“ચતુરાઈ” – માણસ ખરેખર પોતાને ચતુર સમજે છે પણ એ આખરે તો….

“પાસ છે ..”
પાસે આવેલા કંડક્ટરની આંખમાં આંખ પરોવીને નટુ ભાઈ બોલી ગયા. જો કે તો પણ દિલ એક થડકારો ચૂકી તો ગયું જ . કંડક્ટરે પણ પાસ જોવા માંગ્યા વગર નટુભાઈ પર વિશ્વાસ રાખીને પીઠ ફેરવી લીધી .

હવે નટુ ભાઈનો જીવ હેઠો બેઠો .આજના દિવસના વીસ રૂપિયા તો સહેજે બચી ગયા હતા. પોતાની જ ચતુરાઈ પર પોરસાતા નટુભાઈના હોઠના ખૂણે સ્મિત ફરકી ગયું . આગામી દસ મિનિટ સુધી બસની બારીમાંથી આવતી ઠંડી હવા નટુભાઈ માણી રહ્યા . પેલું સ્મિત હજી પણ રહી રહીને એમના ચહેરા પર ફરકી જતું હતું . આવું જો મહિનામાં પાંચેક વાર , આવતા અને જતા થઇ શકે તો સહેજે બસો રૂપિયા બચી જાય . એમનો વેપારી જીવ ગણત્રી માંડી રહ્યો . બીજા ત્રણ બસ સ્ટોપ અને એમને ઉતારવાનું સ્થળ આવી જવાનું હતું .

અચાનક બસ ઉભી રહી , અને બસના પાછળ બારણાથી ટિકિટ ચેકર દાખલ થયો . નટુભાઈનું ગળું એકદમ સુકાવા લાગ્યું . બસ તો આગળ દોડવા લાગી હતી , પણ હવે નટુભાઈના કપાળે બાઝેલા પરસેવાના ટીપાને બારીમાંથી આવતો ઠંડો પવન પણ દૂર કરી શકે તેમ નો’તો. બસ એમની સીટથી ત્રણ જ સીટ દૂર ટિકિટ ચેકર ,કોઈ પેસેન્જરની ટિકિટ ચેક કરી રહ્યો હતો . એક મિનિટ તો નટુ ભાઈને થયું કે આગલા બસ સ્ટોપ પર ઉતરી જાવું જોઈએ ,પણ એમ કરતા ટિકિટ ચેકરને શંકા જાય તો ?

અસમંજસમાં પડેલા નટુભાઈને પોતાની તરફ ટિકિટ ચેકર આવતો દેખાયો . વીસ રૂપિયા બચાવવા જતાં દંડમાં ભરવાના આવતા અઢીસો રૂપિયા એમને સ્પષ્ટ દેખાયા .બધી ચતુરાઈ એમને ચોપટ થઇ જતી લાગી.

નટુભાઈના સદભાગ્યે એમને ઉતારવાનું બસ સ્ટેન્ડ આવે એ પહેલા , ટિકિટ ચેકર બસમાંથી ઉતરી ગયો હતો .છૂટકારાનો દમ લેતાં નટુભાઈ પોતાના બસ સ્ટેન્ડ ઉપર ઉતરી ગયા. સામે જ મહાકાળીનું મંદિર હતું . નટુભાઈ દીનવદને મહાકાળીની મૂર્તિ સામે હાથ જોડીને ઉભા રહી ગયા . નટુ ભાઈ સ્વગત જ બબડી રહ્યા હતા ..”હે મા,તું બધો હિસાબ રાખે છે ,આજે સવારે ઉતાવળમાં તને હાથ જોડવાનું ભૂલી ગયો હતો તો તેં તરત જ પરચો બતાવી દીધો .હવેથી ક્યારેય સવારના તારા દર્શન કર્યા વગર ધંધે જાવાની ભૂલ નહિ કરું .

બચેલા વીસ રૂપિયામાંથી બે રૂપિયા , મંદિરની દાન પેટીમાં નટુભાઈએ પધરાવ્યા ,અને મંદિરના પગથિયાં ઉતરતા હતા ,ત્યાં જ ભીખ માંગતી એક સ્ત્રી આવીને એમની પાસે ઉભી રહી .એ સાથે જ નટુ ભાઇનો મિજાજ બગડ્યો …’હટ ,સાલા હરામ હાડકાંના ,મફતનું જ ખાવું છે .” નટુભાઈની ત્રાડથી થડકીને ભિખારણ બે ડગલાં પાછળ હટી ગઈ .

અને ભિખારણથી પીઠ ફેરવીને નટુભાઈએ ઘરની વાટ પકડી .

લેખક : હેમલ વૈષ્ણવ

શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી