હીરાબા

નિતા પરણીને સાસરે આવી ત્યારે તેની ઉમર માંડ ૧૮ વર્ષ ની હતી. પરિવાર સંયુક્ત હતો અને નિતા ને ત્રણ જેઠાણીઓ હતી. જેઠાણીઓ નો સ્વભાવ સારો હતો એટલે નિતા બધાય સાથે હળીમળી ગઈ.

એ ઉમર માં સૌથી નાની હતી અને દુનિયાદારી થી સાવઅજાણ હતી એટલે ધીમે ધીમે જેઠાણીઓ ના વર્તન પર થી કેમ બોલવું અને ક્યારે બોલવું એ બધુય શીખી ગઈ. નિતા ના સાસુમા હીરાબા આમ થોડા ઉગ્ર સ્વભાવ ના, બધીય જેઠાણીઓ હીરાબા નો પડ્યો બોલ જીલતી. હીરાબા પણ બધાય દીકરા ને દીકરાની વહુઓ અને એમના છોકરાઓ માં કોઈ ભેદભાવ રાખતા નહિ અને બધાય ને સરખો ન્યાય આપતા.

હીરાબા ને ચાર દીકરા હતા એટલે મહોલ્લા માં બીજી સ્રીઓ મજાક મજાક માં કહે “ હીરાબા ને તો લહેર છે, ચાર ચાર વહુઓ ઘર માં છે એટલે એમને તો હિચાકે બેસી ને વાળું કરે તોય ચાલે” આપણે ક્યાં એવા નસીબ છે. ત્યારે હીરાબા થોડા કડક અને પ્રશ્નાર્થ ભાવે કહેતા તમે છાનીમાની ચુપ રહો એ તો તમારે ચાર વહુઓ આવશે ત્યારે ખબર પડશે…

નાની વહુ નિતા આ સાંભળતી અને એને થતું કે હીરાબા ને તો લહેર છે. એમને ક્યાં કામ કરવાનું છે. કામ તો અમે લોકો કરીએ છીએ છતાં હીરાબા આવું કેમ બોલે છે “એ તો તમારે વહુઓ આવશે ત્યારે ખબર પડશે.” નિતા ને એમ લાગતું કે મારી સાસુ જ ખોટા છે.

સમય વીતતો ચાલ્યો હીરાબા પણ ધામ માં ગયા અને દરેક ભાઈ ને ત્યાં સંતાન માં બે દીકરા હતા એમ કુલ બધાય ભાઈઓ ના થઇ ને ૮ દીકરા અને મોટા ભાઈ ને ત્યાં એક દીકરી હતી. પરિવાર મોટો બન્યો, બધાય હળીમળી ને સાથે રહેતા હતા.

એવામાં નિતા ના પતિ મિતેષ, જેઓ એન્જીનીયર હતા એમના પરિવાર ને કેનેડા ના કાયમી વિઝા મળી ગયા એટલે એ લોકો કેનેડા રહેવા ચાલ્યા ગયા. થોડા વર્ષ પછી બીજા ભાઈઓ ના સંતાનોને પણ કેનેડા ના વિઝા મળી ગયા એટલે એ લોકો પણ નિતા ની પાસે કેનેડા રહેવા આવી ગયા. બધાય સંતાનો મોટા થયા અને એમના લગ્ન લેવાયા એટલે હવે ઘર માં નવી વહુઓ નું આગમન થયું.

કેનેડા માં જેઠા ના દીકરા ની વહુઓ અને નિતા ના દીકરા ની વહુ બધાય સાથે રહેતા હતા. નિતા પણ હીરાબા ની પાસેથી બધાય ને સરખો ન્યાય આપવું શીખી ગઈ હતી. હવે નિતા કેનેડા માં હીરાબા ની પદવી પર આવી ગઈ હતી. નિતા ની પાસે પણ ચાર વહુઓ હતી એટલે નિતા ને પણ બીજી બેનપણીઓ એમ કહેતી કે નિતા ને તો ચાર ચાર વહુઓ છે. નિતા ને શું તકલીફ ત્યારે નિતા ને જુના દિવસો યાદ આવી જતા.

એક દિવસ નિતા અને એનો પતિ મિતેષ વોકિંગ કરવા નીકળ્યા અને ચાલતા ચાલતા વાતોએ ચડ્યા અને વાતો વાતો માં ચાર વહુઓ ની વાત આવી ત્યારે નિતા એ મિતેષ ને ઉભા રાખી ને કહ્યું કે “ હવે મને આજે ખબર પડી કે ચાર ચાર વહુઓ હોય એને શું તકલીફ “. ત્યારે મિતેશે આશ્વર્ય સાથે પૂછ્યું કેમ તને શું તકલીફ છે? ત્યારે નિતા ને એના મન માં જયારે નાની હતી ત્યારે હીરાબા વિષે જે ખ્યાલ હતો એ કહ્યો.

નિતા બોલી કે તકલીફ તો કઈ નથી પણ બધાય ને સાથે રાખી ને સરખો ન્યાય આપવો પડે એ વખતે ત્રાજવા નું પલ્લું ક્યાય નમી ના જાય એનું ધ્યાન રાખવું પડે એજ તકલીફ. મિતેષ બોલ્યો કે એ તો તું હીરાબા ની જેમ બરોબર બધાય ને સરખો ન્યાય આપે છે અને હવે તું અહી ની “હીરાબા” જ બની ગઈ છો… અને નિતા ખડખડાટ હસી પડી ….

હજુ આજેય એ પરિવાર કેનેડા માં સાથે રહે છે…

લેખક – મહેશ પટેલ

ટીપ્પણી