હોમમેડ “ખારી શીંગ” – બનાવો ભરૂચની ફેમસ ખારી શીંગ હવે ઘરે.

હોમમેડ “ખારી શીંગ”

બનાવો ભરૂચની ફેમસ ખારી શીંગ હવે ઘરે… ખારી શીંગ લગભગ નાનાથી માંડીને મોટાઓને ભાવતી હોય છે… માઇક્રોવેવેમાં પણ સરસ ખારી શીંગ બને છે… પણ જેમની પાસે ઓવન નથી તેમના માટે બેસ્ટ ઓપશન છે….ખારી શીંગ તો બધાને ગરમ ગરમ ભાવતી જ હોય છે પણ તેમાં ડુંગળી અને ટમેટા નાખી લીંબુ નીચોવી ખાઈએ તો વધારે મજા આવે છે…તો ચાલો શીખી લૈયે ખારી શીંગ

સામગ્રી:

મગફળીના દાણા,
મીઠું,
પાણી,
મીઠું શેકવા માટે.

રીત:

-સૌ પ્રથમ પાણી ગરમ કરો, તેમાં મીઠું નાખવું, આ ખારા પાણીમાં દાણા કલાક માટે બોળી રાખવા.
-કલાક થઇ જાય પછી ચારણીમાં ભાત નીતારી તેમ મગફળીના દાણા નીતારી લેવા.
-પછી આ બધા દાણાને પ્લાસ્ટિક કે છાપા પર રાખી તડકે સુકાવા દેવા.


-વચ્ચે વચ્ચે મગફળીના દાણાને ફેરવવા જેથી નીચેના ભાગવાળા દાણાને તાપ લાગે…
-સુકાય જાય એટલે એક કડાઈમાં વાટકી જેટલું મીઠું અને દોઢ વાટકી જેટલા દાણા લઇ શેકવા.


-શેકયા પછી તેને ચારણીમાં લઇ મીઠું ચાળી લેવું, પણ ધ્યાન રાખવું મીઠું બહુ ગરમ હોય છે દાજી ન જવાય…


-તે જ મીઠું પાછુ કડાઈમાં લઇ બીજા દાણા શેકવા.
-શેકયા પછી તરત દાણા પોચા જેવા લાગશે પણ ઠંડા થાય એટલે કડક થઇ જશે.
-જો કડક ન થાય તો પાછા શેકી લેવા.


-તો તૈયાર છે ઘરે બનાવેલી ખારી શીંગ.

નોંધ:

*બજારમાં જે ખારી શીંગ મળે તે રેતીમાં શેકેલી હોય છે.. પણ જયારે આપણે દાણા શેકીએ ત્યારે દાણામાં ફાડ પડે છે એટલે તેમાં રેતી જતી રહે, તો ખાતી વખતે મોઢામાં રેતી આવવાનો ડર રહે છે.
*મીઠું જે આપણે ઘરમાં વાપરતા હોઈ તે જ મીઠું મેં અહી શેકવામાં લીધેલ છે.
*આ શેકેલું મીઠું અલગ બરણીમાં ભરી રાખવું જયારે કોઈ બેકિંગ કે શીંગ બનાવીયે ત્યારે આ મીઠું વાપરવું…

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી