જ્યારે હિન્દુસ્તાનના ઈતિહાસની સૌથી મોટી સામુદ્રિક ઘટના બની…

સૌને ટાઈટેનીક ફિલ્મ, તેના અફલાતુન સંગીતના કારણે જરૂર યાદ છે, પણ ગુજરાતના સામુદ્રિક તળેટીમાં ક્યાંક સુતેલી વીજળીનો અંદાજો છે? ભારતના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ ભયાનક ગોઝારી ઘટના ગણાતી હાજી કાસમની વીજળી ડૂબી ત્યારે તેની સાથે 13¬ વરરાજા અને જાનૈયાઓ, વિદ્યાર્થી,અંગ્રેજો સહિત 1300 લોકો હતા. 8 નવેમ્બેર, 1888ના એ દિવસે રાત્રે માંગરોળ પાસે ક્યાંક સ્ટીલના બનેલા આ જહાજે જળ સમાધિ લીધી હોય તેવું મનાય છે. વરાળથી ચાલતા આ સ્ટીમશિપની આસપાસ વીજળીના બલ્બ ગોઠવેલા હતા, જેના કારણે ‘વીજળી’ ના હુલામણા નામ તરીકે જાણીતા થયેલા આ જહાજનું નામ તો વૈતરના હતું જે મુંબઈની નદી પરથી પડાયું હતું. 90062 નંબરનું આ જહાજ મુંબઈની શેફલ્ડ કંપનીનું હતું, પરંતુ તેને કાસમ ઈબ્રાહીમ અને હાજી કાસમ નૂર મહોમ્મદ ટિકિટો વેચવાથી તમામ સંચાલન કરતા હતા.

માંડવીમાં વહાણ બનાવવાનો વેપાર ધામધૂમપૂર્વક ધીકતો હતો. વાડિયા પરિવારના કાંડાઓની કરામત કહો કે ગમે તે, પણ અહીં બનેલા જહાજો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા. સંયુક્ત યુરોપનું સ્વપ્ન જોનારા નેપોલીયનને પણ એટલે જ પોતાના યુદ્ધ જહાજનું નિર્માણ માંડવીથી કરાવવાનું સૂઝ્યું હશે. કચ્છમાં તે સમયે ધીકતા શહેરોમાં અંજાર અગ્રીમ નામ હતું.

આ જહાજ પર અંજારમાં નવપરિણીત 13 જોડાઓ મુંબઈ ફરવા જઈ રહ્યા હતા. મેટ્રિકની પરીક્ષા દેવા જઈ રહેલા છાત્રો, વેપારીઓ, અંગ્રેજ અધિકારીઓ અને ક્રુ મેમ્બર ગણી 1300 લોકો સવાર હતા. લોકોની ચહલ-પહલ અને ધૂમધડાકા સાથે દરિયા દેવ અને અલ્લાહની આજ્ઞા લઈ 8 નવેમ્બર 1888ના 17.01 ફુટ લાંબી, 26.5 ફુટ પહોળી, 9.9 ફુટ ઉંડાઈ ધરાવતી વીજળી પોતાના કાર્યકાળના ૧૧મા અને અંતિમ પ્રવાસ માટે નીકળી રહી હતી. વીજળીનું લોકો અને માલસામાનનું કચ્છથી મુંબઈ અને મુંબઈથી કચ્છ લઈ જવા માટે જ નિર્માણ કરાયું હતું. 30 કલાકમાં આ સફર કાપતી વીજળી દરિયાના તુંડમીજાજને સહન કરવા બની પણ નહોતી અને એટલે જ તે ઉંડા દરિયામાં જતી નહતી. પોર્ટથી પોર્ટ તે ખેડાણ કરતી 8રૂપિયા પ્રતિ વ્યક્તિના ચાર્જ પર માંડવીથી મુંબઈ જવા કાર્તિક સુદ પાંચમના એ ગુરુવારના દિવસે 520 લોકો સવાર થયા હતા.

માંડવીથી દ્વારકા આસાનીપૂર્વક ખેડાણ કરી વીજળી પહોંચી અને ત્યાંથી વધુ પેસેન્જરોને ચડાવવામાં આવ્યા. પોતાના નિયત પ્રવાસ અનુસાર તે પોરબંદર માટે નીકળી પણ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. પવનના સૂસવાટાના અવાજ અને દરિયાના પાણીમાં કરંટ બન્ને વધતા જતા હતા. જેના કારણે પોરબંદર પોર્ટ દ્વારા જહાજને અંદર લાવી શકવા માટે ના પડાતાં વીજળી આગળ વધતી ચાલી, કહેવાય છે કે, પોતાની ક્ષમતા જેટલા પેસેન્જરોએ ભરી ચૂક્યું હોવાના કારણે વધુ પ્રવાસીઓને લઈ શકાય તેમ પણ નહોતા. માંગરોળ પાસે જ્યારે વીજળી પહોંચી ત્યારે કાળા ડિબાંગ વાદળોએ આકાશમાં સામ્રાજ્ય સ્થાપિત કરી વીજળીના કડાકાઓ કરતું હતું અને દરિયો ગાંડોતુર થઈ ઉછળવા લાગ્યો હતો.

જહાજ પર સવાર સૌ કોઇના જીવ તાળવે ચોંટ્યા હતા, તો કેપ્ટન કાસમ ગમે તેમ વીજળીને દરિયાની થપાટોમાંથી કાઢવા એડીચોટીનું જોર અને આટલા વર્ષોના અનુભવનો નીચોડ કાઢી નાખ્યો. કહેવાય છે, ત્યારે બોર્ડ પર રહેતા તમામ ધર્મના લોકોએ ઈશ્વરને હાથ જોડી પ્રાર્થના કરી, ઈન્દ્રને ખમ્મા કરવા કહેવાયું, પવન દેવને શાંત થવા માનતાઓ મનાઈ પણ રાત્રિના અંધકારમાં વીજળી જેના માટે જાણીતી થઈ હતી, તે વીજળી એક જોરદાર દરિયાના મોજા સાથે બંધ થઈ, મોડી રાત્રે સમુદ્રમાં જો દેખાતું હતું તો તે માત્ર વીજળીના કડાકા અને તેનો દિલને ધ્રૂજાવી દેતો અવાજ. દરિયાના મોજાઓની ઉંચાઈ વીજળીથી વધતી ચાલી અને એક સાથે આવેલા ચોમેરથી મોટા મોજાઓથી વીજળી પોતાની સ્થિતિ ગુમાવી પલટી મારી ગઈ.

કહેવાય છે કે, તેના પર સવારે 1300 લોકોએ જળસમાધિ લીધી. આ સમગ્ર કિસ્સો માધવપુર પાસેના દરિયામાં થયા હોવાનું અનુમાન છે. કેટલાક લોકોએ નજરે જોયાની વાતો પણ આવી પણ એકપણ મૃતદેહ કે વીજળીના તૂટેલા જહાજનો હિસ્સો મળ્યો નહોતો. બીજા દિવસે સમુદ્રની સપાટી શાંત હતી, જાણે કશું થયું જ ન હોય અને એક આખું જહાજ ગાયબ! ટેલીગ્રાફો થયા અને મુંબઈ પ્રેસિડેન્સી દ્વારા સ્ટીમરો મોકલી જહાજની શોધખોળ આદરાઈ, પણ કાંઈ ન મળ્યું.

સમગ્ર કિસ્સાની તપાસ કરવા કમિટી પણ બનવાઈ જેણે આવી જ ચાલતી અન્ય શિપો અને વીજળી અંગે તપાસ કરી તેમાં સુરક્ષાનો યોગ્ય ઈંતજામ ન હોવાનું કહ્યું, લાઈફ બોટ્સ ન હતી અને પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ્સ પણ નહીં. પણ વીજળીનું શું થયું ? છેલ્લે આધિકારીક રીતે તેને માંગરોળમાં જોવાઈ હતી. કહેવાય છે કે, જુલાઈ મહિનાના અંતે અખાતના દેશના માર્ગેથી આવતા એક જહાજે વીજળીને મધદરિયે જોઇ હતી. તેણે જઈ પૂછ્યું તો હાજી કાસમે કહ્યું કે, તોફાનમાં અમે દિશા ભૂલી ગયા છીએ. આ વાતની કદી સાબિતી ન મળી શકી, પણ વીજળી ડૂબી જ હતી તેની સાબિતી પણ ક્યાં મળી શકી ?

1300 વ્યક્તિઓમાંથી કોઇ મૃતદેહ નહીં, કોઇ જહાજનો હિસ્સો ક્યાંય તણાઈને આવ્યો નહીં. શું ખરેખર વીજળી ડૂબી હતી? કે દિશાભૂલ થઈ અન્ય કોઇ દેશમાં જઈ પહોંચી હતી? કે મધદરિયે દૂર જઈ ડૂબી જેથી કોઇ અવશેષ ન મળી શક્યા? આ પ્રશ્નોના જવાબ અરબી સમુદ્રના ભૂગર્ભમાં અથવા તો કોઇ અન્ય દેશમાં જીવતા માણસોના ડીએનએમાં દફન છે, પણ આ ઘટનાના પડઘા એટલા તીવ્ર હતા કે, ‘હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ’ ના ગીત લલકારાયા જે હજી પણ સાંભળવા મળે છે. હિન્દુસ્તાનના ઈતિહાસમાં બનેલી આ ખૌફનાક સમુદ્રી ઘટના વિશે ઈતિહાસનું મૌન અકળાવનારું જ નહીં ધ્રૂજાવનારું પણ છે.

લોકગીત
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

હાજી કાસમ, તારી વીજળી[૧] રે મધદરિયે વેરણ થઇ

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર

દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું[૨]માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર

અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર

ઓતર દખણના[૩] વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ[૪]
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન[૫]

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં[૬] માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી[૭] રુએ, માંડવે ઊઠી આગ

સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ[૮] બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
આ લોકગીત કચ્છ સાથે ગુજરાત ભરમાં ઘણુ જાણીતુ બન્યુ છે.

લેખક : સંદીપ દવે

દરરોજ આવી આપણા ગુજરાતની જાણી અજાણી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી