હનીમુન વાળા કપલ માટે ખાસ સુચના અને ખાસ માહિતી…

આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે હનીમુન કરવા ગયેલા દીકરા-વહુ કે દીકરી-જમાઈ ને ફોન કરવાનો..!!
નવું લાગ્યું નહિ ..??
મને પણ..!!!!
યાર,
વરઘોડીયા હનીમુન કરવા દુનિયાના ખૂણે દુનિયાની નજરથી બચવા સાત સમંદર દૂર ક્યાંક ગયા હોય અને ત્યાં માં-બાપ કે સાસુ-સસરા દિવસમાં ત્રણ ચાર ફોન ઠોકે તો કેવું લાગે..?
બહુ અજીબ ઓબ્ઝર્વેશન છે,પણ હકીકત છે..!!

હેલિકોપ્ટર પેરેન્ટિંગથી મોટા કરેલા લાડલા-લાડલીને પરણાવીને છુટ્ટા મુકતા આજકાલના માં-બાપો નો જીવ જ નથી ચાલતો..!!
જેમને હેલિકોપ્ટર પેરેન્ટિંગ શું ? એ ખબરના હોય તો કહી દઉં કે હેલીકોપ્ટરના પંખાની જેમ બાળકના માથે ઢકઢક-ઢકઢક-ઢકઢક કરતા મંડરાઈ રેહવાનું એને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહેવાય..ટેણીયું જન્મ્યું ત્યારથી એક મિનીટ આંખથી ઓઝલ ના થવા દીધું હોય..
મારા મિત્ર એવા એક “હેલીકોપ્ટર ડેડ” મને બહુ પ્રાઉડલી કહે કે “બાબો” હનીમુન માટે શેશેલ્સ ગયો હતો, પણ ત્યાથી પણ દિવસમાં મારી સાથે ત્રણ વખત વાત કરતો હતો..!!
મારી આંખો અને મોઢું ખુલ્લુ રહી ગયું, અને સ્વભાવ પ્રમાણે આપણે તો બેફામ પૂછી લીધું ..કઈ તકલીફ હતી તમારા “બાબા”માં ..?
“હેલીકોપ્ટર ડેડ” બોલ્યા ના કેમ આવું પૂછો છો ..?

મેં કીધું ભલા માણસ કઈ તકલીફ ના હોય અને બાબો “નોર્મલ” હોય તો પછી હનીમુન પર ગયેલાને વતાવા`ય નહિ, હા તકલીફ હોય તો પછી ઓનલાઈન ગાઈડ કરવો પડે..પણ એમાં પણ મારા જેવો ફેમીલી ફ્રેન્ડ વધારે કામ લાગે , તમારા જેવા ઓપન માઈન્ડેડ ફાધર ભલે હોય પણ ક્યારેક બાળક સેહજ ખુલ્લા દિલે વાત ના કરે..!
આપડે તો ખેંચીને આપી દીધી, હેલિકોપ્ટર ડેડ બિચારા ઠરી ગયા..!!
બીજો આવો જ કિસ્સો..
એક “અધ્ધરિયા પપ્પા” ( હેલિકોપ્ટરનું દેશી અધ્ધરીયુ થાય ,અને આ વાળા થોડા દેશી ટાઈપ ના છે..)
હવે “અધ્ધરિયા પપ્પા” તો એક વેંત આગળ વધ્યા..
વોટ્સ એપ વિડીઓ કોલ કરે..!!

અને મારા દેખતા લગાડ્યો.. મારું બેટું હું તો દિવાલ શોધું ..
માથા પછાડવા જ તો..!
કોઈ હનીમુન પર ગયેલા દીકરી-જમાઈને વિડીઓ કોલ કરે ..??
મને યાદ છે કે જુના જમાનામાં અમે ક્યાંક એકાદા ગીરીમથકે ફરવા ગયા હોઈએ અને ત્યાં મમ્મી-પાપાના કોઈ “હનીમુનાઇટ” પેશન્ટ મળી જાય તો પણ બને ત્યાં સુધી મમ્મી –પાપા એમને મળવાનું ટાળતા..અને નાછૂટકે સામનો થઇ જાય તો પણ બે મિનીટમાં કેમ છો કેમ નહિ કરીને છુટા મૂકી દેતા..!!
ચોક્કસ આશય એ નવદંપતીને પ્રાઈવસી આપવાનો જ હતો..!!
કેટલું યોગ્ય કેહવાય હનીમુન પર ગયેલા નવદંપત્તિ ને ડીસટર્બ કરવાનું ..?
ટેકનોલોજી છે પણ એનો આવો દુરઉપયોગ ..?

હું મારો અનુભવ કહું તો સાલ ૧૯૯૮માં હનીમુન માટે ફ્લાઈટ પકડનારૂ કુટુંબનું હું પેહલુ ફરજંદ હતું,આપ`ડે મોબાઈલનું ઇન્ટરનેશનલ રોમિંગ પણ ચાલુ કરાવી દીધું હતું, અને છેલ્લી ઘડીએ અમારા ફેમીલી ફ્રેન્ડ અને મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ,એવા વયોવૃદ્ધ કનકકાકા મને મળવા આવ્યા, મને કહે તારો મોબાઈલ ક્યાં છે ? મેં એમના હાથમાં આપ્યો એમણે સ્વીચ ઓફ કર્યો અને પોતાની સાથે લેતા ગયા હું પાછળ દોડ્યો અરે કાકા કારખાનેથી બધાના ફોન આવશે ..?

કનકકાકા એ સોનેરી સલાહ આપી “જો બેટા દસ દિવસમાં અહિયાં કઈ જ આસમાની સુલતાની થવાની નથી, પણ આ દિવસો તમારા જીવનમાં ફરી નથી આવવાના માટે ત્યાં પોહચીને એક ફોન કરી દેજો અને નીકળતા વખતે બીજો ફોન કરજો, બાકી અહિયાં દેસમાં કોઈ ને ફોન કરવાની જરૂર નથી, અને હા જેટલા ડોલર લીધા છે એ પુરા કરી ને જ આવજો, કંજુસી ના કરતો..! ”
અને અમે અક્ષરસ: સલાહ નું પાલન કર્યું હતું..!!

પેહલા ચાર-પાંચ દિવસ તો સાચું કહું તો મને કોઈ કરતા કોઈ યાદ નોહતું આવ્યું, છેક છઠ્ઠા દિવસે પત્નીજી ને પિયરીયા યાદ આવ્યા હતા અને એમના માટે ઇન્ડિયા એમના ઘેર ફોન કર્યો એટલે આપણે પણ ઘેર કેમ છો કરી લીધું બાકી મને તો એમ થતું હતું કે દસ જ દિવસ ખાલી..?
બીજા વધારાના દસ ખેંચી કાઢવા જેવું હતું..!!
હનીમુન એટલે બે તદ્દન જુદા વાતવરણમાંથી આવતી બે વ્યક્તિઓને આખું જીવન સાથે કાઢવાની શરૂઆત..!!!
બે જીન્દીગીઓ એકાકાર થઇ રહી હોય મગ-ચોખા એકબીજામાં ભળવાનો પ્રયત્ન કરતા હોય અને ત્યાં કાંકરા નું શું કામ..?
હનીમુન એ ચોક્કસ એવો સમય નથી કે બેટા તું મને કેટલો વહાલો કે વહાલી છે એ જતાવવા નો..!!

અને એક બીજી વાત પણ ચોક્કસ છે કે ભારતમાં લગ્ન ક્યારેય બે વ્યક્તિ વચ્ચે નથી થતા, ભારતના લગ્નો હમેશા બે પરિવારો વચ્ચે થાય છે..!
અને હવે આવનારો સમય એવો છે કે દરેકને એક ના એક સંતાનો જ હશે, એટલે સંતાનને છાતીએ થી છોડવા અઘરા પડશે,
તો`ય પેહલા છાતીએ પથ્થર મૂકી, અને એ છાતીએ બાંધેલા ને હનીમુન પર ફોનો કરી કરીને લોહી પીવાના એના કરતા લગ્નના બધા પ્રસંગોના પેમેન્ટ પતાવી અને બંને વેવાઈ અને વેવાણો એ ભેગા એકાદી જાત્રા કરી આવવી જોઈએ..
કેમકે હનીમુનના સમય દરમ્યાન પેલા બંને એકબીજા સાથે એડજેસ્ટ થઇ જાય અને “પેરેલલી” પેલા ચારેય વેવાઈ વેવાણ પણ જાત્રાધામમાં એકબીજા સાથે સેટ થઇ જાય..!!

હવે દરેક ને લગભગ એક જ સંતાન છે અને ભવિષ્યમાં તમારે ઘડપણ જ્યારે આવશે ત્યારે એના જ માથે પડવાનું છે, વત્તા આજે નહિ ને કાલે ચારમાંથી ત્રણ પછી બે, અને પછી એક, થવાનું છે અને પેલા હનીમુન પર ગયેલા જ તમારા ઘડપણ પાળશે..તો પછી અત્યારથી જ ચારેય વેવાઈ વેવાણ એ એક થવું,સમજવું વધારે જરૂરી બને છે..!!
અને વરઘોડીયાના સુખી લગ્નજીવન માટે પણ..!
નહિ તો પછી છોકરીની માં તાણે સીમ ભણી અને છોકરા નો બાપ તાણે ગામ ભણી અને છેવટે બે ચાર વર્ષમાં પેલા બંને ચારેયથી કંટાળીને અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા ભેગા થઇ ગયા તો છ`તે છોકરે વાંઝીયા થઇ જવાય..!
એટલે જ જયારે પેલું ગીત વાગતું હોય ..

દો દિલ મિલ રહે હૈ ચુપકે ચુપકે ..એને ચુપકે ચુપકે મળવા દેવાય અને ખોટા ઘોંચપરોણા ના કરાય..અને દો દિલ મળતા હોય ત્યારે ચાર મન પણ એકબીજાને સમજી લ્યે તો બધું ઘીના ઠામ્ડા માં ઘી પડી રહે..!!
હવે જેણે ફોન કરી લીધા હોય એ આગળ હવે બેડરૂમમાં ડોકાચીયાં ના કરતા, અને જેના પરણાવવાના બાકી છે એને આ બ્લોગ ફોરવર્ડ કરી નાખજો એટલે છોકરા-છોકરી બિચારા શાંતિથી હનીમુન માણે..!!
(અને હા અલ્યા છોકરાઓ તમારો બા`પો કે સાસુ હ`ખણી ના રહી હોય તો એને પણ આ બ્લોગ ફોરવર્ડ કરી દેજો બિન્દાસ્ત)

બારીની બહાર મસ્ત વાસંતી વાયરો વાય છે અને રાતરાણી મોહરી છે.. મોગરાની રાહ જોઈ રહ્યો છું.. મધુમાલતીમાં પાનખર બેઠી છે..કેસુડો લાલ ચટક થઇ ગયો છે..
નીકળો ક્યારેક મારા ભાભીને લઈને ચાલવા અને માણો આ વાસંતી વાયરાને..!!
યાદ કરજો લ્યા તમારા એ હનીમુનના દિવસો..
વાસંતી વાયરાથી મેહક્તી રાત્રી

લેખક : શૈશવ વોરા

દરરોજ અવનવી હાસ્ય માહિતી અને જાણવા જેવું વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી