“વિન્ટર સ્પેશીયલ હરિયાળી ફલાવર” અમે લાવ્યા છીએ ખાસ તમારા માટે તો ક્યારે બનાવશો

હરિયાળી ફલાવર

શિયાળા માં ફ્લાવર ખૂબ જ સરસ આવતું હોય છે. દરેક ના ઘરે ચોક્કસ થી બનતું હોય છે આ શાક..
ફ્લાવર જેટલું દેખાવ માં સરસ હોય છે એટલું જ ખાવામાં સ્વાદિષ્ટ અને શરીર માટે ફાયદાકારક છે.

ફ્લાવર ખાવાથી પાચન અંગે ની બીમારી થી દૂર રહો છો. હાડકાં ના પ્રોબ્લેમ હોય એવા લોકો એ બને એટલું આનું સેવન કરવું જોઈએ . ફ્લાવર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને હાર્ટ પ્રોબ્લેમ થી પણ બચો છો.

કોથમીર પણ વિટામીન થી ભરપૂર હોય છે. આંખો માટે ઉત્તમ ગણાય છે કોથમીર એટલે અત્યારે એનો વધુ માં વધુ ઉપયોગ કરો. આજે જ માર્કેટ માંથી લઈ આવો અને બનાવો આ સરળ અને પૌષ્ટિક એવુ હરીયાળી ફ્લાવર.. 10 મિનીટ માં બની જતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાદ માં થોડું અલગ પણ લાગે છે.

સામગ્રી:

250 ગ્રામ ફ્લાવર,
1 કપ સમારેલી કોથમીર,
2 લીલા તીખા મરચાં,
2 ચમચી તેલ,
1/2 ચમચી જીરુ,
1/8 ચમચી મરી નો ભૂકો,
ચપટી હિંગ અને હળદર,
1/4 લીંબુ નો રસ,
મીઠું સ્વાદ અનુસાર,

રીત:-
સૌ પ્રથમ ફ્લાવર માંથી નાના નાના ફૂલ અલગ કરી લો. બને એટલા આખા ફૂલ રાખવા.. પાછળ નો ભાગ જ ચપ્પુ થી કાપો.હવે મીઠા ના પાણી માં 10 મિનીટ પલાળી રાખો. પછી ચારણી માં નિકાળી ને રાખો.

ત્યારબાદ કોથમીર અને લીલાં મરચાં લઇ ને ઇલેકટ્રીક ચોપર માં અથવા તો ચીલી કટર માં ક્રશ કરી લો.

એક કડાઈ માં તેલ મુકો અને ગરમ થાય એટલે જીરુ ,હિંગ અને હળદર ઉમેરી ને ફ્લાવર ઉમેરો. બધું બરાબર તેજ આંચ પર મિક્ષ કરો.

1 મિનીટ જેટલું સાંતળી ને કોથમીર અને મરચાં નું મિક્સર શાક માં ઉમેરો અને ફરી થી બધું હળવા હાથે મિક્સ કરો.

કડાઈ પર ઢાંકણ ઢાંકી ને 5 મિનીટ શાક મધ્યમ થી તેજ આંચ પર થવા દો. પછી ઢાંકણ નિકાળી ને શાક માં મરી નો ભૂકો અને લીંબુ ઉમેરી ને મિક્સ કરી લો. ગેસ બંધ કરી દો..

ટેસ્ટી હરીયાળી ફ્લાવર તૈયાર છે. રોટી ,પરાઠા કે ભાખરી જોડે સર્વ કરો.

નોંધ:- ફ્લાવર ના કટકા બહુ નાના નહીં કરવાના.શાક થોડું ક્રન્ચી રહે એટલું જ પકાવો. કોથમીર જોડે ફુદીનો પણ બહુ જ સારો લાગે છે. લીંબુ અને મરી નો ભૂકો વધુ કે ઓછો સ્વાદ મુજબ કરી શકો છો. આ શાક માં લસણ પણ ઉમેરી શકાય.લીલા મરચાં તીખાં જ લેવા કેમકે બીજા કોઈ મસાલા નથી શાક માં એટલે એનો સ્વાદ જરૂરી છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી