હું ક્યારેય લગ્ન નહિ કરું ! – અચૂક વાંચવા જેવી વાત !!!

વહેલી સવારે મોરબીના બસ ડેપોમાં એનાઉન્સમેન્ટ થયું કે ભુજ જવાની બસ પાંચ નંબર પર ! મેં અમેરિકામાં એમ.બી.એ. કર્યું હતું અને છેલ્લા ૨ વર્ષથી ત્યાં જ કામ કરું છું. આમ હું મૂળ મોરબીનો પણ હવે એન.આર.આઈ. ! ભારતમાં અને ખાસ કરીને પોતાના વતનમાં આવીને એન.આર.આઈ હોવાનો ગર્વ થાય એ સ્વાભાવિક છે.

મારા મામા શિવગઢ ગામનાં, જે કચ્છ જિલ્લામાં આવેલ છે. હું ફટાફટ ભુજ જવાની બસ તરફ ભાગ્યો અને ત્યાં કંડકટરે મારી સીટ રોકીને રાખી હતી, કારણ કે મેં રિઝર્વેશન કરાવ્યું હતું. મને હંમેશથી એસ.ટી. પ્રત્યે એક ચીડ હતી, કારણ કે એસ.ટી. ને સરકારી તંત્ર ચલાવે છે અને બસ ડેપોમાં સાફ સફાઈનો હંમેશથી અભાવ જ હોય ! હું રાજકોટથી ભુજ ફ્લાઈટમાં જ જવાનો હતો, પરંતુ પપ્પાની જીદ હતી કે હું બસમાં જ જવું ! હું સાત વર્ષ પછી એસ.ટી બસમાં બેઠો હતો અને મને પહેલા તો ફાવ્યું જ નહીં, કારણ કે મારી પાસે ટ્રોલી બેગ હતું અને એ એસ.ટી. બસમાં નીચે જ રાખવું પડે ! પહેલાં મનમાં વિચાર આવ્યો કે ટ્રોલી બેગ માટે અલગ સીટ બુક કરાવી જોઈએ !

બસ મોરબી ડેપો માંથી ઉપડી અને હું બપોરે બાર કલાકે ભુજ પહોંચ્યો ! જ્યારે બસ કચ્છમાં પ્રવેશે ત્યારે અમિતાભ બચ્ચનનો ડાયલોગ “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” યાદ આવી જાય ! હું ભુજના બસ ડેપોમાં ઉતર્યો અને બે ત્રણ લોકોને પૂછ્યું, ભાઈ શિવગઢ જવાની બસ ક્યાંથી મળશે ? ત્યારે એ ભાઈએ જવાબ આપ્યો, ભાઈ તમોને આ ટેમમાં બસ ના મલે ! મેં પૂછ્યું, તો મારે ક્યાં જવાનું ? એ ભાઈ બોલ્યા, તમે એક કામ કરો, મોઢે એક ચોક આવશે ત્યાંથી તમને જીપડું મળી જ જાહે ! મને એ માણસની ભાષા જુદી જ લાગી પણ મને સારી સલાહ મળી !

હું ચાલતો ચાલતો આવ્યો ત્યારે એક ભાઈ શિવગઢ….શિવગઢ…. ચાલો જલ્દી જેવી બુમો પાડતા હતા ! હું એમની જીપમાં બેઠો અને અને જીપ ખચો ખચ માણસોથી ભરી હતી ! જીપમાં મોટા ભાગે ગામડાંના જ લોકો હતા, એક ભાઈએ મને પૂછ્યું, ક્યાંથી આવો શો ? મેં કહ્યું, મોરબીથી ! એ ભાઈ એ કહ્યું, એમ…! ગરમીથી ચહેરા પર પરસેવો આવવા લાગ્યો !

ડ્રાઇવરે બૂમ મારી, એ શિવગઢ ઉતરવું હોય એ ભાડું તિયાર રાખજો…! મેં પૂછ્યું, ભાઈ કેટલું ભાડું છે, એમણે જવાબ આપ્યો, ત્રીસ રૂપિયા ! હું અને એક છોકરો જ શિવગઢ ઉતરવાના હતાં, કારણ કે બે જ લોકોનું ભાડું આવ્યું હતું ! જીપ સાઈડમાં ઉભી રહી ગઈ અને હું ઉતર્યો અને ડ્રાઇવરે જીપ ઉપર બેઠેલા માણસને કીધું, એ લાલીયા… મોઢે લાલ કલરનો ટાયર વાળો થેલો હશે, એ નીસે આપ ! એ ભાઈએ મને મારો ટ્રોલી બેગ આપ્યો ! હું મારા ગામની તરફ જવા નીકળ્યો.

હું પહેલી વાર શિવગઢ આવ્યો હતો એટલે મને ગામનાં રસ્તાઓ યાદ નહોતા. મેં મારા મામાને ફોન કર્યો, મામાને પૂછ્યું, મામા હું શિવગઢ આવી ગયો છું ત્યારે મામાએ કીધું કે હું તો આજે ખેતરે આવ્યો છું, તું એક કામ કર ગામમાં પુસ્તો પુસ્તો જા કે સવજીભાઈ મેટ્રિકનું ઘર ક્યાં સે ?, મેં કહ્યું, સારું. મારા મામા ગામમાં પેલાં એવા વ્યક્તિ હતા કે જેમને ૧૦ પાસ કર્યું હતું, એટલે એમને લોકો સવજીભાઈ મેટ્રિક કહેતાં હતાં.

હું ગામ તરફ આગળ વધ્યો અને મને ભાત ભાતનાં લોકો જોવા મળતાં હતા. હું ઘણી વાર થાકી જવું તો કોલડ્રિન્ક પી’તો એટલે ગામમાં પાર્લર શોધવા લાગ્યો ! મને કોઈ જગ્યાએ પાર્લર દેખાયું જ નહીં, તેથી હું આગળ વધ્યો, મેં એક ભાઈને પુછ્યું, તો એમને મને સામેની શેરીમાં જવાનું કહ્યું ! હું એ શેરી તરફ ગયો તો ત્યાં એક દુકાન દેખાઈ તો હું ત્યાં ઉભો રહ્યો અને પૂછ્યું, ભાઈ કોકા કોલા છે ? ત્યારે એ ભાઈએ સ્મિત સાથે મને પૂછ્યું, નાની કે મોટી !

મેં કહ્યું કે અહીંયા જ પીવી છે, એટલે નાની જ આપો ! એ ભાઈએ મને કોકા કોલા આપી અને મેં એ ભાઈને પૂછ્યું, ભાઈ સવજીભાઈ મેટ્રિકનું ઘર ક્યાં છે ? એમણે કહ્યું, હામે જ સે…તમે કોલા પી લો પસી દેખાડું ! હું કોલડ્રિન્ક પી’તો હતો એ દરમિયાન દુકાન પર એક છોકરી આવી, લગભગ એની ઉંમર મારા જેટલી જ હશે ! એ છોકરી દુકાનદારને બોલી, એ રામા….સીંગતેલ છે ? દુકાનદાર બોલ્યો, ના નથી, કાલે આવી જાહે…કાલે લઈ જાજે !

એ છોકરી દુકાનથી નીકળી રહી હતી ત્યારે દુકાનદારે એને બોલાવી, એ પૂજા… એ છોકરી પાછું ફરીને બોલી, શું ?? દુકાનદારે કીધુ, આ સાહેબ ને સવજીકાકાના ઘરે મુક્તી આવજે ને !! એ છોકરી મારા સામે જોવા લાગી અને બોલી, હાલો..!

