરી. આ એનો રોજીંદો ક્રમ હતો. રોજ એ રાજ સાથે કલાક બે કલાક વાતો કરતી. રાજ અને રવિના બને પ્રેમી પંખીડા હતાં. પોતાની પાપાની ઈચ્છાથી એ ના છુટકે ચિંતન સાથે પરણી હતી. પણ એ પહેલેથી જ રાજ ને ચાહતી હતી.રાજ ધનવાન હતો, દેખાવડો હતો અને કોલેજમાં હતી ત્યારથી જ રાજ એની પાછળ પાગલ હતો. એ જાણતી હતી કે રાજ પરણિત છે તો પણ એ પાગલ હતી. રાજને એમ્બ્રોઈડરી ના ત્રણ મશીન હતાં અને હીરાનું એક કારખાનું હતું. હજુ વરસ દિવસ પહેલા જ ચિંતન સાથે રવિનાના લગ્ન થયાં હતાં. પણ તોય રાજ સાથે એના સંબંધો પૂર્વવત શરુ જ રહ્યા હતાં.

પવન પાણી અને પ્રેમ એનો રસ્તો કાઢી જ લે એમ લગ્ન પછી પણ એણે રાજ પ્રત્યેનો પ્રેમ શરુ રાખ્યો હતો. રાજે એને એક પર્સનલ મોબાઈલ લઇ આપ્યો હતો. એ મોબાઈલ એ રોજ ચિંતન ઓફિસે જાય પછી જ ખોલતી અને સમય પસાર કરતી. અને ચિંતન આવે ઈ પહેલા પાછો એ મોબાઈલ સ્વીચઓફ થઈને સુટકેશમાં સાડીઓની નીચે દબાઈ જતો હતો. સ્નેહમિલન સોસાયટીમાં કોઈને સપને પણ ખ્યાલ ના હતો કે રવિના આવી રીતે કોઈની સાથે વાત કરતી હોય.

રવિના ના પિતા એક સામાન્ય કુટુંબમાંથી આવતાં હતાં. વરસોથી સુરતમાં હીરા ઘસતા હતાં અને અહીં જ સ્થાયી થયાં હતાં. રવિનાથી નાની બે બહેનો અને એક ભાઈ હતો. રવિના ને એણે કોલેજ સુધી ભણાવી હતી. રવિના જ્યારે કોલેજના પ્રથમ વરસમાં હતી ત્યારે રાજ ત્રીજા વરસમાં હતો. બને વચ્ચે આજનો કહેવાતો પ્રેમ થઇ ગયો હતો. વેલેન્ટાઈનના દિવસે એ રાજ ની સાથે ડુમસ ગઈ હતી. બંને તમામ મર્યાદાઓ વટાવી ચૂકયા હતાં. રાજ અને રવિનાની કેમેસ્ટ્રી જામી ગઈ હતી. કોલેજનું તો ખાલી નામ જ હતું.કોલેજના બહાને આ બને પ્રેમી પંખીડા કારમાં ફર્યા કરતાં. ક્યારેક અડાજણ ના પુલે હોય તો ક્યારેક ઉભરાટ!! ક્યારેક મજુરાગેટ પર આવેલી હોટેલમાં હોય તો ક્યારેક છાપરા ભાઠા પર આવેલા રાજના ફાર્મ હાઉસમાં હોય!! કોલેજનું આખું વરસ એણે આ રીતે મોજશોખમાં ગાળેલું. પરીક્ષા વખતે રવીનાને ભાન થયેલું કે હું લખીશ શું?? કોલેજ તો ભરી હતી પણ હાજરી પુરાવીને એ નીકળી જતી હતી. એણે પરીક્ષા વખતે રાજને કહેલું.

“ યાર રાજ કશુક તો કરવું જ પડશે નહીતર જો હું નાપાસ થઈશ તો પાપા મને ઉઠાડી લેશે”
“અરે ડોન્ટ વરી યાર !! હું જેમ પાસ થઈશ એમ તું પણ પાસ થઇ જઈશ.. !! આ કોલેજના તમામ પ્રોફેસરો મારા ફાર્મ હાઉસ પર આવે છે રાતે એ બધાં મારાફાર્મ હાઉસમાં જ જલસા કરે છે તો એ આટલું તો કરેજ ને???

અને થયું પણ એવું જ. કોરા મુકેલા પેપરમાં પણ એ સારા ગુણે પાસ થઇ ગઈ. ઘરે એના માતા પિતા પણ ખુશ થઇ ગયાં કે રવીનાને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. વેકેશનમાં સહેલીને ત્યાં જવાનું કહીને પણ એ રાજની સાથે ફરતી રહી અને જિંદગીનો આનંદ એની રીતે માણતી રહી.

રવિના કોલેજના બીજા વરસમાં આવી, રાજની કોલેજ પૂરી થઇ ગઈ હતી. અને રાજના લગ્ન નક્કી થઇ ગયાં. રવિના ઉદાસ થઇ ગઈ. તાપીના મોટા વરાછાના પુલ પર બને મળ્યાં. રવિનાની આંખો રડતી હતી. જ્યારે રાજ તો રાબેતા મુજબ ખુશ મિજાજ હતો. રાજ બોલ્યો.
“આ ૨૦૧૫ની સાલ છે, રોવા ધોવાના જમાના હવે ગયાં.પ્લીઝ તું રડ નહિ!”
“પણ મારે તારી સાથે લગ્ન કરવા હતાં, તું ઘરે વાત કરીને કહી દે ને કે આ લગ્ન મને મંજુર નથી” રવિનાએ કહ્યું.

“વાસ્તવિક બન તું.. જેની સાથે લગ્ન થવાના છે એના પાપા સાથે મારા પાપાને ઘનિષ્ઠ મિત્રતા છે. લગ્ન પછી હું એમના બિજનેશ નો ૫૦ ટકા પાર્ટનર બનીશ.ખુબ જ સંપતીવાન બનીશ.અને આપણો સંબંધ તો શરુ જ રહેશે. હું થોડોક ઘરે ને ઘરે ૨૪ કલાક રહેવાનો છું ડાર્લિંગ!! તારા માટે સમય કાઢીશ જ!! લગ્ન ભલેને ના થાય પણ આપણી એન્જોય શરુ જ રહેશે રવિના ડીયર!! અ યુગમાં બધું પરિવર્તન થઇ રહ્યું છે તો પ્રેમના માપ દંડ બદલાય કે નહિ… પ્રેમ એ ગોળ જેવો હોય મારી સ્વીટહાર્ટ એ તમે અજવાળામાં ખાવ કે અંધારા પણ લાગે તો ગળ્યો જ!! લગ્ન ના થાય તો શું એ મટી જશે ના રે ના વાત માં માલ નહિ માલ” રાજે આધુનિક પ્રેમની અદ્ભુત ફિલોસોફી ઝાડી.

“પણ તને મારી સાથે પરણવાનો વાંધો શું છે?? તારે પહેલા ચોખવટ કરવી જોઈએ ને આમ કુવામાં ઉતારીને દોરડું કાપી નાંખવાનું” રવિનાએ દલીલ કરી.

“વાહિયાત દલીલો બંધ કરીને શાંત ચિતે વિચાર કરીને વાસ્તવિક બન!! આપણે બને પરણીએ તો આપણને શું મળશે?? મારા પિતા જીદ્દી સ્વભાવના છે.મારા મોટાભાઈએ પાપાની વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા.પાપાને એટલો ગુસ્સો આવેલો કે એણે એને એક રાતી પાઈ પણ નથી આપી.અને આજે મારો મોટોભાઈ સરથાણા ખાતે એક ભાડાના મકાનમાં રહે છે અને નરક જેવી જિંદગી જીવે છે. પ્રેમની સાથે પૈસો પણ એટલો જ જરૂરી છે.તારા અને મારા ખરચા કોણ પુરા કરશે આપણે પરણી જઈએ તો?? મને કાકા મટીને ભત્રીજા બનવામાં જરા પણ રસ નથી. વળી પ્રેમ કરતી વખતે આપણે એક બીજાને ક્યાં વચન આપ્યું હતું કે આપણે લગ્ન કરીશું જ!! લગ્ન એ થોડું પ્રેમનું અંતિમ લક્ષ્ય છે!! આ બધી ખોટી વાતો છે. લૈલા મજનું, રોમીઓ જુલીએટ કે શીરી ફરહાદ આ બધાં અમર પ્રેમી એટલે થઇ ગયાં કે એમણે લગ્ન ના કર્યા.બાકી પરણ્યા હોતને અને માર્કેટમાં આવ્યા હોતને તો ખબર પડત કે કેટલી વિસે સો થાય. મારા મતે પ્રેમ એ ખુલ્લા ખેતર જેવું છે.જેને મન થાય એ ચરવા આવે ના આવે તો એની મરજી પણ હું તને કહું છું કે લગ્ન પછી પણ આપણું મિલન શરુ જ રહેશે. સની લીયોનીના જમાનામાં તું મધુબાલા અને મીનાકુમારીની વાત કરે છે” રાજ જયારે દલીલ કરતો ત્યારે એની દલીલો હમેશા ધારદાર જ રહેતી. કોલેજની ડીબેટમાં પણ એ જ વિજેતા થતો.

અને રાજ પરણી ગયો. થોડો સમય રવિના એનાંથી નારાજ રહી પણ જેમ બકરી ચારા વગર ના રહી શકે એમ રવિના અને રાજના સંબંધો પૂર્વવત થઇ ગયાં. સમય વીતતો ચાલ્યો અને રવિના આ કળણમાં ફસાતી રહી. રવીનાની કોલેજ પૂરી થઇ અને એના પાપા એના માટે મુરતિયો શોધવા લાગ્યા. રાજે એને કહ્યું.

“તારા લગ્ન પછી તું સ્વતંત્ર છો. બધાનો પ્રેમ થોડો મારી જેવો હોય કે લગ્ન થયાં બાદ પણ હું તારી સાથે એવો સંબંધ રાખું છું જેવો પેલા રાખતો હતો. તું ફાવે તો સંબંધ રાખજે હું તને જરાપણ દબાણ નહિ કરું આ બાબતમાં” રાજ સમજતો હતો કે પોપટ એક વખત મરચું ખાઈ જાય પછી એને મરચા વગર ચેન ના પડે!! લફરા મોટે ભાગે વન વે જેવાં હોય છે એમાં પાછા વળી શકાતું નથી.

“ હું લગ્ન જ નહિ કરું બસ તને અને તનેજ પ્રેમ કરતી રહીશ” રવિના ભાવાવેશમાં આવી જતી.અને રાજ મનમાં પોરસાતો.
“ડોસો કુંવારો મરે પણ ડોશી કુંવારી ના મળે એટલે સમાજને ખાતર પણ તારે પરણવું જ રહ્યું. પણ એવી વ્યક્તિને પરણવું કે આપણને મોકળું મેદાન મળી રહે!! બાકી જિંદગી છે સુખ દુઃખ તો ચાલ્યા જ કરે” રાજે કહ્યું અને પાછા એ બને હજીરાની હોટેલમાં એક મેકમાં ખોવાઈ ગયાં.

રવિના ખુબ સુરત હતી અને વળી કોલેજ કરેલી એટલે સારા સારા માંગા આવવા લાગ્યા. પણ લગ્ન માટે રવિનાએ કેટલાક પેરામીટર્સ રાખેલા એમાં કોઈ મુરતિયો સંપૂર્ણ બંધ બેસતો નહિ એટલે એ ફટાક દઈને ના પાડી દેતી હતી. દરેક મુરતિયામાં એ રાજને શોધતી પણ અંતે એને નિરાશા જ સાંપડતી. વળી એના ટર્મ એન્ડ કંડીશન એટલા ચુસ્ત હતાં કે ભાગ્યે જ કોઈ મુરતિયો એને પસંદ આવે. એ સુરત નો હોવો જોઈએ.કાયમી સુરતમાં રહેવો જોઈએ.નોકરિયાત હોવો જોઈએ. ઓછામાં ઓછું ફેમેલી હોવું જોઈએ. આવા કડક પેરામીટર્સ વચ્ચે પણ એક માગું આવી ગયું.

ચિંતન નામના એક છોકરાનું માંગુ આવ્યું. એ છોકરાને એના મામા સિવાય કોઈ જ નહોતું. દેખાવડો પણ હતો. નાનપણમાં ચિંતનની મમ્મીનું અવસાન થયેલું.એના પાપાએ બીજા લગ્ન કરેલાં ગામડામાં એટલે ચિંતનને એના મામા સુરત લઇ આવ્યા હતાં,ભણવા માં ખુબ જ હોંશિયાર અને ઘણાં ગોલ્ડ મેડલ મળેલા હતાં અને સુરતની એક સ્થાનિક કંપનીમાં એ નોકરી કરતો હતો.પગાર ઓછો હતો પણ બીજી કોઈ લપ નહોતી. ચિંતન પર રવિનાએ ફાઈનલ મહોર મારી દીધી હતી. આમ તો રાજે મહોર મારી હતી. જયારે આ માગું આવ્યું ત્યારે જ રાજે ખાનગી રીતે તપાસ કરાવીને ચિંતનનો બધો જ બાયો ડેટા લઇ લીધો હતો.એકદમ ઓછું બોલતો આ યુવાન રાજે ને રવિના માટે યોગ્ય લાગ્યો હતો લગ્ન પછી બને અલગ એક સોસાયટીમાં રહે એટલે વાર્તા પૂરી થઇ જતી હતી. ચિંતન અને રવિનાની વાત ચિત ગોઠવાણી.
“લગ્ન પછી હું તમારા મામાના ઘરે નહિ રહું.મને સયુંકત કુટુંબ ના ફાવે” રવિનાએ ટુ ધ પોઈન્ટ વાત કરી.

“મામા આપણ ને રાખવા માંગતા પણ નથી, આમ તો મામીને હું દીઠે પણ નહોતો ગમતો અને સ્વાભાવિક છે મામાને બીજા ત્રણ સંતાનો છે પણ આ તો મામાનો બહુ જ આગ્રહ હતો એટલે હું સાથે છું અને મારા મામાએ જ કીધેલું કે લગ્ન પછી તમે અમારાથી દૂર રહેજો અને સુખેથી રહેજો. મામા મને એક સોસાયટીમાં મકાન લઇ દેશે. મારી મમ્મીના મૃત્યુ પછી મારા ખાતે અમુક રકમ મુકવામાં આવી હતી. એ રકમમાંથી એક સારું મકાન આવી જશે એમ મામા કહેતા હતાં.એટલે એની ચિંતા નથી” ચિંતને કહ્યું.

“મારી પર કોઈ શંકા કરે એ મને પસંદ નથી.હું મારા માતા પિતાનું રજવાડું છોડીને આવીશ. ઘરમાં પૈસા ઓછા હશે એ ચાલશે.પણ કકળાટ ના જોઈએ” રવિના રાજે શિખવાડેલા શબ્દો બોલી રહી હતી.
“આપની ઈચ્છા મુજબ જ બધું થશે. આ મારું વચન છે” ચિંતને કહ્યું. બાળપણમાં જેને માતાનો સ્નેહ ના મળ્યો હોય એ તમામ બાળકો ભોળા અને સીધાં જ હોય છે.બસ એ સ્નેહ શોધતા હોય છે.દુનિયાના દાવ પેચ થી અજાણ જ હોય છે. ચિંતન પણ એક સીધી લીટીનો છોકરો હતો. અને બને પરણી ગયાં. બધું સુખરૂપ ચાલ્યું. રાજ અને રવીનાના સંબંધો પણ રાબેતા મુજબ ચાલતા હતાં.

“ઘરે તારે કોઈ દિવસ એવું વર્તન જ નહિ કરવાનું કે ચિંતનને ખબર પડે આ છે રુલ નંબર એક!! હવે રુલ નંબર બે તારા આ મોબાઈલમાંથી મને ક્યારેય મેસેજ કે કોલ નહિ કરવાનો એ માટે હું તને એક અલગ નંબર વાળો મોબાઈલ આપીશ એમાંથી તારે ફક્ત અને ફક્ત મને જ કોલ કરવાનો બીજા કોઈને નહિ!! અને એ ફોન ચિંતન ના હોય ત્યારે દિવસે જ વાપરવાનો!! બાકીના રૂલ્સ હું સમય પ્રમાણે તને શીખવાડતો જઈશ.” રાજે એને બધું જ શીખવાડી દીધું હતું. ચિંતન ઓફિસે જાય ને પછી બધી જ સલામતીની ખાતરી કરીને રવિના રાજ સાથે વાતો કરતી. એમાં સાંજ સુધીનો પ્લાન ગોઠવાઈ જતો. સોસાયટીમાં એ કઈ ખાસ કોઈની સાથ ભળતી નહિ પણ હા દરરોજ સાંજે કલાક એ સોસાયટી ની વૃદ્ધ સ્ત્રીઓ સાથે સત્સંગમાં બેસતી. રવિનાની છાપ સોસાયટીમાં એક ધાર્મિક અને પતિવ્રતા સ્ત્રી તરીકેની પ્રસ્થાપિત થઇ ચુકી હતી.

ચિંતન ને પણ કોઈ તકલીફ નહોતી. સાંજે એ રવિના સાથે ભોજન લેતો અને બાઈક પર બેસીને બીઆરટીએસ પર એક લટાર મારી આવે. ક્યારેક તરબૂચ ઝાપટે તો ક્યારેક ભાવનગરી ડીશ ગોળા અને સવારે ચિંતન નું ટીફીન થાય અને ચિંતન રવાના થાય પછી રવીનાનું બીજું સ્વરૂપ બહાર આવતું. એ રાજ સાથે વાતો કરે અને સાંજ ના પાંચ વાગ્યા સુધીનો પ્લાન ગોઠવાઈ જાય. થેલી લઈને રવિના રોડ સુધી જાય.. ત્યાંથી રિક્ષા પકડીને એ હીરાબાગ જાય અને ત્યાં રાજ એની ફોર વહીલમાં પીક અપ કરી લે અને સિટીમાં આવેલ કોઈ હોટેલ કે કોઈ કોફી શોપમાં બેસે પાંચ વાગ્યે રવિના પાછી ફરે ત્યારે એના હાથમાં સાકરની પ્રસાદી હોય. સોસાયટીમાં બેઠેલ ડોશીઓને પ્રસાદ આપે. અને ડોશીઓ એના બે મોઢે વખાણ કરે. સમય વીતતો ચાલ્યો રાજમાં થોડું પરિવર્તન દેખાયું. પહેલા જેવો એ હવે રહ્યો નહોતો. દરરોજ એને સમય આપતો રાજ હવે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ માંડ સમય આપતો હતો. હવે એ એને લેવા પણ નહોતો આવતો. કામનું બહાનું કાઢતો. રવિના સિટીમાં આવેલ સ્થળે રાજની સુચના મુજબ પહોંચી જતી. ઘણી વાર ચાર વાગ્યા સુધી રાજ આવે પણ નહિ એટલે એ પોતાની મેળે પાછી આવતી રહેતી. સમય વીતતો ચાલ્યો. એક સોમવારે રાજે એને સિટીમાં એક કોકોની દુકાન પાસે આવેલ હોટેલમાં બોલાવી એ હોટેલમાં રાજનો એક રૂમ કાયમી બુક રહેતો.

રાજે એને એક વાત કરી અને એ ધ્રુજી ગઈ.
“ડાર્લિંગ મારું એક કામ કરીશ. હું તને ખુબ જ પ્રેમ કરું છું. એક ઓફિસર છે. ડીંડોલી બાજુ એક જમીનનો સોદો થયો છે પણ એ જમીનના એન એ કરવા બાબત લોચો ચાલે છે. એ માટે એ અધિકારીને ફોડવો પડે એમ છે. આમ તો મેં ઘણો પ્રયત્ન કરી જોયો પણ એ અધિકારીની એક જ નબળાઈ છે.એ સુંદરીનો શોખીન છે. તું એને ખુશ કરી દે તો એ જમીન મારા ખાતે કરી દે એમ છે. બસ મારા માટે તું આ કામ નહિ કરે?? તારા રાજને ખાતર આ કામ નહિ કરે??”

“તું કેવી વાત કરે છે એનું તને ભાન છે?? તું મને આવી ધારી જ કેમ ના શકે?? આખરે સંસ્કાર જેવું તો કાઈ હોય ને” રવિના ઉકળી ઉઠી.
“ સંસ્કારની વાત આપણને બંને ને શોભતી નથી. આપણા બંનેના લગ્ન થઇ ગયાં છે તોય આપણે મળીયે જ છીએ ને તો એ વખતે સંસ્કાર કયા ગયાં હતાં?? આ બધી વાતો આઉટ ઓફ ડેટ ગણાય. સફળતા માટે બાંધ છોડ તો કરવી જ પડે ને?? જગતમાં એવા માણસો જ સફળ થાય છે જે ફ્લેક્ષિબલ બનતા હોય છે!! જો તું ના પાડીશ તો આપણે મળવાનું જ બંધ કરીએ” રાજે માસ્ટર સ્ટ્રોક માર્યો. અને રવિના અંદરથી હલબલી ગઈ. ઘણી દલીલો થઇ પણ રાજના ધારદાર આગળ એક પણ દલીલ ચાલી નહિ. આખરે મને કમને ફક્ત એકવાર એ તૈયાર થઇ. અને પછી રાબેતા મુજબ રાજની આગોશમાં રવિના ઓગળી ગઈ. બીજે દિવસે નિર્ધારિત કરેલ સમયથી એક કલાક વહેલા એ પહોંચી ગઈ એક હોટેલમાં. રાજ અને પેલો ઓફિસર આવવાને હજુ એક કલાકની વાર હતી. થોડીવાર પછી રાજનો કોલ આવ્યો.

“સોરી ડાર્લિંગ ,એક પાર્ટી આવી ગઈ હતી તેની સાથે ઉન પાટિયા જવું પડે એમ છે, એક જમીનનો સોદો પતાવવાનો છે એટલે. તું આપણું કામ પતાવી દેજે ને લવ યુ ડાર્લિંગ. કાલે તને સ્યોર મળીશ” અને કોલ કટ થઇ ગયો. રવીનાનું મન ખાટુ થઇ ગયું હતું. એણે ચહેરા પર દુપટો બાંધ્યો અને આંખો પર ગોગલ્સ લગાવ્યા અને જેવી હોટેલની અંદર જવા નીકળી કે એ થીજી જ ગઈ. સામે ચિંતન એક સોનીની દુકાનમાં બેઠો હતો. ચિંતન કશું સોનીને બતાવતો હતો. સોની કશુક એને કહેતો હતો. ચિંતન લગભગ ૩૦ મિનીટ સુધી એ દુકાનમાં રહ્યો.અને છેવટે એણે થોડીક વસ્તુઓ સોની ને આપી.સોની સાથે હાથ મિલાવીને હસતો હસતો ચિંતન બહાર નીકળ્યો અને બાઈક લઈને એ ચાલતો થયો.

રવિનાનું મન ખળભળી ઉઠ્યું. ચિંતન સોનીની દુકાનમાં શા માટે?? એના માટે તો એ કોઈ વસ્તુ ખરીદતો નથી એક વરસથી અને એની પાસે એટલા પૈસા પણ હોતા નથી. સ્નેહમિલનમાં જે મકાન લીધું એમાં થોડી રકમ હજુ આપવાની હતી એના હપ્તા એ પગારમાંથી ભરતો હતો. અને બાકીનો પગાર ઘર ખર્ચમાં વપરાઈ જતો હતો. તો શું ચિંતન ને પણ કોઈ આડા સંબંધ હશે કે શું!!!?? એ સોની ની દુકાનમાં શા માટે આવ્યો હશે?? એના મનમાં શંકાનો કીડો સળવળ્યો!! જો ચિંતન ને કોઈ પણ બીજી યુવતી સાથે સંબંધ હોય તો પછી એને કોઈ જ વાંધો નથી બગડીને બેહાલ થવાતું હોય તો.

જેનું મન વાસનાયુક્ત હોય એના મગજના વિચારો પણ વાસના યુક્ત જ હોવાના એ ન્યાયે એણે નક્કી કર્યું કે સોનીની દુકાનમાં જઈને પૂછપરછ કરવી અને સાચી હકીકત જાણવી જ રહી. અને હજુ તો ૪૫ મીનીટસ જેવો સમય હતો. ચિંતન શા માટે આવ્યો હતો અને કોના માટે અને કયું સોનાનું ઘરેણું એ બનાવવાનો હતો એ એને જાણવું હતું. એ મક્કમ મને સોનીની દુકાનમાં પ્રવેશી.

“હેલ્લો હમણાં જે ચિંતન નામનો યુવક આવ્યો હતો એ શા માટે આવ્યો હતો એ હું જાણી શકું” રવિનાએ એ દુકાનમાં જઈને કાઉન્ટર પર બેઠેલા અને માલિક એવા સોનીને પૂછ્યું.
“માફ કરજો અમે કોઈની પ્રાયવસી નો ભંગ ના કરી શકીએ” દુકાનના માલિકે શાલીનતા થી જવાબ આપ્યો.
“પણ હું તેમની પત્ની છું . જુઓ આ મોબાઈલમાં અમારા બેય નો લગ્ન વખતનો ફોટો છે, મારા પતિ વિષે તો હું જાણી શકુને?? રવિનાએ પોતાના મોબાઈલમાંથી એક તસ્વીર બતાવી. અને સોનીએ વાત શરુ કરી.

“આપનું નામ રવિના છે ને?? આપ ભાગ્યશાળી છો રવીનાબેન” રવિના ને કશું ના સમજાયું. સોનીએ વિગતે સમજાવ્યું.

“ચિંતન ભાઈ ત્રણ દિવસ પહેલા આવ્યા હતાં અને આજે પાછા આવ્યા હતાં. ત્રણ દિવસ પહેલા એ એસ્ટીમેન્ટ કઢાવી ગયાં હતાં. અને આજે ફાઈનલ કરાવી ગયાં હતાં. એ તમારે માટે એક સોનાનું પેનડલ બનાવવા માંગે છે. ત્રણ દિવસ પછી તમારા જન્મ દિવસે એ તમને આ પેન્ડલ ભેટ આપશે. આ રહ્યો નમૂનો પેન્ડલ ની વચ્ચે અમારે હીરાથી લખવાનું છે “ આઈ લવ યુ રવિના”!! જુઓ બરાબર છે ને નમૂનો”? રવિનાએ જોયું મસ્ત દિલ આકારનું પેન્ડલ હતું. ખુબજ મોંઘુ હશે એમ એણે માન્યું. આટલા પૈસા ચિંતને ક્યાંથી કાઢ્યા હશે?? એણે સોનીને જ પૂછ્યું.

“ખુબજ કોસ્ટલી હશે આ નહિ ?? આટલા બધાં પૈસા ચિંતન પાસે તો હતાં નહિ ક્યાંથી લાવ્યો હશે?” રવિનાની અંદર ઘમાસાણ ચાલી રહ્યું હતું.

“ એ અમને ખબર છે ચિંતને એને મળેલા તમામ ગોલ્ડ મેડલ અમને વેચી નાંખ્યા છે. એ આ રહ્યા અને એક વસ્તુ બીજી પણ છે. આ એમના મમ્મી નું પેન્ડલ છે. એમના મમ્મી નાનપણ માં જ અવસાન પામેલાં એટલે એની યાદમાં વરસો થી એ આ પેન્ડલ સાચવતા હતાં. અત્યારે આ પેન્ડલ પણ એણે વેચી નાંખ્યું અને એમ કીધું કે મારા જીવનમાં મારી માતા તો નથી એક માત્ર મારી પત્ની રવિના છે. જે મને ખુબજ પ્રિય છે. મારી રવિના લાખોમાં એક છે એટલે હવે મારી માની આખરી નિશાની વેચી ને રવિના માટે આ પેન્ડલ બનાવવું છે. આમ તો હું એને બીજું કોઈ સુખ તો નથી આપી શક્યો અને મારું બીજું કોઈ નથી. જે છે એ મારી પત્ની છે. બસ હવે એના માટે જ જીવું છું!! આવું કહ્યું છે ચિંતનભાઈ એ અને રવિના બહેન તમે લકી છો બાકી આવા પતિઓ અત્યારે દીવો લઈને શોધવા જાવ તો મહામહેનતે મળે છે.” સોનીએ વાત કરી અને રવીનાની આંખોમાં થી આંસુઓની ધાર થઇ. રૂમાલ વડે આંસુ લુંચ્યા અને બોલી. તમે ચિંતનને આ વિષે વાત ના કરતાં હું સરપ્રાઈઝ ને સર પ્રાઈઝ જ રાખવા માંગુ છું અને આપનો આભાર અને દુકાનની બહાર નીકળી. એણે નફરત થી પેલી હોટેલ સામે જોયું. પોતાની જાત પ્રત્યે નફરત થઇ રહી હતી. એને કેવો પતિ મળ્યો હતો અને પોતે કેવી બદતર જિંદગી જીવી રહી હતી એનો ખ્યાલ આવ્યો. એ રિક્ષામા બેસીને વરાછા ના મોટા પુલ પર આવીને ઉભી રહી. ઘડીક તો એને તાપીમાં કુદી ને મરી જવાનું મન થયું. પણ પાછો વિચાર આવ્યો કે ચિંતન નું શું થશે?? નાનપણ માં એની મમ્મી છોડીને પ્રભુને ઘરે ચાલી ગઈ અને હવે હું જઈશ તો મારા ચિંતનનું કોણ?? જે થવાનું હતું એ થઇ ગયું.. અત્યાર સુધી એણે અસંખ્ય ભૂલ કરી હતી હવે મરીને એ બીજી ભૂલ નહિ જ કરે!! એ જીવશે પોતાના પતિ ચિંતન માટે જીવશે અને પોતાના પાપનો પસ્તાવો કરીને ભગવાનની માફી માંગશે!! જાગ્યા ત્યાંથી સવાર!! એણે મનોમન સંકલ્પ કરી લીધો હતો. બે કલાકમાં એની જિંદગી સાવ બદલાઈ ગઈ હતી. એ આંખો મીંચીને ઉભી રહી વરાછાના પુલ ઉપર!!

થોડી વાર પછી એણે આંખો ખોલી અને પર્સમાં વારંવાર મોબાઈલની રીંગ વાગી રહી હતી.પોતાના પર્સનલ મોબાઈલ પરથી રાજનો કોલ આવી રહ્યો હતો. એણે દાંત ભીંસીને કોલ રીસીવ કર્યો.
“ક્યાં છો તું?? હજુ ત્યાં નથી પહોંચી?? પેલો તારી રાહ જોઈ રહ્યો છે.. તારાથી એક કામ પણ સરખાઈથી નથી થતું ઇડીયટ” રાજ ની વાત વચ્ચેથી કાપીને રવિના બરાડી ઉઠી.

“ યુ રાસ્કલ. યુ આર પર્મેન્ટલી બ્લોકડ!! ગેટ લોસ્ટ ગો ટુ હેલ ” અને એણે રાજે આપેલો મોબાઈલનો તાપીમાં ઘા કર્યો. એ ધ્રુજી રહી હતી. એનું આખું શરીર ગુસ્સામાં કાંપી રહ્યું હતું. એ કલાક સુધી એમને એમ બેસી રહી. થોડી વાર પછી પોતાના મોબાઈલ પર ચિંતનનો કોલ આવ્યો.
“ક્યાં છો ડીયર?? હું આજે વહેલા ઘરે આવી ગયો છું. ચાલ ને આજે કંઇક બહાર જઈએ જો તારી ઈચ્છા હોય તો”

“બહાર તાજી હવા લેવા આવી હતી ચિન્ટુ મોટા પુલ પર આવી જા તું કહે ત્યાં જઈએ” રવિના ના મનમાંથી સઘળો ભાર ઉતરી ગયો હતો. ચિંતન આવ્યો અને રવિના એની પાછળ બેસી ગઈ અને બાઈક અબ્રામા બાજુ ચાલી.

ત્રણ દિવસ પછી રવિનાના ગળામાં પેલું પેન્ડલ લટકતું હતું. ચિંતને જન્મદિવસના દિવસે પોતાના હાથે રવિનાના ગળામાં બાંધ્યું હતું. પેન્ડલ પર લખ્યું હતું. “આઈ લવ યુ રવિના” રવિનાનું સાચું અને સુખી લગ્નજીવનની શરૂઆત થઇ ચુકી હતી.

“જીવનમાં ભૂલો થવી સ્વાભાવિક છે, પણ જ્યારથી સમજણ આવે ત્યારથી સુધરે તો જાગ્યા ત્યારથી સવાર ગણાય, સહુને સહુના લગ્નજીવનની શુભકામનાઓ!!

લેખક : મુકેશ સોજીત્રા

ખુબ સમજવા જેવી વાત કહી છે વાર્તામાં, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block