ગાંધી જયંતી ની સાંજે આજે જાણો, બાપુનું હૃદય એટલે “હૃદયકુંજ વિષે”….

- Advertisement -

દેશના તમામ લોકોના હૃદયમાં જે સ્થાન પામ્યા છે તેવા પૂજ્ય બાપુનો આજે જન્મદિવસ છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કોણ નહિ ઓળખે. તેમની ઓળખ આપવી એ એમનું અપમાન કરવાના પાપ સમાન છે. પણ આજે આપણે વાત કરવી છે. દેશલોકોના હૃદયમાં જે ચીરકાળ સ્થાન પામ્યા છે, તેવા બાપુના હૃદયમાં સ્થાન પામનાર સાબરમતી આશ્રમ “હૃદયકુંજ” વિષે. આમ તો આ આશ્રમ ગાંધી આશ્રમ, હરિજન આશ્રમ અને સાબરમતી આશ્રમના નામથી પણ જાણીતો છે, પણ “હૃદયકુંજ” નામ સાચે જ હૃદયમાં વસી જાય છે.

અંગ્રેજો સામેની સ્વાતંત્ર્ય સંગ્રામની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી તેમના વળતર પર કરી હતી. ભારતમાં ગાંધી આશ્રમ સૌપ્રથમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા કોચરબ આશ્રમ ખાતે ૨૫ મે, ૧૯૧૫ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. અને તે ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો. આ આશ્રમ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં આવેલ છે.

વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું. જે જગ્યા પર હાલ આ ગાંધીઆશ્રમ છે, તે જ જગ્યા એ પ્રાચીન સમયમાં દધીચી ઋષિનો આશ્રમ હતો જેમણે દેવ દાનવના યુદ્ધમાં ઇન્દ્રને મદદ કરવા માટે પોતાના હાડકા દાન કર્યા હતા. જેનો વજ્ર તરીકે ઉપયોગ ઇન્દ્ર એ દાનવો સામે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આઝાદી પહેલા આ આશ્રમ ગાંધીજીનું નિવાસસ્થાન હતું. અહીંથી તેમણે દેશવ્યાપી સ્વાતંત્ર્ય સંગ્રામનું રણશિંગુ ફૂંક્યું હતું. ‘દાંડીકુચ’ની પ્રખ્યાત મીઠાના સત્યાગ્રહની શરૂઆત પણ અહીંથી જ થઇ હતી. આઝાદીની ચળવળની મહત્વની યોજનાઓ અહીં જ ઘડાઈ હતી. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.

સંગ્રહાલયની વિશેષતા

• ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે.
• ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે.
• ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી
• પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.
• વાંચનખંડ સાથે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવન, કામ, ઉપદેશો, ભારતીય સ્વતંત્ર્તા ચળવળ અને તેને સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય.
• આર્કાઈવ્સ(સંગ્રહ)માં ગાંધીજીએ લખેલા અને તેમને મળેલા આશરે ૩૪,૧૧૭ પત્રો મૂળ અને ફોટોકોપી, હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુમાં પ્રકાશિત થયેલા આશરે ૮૭૮૧ જેટલા ગાધીજીએ લખેલા લેખોની હસ્તપ્રતો, અને આશરે 6 હજાર જેચલા ગાંધીજી અને તેમના સાથીઓના ફોટાઓ સામેલ છે.
• આશ્રમનું મહત્ત્વનું સીમાચિહ્ન ગાંધીજીની કુટિર ‘હૃદયકુંજ’ જેમાં ગાંધીજીના અંગત અવશેષો દર્શાવવામાં આવ્યા છે.
• આશ્રમ પુસ્તક ભંડાર, બિન નફાકારકતાના દરે ગાંધીજી અને તેમના જીવનકાર્યને લગતું સાહિત્ય અને સંસ્મરણીય વેચે છે જે સ્થાનિક કારીગરોને મદદરૂપ બને છે.

 આશ્રમની પ્રવૃતિઓ :

• સાબરમતી આશ્રમમાં દર વર્ષે ૭ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે જેમની જરૂરતોનું ધ્યાન રાખવામાં આવે છે. આશ્રમ આખું વર્ષ મુલાકાતીઓ માટે સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે.
• આર્કાઈવ્ઝ સામગ્રી જેવી કે લખાણો, ફોટાઓ, પેઈન્ટિંગ્સ, વોઈસ-રેકોર્ડઝ, ફિલ્મસ અને વ્યક્તિગત અસરોને ભેગી કરવી, પ્રક્રિયા કરવી, સાચવવી અને તેને પ્રદર્શિત કરવી.
• ગાંધીજી દ્વારા ખાદી બનાવવામાં માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્રો લખતા હતા તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે.
• માઈક્રોફિલ્મિંગ, લેમિનેશન અને ફોટાના નેગેટિવ્સની સાચવણી.
• ગાંધીજીના જીવન, સાહિત્ય અને પ્રવૃત્તિઓના જુદા જુદા ભાગોના પ્રદર્શનની ગોઠવણી.
• ‘મહાદેવભાની ડાયરી’નું પ્રકાશન જે ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષના ઈતિહાસનું વર્ણન કરે છે.
• આશ્રમ ટ્રસ્ટ મુલાકાતીઓ અને સમુદાયો માટે શિક્ષણ અને સંગ્રહાલય અને તેની આસપાસના મેદાનો તેમજ ઈમારતોની નિયમિતપણે જાળવણી જેવી પ્રવૃત્તિ માટે ભંડોળ પૂરુ પાડે છે.
• ગાંધીજીના વિચારો પર અભ્યાસ કરવો અને તેના પર થતા સંશોધનમાં મદદરૂપ થવું. જેમને મદદ કરવામાં આવી છે તેમના સંપર્કમાં રહેવું. સાહિત્ય સાથે અભ્યાસ અને સંશોધનના પરિણામને લોકોના ફાયદા માટે પ્રકાશિત કરવું.
• ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોનું પાલન કરવું.
• યુવાનો અને વિદ્યાર્થીગણ સાથે સંપર્ક સાધી રાખવો અને તેમને ગાંધીજીના વિચારો પર અભ્યાસ કરવા માટેની સુવિધા પૂરી પાડવી.

સાબરમતી નદીના કિનારે વર્ષ 1917માં સ્થપાયેલ ગાંધી આશ્રમ તે સમયે ભારતની સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક બદલાવનું કેન્દ્ર રહ્યું હતું. આજેપણ વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતું સાબરમતી આશ્રમ લોકો માટે પ્રેરક છે. આજે આશ્રમને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે આ પ્રસંગની દેશ – દુનિયા વડે ઉજવણી થઇ રહી છે ત્યારે ગાંધીઆશ્રમ વિકિપીડિયાના સંદર્ભથી આ લેખ ધ્વારા આ આશ્રમને ૧૦૦માં જન્મદિવસ નિમિતે વધામણી આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

જય ગાંધી . . જય જય ગાંધીની ગુજરાત . .જય જય જય ગુજરાતની ગુજરાતી . .

સંકલન : વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે.

ટીપ્પણી