હેલ્ધી હેર માટે જરૂરી શેમ્પૂ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો.

હેલ્ધી હેર માટે જરૂરી શેમ્પૂ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો.

સ્ત્રીના લાંબા, ભરાવદાર, કાળા વાળ તેની સુંદરતામાં વધારો કરે છે. સ્ત્રીને આકર્ષક બનાવવામાં વાળનું યોગદાન વધુ હોય છે. વાળની સુંદરતા સુંદર હેરસ્ટાઈલ કરી વધારી શકાય પરંતુ કોઈપણ આકર્ષક હેરસ્ટાઈલ કરવા તંદુરસ્ત વાળ હોવા અત્યંત જરૂરી છે. વાળને ભરાવદાર અને લાંબા બનાવવાની ખેવના રાખતી દરેક સ્ત્રી જાહેરાતોથી આકર્ષાઈને જુદાં જુદાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. છતાં પણ તેને સફળતા મળતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે, પ્રસાધનોનો સમજ્યા વિના થતો ઉપયોગ.

વાળને સ્વસ્થ રાખવા શેમ્પૂ કરવું જરૂરી છે પરંતુ વાળને સ્વસ્થ રાખવા શેમ્પૂ અંગેની યોગ્ય અને સાચી માહિતી હોવી એટલી જ જરૂરી છે.વાળને ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મોટે ભાગે બધા સમજે છે કે શેમ્પૂનું મુખ્ય કાર્ય વાળને ધોઈ સાફ કરવાનું જ છે. હકીકતમાં શેમ્પૂનો સાચો ઉપયોગ તો વાળને ધોવાની સાથે જ માથાની ચામડીને પણ સાફ કરવાનો છે. મોટે ભાગે વાળના કોઈ પણ રોગની શરૂઆત માથાની ત્વચા ખરાબ થવાના કારણે જ થાય છે. માથાની ત્વચાની અંદર જ વાળનાં મૂળ રહેલાં હોય છે. માથાની ત્વચા પરની ગંદકી તથા રોગનો ચેપ વાળનાં મૂળને નબળાં – રોગી બનાવે છે અને વાળ ખરવા લાગે છે.

વાળનાં મૂળ સાથે જોડાયેલી રક્તવાહિનીઓમાંથી વાળને ખોરાક અને પોષણ મળે છે, પરંતુ વાળનાં મૂળ સ્વસ્થ ત્યારે જ રહે, જ્યારે માથાની ચામડી સ્વચ્છ હોય. આમ, વાળનાં મૂળની સ્વસ્થતાનો આધાર માથાની ચામડી પર રહેલો છે. જો વાળનાં મૂળ મજબૂત ન હોય, તો વાળ લાંબા અને ભરાવદાર નથી થતા.

માથાની ત્વચા અને વાળ બન્ને એકદમ ભિન્ન સપાટીઓ છે. શેમ્પૂ જ એકમાત્ર એવું પ્રસાધન છે. જે જુદી જુદી બન્ને સપાટીઓને બરાબર સાફ કરવાને સંપૂર્ણ સમર્થ છે. વાળમાં યોગ્ય રીતે શેમ્પૂ કરતાં આવડવું જોઈએ, નહીં તો અપૂરતી માહિતીથી કે શેમ્પૂના ખોટા પ્રમાણથી પણ વાળને નુકસાન થઈ શકે છે.

શેમ્પૂ વડે વાળને યોગ્ય રીતે સ્વચ્છ અને સ્વસ્થ રાખવા નીચેના નિયમોનું પાલન જરૂરી છે.

– જેમ દરરોજ સ્નાન જરૃરી છે તેમ રોજ માથું – વાળ ધોવા જરૂરી છે. માથાની ચામડી વધારે ગંદી થવાથી વાળનાં મૂળમાં ચેપ લાગે છે અને ચામડીના રોગ થવાની સંભાવના વધી જાય છે.

– મોટે ભાગે બધાં શેમ્પૂ જલદ ડિટર્જન્ટથી બનેલાં હોય છે. વાળ ધોવા માટે વધારે જલદ શેમ્પૂનો ઉપયોગ કરવાથી માથાની ત્વચા વધારે પડતી સૂકી અને રૂક્ષ બની જાય છે અને વાળ પણ વધારે પડતા સૂકા અને કડક બની જાય છે. કોઈપણ શેમ્પૂનો ઉપયોગ કરતાં પહેલાં એક ભાગ શેમ્પૂમાં પાંચ કે છ ભાગ પાણી મેળવીને તેને પાતળું કરી નાખવું જોઈએ. પાણી સાથે ભેળવીને પાતળું કરેલું શેમ્પૂ વાળમાં ઝડપથી ફેલાઈ જાય છે. શેમ્પૂના ઓછા પ્રમાણને કારણે વાળ વધુ સારી રીતે ધોઈ શકાય છે.

– અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર જ વાળ ધોવામાં આવે, ત્યારે તે વધારે પડતા ગંદા થઈ જવાને કારણે તેમાં વધુ શેમ્પૂ લગાવવું પડે છે. પણ જો વાળને દરરોજ ધોવામાં આવે, તો તેમાં એકજ વાર શેમ્પૂ પૂરતું થઈ પડે છે. વાળમાં શેમ્પૂ બે વાર ત્યારે જ લગાવવું જોઈએ જ્યારે તે બે-ત્રણ દિવસ પછી ધોવામાં આવે અથવા તો વાળમાં તેલ નાખ્યું હોય.

સૌજન્ય : મીડ ડે ગુજરાતી

ટીપ્પણી