મેં ફટાફટ દુકાનદારને પૈસા આપ્યા એને એ છોકરીની પાછળ પાછળ ચાલવા લાગ્યો ! હું મામાને ફોન કરતો હતો પણ નેટવર્ક નહોતું આવતું, આ દરમિયાન એ છોકરી મારા મોબાઈલ સામે જોવા લાગી ! મને એમ લાગ્યું કે એને મારો ફોન ગમતો હશે, કારણ કે મારી પાસે આઈ ફોન હતો ! એ છોકરી બોલી, સામેનું ઘર સવજીભાઈનું છે ! મેં કહ્યું, થેન્ક્સ. એ છોકરીએ મને પૂછ્યું, સવજીભાઈ તમને શું થાય, મેં કહ્યું, એ મારા મામા છે. મેં આટલું કહ્યું અને એવામાં તો એ છોકરીનો ચહેરો ખીલી ઉઠ્યો અને ઝડપથી પોતાનાં ઘરે જતી રહી !

હું મામાના ઘરની બાર ઉભો હતો પણ મામાનું ઘર બંધ હતું ! મેં દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો આ ખોલ્યો ! હું બહાર જ ઉભો હતો ! બાજુમાં કોઈ બહેનનો અવાજ આવ્યો, એ કોનું કામ સે..? ત્યારે મેં જોયું તો બાજુના ઘર માંથી એક બહેન બોલતાં હતાં. મેં કહ્યું, લીલા બહેનનું ! બાજુ માંથી એ બહેન બહાર આવ્યા અને બોલ્યા, લીલા તો બજારમાં ગઈ સે અને તમને લીલા શું થાય ? મેં કહ્યું, એ મારા મામી થાય !

એ બહેન બોલ્યા, તો તું કરણ સે ને ? મેં કહ્યું હા, હું જ કરણ છું ! મને થોડી નવાઈ લાગી કેમ કે એ બહેનને મારું નામ કેમ ખબર ? એમણે કહ્યું, તારી મામી બે દિવસથી તારી જ વાતું કરે સે ! હું હસતાં હસતાં બોલ્યો, એમ. એ બહેને મને કહ્યું, બેટા તારા મામી આવે ત્યાં હુદી મારા ઘરે હાલ !

મેં હકારમાં જવાબ આપ્યો અને એમના ઘરે ગયો. એમનું ઘર બહારથી સામાન્ય લાગતું હતું પણ અંદર જઈને જોયું તો મને નવાઈ લાગી, કેમ કે એમનાં ઘરનાં આગળના રૂમમાં જેને ગામડામાં ડેલો કહે છે ત્યાં દીવાલ પર ઘણા બધા સર્ટિફિકેટ્સ અને મેડલ હતાં. હું એમના ઘરમાં બેઠો અને એમણે ઘરમાં એક બૂમ પાડી, એ પૂજા…પાણી લઈ આવતો !

ત્યાર બાદ જોયું તો એજ છોકરી પાણી લઈને આવી હતી કે જે મને દુકાન પર મળી હતી ! માસીએ મારો પરિચય કરાવ્યો અને એમણે એમ કહ્યું, કરણ આ મારી દીકરી પૂજા સે, અને આ ગામની બીજી સોકરીઓને કરાટે શીખવાડે સે અને એક વાર તો મુખ્યમંત્રીએ પણ એનું સનમાન કર્યું હતું ! હું સર્ટિફિકેટ્સ જોતો હતો અને વિવિધ લોકો સાથેના ફોટોઝ પણ અને એ મારી સામે બેઠી હતી !

પૂજાએ મને પૂછ્યું, તમે ક્યાં રહો છો ? મેં કહ્યું, હું કેલિફોર્નિયામાં રહું છું અને ત્યાં જ કામ કરું છું. એ વધારે કંઈ બોલવા જાય એ પહેલાં મારા મામી આવી ગયા અને પછી તો મામી એ જ બોલવાનું શરું કર્યું, મારો દીકરો આવી ગયો ! ચાલ બેટા ઘરે, તારા મામા આવતા જ હશે ! હું મામી સાથે એમનાં ઘરે ગયો. મામીએ ખાટલો રાખીને બને બેસાડ્યો અને પાણી પાયું, પછી મામીએ કહ્યું, બેટા જમવાનું તૈયાર છે એટલે ચાલ જમી લે. ત્યારે તો બહારથી એક અવાજ આવ્યો, કરણ બેટા કેમ છે ?

પાછું ફરીને જોયું તો મામા આવ્યા હતાં. મામા હાથ પગ ધોઇને મારી સાથે જમવા બેઠા, બપોરે ખૂબ જ ગરમી હતી, પણ શહેર કરતાં ગામની ગરમી અલગ જ હતી ! મામાએ મને ઘર વિશે પૂછ્યું અને મેં અમેરિકા વિશે પણ કેટલીક વાતો કરી. પછી મામાએ કહ્યું, એક કામ કર કરણ, તું આગળના ડેલામાં જઈને સુઈ જા, બહુ થાકી ગયો છે ને ? હું બે કલાક બપોરે સૂતો અને ઉઠ્યો ત્યારે મામીએ મારી માટે ઠંડો સરબત બનાવ્યો !

સાંજ પડી ગઈ હતી અને મેં મારા મામીને કહ્યું, મામી મારે આ ગામ જોવું છે ! મામીએ કહ્યું, એમ..એક મિનિટ અને પછી મામીએ બાજુ માંથી પૂજાને બૂમ પાડી અને હું થોડો મુંજાયો ! પૂજા ઘરે આવી અને મામીએ કહ્યું, પૂજા તું કરણને ગામ ફેરવવા લઈ જા, એ નવો છે તો એણે કોઈ રસ્તાની ખબર નથી ! પૂજાએ મને કહ્યું, એક કામ કરો, અડધો કલાક પછી જઈએ, ત્યાં સુધી તમે પણ તૈયાર થઈ જાઓ !

હું ફટાફટ તૈયાર થઈ ગયો અને મારા મનમાં એક પ્રસન્નતા હતી, ખબર નહિ કેમ ? પૂજા મામાના ઘરે આવી અને બોલી ચાલો ! હું અને પૂજા ચાલતાં ચાલતાં ફરવા નીકળ્યા, ત્યારે મેં પૂજાને એક પ્રશ્ન પૂછ્યો, પૂજા મેં સાંભળ્યું છે કે ગામડામાં છોકરીઓને ક્યાંય એકલી ના મુકે !

પણ તારા ઘરમાં તો ..!! પૂજાએ હસતાં હસતાં જવાબ આપ્યો, એમાં એવું છે કરણ કે હું કરાટે ટ્રેનર છું અને ગામની ૫૦૦થી પણ વધારે છોકરીઓને મેં કરાટેની ટ્રેનિંગ આપી છે અને આ માટે મને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે ! આમ એ મારી સાથે એના જીવનની વાતો કરતી હતી અને હું શાંતિથી એની વાતો સાંભળતો હતો !

પૂજા મને એના ટ્રેનિંગ સેન્ટરમાં લઇ ગઈ અને બોલી, જો કરણ આ મારું ટ્રેનિંગ સેન્ટર છે, જે મેં મારા જ પૈસાથી ઉભું કર્યું છે ! મેં પૂજાને પૂછ્યું, પૂજા તું આટલી ભણેલી ગણેલી છે અને આટલા સારા કામ પણ કરે છે, તો તું આ બધું કોઈક મોટા શહેરમાં કરે તો તું સારું કમાઈ શકે છે ! પૂજા બોલી, તારી વાત સાચી છે કરણ, પણ હું મારા ગામની બધી જ સ્ત્રીઓને કરાટે શીખવવા માંગુ છું અને આ મારો બિઝનેસ નથી પણ શોખ છે !

હું થોડીવાર વિચારમાં જ પડી ગયો અને પછી તો અમે ચાલતાં ચાલતાં પાછા ઘરે જ આવી ગયા અને ત્યાં સુધી સાંજના સાત થઈ ગયા હતાં ! ઘરે જતાં પહેલાં એણે કહ્યું, તું સાંજે ફ્રી હોય તો અગાસી પર આવજે, ૮:૦૦ વાગ્યે ! મેં કહ્યું, ઓકે સારું.

સાંજે હું જમીને અગાસી પર પહોંચ્યો, ત્યારે પૂજા ત્યાં જ બેઠી હતી , મારા મામાનું ઘર અને પૂજાનું ઘર અડીને જ હતું ! હું અને પૂજા કઠેડા પર બેઠા અને પૂજાએ મને પૂછ્યું, ઇન્ડિયામાં મજા આવે કે એબ્રોડમાં ? મેં કહ્યું, બંને જગ્યાએ, ત્યારે પૂજા હસી પડી ! હું અને પૂજા આમ દરરોજ અગાસી પર બેસતાં. એક દિવસ પૂજાના મમ્મી મામાના ઘરે આવ્યા અને બોલ્યાં, એ લીલા કરણને હાંજે મારી ઘેર જમવાનું સે હો !

મારા મામીએ ના પાડી તોય જીદ કરીને મને કહ્યું, કરણ આવાનું જ સે હો ! હું સ્મિત સાથે બોલ્યો, હા જરૂર આવીશ. સાંજ પડી અને હું પૂજાની ઘરે ગયો અને પૂજાએ મારી માટે અવનવી વાનગી બનાવી હતી અને પૂજા અને એની મમ્મીએ મને ખૂબ પ્રેમથી જમવાનું પીરસ્યું, પૂજાના પપ્પા નહોતા, તેથી ઘરમાં માત્ર પૂજા જ કમાતી ! હું જમીને ઉભો થયો,પૂજાના મમ્મી ખૂબ જ ખુશ હતાં, પૂજા જ્યારે રસોડામાં હતી ત્યારે એના મમ્મી એ મારી નજીક આવીને કહ્યું, કરણ તારા કારણે પૂજા આજે બહુ જ ખુશ સે !

એનો કોઈ મિત્ર નથી અને આજે તું એને મળી ગયો. પછી હું મામાના ઘરે પાછો આવ્યો અને ૮:૦૦ વાગ્યે અગાસી પર ગયો તો ત્યાં પૂજા મારી માટે ગુલાબ જાંબુ લાવી હતી ! મેં કહ્યું, હવે નહિ જ ભાવે, તો પણ પૂજાએ પરાણે મને ગુલાબ જાંબુ ખવડાવ્યો અને મેં પણ એને ખવડાવ્યો ! હું અને પૂજા ખૂબ જ નજીક આવી ગયા હતાં ! પૂજાએ મને કહ્યું, તું કાલે જતો રહીશ ને ? મેં કહ્યું, હા. ખબર નહિ કેમ પણ એ ઉદાસ થઈ ગઈ હતી !

હું એની નજીક ગયો અને એનો હાથ પકડ્યો ! મેં કહ્યું, હું તારો લાઈફ ટાઈમ ફ્રેન્ડ છું અને રહીશ ! પૂજા મારી નજીક આવી અને મને બાથ ભરી લીધો ! એણે કહ્યું, કરણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું, પણ હું તારી સાથે લગ્ન નહિ કરી શકું ! મેં એણે પૂછ્યું કેમ ? તો પૂજાએ જવાબ આપ્યો, હું છેલ્લા પાંચ વર્ષથી ગામની છોકરીઓને કરાટેની ટ્રેઇનિંગ આપું છું અને મારા પપ્પા પણ નથી, તેથી હું લગ્ન નહિ જ કરું અને સમાજ સેવા જ કરીશ ! મારી આંખમાં આંસુ હતાં, જિંદગીમાં પહેલી વાર મને એક આદર્શ છોકરી મળી એની ખુશી હતી !

લેખક – પ્રદિપ પ્રજાપતિ

આપ સૌ ને મારો લેખ કેવો લાગ્યો ? અચૂક જણાવજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block