શું તમે સાચો અર્થ જાણો છો? હાઉસ વાઇફ અને વર્કિંગ વુમનનો… વાંચો અને જાણો…

હાઉસ-વાઇફ એટલે પણ વર્કિંગ-વુમન નો એક પ્રકાર.

તમે કઈ લાઇફ જીવો છો? સવારે પોતાના હસબંડનું ટીફીન ભરીને, બાળકોને સ્કૂલ મોકલીને, ઘરની સાફ સફાઈ કરીને, ઘરનાં બીજા મેમ્બર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે હંમેશા તૈયાર, ઘણી બધી વખત પોતાની ઇચ્છા વ્યક્ત ન કરતાં બીજાની ઇચ્છાને માન આપતી હાઉસ – વાઇફ કે પછી પોતાના પગ ઉપર ઉભેલી, સારું એવું કમાતી – ધમાતી, ઘરની જરૂરિયાતો પૈસા ખર્ચીને પૂરી કરતી, પોતે કમાતી હોવાથી સમાજમાં સ્થાન પામેલી, પોતાની બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરી શકતી વર્કિંગ – વુમન!!!
તમને થશે, હાઉસ – વાઇફ, એટલે હંમેશા “બિચારી”, અબળા, ઓછામાં ઘર ચલાવતી, બાળકોનાં ઉછેર અને કુટુંબ પાછળ પોતાનું જીવન વ્યતીત કરતી, બીજા કોઈ પણ કામ સિવાય માત્ર અને માત્ર ઘરકામ કરતી નારી. પણ, મારા મતે હાઉસ – વાઇફ, એટલે એક કંપનીમાં કામ કરતી વર્કિંગ વુમન કે પછી કોઈ કંપની ચલાવતી સ્ત્રીથી બિલકુલ ઓછી નહીં એવી પર્સનાલિટી ધરાવતી સક્ષમ “સ્ત્રી”. એક એવી સ્ત્રી જેને તેના કામ બદલ વળતરની અપેક્ષાઓ ઓછી છે. તેને જે મળે છે તેમાં તે ખુશ છે. હા, ક્યારેક તેની લાગણીઓ દુભાય છે પણ તે પરિસ્થિતિમાં પણ કુટુંબ તેને માટે પ્રથમ સ્થાન ધરાવે છે અને તેવી સ્ત્રી “વર્કિંગ – વુમન” તરીકેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
તમને થશે,” કેવી રીતે?” હાઉસ – વાઇફ અને વર્કિંગ – વુમન વચ્ચે સામ્યતા કઈ રીતે હોઈ શકે? વળી, ઘણાં બધાં દાખલાઓમાં વર્કિંગ – વુમન ઘરને સાચવીને પણ જોબ કરતી હોય છે. પણ ઘરમાં રહેતી સ્ત્રી, બહારનાં કામ કરવામાં ક્યારેક જ સક્ષમ હોય છે તેવી માન્યતા છે. આ તફાવત એટલે જોવા મળે છે કારણ કે આજની તારીખમાં જોબ કરતી સ્ત્રીને ઘણી મદદ મળી રહે છે. રસોઈયાથી લઈને ઘરમાં રહેતા નોકરો, વિગેરે.
મારા વિચારો મુજબ, ઘરકામ કરતી કોઇ પણ સ્ત્રીનું રૂટિન જુઓ. જેમ એક કંપનીમાં કામ કરતી સ્ત્રીને ઓફિસ ટાઇમ પર પહોંચવાનું હોય છે તેમ હાઉસ વાઇફને રસોડામાં ટાઇમ પર ઉઠીને પહોંચવાનું, ટીફીન તૈયાર કરવાનું, બાળકોને સ્કૂલ મોકલવાના, ઘરમાં રહેતાં સાસુ-સસરાની જરૂરિયાત પૂરી કરવી, ઘરમાં જરૂરિયાત મુજબ વસ્તુઓ લાવવી, વળી પાછું સાંજનું જમવાનું તૈયાર કરવાનું, બાળકોને હોમવર્ક કરાવવાનું, તેમને સમયસર સુવાડવાની જવાબદારી, વિગેરે કામ કરવાનાં હોય છે. જો તે થોડી પણ મોડી પડે તો તેને માટે સમય સાચવવો અઘરો થઈ જાય છે. ઘણી વખત એક કંપનીનાં બોસને માથે તેનાં માટે કામ કરતી વ્યક્તિઓને સાચવવું અઘરું છે, તેમ હાઉસ વાઇફ માટે ઘરનાં સભ્યોની દેખભાળ કરવી અઘરી છે. ઘરકામ કરતી સ્ત્રીને માટે એક અદ્રશ્ય ટાઇમ ટેબલ ગોઠવાયું છે જેને તેણે કોઈ પણ સંજોગોમાં પૂરું કરવું જ પડે છે.

વર્કિંગ વુમનને ઓફિસ જઈને તેની ઉંમરના ઘણાં સહ કર્મચારીઓ મળે છે જેમની સાથે તે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. હસવું, વાતો કરવી, સાથે જમવું, કામની વહેંચણી કરવી, એ બધું જ વર્કિંગ લાઇફમાં શક્ય છે જ્યારે હાઉસ વાઇફ માટે વધુમાં વધુ ક્યાં તો બાળકો અને સાથે રહેતાં માતાપિતા જ કંપની તરીકે હોય છે. એટલે કે તેણે ક્યાં તો તેનાં બાળકની ઉંમર મુજબ વર્તન કરવું પડે ક્યાં તો વડીલોની ઉંમર પ્રમાણે. તેને પોતાની ઉંમરના લોકો સાથે ભાગ્યે જ રૂબરૂ વાતચીત કરતાં તમે જોશો. અને એટલે, તે પોતે જ પોતાની ક્રિટિક તરીકે કામ કરે છે. (એટલે કે એક બોસ, જે પોતે જ પોતાના કાર્યોને બિરદાવે છે અને એની ક્રેડિટ પોતે જ રાખે છે).
ઘરમાં રહેતી સ્ત્રી જોબ કરતી સ્ત્રીની જેમ જ હિસાબમાં પાક્કી હોય છે. ફર્ક એટલો જ છે કે તેણે પોતાનાં પતિ દ્વારા અપાતા રૂપિયાનો હિસાબ રાખવાનો હોય છે અને જેમાં તે એકદમ પાવરધી હોય છે. જ્યારે જોબ કરતી સ્ત્રીએ પોતાના અને તેના પતિના રૂપિયાનો હિસાબ રાખવાનો હોય છે. અને ઘર ખર્ચમાંથી પોતાના બચાવેલા રૂપિયા પરનો અધિકાર ફક્ત હાઉસ વાઇફનો જ હોઈ શકે. હા, વર્કિંગ વુમનને પોતાના કમાયેલા રૂપિયા વાપરવાનો અધિકાર હોય છે પણ તેની અવગણના કરીએ તો આજના જમાનામાં ઘર ચલાવતી કોઈ પણ “સ્ત્રી” સમ્માનને પાત્ર છે.
ઘર મૂકીને બહાર જવાનો નિર્ણય તમામ સ્ત્રી કરી શકે છે. ઘણી વખત જવાબદારીમાંથી છટકવા પણ આ નિર્ણય લેવાતો હોય છે. પણ ભણતર હોવા છતાં ઘરમાં કામ કરતી સ્ત્રીઓની કમી નથી આજે. સમાજમાં તેમની ગણતરી છે જ. અને મારે મતે તો તે સઘળી હાઉસ વાઇફ, વર્કિંગ વુમનથી કમ નથી. હાઉસ વાઇફ એ વર્કિંગ વુમનનો જ એક પ્રકાર છે, જેમાં સમય જતાં ઘણાં વળતર છે.

તમારા હાઉસ વાઇફ હોવા પર અભિમાન કરજો કેમકે તમે, તમારા ઘરનું વર્કિંગ વુમન ગણાતું એક અભિન્ન અંગ છો.
અસ્તુ!!

લેખન : પ્રાપ્તિ બુચ

તમારો અભિપ્રાય આ વિષય પર જરૂર આપજો, અને દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી